રાત, પ્રતીક્ષા – જવાહર બક્ષી
રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું
હું ઝાકળના શહેરનો બંદી
બોલ, ક્યો દરવાજો ખોલું ?
થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું
આવરણોને કોણ હટાવે ?
રૂપ તમારું આખાબોલું !
સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો…તો આંખો ખોલું
– જવાહર બક્ષી
જવાહર બક્ષી ગુજરાતી ગઝલમાં અનેરો અવાજ છે. વર્ષો સુધી જતનપૂર્વક સેવેલી ગઝલોનો એમનો સંગ્રહ તારાપણાના શહેરમાં ગુજરાતી ગઝલનું એક સિમાચિહ્ન છે. એમની જ આગળ રજૂ કરેલી ગઝલો પણ જોશો : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી અને હું તને કયાંથી મળું ?
વિવેક said,
June 7, 2006 @ 3:25 AM
સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો…તો આંખો ખોલું
-સુંદર શેર!
જવાહર બક્ષીની ગઝલોમાં શબ્દો જે સહજતાથી સરી આવે છે અને અર્થોના આકાશ જે અવનવાં રંગો લઈને ઉઘડે છે એ માણવું એક સૌભાગ્ય છે…