હળવેથી અહીં પધારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે,
સૂતાનું તો વિચારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે.
ભડ ભડ બળી રહ્યો છે દેશ આખો વાતવાતે
બચવાનો ક્યાં છે આરો? ઇતિહાસ સૂઈ રહ્યો છે.
- વિવેક મનહર ટેલર

પંખીઓ જેવી તરજ – ભરત વિંઝુડા

ભરત વિંઝુડાની કલમ આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી રહી. નવી પેઢીના શાયરોમાં નોખો ચીલો ચાતરવામાં એ સફળ રહ્યા છે. સાવ સરળ ભાસતા એમના ઘણા બધા શેર જો સ્હેજ અટકીને ફરીથી વાંચીએ તો આશ્ચર્યનો ગોદો વાગે એ રીતે આપણને વિચારતા કરી દે છે. કળી જે મસૃણતાથી ધીમે-ધીમે ખૂલે છે એ જ કળા જાણે કે એમના શબ્દોને હસ્તગત છે. થોડી ધીરજ રાખીએ તો ભરત વિંઝુડાની ગઝલોનું આકાશ આપણને રસતરબોળ કરી દે એ રીતે ધોધમાર વરસે છે. “પંખીઓ જેવી તરજ” ગઝલ સંગ્રહ વાંચતા મનને ગમી ગયેલી પંક્તિઓ અહીં પ્રસ્તુત છે. (જન્મ: 22-07-1956, અન્ય ગઝલ સંગ્રહ: “સહેજ અજવાળું થયું”)

ભેદ બ્રહ્માંડના તે જાણે છે
સૌ ઉપર આસમાન હાજર છે.

આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં

એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં

તું જગાડીને કરે છે પાપ કાં
ઊંઘ પૂરી થઈ જશે ને જાગશે.

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા

માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે

મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને

તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી
તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ

હું માણી રહ્યો હોઉં મિલનની જ મજા ત્યાં
તે હાથ લઈ હાથમાં તકદીર બતાવે

જે અન્યને કહું તે કહી ના શકું તને
તારી ને મારી વચ્ચે હજી કોઈ છળ નથી

એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !

પંખી બનવાની કંઈ જરૂર નથી
આંખ મીંચો અને ઉડાય સખી !

બેઉનું એક હોય સરનામું
તું અહીં આવ કે હું ત્યાં આવું !

પગથી માથા સુધી સળંગ હતો
તોય તારા વગર અપંગ હતો

પોતપોતાની સમજ પણ હોય છે
હોય છે જ્યારે સહુનો એક મત

એક તો એ ખૂબસૂરત છે પ્રથમથી
ને વધુ લાગે વદન પરની શરમથી

મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું

હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું

આ અરીસાની ઔરતને પરદો નથી
એ રજૂ કરશે પોતાની સચ્ચાઈને

જળ તણાતું જાય છે તે જોઉં છું
તું જુએ છે કે નદી વહી જાય છે !

હોય તો હોય ફક્ત સાથ તમારો નહીં તો
એકલા સાંજ વિતાવું તો મજા આવે છે

કબીર જેવી રીતે વસ્ત્ર રોજ વણતા’તા
સતત વણાય નહીં કંઈ મજા ન આવે તો

જોઈને ઓળખું છું કોઈને
ક્યાંક ભીતરની પહેચાન લાગે

વરસાદ થાય રોજ સમંદર ઉપર અને
કોઈ નદી એ જોઈને પાછી નહીં વળે !

ટ્રેન ચૂકી ગયાં હોઈએ તે પછી
કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું

કાચની જેમ આરપાર હતો
તોય સૌની સમજની બહાર હતો

આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે

ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ને મને અહીંથી લઈ જવા આવી

જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું
મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં !

કેટલાં દૂર જઈ અને દેવો વસ્યાં
આમ આપણને કરાવી જાતરા !

સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે

જેવી સ્થિતિમાં તમે છોડી ગયાં
આજ પણ એવાં અને એવાં છીએ !

સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં !

પગથી માથા સુધી હોય ભરચક
એણે ખાલી જગા થઈ જવાનું

વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા

અહીં સૌએ મૂક્યાં છે બારણાં, બારીઓ ભીંતોમાં
ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઈચ્છા છે

-ભરત વિંઝુડા

3 Comments »

  1. ધવલ said,

    May 6, 2007 @ 2:51 PM

    આ સફરમાં રહી જશે પાછળ બધું
    જે બધું આગળ મને દેખાય છે

    મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
    ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને

    ખૂબ સરસ સંકલન !

  2. સુરેશ said,

    May 7, 2007 @ 11:53 AM

    સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
    જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં !

    સરસ. હર્મન હેસનો ‘સીધ્ધાર્થ ‘ યાદ આવી ગયો. જીવન એક પ્રવાહ છે, એની સાહજીકતાની પીછાણ માં જ તેની શોધનો અંત આવે છે.

  3. sona jethi said,

    November 14, 2010 @ 2:15 AM

    bahuj saras gazalati uttam

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment