તેં મને બચપણ દીધું, ગઢપણ દીધું, દીધું મરણ;
તે ન દીધું જીવવાનું કોઈ કારણ, હદ કરી !
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભરત વિંઝુડા

ભરત વિંઝુડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

...ચાલ્યા જશે -ભરત વિંઝુડા
...સમેટી લઉં - ભરત વિંઝુડા
...સાધના જ રહી - ભરત વિંઝુડા
(જુદો છે) - ભરત વિંઝુડા
(થૂકદાની નથી) - ભરત વિંઝુડા
અંગો કવિતાનાં - ભરત વિંઝુડા
આપો - ભરત વિંઝુડા
એની સોબતમાં - ભરત વિંઝુડા
એમ પણ નથી - ભરત વિઝુંડા
ઓછું પડે - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ - ભરત વિંઝુડા
ગઝલ -ભરત વિંઝુડા
છે, હતાં ને રહેવાનાં - ભરત વિંઝુડા
તે ગૌણ બાબત છે -ભરત વિંઝુડા
થયો જ નહીં - ભરત વિંઝુડા
પંખીઓ જેવી તરજ - ભરત વિંઝુડા
મર્યાં - ભરત વિંઝુડા
મળ્યાં - ભરત વિંઝુડા
યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા
લઈ લઉં છું - ભરત વિંઝુડા
વધારે છે - ભરત વિંઝુડા(જુદો છે) – ભરત વિંઝુડા

કાલ કરતાં વિચાર જુદો છે
આજ થોડોક પ્યાર જુદો છે

એ જ છે કે સિતાર જુદો છે
અથવા એમાં જ તાર જુદો છે

સામસામે ફૂલો જ ફેંકેલાં
પણ પછીનો પ્રહાર જુદો છે

હું જે સમજું છું તે અલગ છે ને
તું કહે એનો સાર જુદો છે

ચાહવું તે ન ચાહવા જેવું
પ્રેમનો આ પ્રકાર જુદો છે

લોહી નીકળે તો સૌને દેખાડું
પણ અહીં મૂઢમાર જુદો છે

મારે અડવું નથી જરાય તને
મારા મનમાં વિકાર જુદો છે

– ભરત વિંઝુડા

સાવ સહજ સરળ ભાષા પણ એક-એક શેર પાણીદાર… ધીમેધીમે ખોલવા જેવા… વાહ કવિ!

Comments (10)

યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

પુષ્પનું ખીલવું એ જ ધરતીનું સ્મિત છે… કળીમાંથી ખુશબૂ થઈ રેલાવાની પુષ્પની યાત્રા અને ધરતીની પ્રસન્નતા તો સૃષ્ટિમાં ચોકોર આપણી આસપાસ વેરાયેલી છે, જો આપણી પાસે જોવાની નજર હોય તો. ન જોઈ શકો અન્યથા સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય શૂન્ય છે.

 

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિના કારણે કૈલાસ પંડિતની રચનાઓ તરત જીભે ચડી જતી હોય છે. મનહર ઉધાસે કદાચ આ જ કારણોસર એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે.

એના ભીતરમાં આગ લાગી છે,
એટલે ઘરમાં આગ લાગી છે !
એને ઠારી શકાય એમ નથી,
છેક બિસ્તરમાં આગ લાગી છે !

-ભરત વિંઝુડા

કોઈ પણ પૂર્વધારણા બાંધ્યા વિના ભરત વિંઝુડા સીધા જ આપણને સંબંધોની સમસ્યાના છેક મૂળ સુધી લઈ જાય છે. સામાન્યરીતે મુક્તક કે ગઝલ રચનામાં મુઠ્ઠી બંધ રાખીને કવિ વાત કરતો હોય છે અને શેર કે મુક્તક પતે ત્યારે બંધ મુઠ્ઠી ખુલતી હોય છે પણ ભરતભાઈ અલગ ચીલો ચાતરે છે. એ ખુલ્લી મુઠ્ઠી લઈને જ સામે આવે છે અને એટલે જ આ મુક્તકમાં આવતી આગ આપણી ભીતર ક્યાંક દઝાડી જાય છે…

Comments (3)

થયો જ નહીં – ભરત વિંઝુડા

image

રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !

બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં !

એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં !

કાગડા હોય છે બધે કાળાં,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં !

માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !

ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં !

સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં !

– ભરત વિંઝુડા

લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી ભરત વિંઝુડા એમનો સાતમો ગઝલ સંગ્રહ “તો અને તો જ” લઈને આવ્યા છે… કવિ અને સંગ્રહ – બંનેનું દબદબાભેર સ્વાગત… સંગ્રહમાંથી એક ગઝલ પ્રસ્તુત કરીએ…

Comments (17)

ગઝલ – ભરત વિંઝુડા

ખાલીપામાં ખાલીપો પૂરાય છે
આપણે મળીએ તો એવું થાય છે !

આ ક્ષણે થોડું ઘણું સમજાય છે
જાય તે શું કામ અહીંથી જાય છે ?

ચીજ વસ્તુઓ ઘણી ખોવાય છે
ને ફકત તારા સ્મરણ સચવાય છે !

જાઉં તો એ ત્યાં જ પોતાના સ્થળે
છે અને અહીંયાથી ન નીકળાય છે !

તારી પાસે આવી ઊભો રહું અને
ઘર ગઝલનું ત્યાથી બસ દેખાય છે !

– ભરત વિંઝુડા

બધા જ શેર સરસ પણ રહી પડવાનું મન થઈ આવે એવું ગઝલનું ઘર જરા વધુ ગમી ગયું.

Comments (6)

વધારે છે – ભરત વિંઝુડા

આગ નહીં, આગથી વધારે છે,
તું રતિરાગથી વધારે છે !

એટલે કે તું એક વન આખું,
યાને કે બાગથી વધારે છે !

તેં ઉપર ચિત્ર એવું દોર્યું જે,
ભીતરી દાગથી વધારે છે !

તું મને છોડી દે છે એ ઘટના,
કોઈ પણ ત્યાગથી વધારે છે !

પૂછ સંસાર છોડનારાને
શું અનુરાગથી વધારે છે !

– ભરત વિંઝુડા

રદીફ “વધારે” પર જેટલું વધારે ધ્યાન આપીએ એટલી વધારે મજા આવે એવી ગઝલ…

ભરત વિંઝુડા એમના છઠ્ઠા ગઝલસંગ્રહ “લાલ લીલી જાંબલી” સાથે ગુજરાતી ગઝલરસિકો સામે ઉપસ્થિત થયા છે એ પ્રસંગે એમનું સહૃદય સ્વાગત…

Comments (5)

મર્યાં – ભરત વિંઝુડા

આ સમયને ઝેર પાઈને મર્યાં
શ્વાસ જેવા શ્વાસ ખાઈને મર્યાં

બહાર જીવ્યા હસતું મુખ રાખી અમે
ને ભીતરથી હીજરાઈને મર્યાં

એના બાહુપાશમાંથી ના છૂટ્યા
પ્રેમમાં કેવા ફસાઈને મર્યાં

ક્યાંક વાદળમાંથી વરસે છે ફરી
જળ જે અહીંયાથી સુકાઈને મર્યાં

કોઈ ખાલી પેટે જીવતું હોય છે
ને અમે તો બહુ ધરાઈને મર્યાં

ઝાંઝવા પાછળ તમે દોડ્યા કર્યા
ને અમે એમાં તણાઈને મર્યાં

– ભરત વિંઝુડા

આમ તો આ ગઝલ વાત કરે છે મરવાની પણ છે વાંચતા જ જીવી જવાનું મન થાય એવી…

સૂર્યના તાપથી બાષ્પીભૂત થઈ વાદળમાં ઘનીભૂત થઈ ક્યાંક બીજી જ જગ્યા પર જઈ વરસી પડતા જળનું કલ્પન એવું તો ગમી ગયું કે હું આગળ જ વધી શકતો નથી….

Comments (14)

ગઝલ – ભરત વિંઝુડા

લાજ રાખજે હે પરમેશ્વર
મારું ઘર પણ છે તારું ઘર !

લાગે જે સૌનાથી સુંદર
એ સુંદરતા પણ હો ભીતર !

મારી સામે બેસ ઘડીભર
બાજુમાં મૂકીને જીવતર !

ચારે બાજુ હોય ફકત તું
ધરતી ફરતે જેમ સમંદર !

હું જ નથી રહેવાનો ત્યારે
હોય કહેવાનું શું આખર !

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડા સરળ બાનીમાં ચોટદાર વાત કહી શકનાર જૂજ ગઝલકારોમાંના એક છે.. ટૂંકી બહેરની ગઝલના બધા જ શેર સરળ, સહજ અને ચોટદાર !

Comments (7)

…સાધના જ રહી – ભરત વિંઝુડા

તમે ગયાં તે પછી શબ્દ સાધના જ રહી
વિયોગ-યોગની કેવળ વિભાવના જ રહી

હતી ખુશીઓ, હવે એની કામના જ રહી
રહી રહીને વધારામાં વેદના જ રહી

છબી દીવાલ ઉપર મૂકવા સિવાય નથી
કશુંય ઘરમાં ને એથી ઉપાસના જ રહી

નથી ઉતારી શક્યો ચાંદને હું ધરતી પર
મેં કલ્પના જ કરેલી તે કલ્પના જ રહી

રૂંવે રૂંવે જે પીડા થઈ રહી છે તેનું શું
રહ્યું શરીર અને એમાં ચેતના જ રહી.

– ભરત વિંઝુડા

આખી ગઝલના ઉઠાવની ખરી ચાવી રદીફમાં આવતો “જ” જ છે…નહીં ?

એક પંક્તિ બીજી પંક્તિમાં દડે એ પ્રક્રિયા સોનેટમાં સામાન્યતઃ જોવા મળે છે. અંગ્રેજીમાં એને enjambment કહે છે… પ્રસ્તુત ગઝલના ત્રીજા શેરમાં જરા વિપરિત પ્રક્રિયા જોવા મળે છે.  બીજી પંક્તિનો ‘નથી’ પહેલી પંક્તિના અંતે આવ્યો છે. આને reverse-enjambment ગણી શકાય?

Comments (5)

અંગો કવિતાનાં – ભરત વિંઝુડા

કોઈ રીટાદાસ, કોઈ ભક્ત ગીતાના,
શ્લોક ક્યાં જઈ વાંચવા છાતીસંહિતાના.

એક ધોબીખોર પાનામાંથી ઊડીને-
આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં.

સર્પ જેવું ચાલવું તારું ને શેરીનું-
ને સીધી લીટી સમાં અંગો કવિતાનાં.

એક ધરતીકંપ મારા પર થયો પાછો,
વ્હેણ બદલાઈ ગયાં પાછાં સરિતાનાં.

હું કલાકોની ઉદાસી બાદ કાગળ પર
પેન માંડું ને રચાતાં હોઠ સ્મિતાના !

– ભરત વિંઝુડા

આમ જુઓ તો ગઝલના બધા જ કાફિયામાં કવિની ગર્લફ્રેન્ડ્સ નજરે ચડે છે  – રીટા, ગીતા, સીતા, કવિતા, સરિતા અને સ્મિતા ! પણ કવિ જ્યારે મગનું નામ સીધું મગ પાડતાં દેખાય ત્યારે ભાવકે સમજી જવાનું હોય છે કે આ સમય બેક-ફૂટ પર આવીને રમવાનો છે અને કવિને કંઈક બીજું જ અભિપ્રેત છે…. ‘છાતીસંહિતા’ અને ‘ધોબીખોર’ જેવા શબ્દો કોઇન કરવા જેવું અદભુત કવિકર્મ તો આ ગઝલની બાય-પ્રોડક્ટ છે… ખરેખર તો આખી ગઝલ જ મનનીય થઈ છે.

હું જો કે એક જ શેર-ચોથા-ની જ વાત કરીશ.

ભારે ભૂકંપથી નદીના વહેણ બદલાઈ જવાનું વૈજ્ઞાનિક સત્ય કવિ સંબંધ વિચ્છેદ સાથે કેવું કળાત્મકતાથી સંયોગે છે! અહીં એક બીજી કરામત ‘પાછો’-‘પાછા’ શબ્દમાં પણ છે. આ ઘટના કંઈ પહેલીવાર નથી બની એ સમજીએ તો આખો શેર ફરી નવા સ્વરૂપે ઊઘડતો લાગે.

Comments (10)

લઈ લઉં છું – ભરત વિંઝુડા

તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું

તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું

સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું

વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું

કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું

– ભરત વિંઝુડા

Comments (10)

Page 1 of 3123