હશે અવશ્ય કોઈ ચોર મનમાં પહેલેથી,
નકર આ હાવભાવ, આ તણાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

એક સુરતી ગઝલ -મનહરલાલ ચોકસી

ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં,
કામ હારું કોઈ પણ કઈરું નહીં.

ઓટલા ડા’પણની ડાળે હ્ળવળ્યા,
હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં.

એક હેરીમાં ઉત્તું સપનું સરસ,
પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.

કૂતરાની જેમ હઉ ભાગી ગિયા,
કે મહાણે કોઈ પણ થોઈભું નહીં.

લો, જુઓ આવી ગિયો છું બારણે,
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.

માણહાઈ ચેહ પર જોઈ છતાં,
ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.

-મનહરલાલ ચોકસી

વરસો પહેલા વાચેલી આ ગઝલ થોડા દિવસ પર ફરીથી અચાનક યાદ આવી ગઈ. સૂરતી ભાષાનો ગઝલમાં ઉપયોગ સૂરતના માનીતા કવિ સ્વ.મનહરલાલ ચોકસીનો અનોખો પ્રયોગ છે. આજે એમના નામ આગળ સ્વ. લગાડવું પડે છે એ દુ:ખની ઘટના છે.

આ ગઝલનો લો, જુઓ… વાળો શેર મારો અત્યંત પ્રિય શેર છે. આ શેર અમે મિત્રો કોલેજકાળ દરમ્યાન ઘણીવાર ટાંકતા. સૂરતી ભાષાનો પ્રયોગ અહીં વિશેષ અર્થ ઉપસાવે છે. ગઝલમાં સૂરતીપણું માત્ર ભાષા સુધી જ સીમિત નથી. સમગ્ર ગઝલ જ સૂરતી સ્વભાવનું પ્રતિબિંબ પાડે છે.

આ ગઝલ પ્રેમપૂર્વક શોધી આપવા માટે કવિમિત્ર વિવેકનો ખાસ આભાર !

Comments (10)

મુહોબ્બતના સવાલોના – શેખાદમ આબુવાલા

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

– શેખાદમ આબુવાલા

Comments

ઋણાનુબંધ -અખિલ શાહ

પળોની લડાઈમાં મરતા જતા નગરનો સાક્ષી છું.
આ માટી મારો શ્વાસ છે,
અહીં મારો જીવ ગભરાશે.

ઘૂંટાયેલા અવિશ્વાસથી જન્મેલી શૂન્યતાનો સાક્ષી છું.
તારા હાથે મને ઘડ્યો છે,
તારા હાથે હું તૂટી જઈશ.

સૂનકાર સાગરમાં રખડતા તોફાનોનો સાક્ષી છું.
મોજાઓનું તાંડવ મારો મદ છે,
એ મારા સૌથી ચિર સાથી બનશે.

ટેરવે ઉગેલી વેલના ગુલાબી ફૂલનો સાક્ષી છું.
સ્પર્શ મારી લત છે,
એ મારી તરસ બનશે.

-અખિલ શાહ

Comments (2)

ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ

આજે માણો હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ.

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

Comments (6)

ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન

ઘણા વખતથી વેબ ઉપર એક ગુજરાતી શબ્દકોશ હોય તો કેવુ સરસ એવી ઈચ્છા હતી. આજે શ્રી રતિલાલ ચંદરયાની વેબસાઈટથી આ સપનુ સાકાર થાય છે. ગુજરાતી લેક્સીકોન વેબસાઈટનું નામ ભલે અંગ્રેજી હોય પણ એ ઈંટરનેટ પર ગુજરાતી ભાષાની વૃધ્ધિમાં એક સિમાચિહ્ન બની રહેશે.

અહીં ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે. હું પોતે રતિલાલ ચંદરયા કે ચંદરયા ફાઉંડેશન વિષે વધારે જાણતો નથી. એમના આ કામ માટે ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ તરફથી એમનો ખાસ આભાર.

સોનામા સુગંધ જેવી વધારાના આનંદની વાત એ છે કે આ વેબસાઈટ યુનિકોડનો ઉપયોગ કરીને બનાવેલી છે. ગુજરાતીનો ઈંટરનેટ પર પ્રસાર કરવો હોય તો યુનિકોડ અપનાવવું એ પાયાની જરૂરિયાત છે. ( આ બ્લોગ પણ આપ યુનિકોડમાં જ વાંચી રહ્યા છો.) યુનિકોડ વિષે વધારે ફરી કયારેક.

ફરીથી, આ સુંદર કામ કરવા માટે રતિલાલ ચંદરયા અને ચંદરયા ફાઉંડેશનને અભિનંદન.

Comments (16)

માણસ -જયંત પાઠક

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.

પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડે, પડે ભૈ, માણસ છે.

-જયંત પાઠક

Comments (1)

સૂની પડી સાંજ

સૂની પડેલી સાંજને સમજવા મથતા મારા પ્રિય ત્રણ શેર પ્રસ્તૃત છે.

એક  પડછાયો  પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા  વિના  સાંજ  ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા

બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ  ઉમ્બર  પર  અધૂરી  સાંજ  આ  નાખી   ગયું.
-નયન દેસાઈ

(વધારાની માણવા જેવી હકીકત એ છે કે બન્ને કવિ મારા શહેર સૂરતના છે! )

Comments (5)

નથી – મુકુલ ચોકસી

સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે  મારી  પાસે એક્કે ધનુષ-બાણ  પણ નથી.

વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર.. દૂર..
ને  આમ  કોઈ  જાતનું  ખેંચાણ  પણ   નથી.

માટે  તો  અર્થહીન  આ  ઊભા  રહ્યા  છીએ,
ત્યજવું  નથી,  ને  કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ    શાંતિ   કેવી   રીતે   સંભવી   શકે!
કર્ફ્યુ  નખાય  એટલું  રમખાણ   પણ નથી.

-મુકુલ ચોકસી

Comments (2)

સાંજ ઢળતી જાય છે -નીતિન વડગામા

વાત કયાં ક્યારેય પૂરી થાય છે?
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

આયખાનો અર્થ આરંભાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

દ્રશ્ય આછું-પાતળું ઝિલાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

એમ જર્જર જાત સંકેલાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.

-નીતિન વડગામા

Comments (3)

રોજ -આર.એસ.દૂધરેજિયા

હું રોજ તારા પ્રેમપત્રો
સળગાવવા માટે
બાકસ ખોલું છું,
પણ
દરેક વખતે તેમાંથી
પતંગિયું નીકળે છે
અને હું
પત્રો સળગાવવાનું માંડી વાળું છું.

-આર.એસ.દૂધરેજિયા

Comments

ઝાંઝવાઓની યુક્તિ -‘સાબિર’ વટવા

પ્રાણતરસ્યા રણની ચીસો સાંભળી,
ઝાંઝવાઓએ એ અજબ યુક્તિ કરી:
એક તરફ છિપાઈ ગઈ રણની તૃષા
જળ-વલખતા મૃગને પણ મુક્તિ મળી.

-‘સાબિર’ વટવા
(“ધ્રૂજતી પ્યાલી”)

Comments

સફેદ -રમેશ પારેખ

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

– રમેશ પારેખ

Comments

રાખે – રમેશ પારેખ

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

– રમેશ પારેખ

Comments (2)

હવે તારામાં રહું? -મૂકેશ જોશી

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
          સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
          કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
          તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
          વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
          આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?…  હું થોડા દિવસ…

-મૂકેશ જોશી

આ કવિ વિષે હું કાંઈ જાણતો નથી. આ કવિતા વાંચ્યા પહેલા એમનુ નામ પણ સાંભળ્યું નહોતું. પણ એક જ કવિતા વાંચી ને અઢળક ઓળખાણ થઈ ગઈ ! સચ્ચાઈના રણકાથી છલકાતું પ્રેમની આવશ્યકતાનું આ સુંદર ગાન પહેલી નજરે જ દીલમાં વસી જાય એવું છે.

Comments (11)

કીડી સમી ક્ષણો…. રાજેન્દ્ર શુકલ

કવિશ્રી રાજેન્દ્ર શુક્લની સઘળી ગઝલોનો સંગ્રહ ‘ગઝલ-સંહિતા'(5 ભાગમાં) તાજેતરમાં પ્રગટ થયો છે. 25 વર્ષના ગાળા પછી એમની કૃતિઓ ગુજરાતી ગઝલના ચાહકોને માણવા મળશે. આ વિરલ અવસરે એમની જ એક ગઝલ પ્રસ્તુત છે.

કીડી સમી ક્ષણો….રાજેન્દ્ર શુકલ

કીડી  સમી  ક્ષણોની  આ  આવજાવ  શું  છે?
મારું  સ્વરૂપ  શું  છે,  મારો  સ્વભાવ  શું  છે?

ઋતુઓનો  રંગ  શું  છે,  ફૂલોની  ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું  છે રમત  પવનની, ડાળીનો  દાવ શું છે?

પર્વતને ઊંચકું  પણ  પાંપણ  ન  ઊંચકાતી,
આ ઘેન  જેવું  શું  છે,  આ  કારી ઘાવ શું છે?

પાણીની  વચ્ચે  પ્રજળે,  કજળે  કળીકળીમાં,
એનો  ઈલાજ  શું  છે,  આનો  બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં  હથેળી  માંહે  આ  ધૂપછાંવ  શું  છે?

‘ગઝલ-સંહિતા’ મેળવવા માટે સંપર્ક : સહ્યદય પ્રકાશન, 714, આનંદમંગલ-3, ડોકટર હાઉસ સામેની ગલી, આંબાવાડી, અમદાવાદ-380 006 (ફોન: 79-2686 1764, 98984-21234 ) મૂલ્ય રૂ.300. (આભાર : પંચમ શુક્લ)

Comments (1)

જીવન – અમૃત ‘ઘાયલ’

જીવન જેવું  જીવું છું,  એવું  કાગળ પર  ઉતારું છું;
ઉતારું   છું,   પછી   થોડું   ઘણું   એને   મઠારું   છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને   તું   જીવે   છે,  હું   જીવીને  વિચારું છું.

– અમૃત ‘ઘાયલ’

Comments (7)

વરસાદ પછી -લાભશંકર ઠાકર

જ લ  ભીં જે લી
જો બ  ન  વં તી
લથબથ ધરતી
અં ગ અં ગ  થી
ટપકે      છે    કૈં
રૂપ    મનોહર !
ને      તડકાનો
ટુવાલ    ધોળો
ફરી    રહ્યો   છે
ધીમે       ધીમે;
યથા    રાધિકા
જમુનાજલ માં
સ્નાન    કરીને
પ્ર સ ન્ન તા થી
રૂપ    ટપકતા
પારસ  –   દેહે
વસન    ફેરવે
ધીરે      ધીરે !

જોઈ   રહ્યો છે
પરમ   રૂપના
ઘૂંટ     ભરંતો
શું મુજ શ્યામલ
નેનન    માંહે
છુપાઈને  એ
કૃષ્ણકનૈયો ?

– લાભશંકર ઠાકર

Comments (3)

સ્વાગત ગુજરાતી બ્લોગ-જગતમાં – ‘કડવા કાઠિયાવાડી’ !

આ અઠવાડીયે નવો ગુજરાતી બ્લોગ શરું કર્યો છે – કાઠિયાવાડી ભાઈએ. એમનું સરનામું છે – kathiawadi.blogspot.com. એમના બ્લોગ પર લગીર લટાર મારજો.

એમના પોતાના કહેવા મુજબ –

“જો કે ગુજરાતી સાહિત્ય માં મારી ચાંચ બહુ ડુબતી નથી! આથી, આ બ્લોગ મોટે ભાગે, મેં ગુજરાત માં વીતાવેલી જિંદગી અને ગુજરાત ને લાગતા વળગતા વિષયો ઉપર મારા વીચારો નું પ્રતીબિંબ હશે. હું મોરબી માં જન્મ્યો અને મોટો થયો છું. છેલ્લા આઠ થી નવ વર્ષ થી હું મોટે ભાગે મોરબી (અને ગુજરાત) ની બહાર જ રહ્યો છું. ગુજરાત મને ખુબ ગમે છે, જો કે દુઃખ પણ થાય છે જ્યારે ગુજરાત ને અમુક ક્ષેત્રો માં બીજા રાજ્યો કરતા પાછળ મહસુસ કરું છું.”

આજનો પોસ્ટ જોતા લાગે છે કે એ ખરે જ દીલથી લખે છે. અને ગુજરાતની બહાર રહેવા છતા ગુજરાત માટે એમનું દીલ દુ:ખે છે. આ બ્લોગ ગુજરાતી બ્લોગ-જગતનો પહેલો personal બ્લોગ છે, એ ભાવે તેવી વાત છે.

આ પરાણે મીઠા લાગે તેવા ‘કડવા કાઠિયાવાડી’નુ ગુજરાતી બ્લોગ-જગતમા સ્વાગત !

Comments (1)

અનુભૂતિ -સુરેશ દલાલ

          લીલ લપાઈને બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને   એમ   થયું  કે  લાવ   જઈને   મળિયે !
          કંપ્યું        જળનું        રેશમપોત;
          કિરણ   તો   ઝૂક્યું   થઈ   કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
          હળવે     ઊતરે     આખું   વ્યોમ;
          નેણને    અણજણી    આ     ભોમ.
લખ  લખ  હીર ઝળકે  ભીના તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

Comments (4)

લયસ્તરો બ્લોગનું નવું સરનામું !

આ નવું સરનામું બુકમાર્ક કરવાનું ભૂલશો નહીં !

આ બ્લોગ મારી પોતાની વેબ-સાઈટ પર ખસેડવાથી બ્લોગની બેકઅપ નકલ રાખવાનું મારા માટે સરળ બનશે.

એટમ ફીડનું સરનામુ પણ બદલાશે, એ પણ ( જો આપ RSS વાપરતા હો તો ) બદલી નાખશો : www.dhavalshah.com/layastaro/atom.xml

નવા સરનામા સિવાય બ્લોગમા બીજો કોઈ ખાસ ફેરફાર નથી.

Comments

નયણાં -વેણીભાઇ પુરોહિત

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

-વેણીભાઇ પુરોહિત

Comments (3)

સાહ્યબો મારો ગુલાબનો છોડ -રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
                  વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
                  પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
કેસરને   ક્યારડે   કસ્તૂરી   આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
                  મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
                ઓઢણી ઓઢી ઉમંગની.

-રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’

Comments (1)

વિના આવીશ મા ! -શેખાદમ આબુવાલા

જા   ભલે   અંધારઘેર્યા   આભમાં,
તેજની જ્યોતિ વિના આવીશ મા;
ડૂબવું   જો   હોય   દિલમાં   ડૂબજે,
પણ પછી મોતી વિના આવીશ મા.

-શેખાદમ આબુવાલા
‘ચાંદની’

Comments

Away from home.

This week I am away from home. Unfortunately I can’t find a Gujarati enabled computer here. I won’t be able to post for rest of the week.

Comments

રાજઘાટ પર – હસમુખ પાઠક

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી –

– હસમુખ પાઠક

Comments

સમજાતું નથી -કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

– કરસનદાસ માણેક

Comments (4)

એક ક્ષણ -માધવ રામાનુજ

એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…

– માધવ રામાનુજ

Comments (2)

હાઈકુ – સ્નેહરશ્મિ

   ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
   ભીના ઘાસમાં.

   વ્હેરાય થડ :
ડાળે માળા બાંધતાં
   પંખી કૂજતાં.

   હિમશિખરે
ગયો હંસલો વેરી
   પીંછાં રંગીન.

   દેવદર્શને
ગયો મંદિરે : જુએ
   વેણીનાં ફૂલ !

– સ્નેહરશ્મિ

17 અક્ષરની નાનીશી રત્નકણિકા સમાન આ હાઈકુઓ અર્થવૈભવમાં પાછા પડતા નથી. દરેક હાઈકુ આગવુ અને અસરકારક શબ્દચિત્ર રચી આપે છે.

Comments (7)

પલ -મણિલાલ દેસાઈ

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !

-મણિલાલ દેસાઈ

Comments (3)

એ તો કો’ ! – પંચમ શુક્લ

કડક સાદ દઈ ડાંટું કોને એ તો કો’ !
વાંક વગર ગાળાટું કોને એ તો કો’ !

એલફેલ આ લાગે એને, કરવું શું ?
મારું આ દુ:ખ બાંટું કોને એ તો કો’ !

મનનો મૂંઝારો મનમાં કયાં લગ રાખું ?
હાક-છીંક થઈ છાંટું કોને એ તો કો’ !

ડફણાં ખાઈનેજ પછી કૈં સમજું છું,
જોરદાર દઉં પાટું કોને એ તો કો’ !

દાઝ્યાં ઉપર ડામ દઈને ફૂંકો દઉં,
આ હંધુયે હા’ટુ કોને એ તો કો’ !

અમથાં અમથાં અથડાવાનું, એમાં શું ?
અંધારામાં આંટું કોને એ તો કો’ !

– પંચમ શુક્લ

આ ગઝલ મોકલવા માટે પંચમ શુક્લનો ખૂબ આભાર. એમની વધારે કૃતિઓ એમના વેબપેજ પર માણી શકો છો.

Comments (4)

પાંદડી વાયરાને વળગી શું કામ ? -પન્ના નાયક

પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
            ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

-પન્ના નાયક

Comments (2)

તને મેં ઝંખી છે- – સુન્દરમ

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !

Comments (6)

વિશ્વમાનવી -ઉમાશંકર જોશી

ગુજરાતી સાહિત્ય પરિષદનું સન 1983-84નું સત્ર સૂરતમાં ભરાયેલું. એ વખતે ઉમાશંકર જોશીને પહેલી વાર જોવા-સાંભળવાનો અવસર મળેલો. બપોરના સમયે એ જમવા માટે બહાર નીકળતા હતા ત્યારે એમને autograph કરી આપવા વિનંતી કરી. એ વખતે ઉમાશંકર ઉતાવળમાં હતા એટલે એમણે autograph book સાથે લઈ લીધી. બપોર પછી એમને મળવા ગયો તો એમણે autograph book તૈયાર રાખેલી. એમની સહી સાથે એમણે આ પંક્તિ ટાંકેલી –

(ઉમાશંકરે ભૂલથી 1-1-83 તારીખ લખી છે. સાલ ’83 લખી છે તે ખરેખર ’84 હોવી જોઈએ.)

આજે ઉમાશંકરની એ જ અમર રચના માણીએ.

વિશ્વમાનવી

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

Comments (4)

સગપણ કયાં છે ? – પ્રબોધ જોશી

અમે મોર હોઈએ તો –
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું –
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

-પ્રબોધ જોશી

Comments

સ્વતંત્રતા દિવસ મુબારક !

આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રસ્તૃત છે – રાષ્ટ્ર્ગાન અને રાષ્ટ્ર્ગીત. સાથે જ પેશ છે ભરતીયોના હૈયામાં સમોવડું સ્થાન ધરાવતું ગીત – સારે જહાઁ સે અચ્છા. આ સાથે માણવા જેવી હકીકત – રવિબાબુએ માત્ર ભારતનું જ નહીં, બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત – આમાર સોનાર બાંગલા પણ રચેલું છે.

जन गण मन

जन गण मन अधिनायक जय हे
भारत भाग्यविधाता
पंजाब सिन्धु गुजरात मराठा
द्राविड़ उत्कल बंग
विन्ध्य हिमाचल यमुना गंगा
उच्छल जलधि तरंग
तव शुभ नामे जागे
तव शुभ आशिष मांगे
गाहे तव जयगाथा
जन गण मंगलदायक जय हे
भारत भाग्यविधाता
जय हे, जय हे, जय हे जय जय जय जय हे!

-रवींद्रनाथ टागोर

सारे जहाँ से अच्छा……

सारे जहाँ से अच्छा, हिन्दुस्तां हमारा
हम बुलबले है उसकी वो गुलसितां हमारा
परबत वो सबसे ऊँचा, हमसाया आसमां का
वो सन्तरी हमारा, वो पासबां हमारा
गोदी मे खेलती है, उसकी हजारो नदियाँ
गुलशन है उसके दम से, रश्क ए जिनां हमारा
मजहब नही सिखाता, आपस मे बैर रखना
हिन्दी है हम, वतन है हिन्दोस्तां हमारा
सारे जहाँ से अच्छा, हिन्दुस्तां हमारा

-इकबाल

वन्दे मातरम्

वन्दे मातरम्। वन्दे मातरम्॥
सुजलाम्, सुफलाम्, मलयजशीतलाम्
सस्यश्यामलाम्, मातरम्।
वन्दे मातरम्। वन्दे मातरम्॥
शुभ्रज्यॊत्स्नापुलकितयामिनीम्,
फुल्लकुसुमित द्रुमदल शॊभिनीम्
सुहासिनीम्, सुमधुरभाषिणीम्,
सुखदाम्, वरदाम्, मातरम्

वन्दे मातरम्।

कॊटीकॊटी कंठ कलकलनिनाद करलॆ
कॊटीकॊटी भुजैर्धृत करकरवालॆ
अबला कॆ न मा ऎतॊ बलॆ
बहुबलधारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम्

वन्दे मातरम्।

त्वम् हि दुर्गा दशप्रहरणधारिणीम्
कमला कमलदलविहारिणीम्
वाणीविद्यादायिनीम्
नममि त्वाम्! नमामि कमलाम्,
अमलाम् अतुलाम् सुजलाम् सुफलाम् मातरम्
श्यामलाम् सरलाम् सुस्मिताम् भूषिताम्
धारिणीम् भरणीम् मातरम्

वन्दे मातरम्।

-बंकिमचंद्र चॅटर्जी

Comments (1)

કોઈ હથોડી છે? -ઉદયન ઠકકર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

ઉદયન ઠક્કરની આ નાનકડી નટખટ ગઝલ મારી પ્રિય ગઝલ છે. પહેલો અને છેલ્લો એ બન્ને તો ખ્યાતનામ શેર છે. ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી. (કદાચ એનો વધારે અર્થ સમજવાની જરુર જ નથી ?! )

Comments (5)

રુબાઈયાત -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

Comments (5)

ઓપરેશન પહેલાંની રાત -વિપિન પરીખ

રીટા મને કહે , ‘થોડીક વાર સૂઈ જતા હો તો?
ખોટી ખોટી ચિંતા ન કરો.
ઈશ્વર ઉપર ભરોસો રાખો. રામનામ લો.
બધાં સારાં વાના થશે.’

હું હસતાં જવાબ આપું છું,
‘હું ક્યાં ચિંતા કરું છું?
તું ચિંતા કરે છે.
તું કેમ સૂતી નથી?
મને તો શ્રધ્ધા છે
જે પરમ સત્તા આપણને આંગળી પકડી
અહીં સુધી લાવી છે
તે આપણો હાથ છોડી નહીં દે.’

એકમેકને ઠપકો આપતી
અમારી વાતો સાંભળીને
સૂરજ ખૂબ વહેલો ઊઠી ગયો.
લાલ આંખ કરીને કહે,
‘તમે બંને અંધશ્રદ્ધાળુ છો ને
બીજાને સૂવા પણ નથી દેતા.’

હું એને ઠંડો પાડતાં કહું છું,
‘તું માણસ હોત તો તને ખબર પડત !’

-વિપિન પરીખ
(કોફી હાઉસ)

Comments (2)

આભાસી મૃત્યુનું ગીત -રાવજી પટેલ

મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા,
શગને સંકોરો રે
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા,
ડૂબ્યાં અલકાતાં રાજ,
ડૂબ્યાં મલકાતાં કાજ,
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં,
અડધા બોલે ઝાલ્યો,
અડધો ઝાંઝરેથી ઝાલ્યો;
મને વાગે સજીવી હળવાશ !

-રાવજી પટેલ

Comments (5)

રાહ જોઉં છું – હેમેન શાહ

ચહલપહલની રાહ જોઉં છું
ક્યાં કોઈ હલની રાહ જોઉં છું ?

તારા શરમાતા ચહેરા પર
નવી ગઝલની રાહ જોઉં છું

આંખોથી અથડાતા લોકો
એક શકલની રાહ જોઉં છું

વર્ષાનાં છે વળતાં પાણી
તેજ અસલની રાહ જોઉં છું

-હેમેન શાહ

Comments

ન કર -‘ખલીલ’ ધનતેજવી

સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર

લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર

આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

-‘ખલીલ’ ધનતેજવી

આખી ગઝલ કરતા છેલ્લાં શેરનો સ્વર અલગ છે. ગોટાળા ન કર – જેવો રોજબરોજનો શબ્દપ્રયોગ ગઝલમાં પહેલી નજરે અડવો લાગે છે. પણ એ જ શેર તાજગીસભર અને ગણગણવાનું મન થાય એવો પણ લાગે છે. આવી પંક્તિ જોઈએ ત્યારે લાગે કે કવિતામા કોઈ નિયમ નથી, મનને રુચે તે કવિતા !

Comments (5)

મને ખ્યાલ પણ નથી -હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

Comments (4)

ખોટ વર્તાયા કરે -‘ગની’ દહીંવાલા

જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

-‘ગની’ દહીંવાલા

Comments (2)

કાલે- -સુરેશ હ. જોશી

કદાચ હું કાલે નહિ હોઉં.

કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળ
હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે.

કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરનાં ચૂરેચૂરા કરવા બાકી છે.

કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.

કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટવી બાકી છે.

કદાચ હું કાલે નહિ હોઉં.

-સુરેશ હ. જોશી

Comments (4)

કન્યા-વિદાય -અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે-

પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;
પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

Comments (26)

આપો મને ખબર -નયન દેસાઈ

આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું
રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું

-નયન દેસાઈ

Comments (1)

-તો આવ્યાં કને

શોધતો  હતો ફૂલ ને ફોરમ  શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
          એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
       પોયણા જેવી રાત.

શોધતો રહ્યો  ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.  

આંખ મીંચું ત્યાં
          જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
          વ્યોમની કિરણ-ઝૂલ. 

શોધતો  જેની  પગલી  એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

– ચંદ્રકાંત શેઠ

Comments (1)

અલ્લાહ !

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે તારી જગા એ જીભ પર
હવે એનું નામ આવ્યું છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે લોકો કહે છે
મારી તકદીરના ઘરેથી
મારો પયગામ આવ્યો છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ નસીબ ધરતીનું
કે એના સૌંદર્યની લીલા તમામને
ખુદાની એક સલામ આવી છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ દિવસ મુબારક છે
કે મારી જાત પર
હવે ઈશ્કનો આરોપ આવ્યો છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
નજર પણ ચકિત છે
કે આજે મારા રસ્તામાં
આ કેવો મુકામ આવ્યો છે.

-અમૃતા પ્રીતમ

Comments

રસ્તા વસંતના

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !

મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !

મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઉડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

-મનોજ ખંડેરિયા

Comments (2)

સાંભળો સુરેશ દલાલ વર્ષા અડલજાની રચનાઓ એમના પોતાના કંઠેથી!


સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ હેઠળ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે ભારતીય સાહીત્યકારોની રચનાઓ એમના પોતાના અવાજમાં રેકોર્ડ કરીને વેબ પર મૂકી છે. ગુજરાતીના બે સાહીત્યકારનો સમાવેશ કરાયો છે – સુરેશ દલાલ (પધ્ય) અને વર્ષા અડલજા (ગ્ધ્ય). સુરેશ દલાલ અને વર્ષા અડલજાની રચનાઓ એમના પોતાના કંઠેથી સાંભળવી એ અમૂલ્ય લહાવો અહીં ઘરબેઠા માણી આનંદ થઈ ગયો. ભારતની બીજી અનેક ભષાઓના ખ્યાતનામ કવિઓની રચનાઓ પણ આ સાઈટ પર ઉપલબ્ધ છે.
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ : ગુજરાતી પેજ
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ વિષે વધુ માહિતી

Comments