રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
આદિલ મન્સૂરી

હરિનો મારગ – પ્રીતમ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.

(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)

3 Comments »

  1. પુલમાં ગોગલ્સ – એક અવલોકન « ગદ્યસુર said,

    October 22, 2007 @ 3:01 AM

    […]     હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.     પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. […]

  2. હરિનો મારગ - પ્રિતમદાસ | રણકાર said,

    December 6, 2007 @ 5:42 AM

    […] રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને; પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને. ————————— આભાર: લયસ્તરો Posted in પ્રાર્થના-ભજન RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

  3. હરિનો મારગ - પ્રિતમદાસ | રણકાર said,

    June 8, 2008 @ 1:16 PM

    […] રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને; પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને. ————————— આભાર: લયસ્તરો Posted in પ્રાર્થના-ભજન, પ્રિતમદાસ RSS 2.0 | Trackback | Comment var id=’comment’; […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment