ગબડું અને પકડું — મનહર મોદી
ગબડું! ઓ ગબડું!
પકડું! ઓ પકડું!
તારું અસલ નામ તે શું?
હોજી અસલ નામ તે શું?
ગબડું! ઓ પકડું!
તને જાણીએ
અને માણીએ
આછું અમથું તો પણ લાગે ભરચક ભારે ભૂ ગ.
ક્યાંથી આવ્યો?
કેવો ભાવ્યો?
ઝળહળ અંધારાની અટકળ પળ પળ કરતો છૂ! ગ.
ઘડીક આછું
ઘડીક પાછું
વાદળ તડકે તડાક તૂટ્યું ઐસા બોલે ક્યું? ગ.
ઉંદર છે ડુંગરનું સપનું
જંગલ મોટું વૃક્ષ વખતનું
પડઘાઓ પોતાને પૂછે અહીં આપણું શું? ગ.
ચાર દિશા ચોસઠ બાજુ છે
સવા શેર આદૂ ખાધું છે
આંખ મહીં અધમણ ઊકળ્યું છે લીલું ચોમાસું. ગ.
ધડાક ધડ ધડ
ફડાક ફંડ ફડ
કોણ ઉકેલે પડ પડ મારી ભીતસું ચાંદરણું. ગ.
મારા મનમાં કલબલ ઊગ્યું
ને અધ્ધર આકાશે પૂગ્યું
એક ઝાપટે એક સપાટે વિસ્તરતો તે તું? ગ.
અમે શોધીએ
અમે ખોદીએ
ગત સમયનું ઘણું ગયું પણ બાકી રહે છે ‘હું’ ગ.
– મનહર મોદી
કવિતાને વરસોવરસ ઘાણીના બળદની જેમ એક જ ઘરેડમાં ચાલ્યા કરતી જોઈ થાકી-પાકી ગયેલ કેટલાક સર્જકોએ આઝાદી પછી નવી કવિતાનો રાહ પકડ્યો હતો, એમાંના એક તે મનહર મોદી. શબ્દોના પરંપરાગત અર્થમાળખાને તોડીફોડીને કવિ ઘણીવાર ધ્વનિ અને સંવેદનની નવ્યલીલા રચી ચેતન અને અસ્તિત્ત્વના મૂળ સુધી પહોંચવા મથતા જણાય છે. પ્રસ્તુત રચના પણ રૂપકાત્મક અસ્પષ્ટતા અને ભાષાક્રીડાથી ભરપૂર એબ્સ્ટ્રેક્ટ ગીતરચના છે. ગબડું અને પકડું –બે ઘડી માથું ખણતાં કરી દે છે. ગબડું કદાચ પ્રતીક છે અરાજકતા, ગડમથલ અને પતનનું, અને પકડું કદાચિત રૂપક છે નિયંત્રણ અને નિશ્ચિતતાનું. આ બેની વચ્ચેના ટગ-ઑફ-વૉરમાં કથક પોતાના અસલ નામ અને ઓળખની શોધ કરતા જણાય છે. ટુ બી ઓર નોટ ટુ બી જેવી આ દ્વિધાને આછી અમથી જાણીએ-માણીએ તોય ભારે ભરચક લાગે છે. એના મૂળની શોધની યાત્રા નાની નાની ચોટદૂક પંક્તિઓ અને ધડાક ધડ ધડ જેવા રવાનુકારી શબ્દોની મદદથી આગળ વધે છે. ‘મારા મનમાં કલબલ ઊગ્યું /ને અધ્ધર આકાશે પૂગ્યું’ –અવચેતન માનસની કોસ્મિક વિસ્તરણ તરફની ગતિ નિર્દેશે છે. ગમે એટલી શોધખોળ કેમ ન કરીએ, ‘હું’ યાને અસ્તિત્ત્વનું મૂળ તો અવિનાશી જ છે…


Jayesh Bhatt said,
October 30, 2025 @ 12:18 PM
Vah
વ્રજેશ said,
October 30, 2025 @ 1:26 PM
સરસ સમજાવ્યું
Kishor Ahya said,
October 31, 2025 @ 2:34 PM
કેટલાક લોકો ઇશ્વરને આકાર સ્વરૂપે પૂજે છે તો કેટલાંક લોકોને નિરાકાર સ્વરૂપ ગમે છે તો આકાર અને નિરાકાર બને સ્વરૂપોને માનવા વાળા પણ ઘણા છે.કવયિત્રી સુ.શ્રી પ્રતિષ્ઠા પંડ્યાની આ સુંદર અછાંદસ રચના આકાર નિરાકાર બંનેનો પ્રતિઘોષ કરે છે.
જેકરંદા અને સાગના વૃક્ષ ,ફૂલ આકર સ્વરૂપ છે તો ફૂલોનું સૌંદર્ય, સુવાસ નિરાકાર સ્વરૂપ છે. પુરુષ , સ્ત્રી આકાર સ્વરૂપ છે, બંને વચ્ચે પ્રેમની જે ધારા વહે છે તે નિરાકાર સ્વરૂપ છે.
આ સમગ્ર અસ્તિત્વ રહસ્યોથી ભરપૂર છે બીજમાંથી વૃક્ષ થવું, બીજથી મનુષ્યનું ઉત્પન્ન થવું, જન્મ અને મૃત્યુ , સુર્યનું ઊગવું, પૃથ્વીનું ફરવુ, સમગ્ર બ્રહ્માંડ, પાંચ તત્વો બધું અથાહ રહસ્ય છે. પૃથ્વીએ ધારણ કરેલ કરોડો યોનિ (Creator) એક ચમત્કાર છે ! મનુષ્ય -મનુષ્ય વચ્ચે નો પ્રેમ : ચાહે કોઇપણ સ્વરૂપે હોય, એક રહસ્ય, ચમત્કાર છે ! કવયિત્રી સુ.શ્રી પ્રતિષ્ઠા પંડ્યા છેલ્લી પંક્તિમાં પૂછે છે ;
“તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?”
એ કુદરતે મનુષ્યને આપેલી એક અમૂલ્ય મહાન ભેટ પ્રેમ છે ! એક રહસ્ય! ચમત્કાર! , કહો, નિરાકાર ઈશ્વર છે !
આ રચનામાં પ્રકૃતિનું સુંદર વર્ણન મન મોહી લે તેવું છે.
“તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં”
કહેવાય છે મૃગ હમેશા એક અજાણી સુગંધ શોધવા દોડતું રહે છે જેને કસ્તુરીનઝર ,સુગંધ ને કસ્તુરી સુગંધ કહે છે, આ સુગંધ તેની અંદરથી જ આવતી હોય છે. ક્વિયીત્રીએ અંદરના મૃગલાઓ માટે કસ્તુરી નઝરની સરસ ઉપમા આપી છે.
“તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.”
તારા હસવાથી શરીરની સરહદો ઓળંગે છે પાણી .કઇપણ ખુશીના સમાચાર કે કોઈ સાથે મિલનની કલ્પના ,સુખદ બાબતો માટે ,’પાણી પાણી થઈ જવું’ એવો એક મુહાવરો પ્રચલિત છે તેના અનુસંધાને આ સરસ શબ્દ પ્રયોગ કર્યો લાગે છે.
ખૂબખૂબ સરળ અને મૃદુભાષામાં લખાયેલ આ અછાંદસ રચના ખૂબ ગમી.
શ્રી વિવેકભાઈએ કાવ્યની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો તે માટે તેઓને ખૂબ ધન્યવાદ.
🌹🌹🌹🌹
Kishor Ahya said,
October 31, 2025 @ 4:50 PM
(ભૂલથી ‘વનરાઈ” અછાંદસ રચનાનો પ્રતિસાદ અહીં મૂકાય ગયો છે ક્ષમા.)
કવિશ્રી મનહરભાઈ મોદીનું આ ગીત ‘ગબડું અને પકડું’ વિશે કહું તો મનુષ્ય માત્ર જે દુવિધા( દ્વંદ)માં જીવે છે તેને એક શબ્દમાં કહેવું હોય તો આ રહ્યા તે શબ્દો! ‘ગબડું કે પકડું?’
શ્રી વિવેકભાઈ એ આસ્વાદમાં આ સરસ સમજાવ્યું છે. આસ્વાદનું સરસ આલેખન કર્યું છે. શ્રી મનહરભાઈ મોદીનું આ ગીત ઈશ્વર સંદર્ભિત કે ઈશ્વર સમર્પિત લાગ્યું છે.
તારું અસલ નામ તે શું? તને જાણીએ અને માણીએ આમ હળવું પણ લાગે ભારે ભરચક ભૂ.
ક્યાંથી આવ્યો ?કેવો ભાવ્યો? વાહ!વાહ!અંધારું પણ ઝળહળ, એવા અંધારા એટલે મનુષ્યની સમજણશક્તિ ની બહાર હોય તે સમગ્ર, તારા આવવાથી પળ માં દૂર થઈ જાય તે તું!
કવિનું ભાષાપરનું પ્રભુત્વ આ ગીતમાં છવાય જાય છે ,જે એબ્સ્ટ્રેક રૂપે અધ્ધર આકાશે ઊડે છે .
અહીં કેટલીક પંક્તિઓ એવી છે જેના અર્થ શોધવા મુશ્કેલ છે અથવા અનેક અર્થો નીકળી શકે છે .જરૂર કોઈને કોઈ અર્થ હશે જ ,પણ કવિએ અહીં ઈશ્વર સાથે વાતો કરી છે એટલું સમજાય જાય છે તે ઘણું છે. કવિ પૂછે છે મારા મનમાં કલબલ ઊગ્યું, એક ઝાપટે એક સપાટે વિસ્તરતો તે તું?
છેલ્લે કવિ કહે છે અમે શોધીએ, અમે ખોદોએ (ચિંતન મનન કરીએ) ગત સમયનું ઘણું ગયું(સમય ઘણો ગયો છે) પણ બાકી રહે છે ‘હું ‘. એક ‘હું’ બાકી રહી ગયો છે, એટલેકે મારું અહંકાર સ્વરૂપ હું જતું નથી કરી શકતો, તેવી નિખાલસ કબુલાત કવિએ ગીતમાં કરી છે. એક નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા કવિ જ આમ કરી શકે, કહી શકે.સરસ ગીત,ખૂબ ગમ્યું.
શ્રી વિવેકભાઈ એ સરસ આસ્વાદ આપ્યો છે તે બદલ તેઓને ખૂબ ધન્યવાદ.
🌹🌹🌹🌹
Kishor Ahya said,
October 31, 2025 @ 6:10 PM
ગત સમયનું ઘણું ગયું પણ બાકી રહે છે ‘હું’ આ શબ્દોનો એક અર્થ જે વધારે ઠીક છે તે એ છે કે સમય ઘણો ગયો પણ હજુ મારા’હૂં’ ની શોધ બાકી રહે છે.(સ્વ.ની શોધ)
🌸🌸🌸🌸
Hasit mehta said,
November 9, 2025 @ 5:50 AM
વાહ.ખૂબ સરસ રચના,ખૂબ ખૂબ સરસ પસંદગી,ખૂબ ખૂબ ખૂબ ઉત્તમ વિવરણ.
આવી,નવી,સર્જનાત્મક ઘરેડ પણ આપણે ત્યાં છે-એ વાતથી આપણા માત્ર ગઝલપ્રેમી રહેલાં કવિતા ચાહકોને આ વાંચીને ચસકો કે ધક્કો લાગી શકે છે.વર્તમાને આપણે ત્યાં ભાવ અને વિચારના ભારવાળી કે પછી સીધેસીધા સ્ટેટમેન્ટ કરતી,વિચારનું કળામાં રુપાંતર તો તસુ ભારે ય ના કરતી રચનાઓથી ચક્કાજામ સ્થિતિ છે.તેના અનેક કારણો પૈકીનું એક,તે વાંચન અને મનનનો અભાવ.લયસ્તરો આ રીતે આપણે ત્યાં થયેલાં પ્રયોગોનું આચમન પીરસીને બહુ મોટી સેવા કરે છે. આપણાં માટે તો એ ડાયજેસ્ટ જ છે.સલામ.બંને હાથે સલામ આ દાક્તર કવિને.
વિવેક said,
November 11, 2025 @ 11:44 AM
@સરસ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ શ્રી કિશોર આહ્યાનો ખૂબ ખૂબ આભાર
વિવેક said,
November 11, 2025 @ 11:49 AM
@હસિત મહેતા:
લયસ્તરોના આંગણે આપ જેવા જ્ઞાનીજનનો સંતર્પક પ્રતિભાવ સાંપડે એ જ અમારો ખરો પુરસ્કાર…
હૃદયપૂર્વક આભાર