તને સંબોધી તો… – મનહર મોદી
તને સંબોધી તો પવન સુણીને વાત ગમતી,
રૂમીઝૂમી, થંભી, સહજ ગતિને મંદ કરીને.
વહ્યો, ઓ પાસેના સ્થગિત તરુની ડાળ હલવી,
ભરીને પર્ણોમાં રવ મધુર (તારાં સ્મરણ શો).
પ..ણે પંખી નાનાં ગત-સમયની નીંદ ત્યજીને,
ગજાવે છે માળો અખિલ નભને ઘેરી લઈને.
કળીઓ ખીલીને કુસુમ થઈ, ને ગંધ પ્રસરે,
અને ડાળેડાળે ઉપવન ઝૂલી ફુલ્લ પ્રગટે.
દિશાઓનાં હૈયે ઊછળીઊછળી વ્હાલ ભરતો,
વહાવે છે મોજાં ગરજીગરજી મત્ત ઉદધિ.
નિશા જેવી કાયા રવિકિરણનો સ્પર્શ લહીને,
સૂતેલી ઓચિંતી ઝબકીઝબકી આંખ મસળે.
તને સંબોધી તો ફરીફરી સુણી જાગ્યું જગ આ.
પરંતુ રે તું તો…
– મનહર મોદી
પ્રેમના ચશ્માં આંખે લાગી જાય એટલે સમગ્ર સૃષ્ટિ સુંદર દેખાવા માંડે… જુઓ તો જરા, કવિએ તો કેવળ પોતાની પ્રિયાને સંબોધન જ કર્યું છે, પણ આખી દુનિયામાં લહેરખી ફરી વળી છે. ગમતી વાત સાંભળીને પવન જેવો પવન ક્ષણભર થંભી ગયા પછી સ્થિર થઈ ગયેલ વૃક્ષની ડાળના પાંદડાઓમાં પ્રિયાના સ્મરણ જેવો મધુર રવ ભરી દે છે. પંખી-પુષ્પ-સમુદ્ર-રાત બધુંય જીવંત બની ઊઠે છે. સૂર્યકિરણના પ્રવેશથી દૂર થઈ જતી રાતને રવિકિરણના સ્પર્શે આળસ મરડી આંખ મસળીને ઓચિંતી જાગી જતી રાતની કાયા સાથે સરખાવતું કલ્પન તો અદભુત થયું છે. જે સંબોધનથી આખી દુનિયા ફરી ફરી જાગી જાય છે, એ સંબોધન જેના માટે છે એ પ્રિયા તો… રે રે! રે મૃત્યુ!


Shailesh Gadhavi said,
January 8, 2026 @ 9:02 PM
પ..ણે પંખી નાનાં, વાહહ!