વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for June, 2014
June 30, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે .
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું.
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારીવાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને
કરગરે છે, એને લઇ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.
– મનીષા જોશી
વ્યવહારના નામે અંતરાત્માને મારી નાખીને જીવતા માણસની આ વાત છે. સચ્ચાઈનું ગળું ઘોંટીને ‘વ્યવહારિક જીવનમાં તો આમ જ જીવાય’ – જેવી આત્મવંચનાના ઓઠા હેઠળ હું જીવું છું એટલે મને આ વાત મારી જ કથા લાગે છે…….
Permalink
June 29, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મહેશ દવે, રોબર્ટ આર્કેમબિઉ
ફક્ત એની બાંયો પર જ પહેરી રાખે છે
સચ્ચાઈને આ નવી કવિતા .
[ જલ્દી ખંખેરી નખાય કે બદલી શકાય ને ? ]
એ લખનારો કોઈ માડીનો જાયો
એના એકેય શબદમાં માનતો નથી.
જરા વિચાર તો કરો. એમાંનો એકેય શબદ એણે લખ્યો જ નથી.
એ શબ્દ ક્યાંકની ઉઠાંતરી છે, કે ક્યાંકની કાપેલી કાપલી છે.
કે ક્યાંકથી ચોંટાડેલી ચબરખી છે,
ક્રિયા-પ્રક્રિયામાંથી
પસાર કરેલી સામગ્રી છે,મશીનમાં ઠોકઠાક કરી
ઠીકઠાક કરેલો છે, નવા હેતુ માટે યોજ્યો છે, ઊલ્ટી
કરી ફરી બહાર કાઢ્યો છે કે મુક્ત રીતે વિહરતા
ભાષાના સમૂહમાંથી ફરી ઘડ્યો છે-ત્યાં
ઊભો છે એ એને કવિતામાં કંડારવાની ભીખ માગતો.
– રોબર્ટ આર્કેમબિઉ અનુ.- મહેશ દવે
ઉમાશંકર જોષીએ કહ્યું હતું – ” જે સત્યજ્ન્ય અધિકારથી બાપુ [ ગાંધીજી ] એમ કહી શકે છે કે ‘ મારું જીવન એ જ મારો સંદેશ ‘ એ રીતે આત્મા પર હાથ રાખીને હું એમ જયારે કહી શકીશ કે ‘ મારું જીવન એ જ મારું કવન અને મારું કવન એ જ મારું જીવન ‘ ત્યારે હું સાચો કવિ. ”
ઉઠાંતરીની જે વાત છે તે કેવળ શબ્દો કે શૈલીની ઉઠાંતરીની વાત નથી. એવા અસંખ્ય ઉદાહરણો મળે કે જ્યાં વ્યક્તિનું સર્જન અને વ્યક્તિ પોતે એટલાં બધા ભિન્ન હોય કે ત્યારે એમ ચોક્કસ લાગે કે સર્જનમાંના શબ્દો આ consciousness માંથી તો બહાર કદાપિ ન જ આવ્યા હોઈ શકે. કાવ્ય લખવું એ એક વાત છે અને કાવ્ય પ્રકટવું- કાવ્ય સર્જાવું – કાવ્ય અંદરથી બહાર આવવું એ તદ્દન ભિન્ન વાત છે…..
Permalink
June 28, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
શરીરાઈને ગહન કરી લઉં પરથમ પ્હેલાં !
સબદ ! હું નખશિખ સ્મરન કરી લઉં પરથમ પ્હેલાં !
કાગળ ! તારું શમન કરી લઉં પરથમ પ્હેલાં !
કલમમાં હોમોહવન કરી લઉં પરથમ પ્હેલાં !
ખુશબૂ ખુશબૂ ઇજન કરી લઉં પરથમ પ્હેલાં !
કળી કળી પર લિખન કરી લઉં પરથમ પ્હેલાં !
એક તરફ છે અચરજ ને બીજા પલ્લામાં…
ગઝલ મૂકું ને વજન કરી લઉં પરથમ પ્હેલાં !
પછી આળખું પાંખડીઓ પર ટશર સખીની…
પતંગિયાનું સ્તવન કરી લઉં પરથમ પ્હેલાં !
ઝાકળના જરિયનમાં ઝિલમિલ ગઝલમોહિની…
સવ્વાવ્હાલથી શુકન કરી લઉં પરથમ પ્હેલાં !
પછી અખા સોનીની એ ડેલી રણકાવું…
સુવર્ણમાં રણઝણન કરી લઉં પરથમ પ્હેલાં !
સબદીઘાટીમાં જ ગઝલટંકાર કરી લઉં…
લલિતાસુરનું હનન કરી લઉં પરથમ પ્હેલાં !
– લલિત ત્રિવેદી
ગઝલ વિશેની ગઝલો તો આપણે અવારનવાર વાંચતા જ રહીએ છીએ પણ આ ગઝલ પર આંગળી મૂકતાવેંત સમજી જવાય કે આ જરા ‘હટ કે’ ગઝલ છે. જાતને ઊંડી કરીને શબ્દનું સ્મરણ (ગણેશની જેમ) કરીને કવિ ગઝલ કરવાની વાત આદરે છે. સખીવાળો શેર વાંચીએ તો એમ લાગે કે આખી ગઝલના બધા શેર ગઝલ વિશેના છે એમાં આ આગંતુક શેર ક્યાંથી આવી ચડ્યો? પણ તરત યાદ આવે કે ગઝલની તો વ્યાખ્યામાં જ પ્રિયતમા-સખી સામેલ છે. અને અંતે હલ્દીઘાટીના યુદ્ધ પરથી કવિ સબદીઘાટી શબ્દ ‘કોઇન’ કરીને કવિ કમાલ કરે છે અને પોતાના ‘હું’નું હનન કરવા માટે પોતાના નામ લલિત પરથી કવિ ‘લલિતાસુર’ સર્જે છે એ ગઝલની પરાકાષ્ઠા છે.
Permalink
June 27, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
અશ્રુઓના ડાઘને જોતો રહ્યો,
હું ઠરેલી આગને જોતો રહ્યો.
વ્યર્થ હો બાકી બધું નિહાળવું,
એવી રીતે આભને જોતો રહ્યો !
આપવાની હો તું ગુલદસ્તો મને,
એમ તારા હાથને જોતો રહ્યો.
ધૂળિયો મારગ મને રોકી ન લે,
દૂરથી બસ ગામને જોતો રહ્યો.
જાણે લાગી હોય મારી ભીતરે,
એવી રીતે આગને જોતો રહ્યો.
ઊતરીને આવવાની હોય તું,
એમ અપલક ચાંદને જોતો રહ્યો !
મ્હેંકતા શબ્દો હતા સામે ઘણાં,
હું તો તારા નામને જોતો રહ્યો !
કોઈનીયે સ્હેજ પણ પરવા વગર,
આજ તારા ભાલને જોતો રહ્યો.
– રાકેશ હાંસલિયા
મનનીય રચના…
Permalink
June 26, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હનિફ રાજા
છે અત્ર-તત્ર મિત્ર, પ્રણયનાં જ ચિત્ર જો,
ઋતુ જ જાણે થઈ ગઈ છે પ્રેમપત્ર જો !
વીખરાયેલાં હવામાં ગુલાબો સહસ્ત્ર જો,
પ્હેરી પવન વહે છે પરિમલનાં વસ્ત્ર જો !
જાજમ છે લીલાં ઘાસની રસ્તે વસંતનાં,
માથે ધરે છે વહાલથી કેસૂડાં છત્ર જો.
નેત્રોય સૂર્ય-ચંદ્રનાં વિસ્મિત છે આભમાં,
પાલવ વસુંધરાનો ચૂમે છે નક્ષત્ર જો.
કેવી રીતે જિતાય છે હૈયાની સલ્તનત,
હુમલો કરે છે કઈ રીતે નયણોનાં શસ્ત્ર જો !
ભજવે છે પવન પાત્ર અહીં મેઘદૂતનું,
પુષ્પો લખી સુગંધની લિપિમાં પત્ર જો.
સર્વત્ર છે વસંતનાં ઉત્સવની ઉજવણી,
ઉલ્લાસનું, ઉમંગનું બેઠું છે સત્ર જો.
મારી ગઝલ વસંતનો પમરાટ છે ‘હનિફ’,
અસ્તિત્વ મારું થઈ ગયું છે ઈત્ર-ઈત્ર જો.
– હનિફ રાજા
મજાની ગઝલ… પવન ખુશબૂના કપડાં પહેરીને મ્હાલતો હોય એ કારણે હવામાં જાણે હજારો ગુલાબ વિખરાયેલાં ન હોય એ ચિત્ર તો અદભુત થયું છે. જો કે “નક્ષત્ર” કાફિયામાં કવિ છંદ ચૂકી ગયા છે એ ન ગમ્યું.
Permalink
June 24, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?
મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?
આપશ્રી ક્યાં….
મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યે મને તારામાં ગોતી દે એકાદી લીલીછમ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….
મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….
– કૃષ્ણ દવે
આ વખતે વાદળો રૂઠયા છે……. મનાવ્યા માનતા નથી……
Permalink
June 23, 2014 at 9:21 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !
શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર !
છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર !
પુષ્પ છું પરવા નથી શણગારની
ફક્ત ફોરમ આપ તું ઝાકળ વગર !
આભને પણ છે વિચારોનાં દુઃખો
ક્યાં રહે પળવાર એ વાદળ વગર !
એક એવા રણ વિષે કલ્પી જુઓ
દોડવાનું હોય જ્યાં મૃગજળ વગર !
પૂર્ણતા પુરવાર કરવા શું કરે !
દ્વારને હોવું મળે સાંકળ વગર !
વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
હાથ, શાહી કે કલમ, કાગળ વગર !
– ગૌરાંગ ઠાકર
Permalink
June 21, 2014 at 12:30 AM by વિવેક · Filed under ભક્તિપદ, લલ્લા, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि मु चू मि मिलो ना जाना
चू कु मु कु क्यों सन्देह् ॥
– लल्ला
નાથ ! ન જાણું, હું છું કોણ ?
ચાહ્યા કીધો મેં સદા આ કુદેહ,
તું હું, હું તું, આ મેળથી અજાણ,
તું કોણ ? હું કોણ ? શો સંદેહ ?
– લલ્લા
અનુ. વિવેક મનહર ટેલર
*
લલ્લા કહો કે લાલ દીદ… ચૌદમી સદીના અંત ભાગમાં પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી અર્ધનગ્ન વણજારણ સાધ્વી અને કવયિત્રી યોગિની હતી… શૈવ પંથની પ્રચારક. એના વિશે વધુ જાણકારી નથી પણ એવું કહેવાય છે કે એની સાસુએ એને ત્રાસ આપી આપીને ઘરમાંથી ખદેડી કાઢી એ પછી એણે વણજારાની જિંદગી અપનાવી હતી. રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. જેમ આપને ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે.
अहम ब्रह्मास्मि । – એ આ કાવ્યનો પ્રધાન સૂર છે. હું કોણ છું નો સનાતન પ્રશ્ન લલ્લા પણ ઊઠાવે છે અને કહે છે કે આખી જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ ગઈ. આ દેહની પાછળ જીવન પૂરું થઈ ગયું. પણ આપણો ‘હું’ એ અને બ્રહ્મનો ‘તું’ – આ બે અભિન્ન છે એ તથ્ય જ વિસરાઈ ગયું. પરમબ્રહમની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું એ જ સૌથી મોટી ભૂલ છે.
*
Lord, I have not recognized myself (as one with Thee)
Continually have I shown affection for this single body.
That Thou art I, that I am Thou, that these are joined in one I knew not.
It is doubt to say, ‘Who am I?’ and ‘Who art Thou?’
– Lalla
(Eng. Translation: George Grierson)
Permalink
June 20, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
ખાઈ રોટી ને પ્યાજ ઊંઘે છે,
એક રાજાધિરાજ ઊંઘે છે.
વીજળીનાં જીવંત વાયર પર,
એક આખ્ખો સમાજ ઊંઘે છે.
હોઠ પર છે ધજા બગાવતની,
ફેફસાંમાં અવાજ ઊંઘે છે.
ભૂખ જાગ્યા કરે પથારીમાં,
આમ બંદાનવાજ ઊંઘે છે.
પિંડ ટંગાય દૂર ખીંટી પર,
કોઈ પહેરીને તાજ ઊંઘે છે.
આંખ અંગત બનાવ ભૂલીને,
એકબીજાને કાજ ઊંઘે છે.
– સ્નેહી પરમાર
કેવા અદભુત કલ્પન અને કેવી મજાની ગઝલ…
Permalink
June 19, 2014 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર
થીજી ગયેલી રક્તતા સૂર્યાય ગાલ પર
અજવાળાના શરીરમાં લ્હેરાતી શુક્રતા
લટકે છે અંધકારની લાશો મશાલ પર
છાયાની રંગઅંધતા કાયમ રહી ન જાય
ભૂરો સવાલ જોઈએ પીળા સવાલ પર
મધરાતે કોણ બારણાં ખખડાવતું હશે
પડછાયા ઓતપ્રોત છે કોના દીવાલ પર
– આદિલ મન્સૂરી
આદિલ મન્સૂરીના ગઝલસંગ્રહ “ગઝલના આયનાઘરમાં” ટૂંકી ગઝલ શોધવી હોય તો શ્વાસ ચડી જાય એ રીતની લાંબી ગઝલો વચ્ચે એક આ ગઝલ મળી આવી. ‘રે મઠ’ના અગ્રણી પ્રણેતા જનાબ આદિલની આ ગઝલ મનહર મોદીની ગઝલોની જેમ થોડી એબ્સર્ડ પણ લાગે. ગઝલમાં વપરાયેલા પ્રતીકો પણ મગજને ચકરાવે ચડાવી દે એવા લાગે. પણ ગઝલમાંથી પસાર થઈએ તો સરવાળે ગઝલનો મિજાજ આપણને સ્પર્શી જાય છે. સમજી ન શકાય એવી મજા આવે છે અને એ જ આ ગઝલની મજા છે.
ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર – ધ્યાન રહે, અહીં ધોળું વિશેષણ બળદ માટે નહીં, ખોપરી માટે છે. ધોળી ખોપરી અને કાળી દીવાલ શું મનુષ્યનો ચહેરો અને વાળ સૂચવે છે? એ સંદર્ભમાં બળદ એ ઘાણી ફરતે નિર્હેતુક ચક્કર કાપતો દેખાય અને આપણે આ ભવાટવિમાં ચોર્યાસી લાખ ફેરા કરતાં હોઈએ એવું અભિપ્રેત થાય. કાળી દીવાલ એ મૃત્યુનું પણ ઇંગિત હોઈ શકે.
આ રીતે એક પછી એક બધી પંક્તિઓ ઉકેલી શકાય અથવા આ ગઝલ સાવ બકવાસ છે એમ કહીને હાથ પણ ખંખેરી નાંખી શકાય…
Permalink
June 16, 2014 at 3:34 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
કોણ અહીંયાં સત્યવકતા હોય છે,
બોલવું પોતે જ મિથ્યા હોય છે.
એ ખરું કે શબ્દ ખોટા હોય છે,
વાત જેની કહું છું સાચા હોય છે.
માર્ગ ખુદ ખોવાય જેની રાહમાં
કૈં સગડ સપનામાં મળતા હોય છે.
સ્વપ્ન પાછળ દોટ મૂકી ક્યાં જવું,
સ્વપ્ન સરનામાં વિનાનાં હોય છે.
એક ઘર મનમાંથી ખાલી થાય….ને,
શ્હેર આખું સૂનકારા હોય છે.
શૂન્યતા ક્યાં વારતાનો અંત છે,
શૂન્યનો પણ કોઈ દ્રષ્ટા હોય છે.
-જવાહર બક્ષી
છેલ્લેથી બીજા શેરમાં ‘ સૂનકારા ‘ શબ્દ કઠ્યો.
મત્લા અને મક્તા ઉપર વારી ગયો…..
Permalink
June 16, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે,
કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની,
બેદરકારીને કારણે,
પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે…..
ગુજરાતી
વાંચતી–લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની : કાનુડાએ
કોની મટકી ફોડી ? -એમ પૂછો તો કહેશે,
જેક એન્ડ જિલની…..
ગોતીને પાછી લાવનારને માટે,
ઇનામ…
એકેય નથી.
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.
– ઉદયન ઠક્કર
વાતમાં દમ છે. હવે આ દિવસો દૂર નથી. સારી ગુજરાતી મીડીયમની સ્કૂલ microscope લઈને શોધવી પડે એવી હાલત છે. મને જો કે આ વાતનો અંગત રીતે હરખ-શોક કશો નથી. હું તો આને ઉત્ક્રાંતિનો નિયમ માનું છું….. જો કે ઘણાં લોકો આ વાતે ખૂબ વ્યથિત પણ હોય છે.
Permalink
June 15, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…
અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઈ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઈ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે
સળવળ સળવળ થાય ઉરે જ્યમ
પહેલી પેહરી હો કાંટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું
જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી
– પ્રિયકાંત મણિયાર
નખશિખ માધુર્ય……
Permalink
June 14, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
જો કે સમુદ્રમાં અને આ રણમાં ફર્ક છે
માણસ એ બેઉ ચીજનો સંયુક્ત તર્ક છે
છો ને એ હોઠ નામની સંસ્થાને માન્ય છે
અક્ષર તો આંગળીનો અમસ્તો જ તર્ક છે
કેવો સરસ આ રાહ ન જોવાનો ડોળ છે
આંખો મીંચેલી છે… અને કાનો સતર્ક છે
– મુકુલ ચોક્સી
માત્ર ત્રણ જ શેરની ગઝલ. એમાં પણ બે કાફિયા તો એકના એક. ને તો પણ ગઝલની ફ્લેવર એવી કે એકવાર માણો તો કાયમ માટે જીભે સ્વાદ રહી જાય. પહેલા શેરમાં કરાયેલી માણસની વ્યાખ્યા અને આખરી શેરનો ઇંતેજાર તો અદભુત છે !!!
Permalink
June 13, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા
કૈં તો દ્યો વરતારો
વાત વાતમાં વળ ચડાવ્યે કેમ આવશે આરો ?
તમે નરી મસ્તીમાં અમને ક્યાંય પડે ના ચેન,
એવાં તે ક્યાં કારણ જેનાં ઘમ્મર ચડતાં ઘેન,
જેવું અમેય ધારી બેઠા, એવું તમેય ધારો !
કૈં તો દ્યો વરતારો
હરીફરીને એક જ રટણા સરખી રોજ વિમાસણ,
એક નામની આંટી વાળી પાડ્યું જીભે આંટણ.
કાં સહુ હા-માં હા કહી દો, કાં સામે પડકારો !
કૈં તો દ્યો વરતારો
કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી,
નહીંતર ભોળી આંખો જાશે ભવાટવિમાં ડૂબી.
છેવટ, અમથી હૈયાધારણ દઈને તો પસવારો !
કૈં તો દ્યો વરતારો
– સંજુ વાળા
તડ ને ફડ… બસ, કવિને આ જ અભિપ્રેત છે. કોઈ સીધો ઇશારો જ ન કરો ને દરેક વાતે વળ જ ચડાવતા રહો તો આરો કેમનો આવે? ડર એ છે કે પ્રિયપાત્ર નાનો-મોટો, કોઈ પણ પ્રકારનો વરતારો ન આપે તો સંસારની સમસ્યાઓમાં કઈ ઘડીએ ડૂબી જવાય એ નક્કી નથી…
Permalink
June 12, 2014 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
તારી યાદોનાં હરણ લૈ જાઉં
પીઠ પર નાખીને રણ લૈ જાઉં
ખૂબ લાંબો છે મરણનો રસ્તો
જિંદગીભરનાં સ્મરણ લૈ જાઉં
હોઠ પર પ્યાસના સહરા સળગે
બંધ આંખોમાં ઝરણ લૈ જાઉં
એ તો સાક્ષાત્ સમય છે પોતે
મારી એકાંતની ક્ષણ લૈ જાઉં
જ્યારે જાઉં છું ઊઠીને આદિલ
શ્વાસમાં વાતાવરણ લૈ જાઉં
– આદિલ મન્સૂરી
આખી ગઝલ મજબૂત પણ હું તો પહેલા શેરનો જ આશિક બની ગયો… યાદોના હરણ જાણે કે આખું રણ… અસીમ…. અનંત… ધગધગતું… બળઝળતું… સૂક્કુંભઠ્ઠ… આભાસથી ભરપૂર… અને આ બધું પોતાની જ પીઠ પર વેંઢારવાનું… વાહ કવિ!
Permalink
June 9, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under માધવ રામાનુજ
સરજન કેવું કર્યું !….
અહીંથી અનંત સુધી કણકણમાં-
લીલાવિશ્વ ભર્યું….
બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં રેલાવ્યું અજવાળું,
અજવાળાની આરપાર પ્રસર્યું અંકાશ રૂપાળું-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી અવતર્યું !
સરજન કેવું કર્યું !
એક એક આ પિંડે મૂકી એ જ બ્રહ્મની છાયા,
મનમાં મૂક્યું એ જ અકળ વિસ્મય ને એની માયા-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી ઉતર્યું !
સરજન કેવું કર્યું !
અહીંથી અનંત સુધી કણકણમાં
લીલાવિશ્વ ભર્યું !
– માધવ રામાનુજ
આ કવિની પ્રત્યેક રચનામાં એક માધુર્યસભર સૂફીનાદ હોય છે…….
Permalink
June 8, 2014 at 1:16 AM by તીર્થેશ · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !
હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.
જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.
દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.
બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.
જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !
યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.
સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !
– આબિદ ભટ્ટ
‘readgujrati.com’ ના સંચાલક શ્રી મૃગેશભાઈને શોકાંજલિ સમાન આ ગઝલ તેઓની વેબસાઈટ ઉપરથી સાભાર…..
પ્રથમ શેર…………………
Permalink
June 6, 2014 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત, સાહિત્ય સમાચાર
*
ઓનલાઇન ગુજરાતી સાહિત્યના એકલહથ્થુ ભેખધારી અને પાયાના ખેલાડીઓમાં મોખરાના એક ગણી શકાય એવા મૃગેશ શાહ હવે આપણી વચ્ચે નથી….
મગજમાં લોહીની નસ ગંઠાઈ જવાના (Superior Sagittal and Cavernous Sinus Thrombosis) કારણે માત્ર પાંત્રીસ વર્ષની કુમળી વયે મૃગેશ પર વડોદરા ખાતે ગઈ ૨૦મીએ ન્યુરોસર્જરી કરવામાં આવી. સર્જરી બાદ મૃગેશની તબિયત કથળી. કોમામાંથી બહાર જ આવી ન શક્યા અને ગઈકાલે બપોરે ૦૫/૦૬/૨૦૧૪ના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે એમનું દેહાવસાન થયું…
ઓનલાઇન ગુજરાતી ગદ્ય તથા પદ્યના સહુથી વિશાળ ખજાના- રીડગુજરાતી.કોમનો આમ અકાળે અંત આવશે એવું કોણે ધાર્યું હોય ?
મિત્ર મૃગેશને ટીમ લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ…
*
મિત્ર મૃગેશના માનમાં લયસ્તરો.કોમ શનિવારે એક દિવસ માટે રજા પાળશે…
*
Permalink
June 5, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શોભિત દેસાઈ
મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છે
અરે ! શિશુઓ છે ? કે જિંદગીનાં ફૂલો છે
એ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામે
જે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છે
હો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,
તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ?!
ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે !
કરી પસાર પૂરી રાત મહેકની સાથે
ગયું આ કોણ પરોઢે ? કે ભીનાં ફૂલો છે !
ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતા
ગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે
– શોભિત દેસાઈ
કહતે હૈં કિ શોભિત કા હૈ અંદાઝ-એ-બયાઁ ઓર….
Permalink
June 2, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.
ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.
કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?
હરીન્દ્ર દવે
સિદ્ધહસ્ત કવિની ખૂબી જ એમાં છે કે તે એક તીરથી સાત તાડના વૃક્ષો વીંધે… આ કાવ્ય ક્યાંથી ઉઘડે છે તે જુઓ- અર્થપૂર્ણ એક સંબંધ કવિ પ્રાર્થે છે. થાકેલી આંખો અંજાતી તો નથી પરંતુ કદાચ છેતરાઈ પણ જાય….. સતર્કતા થોડી ઢીલી મૂકાઈ પણ જાય….. ઈશ્વરે જે અફાટ માયા પાથરી છે તેમાં કવિને રસ નથી – એ તો ‘ટીપેથી પાય તો ધરાઉં’ એમ કહે છે…..અંતે કવિ આ સમગ્ર લીલામાં રહેલા એક સાતત્યને પિછાણે છે અને એક અનુત્તર પ્રશ્ન સાથે વિરમે છે….
Permalink
June 1, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,
બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.
પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,
બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.
મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,
જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.
આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,
રોશની માટે બધો આધાર દીવા પર નથી.
કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.
સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યા ગયા,
ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.
મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.
– ખલીલ ધનતેજવી
સાંગોપાંગ મજબૂત ગઝલ……..માત્ર ખુમારી નથી પણ દર્શન સાથેની ખુમારી છે…….
Permalink