ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડાં પડે છે.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ધોવા દ્યો – દુલા ભાયા ‘કાગ’

(કર મન ભજનનો વેપારજી – એ રાગ)

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી,
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મનેo ૧

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની, આજીવિકા ટળી જાય. પગ મનેo ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી;
અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય! પગ મનેo ૩

આ જગતમાં દીનદયાળુ, ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય.’ પગ મનેo ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું તમે, શું લેશો ઉતરાઈ. પગ મનેo ૫

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,ખારવો ઉતરાઈ.’ પગ મનેo ૬

– દુલા ભાયા કાગ

(‘કાગવાણી’માંથી)

આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)

4 Comments »

  1. Gujarati said,

    February 22, 2006 @ 11:10 AM

    ધવલભાઈ.
    આજે દુલાભાયા ની પૂણ્યતિથિ નિમીતે આપે તેમની રચના મૂકી યોગ્ય શ્રદ્રાંજલિ આપી છે.

  2. ધવલ said,

    February 22, 2006 @ 3:42 PM

    અત્યારે હું માણસાઈના દીવા વાંચી રહ્યો છું. એમાંની ઝવેરચંદ મેઘાણીની ભાષા અને અહીં ‘કાગ’ની ભાષા વાંચીને થાય છે કે ખરે ધરતીની મહેક હોય તો આ ભાષામાં. આવી મીઠાશ બીજે જડવી અશક્ય !

  3. ગુજરાતી સર્જક પરિચય » દુલા કાગ said,

    July 12, 2006 @ 5:14 PM

    […] – # પગ તમે ધોવા દ્યો રઘુરાયજી  […]

  4. RAJU PORIYA said,

    December 30, 2009 @ 12:04 AM

    નોખા તારિ આવે એવા સાહિત્યકાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment