સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનહર મોદી

મનહર મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સવા શેર : ૦૫ : મનહર મોદી

આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા
– મનહર મોદી

કવિએ આમ તો કવિતાને જ બોલવા દેવાનું હોય, પણ પોતાની ગઝલોની એબ્સર્ડિટી અને અથરાઈથી કદાચ એ પોતેય અવગત હતા એટલે સંગ્રહની શરૂઆતમાં કવિએ ‘અગિયાર દરિયા’ બાબતનો ખુલાસો કર્યો છે. લખે છે: ‘હું અને તું એકલાં અર્થાત્ ૧ ૧. હું અને તું નજીક, તદ્દન નજીક, અડોઅડ અર્થાત્ આપણે. ‘આપણે’ આટલાં નજીક હોય તો ‘વાતચીત’ શક્ય બને. આ વાતચીત ઉપરથી સાદીસીધી સરળ, પણ એનો મર્મસંકેત ગહન વિશાળ ઊંડો હોય.’ – દરિયા જેવો, નહીં કવિ? આપણે એમ પણ સમજી શકીએ કે જીવનમાં હંમેશા એક વત્તા એક બે થાય એ જરૂરી નથી. બે જણ એકમેકની અડોઅડ આવી જાય, એકમેકમાં ઉમેરાઈને ઓગળી જવાના બદલે ભેગાં થઈ જાય ત્યારે એક અને એક મળીને અગિયાર બનાવે છે. અને બંનેના મર્મસંકેત દરિયા જેવા ગહન વિશાળ ઊંડા. આટલું સમજીએ ત્યારે પકડાય છે કે અગિયાર દરિયા એકાધિકતાનું, અનંતતાનું પ્રતીક છે. બે જણના આંક એક થાય ત્યારે ગણનાપાત્ર આંકડા વિગલન પામે છે અને શક્યતાઓના દરિયા અફાટ અસીમ બની અર્થાકાશ આંબે છે. ‘બે પંક્તિના શેરમાં સમાઈ જતું ગઝલનું રૂપ દરિયાના દરિયા ઉછાળી શકે છે’ એ ગઝલસ્વરૂપ વિશેની કવિની વિભાવના ખરેખર અગિયાર દરિયામાં સાર્થક થાય છે.

ગઝલનો આ મત્લા પણ લાગે છે વયષ્ટિનો, પણ છે સમષ્ટિનો. પહેલી નજરે કવિ ‘આપણે બે’ વિશે વાત કરતાં હોય એમ અનુભવાય છે, પણ ધ્યાનથી અવલોકતાં કવિ સમગ્ર માનવજાતની વાત કરે છે અને માનવી એટલે જ દરિયો. જેમ દરિયાનો, એમ જ માનવીનો તાગ પણ કેમ મેળવાય? ‘હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે, છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.’ અતાગ, અકળ, અસીમ મનુષ્યજીવનમાં નાનાવિધ ઊર્મિઓના મોજાંઓની આવ-જા સતત ચાલુ જ રહે છે. દરિયાની જેમ જ માનવસ્વરૂપ પણ ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક કિનારાઓમાં સીમિત તો ક્યારેક કાંઠાઓ ધમરોળતું હોય છે. દરિયાની સામે મનુષ્યનું કદ કેટલું? ટીપાં બરાબર જ ને! ટીપાં બરાબર મનુષ્યોની ટીપુંભર લાગણીઓ એકસામટા અગિયાર દરિયાઓ બરાબર છે. ‘બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ.’ બે જણ દિલથી ભેગા થાય તો એકે હજારા સમા સિદ્ધ થાય છે. લાગણીનું એક ટીપું અનંતતાને આંબે છે. દરિયા, ટીપું અને લાગણીમાં કોઈને ખારું આંસુ પણ નજરે ચડે તો નવાઈ નહીં. બિંદુમાં સિંધુ કંઈ અમસ્તું જ તો નહીં કહ્યું હોય! દરિયો અહીં સ્થૂળ દરિયો નથી, એ અનંત સંભાવનાઓનું પ્રતીક બની રહે છે. આપણે બેએ એ રીતે ભેગા થવાનું છે કે એક-એકમાંથી અગિયાર મહાસાગર બને. દ્વૈતમાંથી અદ્વૈત અને સીમિતમાંથી અસીમિત થવાના ઓચ્છવનો આ શેર આપણી ભાષાનો શિરમોર શેર છે.

Comments (3)

બિચારો – મનહર મોદી

આ વહે ઠંડી હવા, મનહર બિચારો શું કરે ?
પી રહ્યો કડવી દવા, મનહર બિચારો શું કરે?

એક બે તારા ગણ્યા એનાથી દહાડો ના વળે
રાત આખી કાપવા મનહર બિચારો શું કરે ?

કૈંક સદીઓનું ભર્યું છે મૌન બંને આંખમાં
એમને બોલાવવા મનહર બિચારો શું કરે?

ઘાસનો અવતાર છે, કચડાય છે માટીભર્યો
વૃક્ષ માફક ડોલવા મનહર બિચારો શું કરે?

એક હૈયા જેટલું અંતર હજી છે કાપવું
પ્રેમ જેવું ચાલવા મનહર બિચારો શું કરે?

એ ખરું કે સૂર્ય આખો ઓ પડ્યો છે ડોલમાં
બ્હાર એને કાઢવા મનહર બિચારો શું કરે?

ક્યારનો એ તો લખે છે કે હજી લખવું નથી.
જાતને સંભાળવા મનહર બિચારો શું કરે?

ઓ અલ્યા મનહર! ઘણું ઊંઘ્યો હવે તો જાગજે
ધ્યાન એવું રાખવા મનહર બિચારો શું કરે?

ચાર રસ્તા ચાર ઠેકાણાં બતાવે સામટાં
એક એને ઘર જવા મનહર બિચારો શું કરે?

– મનહર મોદી

સાવ અલગ પ્રકારની રદીફ પણ કવિએ કેવી બખૂબી નિભાવી છે!

Comments (4)

મનહરા! – મનહર મોદી

સાચેસાચું બોલ, મનહરા!
મણનું મોઢું ખોલ, મનહરા!

જીવતર કાણી ડોલ, મનહરા!
ખાવા લાગે ઝોલ, મનહરા!

અજવાળું અણમોલ, મનહરા!
પોતાને તું તોલ, મનહરા!

સુખને દુઃખથી ફોલ, મનહરા!
મોંઘા એના મોલ, મનહરા!

મીઠું મીઠું બોલ, મનહરા!
ઈશ્વરનું ઘર ખોલ, મનહરા!

– મનહર મોદી

ટૂંકી ટચ બહેરમાં જાતને સંબોધીને ચુસ્ત કાફિયા સાથેની આખેઆખી મત્લા ગઝલ… કવિકર્મની સાચી કસોટી… પણ મનહર મોદી એટલે સો ટચનું સોનું… બધા જ શેર ગમી જાય એવા…

Comments (1)

(કેવી છે આ નદી) – મનહર મોદી

તારો ચહેરો કરે છે વાત પછી ખબર પડી,
વાતાવરણની જેમ તું જ્યારે મૂંગી બની

સરખામણીની રીત સફળ શી રીતે થશે?
લાગે છે આપનાથી જુદી છાયા આપણી.

ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથ
જ્યારે ન હોય મારી કને મારી હાજરી

મારો વિકાસ મારાથી આગળ વધી ગયો
પગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ

જાણીબૂઝીને સ્થિર ઊભી છે યુગો થકી
મારી વિચારભોમમાં કેવી છે આ નદી?

પાંખો હજી છે મારી બેય આંખને વિષે
ભ્રમણાની પરી આમ શી રીતે ઊડી ગઈ?

પૂછો મને તો હુંય બતાવી નહીં શકું
પહેલાં હતો હું ક્યાંક, પણ હમણા કશે નથી.

– મનહર મોદી

સામાન્યરીતે દુર્બોધ ગણાતા કવિ પાસેથી ક્યારેક આવી સરસ મજાની સહજ-સરળ રચના પણ મળી આવે. બધા જ શેર સાર્થક થયા છે.

Comments (1)

અવાજો – મનહર મોદી

અવાજો તો બધેથી આવવાના
હશે રસ્તા તો લોકો ચાલવાના

હૃદયનું હોય તો સમજાય, આ તો
સૂકી રેતીમાં દરિયા દાટવાના

ઘણા વર્ષોથી હુંયે કામમાં છું
બધા પડછાયા ઢગલે ઢાળવાના

ગણતરીના દિવસ બાકી બચ્યા છે
હવે વરસાદમાં શું વાવવાના ?

મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.

– મનહર મોદી

મનહર મોદી બ્રાન્ડ ગઝલ…

Comments (5)

યાદગાર મુક્તકો : ૧૨ : ગની દહીંવાળા, મનહર મોદી, સૌમ્ય જોશી, હિતેન આનંદપરા

‘લયસ્તરો’ના બારમી વર્ષગાંઠ નિમિત્તે આદરેલી યાદગાર મુક્તકોની સફરનો આજે આ આખરી પડાવ… આપણી ભાષાના ઘણા બધા માતબર કવિઓના સર્વકાલીન શ્રેષ્ઠ મુક્તકો અમે સમયના અભાવે, વાચનની સીમિતતાના કારણે ચૂકી ગયા જ હોઈશું… પણ ઉજવણી અટકે છે, મુક્તકોનો આસ્વાદ નહીં… સમય-સમય પર એક-એકથી ચડિયાતાં મોતીનો ઝળહળાટ આપણે માણતા રહીશું…

સફરમાં કેટલા દિવસો વીતાવ્યા, કેટલી રાતો !
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો;
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી,
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !

– ગની દહીંવાળા

છેડો પણ નજરે ન ચડે એવી વિપત્તિઓની વણઝારમાં જીવતરની મંજરી કાળના તાલમાં વાગે કે ન વાગે, વણઝારાનું કામ તો સર્વ સંજોગોમાં ગાવા ને ચાલતા-વધતા રહેવાનું જ છે. ‘ટાઇટનિક’ ફિલ્મના અંતે ડૂબતા જહાજની વચ્ચે પણ સંગીત વગાડવાની પોતાની ફરજને વળગી રહેતા સંગીતકારો યાદ આવી જાય…

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

મનહર મોદીનું આ મુક્તક આમ તો હઝલના કુળનું છે પણ એ લોકોની જીભે એ રીતે ચડી ગયું છે કે યાદગાર મુક્તકોની મહેફિલ એના વિના અધૂરી જ ગણાય… પાક્કી અમદાવાદી કવિતાનો આ આદર્શ દાખલો છે.

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

કેટલીક રચનામાં કી-વર્ડ નજરબહાર રહી જાય તો કવિતા એનો સાર ગુમાવી બેસે. ‘તારા રૂપની પૂનમની પાગલ એકલો’માં ‘એકલો’ શબ્દ પર ધ્યાન ન આપીએ તો કવિતા સાથેની મુલાકાત ચૂકી જવાય. એ જ રીતે આ મુક્તકમાં ‘સર્વ’ અને ‘સખત’ શબ્દ કી-વર્ડ્સ છે. આ બે શબ્દનો હાથ ઝાલતાં જ મુક્તકની તાકાત અલગ જ અનુભવાશે…

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

– હિતેન આનંદપરા

ઉપર ગનીચાચાના મુક્તકમાં જે વાત હતી, એ જ વાત હિતેનભાઈ લઈ આવ્યા છે. જિંદગીને પ્રેમથી સત્કારવા-સ્વીકારવાની પોઝિટિવિટિથી ભર્યું ભર્યું આ મુક્તક જીવનમાં ઉતારી લઈએ તો ફરિયાદ જ નહીં રહે…

Comments (2)

ઝળહળ – મનહર મોદી

ઝળહળ ઝળહળ અંધારું છે
હું એનો ને એ મારું છે

આ ઘર ઓ ઘર ને એ એ ઘર
ના મારું કે ના તારું છે

વાંધો શો છે વ્હેંચી લઈએ
અજવાળું તો મજિયારું છે

દુઃખને દુઃખ ભેટે છે હોંશે
આવું સુખ સૌથી સારું છે

કોક વખત એવું પણ લાગે
અજવાળું તો અંધારું છે

આભ અને એથી ઊંચે તું
પંખી કેવું ઊડનારું છે !

પડવું, ઊઠવું, ચાલ્યા કરવું
ભઈલાજી, આ સંસારું છે

– મનહર મોદી

હળવે તે હાથ નાથ ! મહીડાં વલોવજો….

Comments (2)

આવવું – મનહર મોદી

આંખમાં આવવા નથી આવ્યો,
સાવ દરિયો થવા નથી આવ્યો.

ડાળખી ડોલવું નથી ભૂલી,
એમ દેખાડવા નથી આવ્યો.

હોય ચોખ્ખો તો મારે જોવો છે,
કાચને કાપવા નથી આવ્યો.

પાંપણે પટપટું તો પૂરતું છે,
છેક ઊંડે જવા નથી આવ્યો.

જાતને ખોલવા ઊભો છું હું,
બારણું વાસવા નથી આવ્યો.

– મનહર મોદી

મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ ગઝલના શેરને હળવેથી ખોલીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી…

 

Comments (1)

સવા-શેર : ૯ : મીંડું – મનહર મોદી

એક મીંડું અંદર બેઠું છે
એ આખી દુનિયાને તાગે.
-મનહર મોદી

લયસ્તરોની નવ વર્ષની અનવરત સફર અને ત્રણ હજાર પૉસ્ટની ઉજવણી નિમિત્તે એક-એકથી સવાયા સવા-શેર અહીં રજૂ થયા અને દરેક શેર પર અમે ચારેય સંપાદકોએ પોતપોતાની ટિપ્પણીઓ આપી… હવે આજે આ છેલ્લો સવા-શેર… પણ આ શેર વિશે અમે ચાર મિત્રો કશું નહીં બોલીએ…

લયસ્તરોના માનવંતા વાચકમિત્રોને આ શેર વાંચતી વખતે એમના ચિત્તતંત્રમાં કયા-કયા ભાવ જાગ્યા, આ શેરનું કઈ રીતે તેઓ પૃથક્કરણ કરે છે એ અમને પ્રતિભાવ તરીકે પાઠવવા માટે આમંત્રણ છે…

-ધવલ -વિવેક -તીર્થેશ -મોના
(ટીમ ‘લયસ્તરો’)

Comments (8)

સવા-શેર : ૨ : જાગને જાદવા – મનહર મોદી

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

– મનહર મોદી

 

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શંકરાચાર્ય પણ કહે છે: कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ (તું કોણ? હું કોણ ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર) આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે એ તાંતણાના સત્યને અઢેલીને આ શેર બેઠો છે. જે છે એ નથી. જે દેખાય છે એ પણ નથી. દૃષ્ટિની પાર જે આંખ જઈ શકે છે એ જ પ્રજ્ઞાચક્ષુ છે. એતેરેય ઉપનિષદમાં કહ્યું છે: प्रज्ञानं ब्रह्म । જે જાગી શકે છે – જાગૃતિ અને પ્રજ્ઞાનો તફાવત સમજી શકે છે – એ જ બુદ્ધ થઈ શકે છે… બાકીના આશારામ થઈને અવનિ પર વિચરતા રહે છે.

– વિવેક

 

ઓશો કહે છે જગતને જોવા માટે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. આ તો એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના દરેક અનુભવમાંથી પસાર થવાની અને ભીતરનાં ભેદ પામવાની આ વાત છે. ભગવાન બુદ્ધ કહે છે કે આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવા માટે આપણે આપણા અંતરાત્માના અવાજને અનુસરીને જ યાત્રા કરવી પડે. આપણા સિવાય આપણો કોઈ બેલી નથી. અંતર્જ્યોતિને પ્રજ્વલિત કરી આપણે જ આપણી જીવનયાત્રાના પથદર્શક બનવું પડે. એટલે કે અજવાળું બહારથી ઉછીનું લીધેલું નહીં પરંતુ આપણી અંદર જ પ્રગટવું જોઈએ.

– ઊર્મિ

 

‘જાગ’ – કેટલી બધી જગ્યાએ આ શબ્દ વપરાયો છે……! ‘ Awakened One ‘ એ બુદ્ધનું એક નામ હતું. વાતો તો બધી બહુ કરી શકાય-થાય પણ છે. પરંતુ journey towards awakening ત્યારે શરુ થાય કે જયારે એ અંદરથી-સાચ્ચેસાચ એમ realize થાય કે ‘ હું જાગૃત નથી .’ ત્યારબાદની અવસ્થાને બદરાયણ ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ કહે છે. આ અવસ્થા કોણ પામે અને કોણ ત્યાર પછીની યાત્રા પર આગળ વધે તે અંગે આદિ શંકરાચાર્ય કહે છે:

‘કોટિ [ કરોડ ] માંથી એક ને બ્રહ્મ-જિજ્ઞાસા લાધે અને જેને લાધે તેવા લક્ષ [લાખ] માંથી એક પાણી વગર માછલી તડપે તે રીતે તે દર્શનને ઝંખે. એવી જ વ્યક્તિ આ માર્ગે આગળ વધે અને કદાચ જાગૃત થાય. બાકી તમે 5000 વર્ષ સુધી પણ અવિરત નામજપ,સત્સંગ,ગુરુસેવા,ભક્તિ ઈત્યાદી કરો તો પણ તે વ્યર્થ છે.’ 
– વિવેક્ચુડામણિ

સ્પષ્ટ છે કે બોલવું એક વાત છે અને કરવું……………..

– તીર્થેશ

આ જગતને સમજવાની સૌથી મોટી તકલીફ છે કે: "હકીકત ભી હકીકત મે એક ફસાના હી ન હો." એટલે કે હકીકત અને ભ્રમમાં ભેદ કરવો બહુ અઘરો છે. આ સનાતન સમસ્યાનો બહુ સરળ ઉકેલ છે. બધુ જ ભ્રમ છે એમ માનીને જ ચાલવું. હકીકત અને ભ્રમ વચ્ચે ભેદ કરવાની અશક્તિનો સ્વીકાર કરવો. પ્રોબ્લેમ સોલ્વ્ડ !

ભ્રમનો સ્વીકાર જ ખરી જાગૃતિ છે.

આડવાતમા : 19મી સદીની શરૂઆતમા ભૌતિકશાસ્ત્ર એક સીમા પર આવીને અટકી ગયેલું. આગળનો રસ્તો નહોતો મળતો. ત્યારે, હાઇઝ્નબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો. વિજ્ઞાને પણ ગ્રહણશક્તિની સીમા સ્વીકારી ત્યારે જ કામ આગળ ચાલ્યું હતું.

– ધવલ

Comments (7)

અડધો ઊંઘે… – મનહર મોદી

અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.

એક જ વિચારો કાયમ આવે,
એકાદોયે કાંટો વાગે.

આ પડછાયો તે પડછાયો,
અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે!

બાર બગાસાં મારી મૂડી,
ગણું નહીં તો કેવું લાગે?

આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
માણસ માણસ માણસ લાગે.

એક મીંડું અંદર બેઠું છે,
એ આખી દુનિયાને તાગે.

હું ક્યાં? હું ક્યાં? શબ્દ પૂછે છે,
અર્થો કહે છે: આગે આગે.

– મનહર મોદી

પોતાની જાતના તદ્દન બરછટ વર્ણનથી ગઝલની શરૂઆત થાય છે. જાગૃતિ અને નિદ્રાના મિશ્રણ તરીકે પોતાની ઓળખ કરાવીને પછી કવિ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે: એકાદ કાંટો વાગે તો મન હવે પુરું જાગી ઊઠે. પડછાયો તો બધે પડવાનો જ છે. એનાથી ભાગવાની કોઈ જરૂર (કે ફાયદો) નથી. બાર બગાસાં… જગતને સમજતા આવતા જતા આવતા કંટાળાની વાત છે કે પછી ‘બાર બગાસાં’ જેવો મનમોજી પ્રયોગ કરવાની લાલચ કવિ જતી નથી કરી શકતા? 🙂  એક તરફ ઘર ને માણસથી ઘેરાવાની વાત છે તો બીજા શેરમાં શૂન્યની શક્તિની વાત છે. અર્થ કવિને એમના શબ્દને ઊંચાને ઊંચા મુકામ સુધી લઈ જવા ઉશ્કેરે છે એ કલ્પના જ એકદમ મઝાની છે.

Comments (3)

ઘર ક્યાં છે ? – મનહર મોદી

મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે ?
બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે ?

પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?

નથી પાદર, નથી ગોચર, નથી વગડો,
ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે ?

નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે ?

ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,
હશે ક્યાં માનવી જીવનસભર, ક્યાં છે ?

નથી એ બોલતો કે બોલવા દેતો,
સરસ સંવાદની એને ખબર ક્યાં છે ?

– મનહર મોદી

જીવનનો ખાલીપો, અભાવ એ બહુધા કવિતાઓનો  પ્રાણ બની રહે છે…

Comments (4)

ધારો કે – મનહર મોદી

ધારો કે હું ધારું છું
હું લીલું લલકારું છું

મારો સૂરજ સાદો છે
એને હું શણગારું છું

હોડીમાં હું બેઠો છું
દરિયાને હંકારું છું

ફાગણમાં ફૂટ્યું ફૂલડું
ચૈતરમાં વિસ્તારું છું

ભડકાજી, આવો ઘરમાં
હું સૌને સત્કારું છું

– મનહર મોદી

Happiness is not getting what you want, it is wanting what you get. આ ગઝલમાં એ ભાવને મઝાનો વણી લીધો છે. મન ચંગા તો… એવી સ્થિતિએ પહોંચીને કવિએ જીંદગીને સરળ કરી નાખી છે. અને એ મોટી વાતની જાહેરાત એ આ નાની બહેરની ગઝલથી કરે છે.  સદા ‘લીલું’ લલકારવામાં, સાદાને શણગારવામાં, ‘હોડી’ને બદલે ‘દરિયા’ને હંકારવા (એટલે કે મનોસ્થિતિને પરિસ્થિતિ મુજબ બદલી નાખવામાં), આજના (ફાગણના) આનંદને કાલ (ચૈત્ર) સુધી વિસ્તારવામાં અને દરેક માણસને (ભડકા જેવા ને પણ) સત્કારવામાં – આ દરેકમાં એક નાનું સુખ છે. નાના નાના સુખને જોડવાથી જ એક સુંવાળી-હુંફાળી જીંદગી બને છે.

Comments (11)

તડકો – મનહર મોદી

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે

તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે
મારી સમીપ એમ મને આવવા મળે

ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાં
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે

ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા
આખું મળે તો થાય, તને આપવા મળે

ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે
એક દેખવા મળે ને બીજું દાઝવા મળે

– મનહર મોદી

ગઝલનું નામ છે – તડકો. સુંવાળા તડકા જેવી સંતૃપ્ત સુખની અવસ્થાની આ ગઝલ છે. મારો સૌથી પ્રિય શેર – તડકો ટચાક ટેરવે ઝૂલે – એ છે. કોઈનો સ્પર્શ કવિને પોતાની જાતની નજીક લાવે છે એ સંતોષની પળનું આવું વર્ણન કવચિત જ જોવા મળે છે. અને છેલ્લો શેર તો યાદગાર છે જ.

Comments (9)

કીડી – મનહર મોદી

મારું નામ
કીડી.
હું આઠ માળ ચઢી
તો પણ
હાંફી નહીં
ને
પડી
તો
છેક નીચે ગઈ
પણ
મરી નહીં.
મારું બળ મારી ગતિ છે
હું ચાલું છું
ધીમી
પણ
દોડું છું પૂરપાટ.
મને કોઈ કહે કે માણસ થવું છે ?
તો
હું ના પાડું.
માણસ થવાથી
આઠ માળ ચઢીને
હાંફવું પડે છે
અને
પડી જઈને
છેક નીચે જઈ શકાતું નથી
અને
અધવચ્ચે જ
અથડાઈ-કુટાઈને મરવું પડે છે.
એથી તો ભલી
હું
કીડી
નાની
ને
અમથી.
મારો કોઈને ભાર નહીં,
મને પણ.

– મનહર મોદી

આ ‘ટૂંકી બહેર’નું અછાંદસ સ્વયંસિદ્ધ છે… એને એમ જ માણીએ… હું કીડી નાની ને અમથી. મારો  કોઈને ભાર નહીં, મને પણ – આટલી વાત પણ સમજી શકાય તો ઘણું !

Comments (14)

જાગ ને જાદવા – મનહર મોદી

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– મનહર મોદી

નરસિંહ મહેતાના ‘જાગ ને જાદવા’ પદના ઝુલણા છંદને હૂ-બ-હૂ મળતા આવતા ‘ગાલગા’ના સંગીતમય આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. નરસૈયો જગતના તાતને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની જાતને જગાડવા તારસ્વરે ગાય છે. ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે. ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ વ્યંજિત કરે છે તે ભાવકને શેરના પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે.

Comments (9)

આપણી યાદગાર ગઝલો : ૧૩ : આઘાત ચાલે છે – મનહર મોદી

ગયાં વર્ષો હવે આવ્યાંઅને આઘાત ચાલે છે,
સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે.

ઘણી વેળા મને થઇ જાય કે મારા ઉપર પડશે,
અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે !

બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે,
બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે.

હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા,
કોઇ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે.

સમયનું નામ મઠ્ઠી હોય તો ખોલવી પડશે,
-અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે. 

-મનહર મોદી

(જન્મ: 15-4-1937 – મૃત્યુ: 23-3-2003)

ગુજરાતી ગઝલ ‘ગુજરાતી’ બની એ પછી લાંબો સમય નકરી પરંપરાની ગઝલ બની રહી. પરંપરાની ગુજરાતી ગઝલને નવો વળાંક આપવામાં જે થોડા નામોનું નોંધનીય યોગદાન છે એમાં મનહર મોદીનું નામ ભૂલી ન શકાય. પરંપરાની ગઝલો અને પછીથી આધુનિક ગઝલ અને છે…ક એબ્સર્ડ ગઝલો સુધી એમણે નોંધપાત્ર પદાર્પણ કર્યું. એમની ગઝલોનું ભાવજગત ક્યારેક અટપટું અને અસંદિગ્ધ પણ લાગે છે છતાં ચુસ્ત છંદ અને કાફિયા-રદીફની અવનવી રવાની વડે શેરિયત સિદ્ધ કરવામાં એ પાછા નથી પડ્યા. મનહર મોદી વિના યાદગાર ગઝલોની વાત અધૂરી જ ગણાય…

‘બગીચામાં ફૂલોની ઘાત ચાલે છે’ વાળો શેર મ.મો.નો બ્રાન્ડ-એમ્બેસડર શેર ગણી શકાય. ખુશબૂ જેવા અદેહી તત્ત્વને મ્યાન જેવી સાકાર સંજ્ઞા સાથે પ્રયોજવામાં કેવું અદભુત કવિકર્મ થયું છે ! અહીં આ શેરને આપ ફૂલ અને ફોરમના સંદર્ભે તો માણી જ શકો છો, સુરભિત જીવો સાથે પણ સાંકળી શકો છો. સત્કાર્યની સુવાસ ફેલાવતા જીવોને કળિયુગની ચેતવણી પણ ગણી શકાય. સજ્જન થવામાં બહુ સાર નથી એવી ચેતવણી પણ અહીં સંભળાય છે.

Comments (4)

એકીકરણ થયું – મનહર મોદી

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.
મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું.

બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
દીવાનગીને આજ હવે શાણપણ થયું.

ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,
મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું.

પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો,
છાયાની સાથ તેજનું એકીકરણ થયું.

ઊર્મિઓ એમાં પાય પખાડી રમી શકી,
અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.

– મનહર મોદી

મનહર મોદીની આ પ્રખ્યાત ગઝલ લાંબા વખતથી મનમાં હતી પણ આજે અચાનક હાથમાં આવી. ગયા વર્ષે ઊર્મિએ મનહર મોદીની એક ગઝલ મૂકેલી ત્યારે પ્રજ્ઞાબેને આ ગઝલ યાદ કરાવેલી તે આજે યાદ આવી ! ગઝલનો એક પછી એક શેર ચેતનાની ટશરની જેમ ખૂલે છે. એક રીતે જુઓ તો આ ગઝલમાં સ્થૂળથી સુક્ષ્મ ભાવના તરફની ગતિ જોઈ શકાય છે.

Comments (5)

છું હું – મનહર મોદી

ખૂબ ઊંચે ચડી ગયો છું હું,
છેક નીચે પડી ગયો છું હું.

એક હાથે મને મેં તરછોડ્યો
અન્ય હાથે અડી ગયો છું હું.

મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
ને મને આવડી ગયો છું હું

થાય છે કે ફરીથી બંધાઉં
સામટો ગડગડી ગયો છું હું.

બંધ થઈ જાઉં આજ શબ્દ બની
એટલો ઊઘડી ગયો છું હું.

– મનહર મોદી

જાતને શોધવાની રમત બધી કલાઓની જનની છે. આ રમતમાં જે જીતી ગયા એ દુનિયા જીતી ગયા. કવિ પોતાની જાતને શોધવાની રમત આદરે તો આવી ગઝલ મળે.

Comments (5)

ગઝલ -મનહર મોદી

એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા

જિંદગી છે દાખલો વ્યવહારનો
પ્રેમ પર આડા ઊભા લીટા થયા

મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા

એમણે મુજ સ્થાન સમજાવી દીધું
આંગળીથી નખ કરીને વેગળા

એમની આંખોથી ઘર ખાલી કરું
કોઈ દર્શાવો મને એવી જગા

-મનહર મોદી

Comments (4)

કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- મનહર મોદી

(કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- એક પ્રયોગ)

ખૂબ પીડે છે દર્દ ઉપરથી,
કોતરે છે પછી અંદરથી.

બારણું ઊઘડે છે અંદરથી,
કોણ ઊતરી રહ્યું છે ઉપરથી ?

હું ગયો છું અહીંથી ઉપરથી,
ને પણેથી ગયો છું અંદરથી.

જાય છે કોણ કોણ અંદરથી ?
આંખ ઊઘડે તો જોઈ ઉપરથી.

હું થયો ખૂબ લાંબો ઉપરથી,
ને પછી પહોળો થયો અંદરથી.

-મનહર મોદી

ધ્યાનથી જોતાં આ ગઝલમાં ‘અંદર’ અને ‘ઉપર’ એમ બે અલગ-અલગ કાફિયાઓને વારાફરતી ગઝલની શરૂઆતથી અંત સુધી એક-બીજા સાથે સાંકળીને કવિએ જાણે ઉપર-અંદર-અંદર-ઉપર-ઉપર-અંદર એમ કાફિયાઓની એક સાંકળ રચવાનો પ્રયોગ કર્યો છે.

Comments (2)

દિલ – મનહર મોદી

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

Comments (3)

જુઓ -મનહર મોદી

એમની આંખમાં મઢેલું છે
એક સપનું મને જડેલું છે.

આમ દેખાય છે સાવ સીધું મન
છેક ઊંડે જુઓ, વળેલું છે.

બંધ આંખોમાં બે સૂરજ જેવું
એક આખું જગત ભરેલું છે.

થરથરે છે બિચારું સુખ એનું
જોઈને મારું મન ડરેલું છે.

દોડશે હું ને મારો પડછાયો
એ જ જોવાનું, કોણ પહેલું છે.

-મનહર મોદી

સરસ ભાષા અને સીધી રજૂઆત આ ગઝલની વિશેષતા છે. સહજ લાગણીઓ અને આશાઓને એક બીજી બાજુ પણ અચૂક હોય જ છે એ વાત અલગ રીતે રજૂ કરી છે. આપણે બધાએ વારંવાર સુખને ‘બિચારું’ બની ગયેલું જોયું છે. પડછાયા સાથે હોડ ભરવાનું કલ્પન નવું નથી છતાં મ.મો.ને કલમે એ નવી રીતે રજૂ થયું છે.

Comments