અહીં સૌએ મૂક્યાં છે બારણાં, બારીઓ ભીંતોમાં
ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઈચ્છા છે
ભરત વિંઝુડા

છે, હતાં ને રહેવાનાં – ભરત વિંઝુડા

એકલાં છે, હતાં ને રહેવાનાં,
સૌ જુદાં છે, હતાં ને રહેવાનાં.

આપણા વર્તમાન ઉપર કંઈ
પાંદડાં છે, હતાં ને રહેવાનાં.

એકસરખાં જ મન અને તનથી
આગવાં છે, હતાં ને રહેવાનાં.

જળ નહોતાં, નથી, ન હોવાનાં
બુદબુદા છે, હતાં ને રહેવાનાં.

જે અહીંયા મને ગમે છે તે
ત્યાં ઊભાં છે, હતાં ને રહેવાનાં.

હું નહીં હોઉં એ જ નક્કી છે,
આ બધાં છે, હતાં ને રહેવાનાં.

ભરત વિંઝુડા

મનભરીને માણવા જેવી ગઝલ…. વધુ તો શું કહું?   હું નહીં હોઉં એ જ નક્કી છે, આ બધાં છે, હતાં ને રહેવાનાં. આજ કવિની એક બીજી ગઝલ અહીં વાંચી શકશો.

3 Comments »

  1. હરીશ દવે said,

    September 16, 2006 @ 11:46 PM

    દેખીતા દ્વૈતભાવમાંથી અદ્વૈતનો અણસાર નથી શું? સૃષ્ટિના પરમ તત્ત્વ (Vivek bhai! How to write TATTVA correctly in Gujarati Shruti ?)ના ઐક્ય તથા સાતત્યની વાત જનસુલભ શબ્દોમાં કવિએ કરી છે.

    “લયસ્તરો” ગુજરાતી નેટ જગત માટે આશાનું કિરણ છે. અન્ય બ્લોગર-મિત્રો આ સ્તર સુધી પહોંચવા અને જાળવવા પ્રયત્નો કરે તે ઈચ્છનીય છે. … હરીશ દવે

  2. Jayshree said,

    September 17, 2006 @ 2:48 AM

    ખરેખર વિવેકભાઇ, મન ભરીને માણવા જેવી ગઝલ છે.

    એકલાં છે, હતાં ને રહેવાનાં,
    સૌ જુદાં છે, હતાં ને રહેવાનાં.

    જે અહીંયા મને ગમે છે તે
    ત્યાં ઊભાં છે, હતાં ને રહેવાનાં.

    એકદમ સરળ અને સાચી વાત, જે આમ તો ખબર જ છે, પરંતુ યાદ રહેતી નથી, અથવા યાદ કરવી નથી, એને કવિએ ખૂબ અસરકારક રીતે યાદ કરાવી.

  3. sonajethi said,

    December 21, 2010 @ 4:54 AM

    very nice gazal bharatji wah bahuj saras

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment