પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2018

ૐકાર સ્વરસાત – તુષાર શુક્લ

ૐકાર સ્વરસાત, લયલીન દિનરાત
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.

અલૌકિક પ્રકાશે, ઊઘડતું સ્વરાકાશ
ઉમંગે તરંગાતું નમણું ચિદાકાશ
શિવમ્ સુંદરમ્ સત્ય રૂપે તું સાક્ષાત….
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.

આ કલકલતાં વારિ ને મર્મરતો વાયુ
આ તણખામાં તડતડતો ભડભડતો અગ્નિ
અને વીજમાંથી આ વૃક્ષો થઈને
પ્રકંપિત ઉમંગે આ રમણીય ધરતી
જે પંચભૂતોમાં વિલસે છે સ્વર સાત
સઘળાં આ સ્વરથી સુગંધિત છે આકાશ….
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.

આ મંદિર ને મસ્જિદ, ગુરુદ્વારા, દેવળ
છે સ્વરમગ્ન સઘળાં, છે સ્વરસિદ્ધ કેવળ
અહમ્ ઓગળે વિસ્તરે સંઘશક્તિ
આ શબ્દોનાં પંખીને અર્થોનું આકાશ
આ કલરવના પર્ણોમાં મર્મરતી હળવાશ
શિવમ્ સુંદરમ્ સત્યરૂપે તું સાક્ષાત
શ્રુતિ સ્વરની ગંગાને શત શત પ્રણિપાત.

  • – તુષાર શુક્લ

કવિશ્રીને પ્રત્યક્ષ મળવાનું થયું તાજેતરમાં. તેઓની સરળતા અને સહજ નિરહંકારી જ્ઞાન બંને સ્પર્શી ગયા. આ અણીશુદ્ધ કાવ્ય તેઓની પ્રતિભાને સુપેરે વ્યાખ્યાયિત કરે છે. સ્વરને-શબ્દને-મા સરસ્વતીને વંદનાની રચનાને કોઈ ગાયક કંઠ આપે તો અદભૂત ખીલી ઊઠે…..

Comments (4)

રાત અને મૃત્યુ – જોસેફ બ્લેન્કો વાઇટ (અનુ. વિવેક મનહર ટેલર)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું જે ઘડીએ
તારા વિશે પ્રથમ જ અને નામ સુણ્યું હશે જ્યાં
કાંપી ઊઠ્યો શું નહિ જ હશે દૃશ્ય એ નીરખી આ-
ભવ્યાતિભવ્ય છત અજવાળી અને આસમાની?

તોયે લો! ઝાકળ યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહા જ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
ને દેખો! સર્જન મનુજની દૃષ્ટિમાં વિસ્તર્યું ત્યાં

વિચારી શું શકત કદીયે કોઈ, ઓ સૂર્ય! કેવું
છૂપાયું છે તિમિર કિરણોમાં, અને જંતુ, માખી,
પર્ણો છે દૃષ્ટિ મહીં પણ તેં અંધ કીધા અમોને
કેવા આવા અગણિત ગ્રહો રત્નની હાજરીથી!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)

જેમ દિવસના ભરઅજવાળામાં પણ આકાશમાં તારાઓનું અસ્તિત્વ છે જ, બરાબર એ જ રીતે જીવનના અજવાળાના કારણે ભલે આપણે જોઈ શકતા નથી પણ મૃત્યુ તો છે જ. મૃત્યુ ચોવીસ કલાક આપણી સાથે ને સાથે જ છે, માત્ર જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ જ શકતા નથી.

ક્યારેક કળાકારની કોઈ એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ જતી હોય છે. આ સૉનેટને પણ આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. આ સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે જોસેફ બ્લેન્કો વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું.

Night and death

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?

Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!

Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White

Comments (5)

સ્થૈર્ય – દિનેશ મોદી

(પૃથ્વી)

મકાન, ઘર, માણસો સકલ નષ્ટ સૃષ્ટિ જ્યમ!
ભૂકંપ! કશું સ્થિર ના; હલબલે સ્વયં જ્યાં ક્ષણો!
દીસે પ્રકૃતિ-રાજ્ઞી પૂર્ણ-જયી, માનવી પામર-
મહાત? કદી જીતશે મનુજ ઈશ-પ્રકૃતિને?
ભૂકંપ, કરી પૂર્ણ ધ્વંસ, જયી-હાસ્ય સાથે જહીં
દીસે પૂછંત, ‘…કોઈ વા કશું રહ્યું નથી ને બાકી…?!’

– તહીં અકળ અસ્થિરે સ્થિર કશુંક ભાળું જહીં
વિનાશ-તિમિરે રહ્યું ચમકી- કૈં ન જાણે પડી:
પરોપકૃતિ, માણસાઈ, કરુણા અહીં વર્ષતાં!
સહાનુભૂતિ ને ઉદાર-સહકાર રેલાય હ્યાં…
-અહો! અકળ, સર્વશક્ત જ ભૂકંપ છો વ્યાપક-
અબાધિત જ ધ્વંસ-શક્તિ પર આટલો અંકુશ!

ધરા-પ્રકૃતિ ના શકે ધ્રુજવી ભાવના શુભ, તો
અજેય બસ! માનવી; પ્રકૃતિ વિજયી પૂર્ણ ના…

– દિનેશ મોદી

પ્રકૃતિની વિનાશક તાકાત સામે મનુષ્યની હેસિયત શું? ભૂકંપનો એક આંચકો આવે એટલે ઘર-બાર, ઝાડ-પાન, માણસો- બધું જ ધૂળમાં મળી જાય. શું મનુષ્ય કદી ઈશ્વરને, પ્રકૃતિને જીતી શકવા સમર્થ થશે ખરો? પહેલાં ષટકમાં આ પ્રશ્ન ઊભો કરી કવિ બીજા ષટકમાં મનુષ્યમાં રહેલા પરોપકાર, માણસાઈ, કરુણા જેવા સદગુણોની વાત કરે છે, જેને પ્રકૃતિના કોઈ પરિબળ મિટાવી શકતાં નથી. પ્રકૃતિ મનુષ્યની શુભ ભાવનાને ધ્રુજાવી પણ શકતી નથી એ અર્થમાં માનવી અજેય છે અને પ્રકૃતિ પૂર્ણ વિજયી નથી જ નથી…

સૉનેટની પારંપારિક ભારઝલ્લી ગુજરાતી ભાષા અને બિનજરૂરી વિરામચિહ્નોની ભરમાર કવિતાની ગતિમાં ખલેલ પહોંચાડે છે એ ટાળી શકાયું હોત તો કૃતિ વધુ આસ્વાદ્ય બની શકી હોત.

Comments (1)

હાઈકુ – ઉષા મોદી

વૃક્ષ લીલેરું
શોભતું વધુ, પર્ણ
પીળાં બે થકી

પંથે કંટક;
વગડો મ્હેકે- કેમ
પ્હોંચવું ઘરે?

જ્યોત દીવડે
ડોલે; હલે પ્રકાશ;
સ્થિર અંધારું

તડકો પડે,
પાન ખરે; ડાળીઓ
હસે નિસ્તેજ

કોટિ આગિયા
પ્રકાશ મેળવવા
ચાંદાને ગોતે

ડાયરી ભરી
લીટાથી : સરવાળો
માંડ્યો તો શૂન્ય

– ઉષા મોદી

જીવનમાં વચ્ચે વચ્ચે નાનું-મોટું દુઃખ ન આવે તો સુખની કિંમત શી રીતે સમજાય?

જીવનનો રાહ મુસીબતોથી ભર્યો પડ્યો છે ને પ્રલોભનોનો પાર નથી, મંઝિલે પહોંચવું શી રીતે?

અંધારું શાશ્વત છે, સનાતન છે એટલે એ સ્થિર છે. પ્રકાશ હંગામી છે એટલે ચંચળ છે.

ઉનાળાનો તાપ પ્રકૃતિને નિર્વસ્ત્ર કરે ત્યારે ઝાડ પણ બોખા મોઢે હસતું હોય એમ નિસ્તેજ ભાસે છે.

આકાશમાં તારા ભલે કરોડો હોય, અમાસની રાતે ચાંદાની ગેરહાજરીમાં પ્રકાશ પાથરી શકતા નથી.

જીવનની ડાયરીમાં ગમે એટલું લખ-ભૂંસ કરતા રહીએ, સરવાળો તો અંતે શૂન્ય છે.

Comments

હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

-રાજેન્દ્ર શુક્લ

અંગત રીતે મને આ પ્રકારની રચના આકર્ષતી નથી. પણ આ રચનામાં એક નખશીખ સચ્ચાઈ છલકે છે. કવિ ખરેખર ગિરનારમાં ઓતપ્રોત છે…..એકરૂપ છે…..

Comments (3)

– એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ

મેં તો આપ્યું’તું તને મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ
ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે
મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે
મેં તો સત્ય આપ્યું,
ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
– એમાં મારો શું વાંક?

મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં
પણ ચરણોને બેડી તેં બાંધી દીધી,
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ
પણ બાગમાં તેં રણ ને આંધી કીધી
મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે
– એમાં મારો શું વાંક?

– સુરેશ દલાલ

 

એકદમ મુદ્દાની વાત !!!!!

Comments (3)

પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ (અનુ. વિવેક મનહર ટેલર)

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જે એણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે—હું શું નહીં સાંભળું જ્યારે હું ફરીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
દોરવાય છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(જમીનમાં એટલે ઊંડે દટાયું છે કે મૂળ કહી શકાય—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—કોણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજા કોઈમાં વિકસીને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

આપણે ભલે ‘મા તે મા, બીજા વગડાના વા’ કેમ કહેતાં ન હોઈએ પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક પોતાના સંતાનને એમ કહી બેસે છે, કે આના કરતાં તો તને જન્મ જ ન આપ્યો હોત તો સારું હતું કે આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. ટીસી ટૉલ્બર્ટ-અમેરિકના આ ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર કવિનું જન્મજાત નામ મલિસા હતું. આજે એ પોતાની જાતને S/he કહીને સંબોધે છે. આ કવિતા કૌંસ બહાર આવું-આવું કરતા/તી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના છે. આમ જોઈએ તો આખી કવિતામાં શીર્ષકથી લઈને અંત સુધી એક નાનકડું વાક્ય જ છે: પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત. બસ! કવિતાનું શીર્ષક કવિતાનો જ એક ભાગ પણ છે શીર્ષકથી જ કવિતાની શરૂઆત થાય છે. પણ આ એક વાક્યની વચ્ચે-વચ્ચે બે વાર કૌંસની વચ્ચે જે સ્વગતોક્તિ આવે છે એ માના આ પ્રલાપની વચ્ચે-વચ્ચે મલિસાએ પોતાની જાતની ટુકડા-ટુકડામાં કરેલી અભિવ્યક્ત છે. મા ખુદ ઊઠીને સંતાનના અસ્તિત્વના આગમન સામે નાદારી નોંધાવે ત્યારે સંતાનના મનમાં કેવા ત્સુનામી ઊઠતા હશે? આ કવિતા આ ત્સુનામીની પહડકાય લહેરો છે, બસ…

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

Comments (1)

(કાળિયું કાઢીને હવે…) – વિરલ દેસાઈ

કાળિયું કાઢીને હવે પાનેતર પહેરું તો ઊંડા ઊતરી જાશે ઘા,
મને બીજે ઘઘરાવશો ના, બા.

ખીલવાનું આવ્યું ત્યાં ખીલ્યાં’તાં જોડે,
હવે ખરવાનું આવ્યું તો ખરશું;
મારી આ જાત ઉપર ઝાંખપ લાગે,
જો હવે આ ભવમાં બે-બે ભવ કરશું

તડકી ને છાંયડી તો આવે ને જાય, બા! એનાથી ગભરાઈશ ના,
કાળિયું ઓઢીને હવે જીવતર વેંઢારશું, મને બીજે ના ઘરઘાવશો બા..

– વિરલ દેસાઈ

મોટાભાગે ગીતમાં એકાધિક અંતરા જોવા મળે છે એવામાં એક અંતરાના આ ગીતે સહજ આશ્ચર્ય જન્માવ્યું. ઘઘરવું અને ઘરઘરવું શબ્દો સાથે પહેલવહેલો પરિચય થયો. મુખડાની પંક્તિમાં જ નજીવા ફેરફાર સાથે અંતિમ પંક્તિમાં ધારી ચોટ જન્માવવાની સફળ પ્રયુક્તિ પણ ગમી. પતિનું છત્ર ગુમાવ્યા પછી એકલી પડી ગયેલી દીકરીને મા પુનર્લગ્ન માટે મનાવે છે પણ દીકરી નસીબમાં જે તડકી-છાંયડી આવી છે એને જે સહજતાથી સ્વીકારે છે અને સ્વીકારવા દેવા માટે માને સમજાવે છે એ વાત એવી મજાની રીતે રજૂ થઈ છે કે એક જ અંતરાનું હોવા છ્તાં ગીત ક્યાંય અધૂરું લાગતું નથી…

વિધવાવિવાહનો વિરોધ કરે છે એટલું ન ગમ્યું બાકી એક કૃતિ તરીકે ખૂબ મજાનો લય, અને નખશિખ સુંદર રચના.

(ઘઘરવું, ઘરઘરવું = નાતરે જવું)

Comments (14)

નથી બારણું ક્યાંય.. – રવીન્દ્ર પારેખ

નથી બારણું ક્યાંય પાછા જવાનું,
સ્મરણને ફક્ત દ્વાર છે આવવાનું.

ન આગળ વધ્યો તે તો તારી શરમથી,
વિચારો તો જાણે જ છે પહોંચવાનું.

અગર જ્યોત પણ નામ જોગી જ હો તો,
રહ્યું ક્યાં પછી દેખવા-દાઝવાનું?

નહીં પાડી શકશે તું બાકોરું એમાં,
રહ્યું છે સિલકમાં ફકત ઘર હવાનું.

ફૂલીને થશે ફાળકો કેમ કરતાં,
કરમમાં તો ફુગ્ગાના છે ફૂટવાનું.

મરણ બેવફાઈ કરે ના કદી પણ,
જીવન છે જે જાણે છે છોડી જવાનું.

ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.

– રવીન્દ્ર પારેખ

આમ તો આખી ગઝલ સરસ છે પણ પહેલો અને છેલ્લો શેર સવિશેષ સ્પર્શી ગયા…

‘લયસ્તરો’ના આંગણે ‘અરસપરસનું’ સંગ્રહ સાથે રવીન્દ્ર પારેખનું ફરી એકવાર સ્વાગત છે…

Comments (2)

ગધેડો – જી. કે. ચેસ્ટરટન (અનુ. વિવેક મનહર ટેલર)

મત્સ્ય ઊડે ને જંગલ ચાલે,
.            અંજીર ઊગે કાંટે,
મારો જનમ થયો છે નક્કી
.            રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
.            ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગાઓમાં મારી જ
.            ફિરકી લે શેતાન!

ભૂખે-કોરડે મારો,
.            કરો ઉપહાસ, હું છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
.            રાખું ગૂઢને ગૂઢ

મૂર્ખાઓ! મારોય વખત હતો,
.            મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
.            પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આ કવિતા જી. કે. ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે: વિરોધાભાસ,
વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોને ઉપાલંભ.

દુનિયા આખી તળેઉપર થઈ ગઈ હશે ત્યારે ગધેડાનો જન્મ થયો હશે. એ જાતે જ કહે છે કે હું મૂર્ખ છું, ધરતીનો ઉતાર છું. –આ રીતે ત્રીજા અંતરાની ત્રીજી પંક્તિ સુધી ગધેડો પોતાની જાતને ઊતારી પાડવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ આ ચેસ્ટરટનની કવિતા છે. એ તો વિરોધાભાસના સ્વામી હતા. એ કહે છે કે હું ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્યને રહસ્ય રાખતાં મને બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે તમને નથી આવડતું!) પોણી કવિતા સુધી જે પાઘડી એણે પોતાના માથે પહેરી એ તાત્કાલિક અસરથી હવે આપણને પહેરાવે છે. એ સીધું જ આપણને મૂર્ખાઓ કરીને સંબોધન કરે છે. કહે છે કે એનોય સમય હતો. ઈસ્ટર પહેલાંના રવિવારને ખ્રિસ્તીઓ ‘પામ સન્ડે’ તરીકે ઉજવે છે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે રવિવારે ઈસુની વિજેતા તરીકેની જેરુસલેમમાંની પધરામણીને વધાવી લીધી. સવારી કરવા માટે પોતાની જેમ જ ન્યાતબહાર હોય એવા પ્રાણીને ઈસુ પસંદ કરે છે. લોકો પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરે છે. ઈસુ પોતાને ઈઝરાઈલનો રાજા ઘોષિત કરે છે, બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવામાં આવે છે.

ચેસ્ટરટન ગધેડાને માધ્યમથી બનાવીને કહે છે એ વાત આપણે બધા પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

કોઈને ગધેડો કહેતાં પહેલાં બે ઘડી વિચારી લેજો: શું ખબર એની પીઠ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હોય!

*
The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton

Comments (2)

(સૂરજને છળે છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.

ઝાડ પર આવી અગર એકાદ ચકલી
ડાળખીનું જાણે કોઈ વ્રત ફળે છે.

આગ રાખીને હૃદયમા કોઈ જીવે,
તો વળી કોઈ બરફમાં પણ બળે છે.

હોય સુખ કે દુઃખ સદા હાજર હશે એ,
અશ્રુ થઈ અવસર બધે કેવાં ભળે છે!

જોઈને બિન્દાસ ‘રોશન’ને અહીંયા
દર્દ નાકેથી તરત પાછુ વળે છે

– કિરણ જોગીદાસ ‘રોશન’

સાવ સામાન્ય લાગતા દૃશ્ય પર પણ કવિની કલમ ફરે તો એ અભૂતપૂર્વ બની રહે છે. કવિતાની ખરી કમાલ જ એ છે કે એ રોજબરોજની વાતને, હજારો વાર કહેવાઈ ગયેલી વાતોને પણ સાવ નવા જ અંદાજમાં રજૂ કરી શકે છે. આ ગઝલ જુઓ… છે એવી કોઈ વાત જે આપણા માટે નવી હોય? પણ ખરી મજા જ અભિવ્યક્તિની છે. કવિ કઈ રીતે રુઢને અરુઢ બનાવી રજૂ કરે છે એની જ મજા છે. ભરબપોરે સૂરજ વાદળાંમાં ઢંકાઈ જાય અને તડકો ગાયબ થઈ જાય એ કેવી સામાન્ય બીના! પણ કવયિત્રીએ એને અહીં કેવી નવી જ રીતે પેશ કરી છે એ જુઓ…

Comments (3)

તે તમે છો? – હરિ શુક્લ

સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?

વાંસળી વાગી રહી છે વાંસવનમાં, સાંજના ઝાલર બજે મંદિરમાં, ને
રાતરાણીની સુગંધી પાછલા પ્હોરે મહેકાવી રહ્યા છો, તે તમે છો?

રાતભર તારાજડિત આકાશ શીતળ ચંદ્રની સાખે હતું પણ ત્યાં અચાનક
વીજળીના તીરથી વાદળને તાકી ભયને ફેલાવી રહ્યા છો, તે તમે છો?

આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?

આ હું ચાલ્યો ફૂલથી ખાંપણ સજાવી મિત્રોની ખાંધે ચડી મંઝિલ ભણી, ને
ધૂમ્રની સેરોની સાથે સાંઢ ઉપર બેસીને આવી રહ્યા છો, તે તમે છો?

– હરિ શુક્લ

આમ તો આ મુસલસલ ગઝલ છે પણ એની ગલીઓનું સરનામું કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની પાડોશનું હોવાની અનુભૂતિ થાય છે. સાથે જ સુન્દરમની અમર રચના ‘પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?’ પણ યાદ આવ્યા વિના ન રહે. લાંબી બહેરની આ ગઝલમાં ગઝલના પારંપારિક શબ્દોની ભરમારથી અલગ ઊઠીને કવિએ નિજી સંવેદનાસભર તાજા કલ્પનો આપીને મનોહર કવિકર્મ કર્યું છે. થોડી મુખર હોવા છતાંય સાવ નોખી જ ભાત ઉપસાવતી હોવાના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.

Comments (4)

સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

Comments

નવા મિત્રો અને જૂના મિત્રો – જોસેફ પેરી (અનુ. વિવેક મનહર ટેલર)

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.
નવી મિત્રતા નવી શરાબના જેવી જ છે અલબત્તા,
વયની સાથે વધુ ખીલે ને વધે સતત ગુણવત્તા.

ભાઈબંધી જે સમય અને પરિવર્તનની એરણ પર
ટકી શકી છે એ જ બધામાં છે સાચે સર્વોપર;
પડે કરચલી માથે, પળિયા ધોળા થાય ખચિત,
મૈત્રી ક્યારેય સડે નહીં ને થાય નહીં જર્જરિત.

કારણ કે જૂના ને જાણીતા યારોની વચ્ચે,
ફરી એકવાર તાજી થઈને એ જ યુવાની મળશે.
પણ અફસોસ! કે જૂના યારો એક દિવસ તો મરશે;
સ્થાન એમનું નવા નવા ભેરુએ જ ભરવું પડશે.

જૂની યારીનું જતન કરીને રાખો એ અંતરતમ-
નવી તો સારી જ છે પરંતુ જૂની છે સર્વોત્તમ.
દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

– જોસેફ પેરી
(અનુ. વિવેક મનહર ટેલર)

દોસ્તી એક જ એવો સંબંધ છે જે ભગવાનથીય મૂઠી ઊંચેરો છે કેમકે આ એક જ સંબંધ સંસારમાં સ્વાર્થથી પર હોઈ શકે છે. દોસ્તી એટલે ખજાનાનો એવો પેટારો જેમાં તમે જેટલો હાથ વધુ ઊંડો નાંખો, એટલા તમે તમને જ વધારે મેળવી શકો છો. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે. સમયની સાથે માણસ ઘરડો થાય છે, શરીરનો ક્ષય થાય છે પણ દોસ્તીનો ક્ષય થતો નથી. જૂના અને ચકાસેલા દોસ્તોનો સહવાસ જ આપણા ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી આપવા સમર્થ છે. દોસ્તી એટલે એવા ખભાનું સરનામું જ્યાં વગર ટિકિટે ટપાલ પોસ્ટ થઇ શકે, અને તોય એ ગેરવલ્લે ન જાય!

New Friends and Old Friends

Make new friends, but keep the old;
Those are silver, these are gold.
New-made friendships, like new wine,
Age will mellow and refine.

Friendships that have stood the test –
Time and change – are surely best;
Brow may wrinkle, hair grow gray,
Friendship never knows decay.

For ‘mid old friends, tried and true,
Once more we our youth renew.
But old friends, alas! may die,
New friends must their place supply.

Cherish friendship in your breast –
New is good, but old is best;
Make new friends, but keep the old;
Those are silver, these are gold.

– Joseph Parry

Comments (2)

અમે આટલે આવ્યાં ધીરે ચાલી – રઘુવીર ચૌધરી

અમે આટલે આવ્યાં ધીરે ચાલી
સવારના અજવાળે અમને ધૂળ ધરાની વહાલી.

શૈશવમાં સાબરનાં જળમાં ગતિ જોઈ હોડીની,
અમે કેળવી માયા રમતાં સારસની જોડીની,
ઝાકળમાં મોતીની આભા તુલસી પર શોધેલી,
પંખીના માળામાં છાયા આંબાની પોઢેલી,
અંધારે તારક સંગી- અમ આભ કદી ના ખાલી, અમે…

અંતરાય આવેલા અગણિત બહારથી અંદરથી,
અમે કોઈને જાકારો ના દીધ નાનકા ઘરથી,
મારું તારું કે ઉધારનું – ખરાખરી ના ગમતી,
દુ:ખની પળમાં સુખની યાદે પાંપણ ભીની નમતી,
આજ આપણી કાલ પ્રભુની એની કૃપા નિરાલી,
અમે આટલે આવ્યાં ધીરે ચાલી.

(સહજીવનની અડધી સદીએ)
– રઘુવીર ચૌધરી

લગ્નજીવનની પચાસમી વર્ષગાંઠે કવિ કેવું મજાનું ગીત આપે છે!

Comments (2)

કોની તમન્ના – શેખાદમ આબુવાલા

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી

ભૂલી ગયો છું એમ તો દુનિયાનાં ઘર તમામ
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજી

કેવી રીતે હું લાશ બની નીકળ્યો હતો
શોધી રહ્યો છું એની ગલીમાં કબર હજી

હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ
મારી નજરમાં કેમ છે એની નજર હજી

તરડે છે કેમ આયનો મારા વિચારનો
વરતાય છે આ કોના વદનની અસર હજી

ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી

ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી

– શેખાદમ આબુવાલા

પરંપરાના શાયરોમાં કંઈક એવી વાત હતી જે કારણોસર એમની કૃતિઓ સમયાતીત બની રહી છે… જ્યારે પણ મમળાવીએ, મજા જ આવે.

Comments (1)

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

હોઇશ કઈ દશામાં – મને પણ ખબર નથી
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને

ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી
આંસુ બનાવી આંખથી તું સારજે મને

સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને

– ભગવતીકુમાર શર્મા

જો દેવદાસ positive thinking ધરાવતી વ્યક્તિ હોતે તો તેણે આ ગઝલ પારોને સંભળાવી હોતે……

Comments (4)

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

– ભરત વિંઝુડા

આ શાયરને સાંભળવા એ એક લ્હાવો છે…..એકદમ expressionless સપાટ ધીમા અવાજે વાંચન કરે અને આપણે કાન એકદમ સરવા રાખીને સાંભળીએ તો જ સંભળાય….સરળ ભાષા એમની લાક્ષણિકતા છે. ઘણીવાર એમની સરળતા છેતરામણી પણ હોય છે….ઉદાહરણ રૂપે બીજો શેર જુઓ !

Comments (7)