અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.
મીનાક્ષી ચંદારાણા

ચાડિયો – ભરત વિંઝુડા

૦૧.

ચાડિયાના
હાથમાં
બંદૂક રાખી નથી
કારણ કે
એને પંખી ઓળખતાં નથી.
પંખી માટે
ખેતરમાં
ચાડિયો જ કાફી છે.
કારણ કે
પંખી
માણસને ઓળખે છે
અને ચાડિયો
માણસ જેવો લાગે છે.

*

૦૨.

જે મૂર્તિ ન બની શક્યાં
તે બન્યાં
બાવલાં.
અને
જે બાવલાં ન બની શક્યાં
તે બની ગયા
ચાડિયા.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘સ્ટ્રીટ લાઇટ’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી ‘ચાડિયા’ કાવ્યગુચ્છમાંથી બે નાનકડા કાવ્ય આપ સહુને માટે…

4 Comments »

  1. pragnajuvyas said,

    November 11, 2022 @ 7:10 AM

    ‘પંખી
    માણસને ઓળખે છે
    અને ચાડિયો
    માણસ જેવો લાગે છે’
    વાહ્
    કવિશ્રી ભરત વિંઝુડા ના નૂતન કાવ્યસંગ્રહ ‘સ્ટ્રીટ લાઇટ’નું સહૃદય સ્વાગત અને ડૉ વિવેક ને આસ્વાદ માટે ધન્યવાદ
    સાંપ્રત સમયે ઘણાને ખબર ન હોય તેથી ચાડિયો એટલે ખેતરમાં મોલ આવવાની શરુઆત થાય ત્યારે પશુ પક્ષીઓને ડરાવવા માટે ઉભો કરવામાં આવે છે, જેને જોઇ પશુ-પક્ષીઓને એવું લાગે છે કે અહીં માણસ હાજર છે, આથી તેઓ ખેતરની નજીક આવતા નથી અને એના કારણે ઉભા પાકને થતા નુકસાનમાંથી બચી જવાય છે.
    ‘જે બાવલાં ન બની શક્યાં
    તે બની ગયા
    ચાડિયા.’
    ખૂબ સ રસ
    ત્યારે બીજા ચાડિયા અંગે સૂબાના સમયમાં ચાડિયાનું ટોળું થયું હતું. એ ચાડિયા ગામના દરેકની દરેક જાતની ચાડી ખાતા. કોઈના ઘરની ગમે એવી વાત કરતા. કોઈની પૂંજી કેટલી છે અને ફલાણો ઢીંકણો ધનવાન છે એમ સૂબાને કહેતા. સૂબાને એટલું જ જોઈતું હતું, કારણ કે કોઈ પણ પ્રકારે દાનપુણ્ય કર્યા વગર ઇજારાના રૂપિયા ખાઈ જતા લોકો પાસેથી રૂપિયા પડાવવાની એની દાનત હતી. એટલે કોઈ પૈસાદાર છે એવી ખરી કે ખોટી ખબર પડતાં એ આસામીને બોલાવી અમુક રકમની માગણી કરે અને તે ન આપે તો એની છાતીએ પથ્થર મૂકે અગર અંધારી ઓરડીમાં પૂરી દે. આવા ચાડિયાનું ટોળું એટલું વધી ગયું હતું કે એક વખતે બાર મણ દૂધનો દૂધપાક એ લોકો ખાઈ ગયા હતા.
    યાદ આવે કવિશ્રી હરીશ મીનાશ્રુનુ કાવ્ય
    ચુપ રહે ચાડિયા, ક્યાંય ચિડિયા નથી,
    ક્યાંય નાનક નથી
    અને
    હું ચાડિયો કોઈ ચાડી કર્યા વગર!
    – જગદીશ ક્રિશ્ચિયન –
    ખેતર વચ્ચે ઊભો ચાડિયો હજીય સાચવે નાતો
    સંભળાવે છે સીમ આખ્ખીની લીલીછમ વાતો !
    – લાલજી કાનપરિયા
    ચાડિયો દેખીને પથ્થર ચૂગવા માંડે,
    છૂટતા ગોફણથી પથ્થર ચણ બનાવીએ.
    – દત્તાત્રય ભટ્ટ
    પંખીઓ આવી ખભા પર બેઠા,
    ચાડિયો આજ અચંબામાં છે.
    – ભાવેશ ભટ્ટ
    કાંઇક નવું…
    ધાનપુર ખાતે ચાડિયા ના મેળા માં હાજરી આપવા જતા વિદ્વાનો !
    કંબોડિયામાં …
    આ ચાડિયા ખરાબ આત્માઓને ઘરમાં આવતી રોકી દે છે અહીંના લોકોનું માનવુ છે કે તેમને જોઇને ખરેખર આત્માઓ પણ ડરી જાય છે ખેતરોમાં પક્ષીઓથી પાકને બચાવવા માટે પૂતળા લગાવવામાં આવે છે. કંબોડિયામાં આ પૂતળાને ટિંગ મોંગ કહે છે અને તેમના હાથમાં પણ અસલી હથિયારો આપવામાં આવે છે. તલવાર, રિવોલ્વોર, મશીનગન, એકે-47 રાઇફલ અને રોકેટ લોન્ચર પણ તેમના હાથમાં આપવામાં આવેલા હોય છે. ટિંગ મોંગ પર ખેતરોમાંથી પક્ષી ભગાડવા સિવાય પણ મોટી જવાબદારી હોય છે. કંબોડિયામાં તેમનો ખરાબ આત્માથી બચવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. અહીંના ઘરોની સામે બગીચામાં અથવા બગીચાના રસ્તાઓ ઉપર પણ તેને લગાવવામાં આવે છે. અહીંના ટિંગ મોંગ ખેમર સંસ્કૃતિનો હિસ્સો રહ્યા છે. હજારો વર્ષ પહેલા કંબોડિયામાં બૌદ્ધ ધર્મ આવી ગયો હતો, તેમ છતાં કેટલાય ગામડાઓમાં લોકો ભૂત પ્રેતમાં વિશ્વાસ રાખે છે. ખેમર લોકો માને છે કે આ ચાડિયા ખરાબ આત્માઓને ઘરમાં આવતી રોકી દે છે. આથી તેમના હાથમાં હથિયારો પણ આપવામાં આવે છે. તેમનું માનવુ છે કે તેમને જોઇને ખરેખર આત્માઓ પણ ડરી જાય છે.અસ્તુ

  2. Bharat vinzuda said,

    November 12, 2022 @ 9:50 AM

    પ્રજ્ઞાબેન વ્યાસનો દીર્ઘ કોમેન્ટ માટે તેમ જ
    વિવેક ટેલરનો આ અછાંદસ પ્રગટ કરવા બદલ આભાર.

  3. Aasifkhan said,

    November 12, 2022 @ 11:39 AM

    Vaah vaah
    સરસ

  4. Lata Hirani said,

    November 18, 2022 @ 12:26 PM

    ચોટદાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment