અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
રિષભ મહેતા

સવા-શેર : ૨ : જાગને જાદવા – મનહર મોદી

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

– મનહર મોદી

 

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શંકરાચાર્ય પણ કહે છે: कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ (તું કોણ? હું કોણ ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર) આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે એ તાંતણાના સત્યને અઢેલીને આ શેર બેઠો છે. જે છે એ નથી. જે દેખાય છે એ પણ નથી. દૃષ્ટિની પાર જે આંખ જઈ શકે છે એ જ પ્રજ્ઞાચક્ષુ છે. એતેરેય ઉપનિષદમાં કહ્યું છે: प्रज्ञानं ब्रह्म । જે જાગી શકે છે – જાગૃતિ અને પ્રજ્ઞાનો તફાવત સમજી શકે છે – એ જ બુદ્ધ થઈ શકે છે… બાકીના આશારામ થઈને અવનિ પર વિચરતા રહે છે.

– વિવેક

 

ઓશો કહે છે જગતને જોવા માટે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. આ તો એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના દરેક અનુભવમાંથી પસાર થવાની અને ભીતરનાં ભેદ પામવાની આ વાત છે. ભગવાન બુદ્ધ કહે છે કે આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવા માટે આપણે આપણા અંતરાત્માના અવાજને અનુસરીને જ યાત્રા કરવી પડે. આપણા સિવાય આપણો કોઈ બેલી નથી. અંતર્જ્યોતિને પ્રજ્વલિત કરી આપણે જ આપણી જીવનયાત્રાના પથદર્શક બનવું પડે. એટલે કે અજવાળું બહારથી ઉછીનું લીધેલું નહીં પરંતુ આપણી અંદર જ પ્રગટવું જોઈએ.

– ઊર્મિ

 

‘જાગ’ – કેટલી બધી જગ્યાએ આ શબ્દ વપરાયો છે……! ‘ Awakened One ‘ એ બુદ્ધનું એક નામ હતું. વાતો તો બધી બહુ કરી શકાય-થાય પણ છે. પરંતુ journey towards awakening ત્યારે શરુ થાય કે જયારે એ અંદરથી-સાચ્ચેસાચ એમ realize થાય કે ‘ હું જાગૃત નથી .’ ત્યારબાદની અવસ્થાને બદરાયણ ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ કહે છે. આ અવસ્થા કોણ પામે અને કોણ ત્યાર પછીની યાત્રા પર આગળ વધે તે અંગે આદિ શંકરાચાર્ય કહે છે:

‘કોટિ [ કરોડ ] માંથી એક ને બ્રહ્મ-જિજ્ઞાસા લાધે અને જેને લાધે તેવા લક્ષ [લાખ] માંથી એક પાણી વગર માછલી તડપે તે રીતે તે દર્શનને ઝંખે. એવી જ વ્યક્તિ આ માર્ગે આગળ વધે અને કદાચ જાગૃત થાય. બાકી તમે 5000 વર્ષ સુધી પણ અવિરત નામજપ,સત્સંગ,ગુરુસેવા,ભક્તિ ઈત્યાદી કરો તો પણ તે વ્યર્થ છે.’ 
– વિવેક્ચુડામણિ

સ્પષ્ટ છે કે બોલવું એક વાત છે અને કરવું……………..

– તીર્થેશ

આ જગતને સમજવાની સૌથી મોટી તકલીફ છે કે: "હકીકત ભી હકીકત મે એક ફસાના હી ન હો." એટલે કે હકીકત અને ભ્રમમાં ભેદ કરવો બહુ અઘરો છે. આ સનાતન સમસ્યાનો બહુ સરળ ઉકેલ છે. બધુ જ ભ્રમ છે એમ માનીને જ ચાલવું. હકીકત અને ભ્રમ વચ્ચે ભેદ કરવાની અશક્તિનો સ્વીકાર કરવો. પ્રોબ્લેમ સોલ્વ્ડ !

ભ્રમનો સ્વીકાર જ ખરી જાગૃતિ છે.

આડવાતમા : 19મી સદીની શરૂઆતમા ભૌતિકશાસ્ત્ર એક સીમા પર આવીને અટકી ગયેલું. આગળનો રસ્તો નહોતો મળતો. ત્યારે, હાઇઝ્નબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો. વિજ્ઞાને પણ ગ્રહણશક્તિની સીમા સ્વીકારી ત્યારે જ કામ આગળ ચાલ્યું હતું.

– ધવલ

7 Comments »

  1. DINESH said,

    December 7, 2013 @ 3:18 AM

    ચામડું ઓઢી સતત ફરતો હતો
    ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?

  2. Atul Jani (Agantuk) said,

    December 7, 2013 @ 7:17 AM

    આ વિષયને શાસ્ત્રીય રીતે સમજવા આ લિંક કદાચ ઉપયોગી થશે ઃ

  3. perpoto said,

    December 7, 2013 @ 9:18 AM

    જાગવું એ કોઇ ક્રિયા નથી,કસરત નથી….

  4. સુરેશ જાની said,

    December 7, 2013 @ 10:53 AM

    અજવાળું બહારથી ઉછીનું લીધેલું નહીં પરંતુ આપણી અંદર જ પ્રગટવું જોઈએ.
    ——
    સરસ . ગમ્યું.

  5. Maheshchandra Naik (Canada) said,

    December 7, 2013 @ 1:37 PM

    ભીતર જોવાની વાત સરસ રીતે કરી દીધી છે………………..

  6. Shah Pravinchandra Kasturchand said,

    December 7, 2013 @ 2:11 PM

    આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
    ભેદ એ પામવા, જાગ ને જાદવા
    —————- માનવા
    “જાદવાને સ્થાને “માનવા” કેવું લાગે?

    (‘મનવા’નું ‘માનવા’ કરવાનું poetic license છે.)

  7. Girish Parikh said,

    December 7, 2013 @ 2:23 PM

    http://www.GirishParikh.wordpress.com પર પોસ્ટઃ
    સાત સવાયા શેર
    http://www.LayaStaro.com વેબ સાઈટ પર ડીસેમ્બર ૬, ૨૦૧૩થી “સવા-શેર” નામથી રોજ એક એમ સાત દિવસ સુધીમાં સાત શેર, એમના વિશે લયસ્તરો-ટીમનું ચિંતન તથા ભાવકોના પ્રતિભાવો પોસ્ટ થશે. લયસ્તરો ટીમના સભ્યો એમને મનગમતા શેર પોસ્ટ કરશે — એમની દૃષ્ટિએ એ સવાયા શેર છે એટલે આ શેરસપ્તકનું નામ “સવા-શેર” ઉચિત છે.
    આપની દૃષ્ટિએ જે સવાયો શેર હોય એ પ્રતિભાવ આપી જણાવશો તો આ બ્લોગ પર પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ. આપ એ શેરને શાથી સવાયો શેર ગણો છો એ વિશે પણ ટૂંકમાં જરૂર લખશો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment