લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો
“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો
“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો
“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો
“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો
“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો
મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો
એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો
(ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું. ‘દયારામ રસસુધા’, ‘રસિક વલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક. ક.મા.મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.)