પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રિષભ મહેતા

રિષભ મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અંગત અંગત : ૦૪ : કવિતાનું ઋણ
એવું બોલજે -રિષભ મહેતા
ખાલીપો... - રિષભ મહેતા
ગઝલ - રિષભ મહેતા
ગઝલ -રિષભ મહેતા
ગરબો ગરબો - રિષભ મહેતા
ચાલ, અહીંથી ભાગી છૂટીએ - રિષભ મહેતા
જોઈએ છે - રિષભ મહેતા
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… - રિષભ મહેતા
નસીબ -રિષભ મહેતા 'બેતાબ'
પતંગ -રિષભ મહેતા
પ્રથમ પ્રણયાનુભૂતિ - રિષભ મહેતા
મારે તમને મળવું છે ! - રિષભ મહેતા
મુક્તક - રિષભ મહેતા
સાંજ પડે ને... - રિષભ મહેતાખાલીપો… – રિષભ મહેતા

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા

આમ તો કવિએ ચાર મહિના યુ.કે. રહીને વતન પરત ફરતા પોતાના મિત્રની યાદના ખાલીપાને સભર કરવા માટે આ ગીત લખ્યું હતું પણ સ્વતંત્ર રીતે ગીત કેટલું મજબૂત બન્યું છે એ જુઓ! જે ખાલી છે એ કેવી રીતે ખખડે? પણ ઘરમાં -કાયાનું ઘર? સ્મરણોનું ઘર?- એકલતા સિવાય કંઈ હોય જ નહીં ત્યારે ખાલીપો જ ખખડે ને! ખાલીપાના ખખડવાનું રૂપક જ એટલું વેધક થયું છે કે પહેલી પંક્તિ વાંચતા જ કલેજું ચીરાઈ જાય… આંખો ઉજ્જડ છે કેમકે હવે પ્રિયપાત્ર નજરના સીમાડાઓથી પર છે. આંસુઓ રોકાતા નથી અને આંસુઓના જળાશયમાં સ્મરણોના ફોટોગ્રાફ્સ સતત તર્યા કરે છે. સ્મરણોના ફોટાને પરપોટા સાથે સાંકળીને ક્ષણજીવી સધિયારાને અદભૂતરીતે તાદૃશ કરી આપ્યો છે. આમ તો શ્વાસ હવાથી બને છે અને એ પણ પરપોટાની જેમ ક્ષણિક જ હોય છે પણ અહીં પોતાની વેરાનીને પરાકાષ્ઠાએ લઈ જવા માટે કવિ હવાના શ્વાસને સ્મરણોના ફોટાના પરપોટામાં કેદ આલેખે છે… સલામ કવિ!

Comments

જોઈએ છે – રિષભ મહેતા

મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!

તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!

મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!

ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!

ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

– રિષભ મહેતા

કાફિયાદોષને અવગણીએ તો કેવી મજાની ગઝલ ! મત્લા અને આખરી શેરમાં સંસારનું અને બીજા શેરમાં આજના જમાનાના પ્રેમનું સનાતન સત્ય.

Comments (5)

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… – રિષભ મહેતા

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…

એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.

જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે?
હું અંધ છું આ દર્પણો શું કામના પણ છે!
ગૂંગળાવું ક્યાં લગી આ ખામોશીથી કંઇ તો બોલ…!
કે ‘હા’ નહીં તો આખરે જાણી લે ‘ના’ પણ છે.

પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;
પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.

હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;
એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.

-રિષભ મહેતા

 

સહુકોઇએ અનુભવી હોય તેવી અભિવ્યક્તિ…..સરળ,સચોટ અને સુકોમળ…..

Comments (5)

મારે તમને મળવું છે ! – રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

ઈશ્કે-મિજાજી પણ હોઈ શકે……ઈશ્કે-હકીકી પણ હોઈ શકે…..દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

Comments (9)

પ્રથમ પ્રણયાનુભૂતિ – રિષભ મહેતા

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં

ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈં

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈં

હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈં

એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈં

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈં

મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં –
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈં

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈં

– રિષભ મહેતા

એક નાજુક ગઝલ…….

Comments (12)

એવું બોલજે -રિષભ મહેતા

એક બાળકનેય જે સમજાય એવું બોલજે,
આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે.

મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે,
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે.

આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે,
મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે.

કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે,
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે.

કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.

આગ છે વાતાવરણમાં, વાતમાં, જઝબાતમાં,
તો જરા આબોહવા બદલાય એવું બોલજે.

ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.

સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં,
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.

‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !

ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ;
અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.

– રિષભ મહેતા

આપણે કેવું બોલવું જોઈએ- એ વિશે વિચારતા કરી મૂકે એવી મજાની બોલકી ગઝલ… એમની મને ગમતી ઘણી ગઝલોમાંની જ એક.

Comments (16)

પતંગ -રિષભ મહેતા

હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !

ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !

આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !

મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !

એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !

કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !

ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?

એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !

આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …

એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!

હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…

-રિષભ મહેતા

(સૌજન્યઃ સરનામું પ્રેમનું…)

આજે આ ગઝલનાં એકેક શેર લયસ્તરોનાં ફલક પર ચગેલા એકેક પતંગ હોય એવું નથી લાગતું ? 🙂

લયસ્તરોનાં વાચકમિત્રોને લયસ્તરો તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ…

Comments (10)

અંગત અંગત : ૦૪ : કવિતાનું ઋણ

કવિતા સાથે મને ક્યારે પ્રેમ થયેલો એનો મને ખ્યાલ નથી. બસ નાનપણથી જ વાંચવાનું ગમતું.  ગમતી ગુજરાતી કવિતાઓ અને શાયરી એક નોટબુકમાં ક્યારે ઉતારવા માંડેલી, એનોય ખાસ ખ્યાલ નથી.  શાળાનાં દિવસોથી જ ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત, તો કલાપીનાં ‘આપની યાદી’ અને ‘રે પંખીની’ જેવા ઘણા ગીતો આત્મસાત થઈ ગયેલા.  એ સમયકાળ દરમ્યાન એક વેકેશનમાં મારા એક માસાજીએ એમનાં એક મિત્રનું ઓડિયો-કેસેટ આલ્બમ લાવી આપેલું… ‘ધબકાર’ !  રિષભઅંકલની એ કેસેટ સાંભળી સાંભળીને અમેરિકા આવતા સુધીમાં તો મેં સાવ ઘસી નાંખેલી.  ત્યારે અણજાણ્યે જ ગુજરાતી ગઝલ અને સુગમ સંગીત પ્રત્યે પ્રેમ થઈ ગયેલો. એ આલ્બમની બધી રચનાઓ સાવ કંઠસ્થ થઈ ગયેલી અને ઘણી રચનાઓ તો અર્થ સમજ્યા વિના જ હૃદયસ્થ થઈ ગયેલી, જેમ કે શરૂઆતનું જ આ મુક્તક-

તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં,
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?
સાચવું તેથી તને ધબકારમાં…

અને બીજી ઘણી રચનાઓ પણ, જેવી કે- આશાનું  ઈંતઝારનું સપનાનું શું થશે?… ફેંક્યો પત્થર, માણસ પત્થર… રમતા રમતા લડી પડે ભૈ માણસ છેચાલને દુલ્હા-દુલ્હન રમીએ… શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવાં નવાં… જે આંખો મને દેખી જ્યારે નમી’તી, એ આંખો મને ત્યારે સૌથી ગમી’તી… હું મજામાં છું એ મારો વ્હેમ છે…વિ. પરંતુ મોટા ભાગની એ રચનાઓ ગઝલો જ હતી એનું જ્ઞાન મને હજી ત્યારે ન્હોતું. અને પછી તો 1990થી ઘણા વર્ષો સુધી દેશ, દોસ્તો અને સ્વથી સાવ જ દૂર થઈ ગયેલી. વ્હાલું વતન અને વ્હાલા મિત્રોને છોડ્યા બાદ વતનપ્રેમનું કોઈ પણ ગીત આંખોને અચૂક ભીની કરી જતું.  મિત્રોનાં પત્રોની તો કાગડોળે રાહ જોવાતી અને જ્યારે કોઈ પત્ર આવતો ત્યારે ‘ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ’ ગીતનો બેશુમાર નશો ચડતો અને એ પત્ર કંઈ કેટલીયે વાર વંચાતો.  કોકવાર જ્યારે કોઈ મિત્રનો પત્ર ઘણા વખત સુધી ન આવવાની નિરાશા સાંપડતી અને હું પત્ર લખવા બેસતી ત્યારે ‘ધબકાર’ની આ ગઝલ મને ખાસમખાસ અચૂક યાદ આવતી…

સ્વર-સંગીત: રિષભ મહેતા

[audio:http://tahuko.com/gaagar/hu-majama-chhu.mp3]

હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?

કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?

કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.

એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.

– નયન દેસાઈ

સાત વર્ષ પછી દેશની પ્રથમ મુલાકાત વખતે એક સહેલીએ પાછા વળતી વખતે રેલ્વે સ્ટેશન ઉપર મને મનહર ઉધાસનાં ‘આગમન’ આલ્બમની કેસેટ આપેલી. ત્યાર પછી લગભગ રોજ કારમાં એકવાર તો એ કેસેટ વાગતી જ. લગભગ ઘસાવા માંડી હતી એટલી હદે. પરંતુ ત્યારે જ એક દિવસ મારી એ કાર ચોરાઈ ગયેલી, ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું; કારણ કે કારનો તો ઈંસ્યોરંસ હતો પરંતુ એ કેસેટનો ન્હોતો.  ‘એ મેરે પ્યારે વતન’ ગીત વતન છોડ્યા બાદ અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો બની ગયેલું.  જીવનનાં સોળ વરસ સુધી અસ્તિત્વનાં સંઘર્ષનો પર્યાય બની ગયેલા એ વર્ષો પછી એ ગીતનું સ્થાન છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં આદિલજીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ અને ‘વતનની ધૂળનાં એકેક કણને સાચવજો’ જેવી ગઝલોએ ક્યારે લઈ લીધું હતું એનો મને પોતાને પણ ખ્યાલ સુદ્ધાં ન રહ્યો.  દેશ અને દોસ્તોથી દૂર થવાની પીડા તો હતી જ, પરંતુ એક હકીકત એ પણ હતી કે સમયનાં વહેણમાં દૂર થઈ ગયેલા દેશ અને દોસ્તો હૃદયની જરા વધુ નજીક આવી ગયેલા.  દેશમાં અને સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે.  અને એની પ્રતીતિ મને છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન જ થઈ છે.  કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…

Comments (13)

ગરબો ગરબો – રિષભ મહેતા

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

હાલમાં ચાલી રહેલી નવરાત્રિની આપ સૌ મિત્રોને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Comments (6)

ગઝલ -રિષભ મહેતા

દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે,
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.

ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ?
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે !

તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.

એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.

માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
કો’ શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.

રિષભ મહેતા ‘બેતાબ’

મને લાગે છે કે બે જ વ્યક્તિ સામેથી દર્દ માંગી શકે, એક પ્રેમી અને બીજા કવિ… 🙂  બધા જ શેરો વાંચતાવેંત ગમી જાય એવા સ-રસ થયા છે.

Comments (12)