બીજું કંઈ નથી અમે – ડૉ. વિવેક મનહર ટેલર
આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.
દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.
સુધરી ગયાં તો પણ સદા દુનિયાની દ્રષ્ટિમાં,
ચોર જ હતાં ને એજ હશું હર ઘડી અમે.
મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.
જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દોને ફાંસી કરી અમે.
અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.
અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.
મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.
લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.
– ડૉ. વિવેક મનહર ટેલર
વિવેકની આ અને બીજી ઘણી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.
Jayshree said,
July 6, 2006 @ 7:04 PM
વિવેકભાઇ,
સરસ રચના છે…
મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.
મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.
ખરેખર, તમે સુરતમાં, છતાં તમારા શબ્દો અને શ્વાસ દુનિયામા કયે કયે ખૂણે પહોચ્યાં…
લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.
pratik said,
May 8, 2009 @ 1:41 AM
nice
Angel Dholakia said,
May 14, 2009 @ 4:47 AM
મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.
ખુબ જ ‘પોતિકી’ પંક્તિ છે,આ.
DINESH GOGARI said,
June 4, 2015 @ 4:40 AM
મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.
Jigar said,
June 7, 2016 @ 4:29 PM
વિવેકભાઇ,
આ જોરદાર ગઝલ થઇ છે.
સ્વરબદ્ધ થઇને ગવાઇ છે ક્યારેય ?
બાય ધ વે,
વચ્ચેથી અમુક વિછાંદસ કૉમેન્ટ્સ ડિલિટ કેમ કરતા નથી ??
વિવેક said,
June 8, 2016 @ 2:42 AM
@ જીગરભાઈ:
ખૂબ ખૂબ આભાર. ના, આ ગઝલ સ્વરબદ્ધ થઈ નથી.
સ્પામ કૉમેન્ટ ધ્યાનબહાર રહી ગઈ હતી. એના માટે પણ આભાર.