શૂળી, ગોળી, ઝેર કંઈપણ આપ તું, પણ મેં હવે
નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2006

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી,
હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી?
 
જે ક્ષણો અડી ગઈ તે અપૂ્ર્વ લ્હાવ હતી,
ને સકલ સરી જતાં ના કશેય રાવ હતી.
 
કલ્પનાની કુંજમાં લૂમઝૂમ કલ્પલતા,
જે સ્થળે તૃષા હતી તે સ્થળે જ વાવ હતી.
 
દૂર દેખવુંય તે નેત્રનોજ ખેલ હતો,
શ્વાસને અઢેલતી તું સમીપ સાવ હતી.
 
સ્તોત્ર પણ ભલે રચો અંજલી અપાય ભલે,
એ પ્રભાવની પ્રભા તો સહજ સ્વભાવ હતી.

– રાજેન્દ્ર શુક્લ

રાજેન્દ્ર શુક્લ ગઝલને હંમેશા એક વધુ ઊંચા મુકામ પર લઈ જાય છે. હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી, હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી? એ વાંચીને ગાલિબના ન થા કુછ તો … યાદ આવે છે. ( આભાર, પંચમ )

Comments (3)

પિંજરું – પન્ના નાયક

લટકતા બટકું રોટલાની લાલચે
પિંજરામાં સપડાઈ ગયેલા
અગણ્ય ઉંદરો
આપણે બહાર – આપણે અંદર.

આ કુટુંબકબીલા ફરજીયાત નોકરી
સમૃદ્ધિને જરૂરિયાત બનાવી
એને પોષવામાં પ્રતિદિન પ્રાપ્ત થતું રંકત્વ
આપણી બહાર જવાની અશક્તિ
આપણી અંદર રહેલી નિરાંત
છતાં (સૃષ્ટિમાં સૂર્ય છે તો ય)
પ્રલંબ રાત્રિના
પાંજરામાં આપણી દોડાદોડી
ઉત્તરથી દક્ષિણ ધ્રુવ લગીની લંબાઈની –
બટક બટક રોટલો ખવાઈ ગયો છે તોય
ને નાનકડું બારણું ખુલ્લું છે તોય
કોઈ બહાર નીકળતું નથી !
આપણે બહાર – આપણે અંદર !

– પન્ના નાયક

આ કવિતાના રૂપકો ને સંદર્ભોમાં ખાસ કશું નવું નથી. આની આ જ વાત કેટલાય કાવ્યોમાં, વાર્તાઓમાં, ફિલ્મોમાં અને ખાસ કરીને, કેટલીય જીંદગીઓમાં, આપણે જોઈ જ ચૂક્યા છે.  અકળામણ એની એ જ છે. સવાલ એનો એજ છે. પણ ઉત્તર ન મળે ત્યાં લગી ફરી ફરી એ સવાલ પૂછે જ છૂટકો.

Comments (7)

સાહેબ હુકમ કરે કે આવું – મહેશ દવે

સાહેબ હુકમ કરે કે આવું.
આરણ-કારણ કાંઈ ન ચાલે
ક્યાંય પછી નહીં જાઉં;
                   સાહેબ હુકમ કરે કે આવું.

મારા મનનું કાંઈ ન ચાલે,
     કોરે કાગળ સહી.
સાહેબના અણસારે મારી
     હોડી જળમાં વહી:
નાવિક મારો કહે એ લયમાં
                   ગીત મારું હું ગાઉં.

સઘળું તેને સોંપી દઈને
     કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
     સાહેબ સાથે જોડી.
વહેણ હોય કે પૂર હોય
                   પણ નહીં કદી મૂંઝાઉં.
              સાહેબ હુકમ કરે કે આવું.

 – મહેશ દવે

Comments

લયસ્તરોનું નવું રૂપ.

લયસ્તરોના નવા રૂપમાં આપનું સ્વાગત છે.

લયસ્તરો બ્લોગ શરું કર્યો ત્યારે આટલો મ્હોરશે એની કલ્પના ન હતી. કેટલાક વખતથી ઈચ્છા હતી કે લયસ્તરોમાં ઘણી વધારે સવલતો ઊમેરવી. ઘણા વિચારો કર્યા અને ઘણા લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા. ધીમે ધીમે એક પછી એક વિચારો ગોઠવાતા ગયા અને હવે છેવટે નવું રૂપ તૈયાર થઈ ગયું છે. નવા રૂપની સાથે જ લયસ્તરોનું વેબ-એડ્રેસ પણ બદલ્યું છે.

સરનામું બદલાવાની સાથે જ RSS feed પણ બદલાશે. નવું ફીડ એડ્રેસ છે : http://layastaro.com/?feed=rss2

નવું સરનામું બુકમાર્ક કરવાનું અને RSS ફીડનું સરનામું બદલવાનું ચૂકશો નહીં.

લયસ્તરો બ્લોગ હવે વર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં ઘણી નવી સવલતો ઉમેરી છે.

  • સૌથી મોટો ફેરફાર એ શ્રેણીઓ (Categories) છે. દરેક પોસ્ટને એક કે વધારે શ્રેણીમાં મૂકેલો છે. દા.ત. ‘વ્યથા હોવી જોઈએ – મરીઝ એ પોસ્ટ ‘મરીઝ‘ અને ‘ગઝલ‘ એમ બે શ્રેણીમાં છે.
  • કોઈ પણ શ્રેણીના નામ પર ક્લીક કરવાથી એ શ્રેણીના બધા પોસ્ટ તરત જોઈ શકાય છે. દા.ત. ‘મરીઝ’ પર ક્લીક કરો અને તરત ‘મરીઝ’ની બધી રચનાઓ હાજર !
  • સાઈડબારમાં ‘શોધ‘માં ગુજરાતી યુનિકોડની મદદથી કોઈ પણ રચના સરળતાથી શોધી શકો છો.
  • મંજૂષા‘ એ સાઈડબારમાં ‘શોધ’ પછી તરત છે. એમાંથી સરળતાથી કોઈ પણ ‘શ્રેણી’ પસંદ કરી શકો છો.
  • વિશેષ‘ વિભાગમાં ‘કવિઓ‘ અને ‘કાવ્યપ્રકારો‘ એ બે ખાસ પૃષ્ટો ઉમેર્યા છે. એના પર ક્લીક કરવાથી બધા કવિઓની કે બધા કાવ્યપ્રકારોની યાદી ખૂલશે. મન થાય કે આજે મુક્તકો માણવા છે તો કાવ્યપ્રકારોમાં જાવ અને મુક્તક પર ક્લીક કરો એટલે બધા મુક્તકો તરત તમારી સામે તૈયાર !
  • કોઈ પણ કવિના નામની શ્રેણી ખોલશો તો પહેલા તમને એ કવિનો સંક્ષિપ્ત પરિચય દેખાશે એવી ગોઠવણ પર ઉમેરી છે. (જુઓ, મરીઝ) અત્યારે બધા કવિઓનો પરિચય તૈયાર નથી, પણ ધીમે ધીમે એ ઉમેરાશે.
  • કોમેન્ટ્સ અને શોધ માટે ગુજરાતીમાં લખવા માટે ‘ગુજરાતીમાં લખો’ બટન દબાવવાથી ‘ગુજરાતી ટાઈપ પેડ’ (આભાર, વિશાલ) તરત ખુલે છે.
  • ગુજરાતીમાં શી રીતે લખશો?’ માં ગુજરાતીમાં કોમ્પ્યુટર પર કેવી રીતે લખવું એની માહિતી છે.
  • સાઈડબારમાં છેલ્લે બ્લોગ અને કોમેંટ્સ બંને માટે RSS ફીડ ઉપલબ્ધ છે.

થોડા વખતમાં અમે હજુ વધારે સવલતો ઉમેરીશું.

આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.

Comments (2)

બમ્બૈયા ગુજરાતી મ્હોરી રહી છે.

મુંબઈમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચાલતા કેટલાક વિશેષ કાર્યક્રમોની ઝલક આપતો કૃષ્ણા શાહ તથા નીલા સંઘવીએ લખેલો બહુ જ સરસ લેખ ગુજરાતી ભાષા આઈસીયુમાં છે? ખાસ વાંચવા જેવો છે. આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે જાણીને લાગે છે કે ગુજરાતીને આ સદી તો શું આવતી સદીમાં પણ કોઈ વાંધો આવવાનો નથી !

Comments

ગઝલ- જાતુષ જોશી

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.

કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.

જાતુષ જોશી

Comments (3)

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨”

કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.

નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:

તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.

મારો અવાજ શંખની ફૂંકે વહી જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.

આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.

સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:

શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું ખાલી કરે તે છંદ છે.

શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:

સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !

વધુ આગળ વાંચો…

Comments (4)

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ? – વિવેક મનહર ટેલર

(પાણીની અંદરનું વિશ્વ… ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

ડૉ.વિવેક મનહર ટેલર

Comments (7)

આંખ લૂછું છું – શેખાદમ આબુવાલા

તમારી   મૂંગી આંખમાં   જવાબોના  જવાબો છે
છતાં   બેચેન થઈ હું   કેટલાયે   પ્રશ્ન  પૂછું  છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું  છું  હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.

– શેખાદમ આબુવાલા

Comments (3)

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું… – સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
          હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
          કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
          કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
          જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
          ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
          અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
          ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
          ને બિલોરી આપણું તળાવ!-સુરેશ દલાલ

પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.

Comments (8)

Page 1 of 4123...Last »