મળ્યાં – ભરત વિંઝુડા
જુદી જુદી કંઈક બાબતમાં મળ્યાં
લોક એની એ જ હાલતમાં મળ્યાં
માણસોનાં ટોળાં ને ટોળાં અહીં
એક માણસની જરૂરતમાં મળ્યાં
જેમ તમને એમ અગણિત અન્યને
મિત્ર મળવાની જ આદતમાં મળ્યાં
એ જ ખુદ આવીને મળવાના કદી
એવી આશા આપતા ખતમાં મળ્યાં
મારા પહેલાં જે થયા જન્નતનશીન
એ મને આજે ન જન્નતમાં મળ્યાં
– ભરત વિંઝુડા
નદી પર્વત ફાડીને નીકળે ત્યારનું અને સાગરને ભેટે છે ત્યારનાં એનાં રૂપ કેવાં નોખાં હોય છે…! કવિતાનું પણ કંઈક આવું જ હોય છે. ક્યારેક એક કૃતિ જન્મે છે ત્યારે એનું સ્વરૂપ કંઈ ઓર હોય છે અને સમયના ખડકોની વચ્ચે વહેતાં વહેતાં કે કાવ્યસંગ્રહ સુધી પહોંચતાં પહોંચતાં એનો સમૂળગો કાયાકલ્પ થઈ ગયો હોય એવુંય બને. ભરત વિંઝુડાની આ ગઝલ એવી જ એક રચના છે. લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે ધવલે એમની પ્રસ્તુત ગઝલનું જૂનું -મૂળભૂત વર્ઝન મૂક્યું હતું. કવિના ધ્યાનમાં એ આવી ગયું એટલે એમણે મત્લાના શેર તરફ મારું ધ્યાન દોર્યું. એ ગઝલ ધવલે અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી લીધી હતી જેમાં મત્લામાં ‘અળગી અળગી’ જેવો શબ્દ વપરાયો હતો. એ જમાનામાં અમૃત ઘાયલ જેવા દિગ્ગજ કવિએ ભરત વિંઝુડાએ પ્રયોજેલા ‘જુદા જુદા’ની જગ્યાએ શબ્દની ફેરબદલ કરી હતી અને કવિએ મૌન સેવ્યું હતું. કવિએ મને અળગી અળગીના સ્થાને જુદી જુદી કરવાનું કહ્યું ત્યાં તો મારું ધ્યાન ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’ સંગ્રહના 49મા પાને બિરાજમાન આખી ગઝલ પર પડ્યું. અહો ! અહીં તો મત્લા ઉપરાંતના એક શેરને બાદ કરતાં આખી ગઝલ જ અલગ છે… કવિએ કહ્યું, “વાત સાચી છે. ગઝલ આખી જ બદલાઈ ગઈ પણ આજે મને લાગે છે કે જૂની ગઝલના શેર વધુ સશક્ત હતા… એને કેમ કરીને મેં પડતાં મૂક્યા એ મનેય સમજાતું નથી પણ ગઝલસંગ્રહની બીજી આવૃત્તિમાં આ જૂના શેર જરૂરથી સમાવી લઈશ…”
આ ગઝલની લગોલગ જૂની ગઝલ માણવાનું ન ચૂકાય..
કિરણસિંહ ચૌહાણ said,
December 31, 2010 @ 12:40 AM
નવી ગઝલ પણ બહુ સશક્ત છે. અદભુત.
વિહંગ વ્યાસ said,
December 31, 2010 @ 2:39 AM
એ પણ ગમ્યું……આ પણ ગમ્યું…
pragnaju said,
December 31, 2010 @ 7:36 AM
નવી ગઝલ વધુ ગમી
જેમ તમને એમ અગણિત અન્યને
મિત્ર મળવાની જ આદતમાં મળ્યાં
એ જ ખુદ આવીને મળવાના કદી
એવી આશા આપતા ખતમાં મળ્યાં
સરસ
Pancham Shukla said,
December 31, 2010 @ 2:11 PM
નદી પર્વત ફાડીને નીકળે ત્યારનું અને સાગરને ભેટે છે ત્યારનાં એનાં રૂપ કેવાં નોખાં હોય છે…! કવિતાનું પણ કંઈક આવું જ હોય છે. ક્યારેક એક કૃતિ જન્મે છે ત્યારે એનું સ્વરૂપ કંઈ ઓર હોય છે અને સમયના ખડકોની વચ્ચે વહેતાં વહેતાં કે કાવ્યસંગ્રહ સુધી પહોંચતાં પહોંચતાં એનો સમૂળગો કાયાકલ્પ થઈ ગયો હોય એવુંય બને.
ક્યા બાત હે.
"kavi savariya" said,
December 31, 2010 @ 2:49 PM
કવિશ્રી ભરત વિંઝુડાની ગઝલ એવી હોય છે જે વખતોવખત વાચવાનુ મન થૈ આવે એનું સ્વરૂપ કંઈ ઓર હોય છે ભરત વિંઝુડાની આ ગઝલ એવી જ એક રચના છે.
” મારા પહેલાં જે થયા જન્નતનશીન
એ મને આજે ન જન્નતમાં મળ્યાં”
અદભુત….. સરસ….અભિનન્દન…..કવિશ્રી ભરત વિંઝુડાને
-કવિ સાવરિયા (સાવરકુડલા.)
sudhir patel said,
December 31, 2010 @ 6:43 PM
ગઝલના બન્ને રૂપો જોરદાર અને માણવા લાયક છે!
સુધીર પટેલ.
prabhat chavda said,
December 31, 2010 @ 11:52 PM
અદભુત…………..જોરદાર……,,,,,,,,
Gaurang Thaker said,
January 1, 2011 @ 12:33 PM
સરસ ગઝલ….