સાવ જ નવું હો સ્થળ ને છતાં એમ લાગતું,
પહેલાંય આ જગાએ હું આવી ગયેલ છું.
ચિનુ મોદી ‘ઈર્શાદ’
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for September, 2006
September 30, 2006 at 4:59 AM by વિવેક · Filed under અછાંદસ, ભાગ્યેશ જહા
એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી !
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન એના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી
આ
પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.
ભાગ્યેશ જહા
Permalink
September 29, 2006 at 11:27 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.
હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !
દીવાલ જેવી સલામત જગાઓ શોધીને
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.
– રમેશ પારેખ
પૂરી ન થઈ શકે એવી ઈચ્છાઓ આખરે હાથની રેખામાં, ભાગ્ય આગળ આવીને અટકે છે. સાદીસીધી લાગતી વાતમાં ઊંડો અર્થ ને આગવી અભિવ્યક્તિ = રમેશ પારેખ !
Permalink
September 28, 2006 at 9:39 AM by સુરેશ · Filed under ગઝલ, હેમન્ત દેસાઇ
કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે;
પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે !
જગતના મંચ પર હું ફૂલશો ઊભો, કદી કિન્તુ,
ઊઘડવું કષ્ટ લાગે, ફોરવું નિસ્સારતા લાગે!
ન તોડું મૌનની આ વાડ , – પણ શેં કેદ પણ વેઠું?
નથી શ્રધ્ધા છતાં શબ્દો મને વિસ્તારતા લાગે!
અકિંચન છું પરંતુ રાજરાજેશ્વર સમું જીવતો,
નગરના લોક શું રસ્તાય સૌ સત્કારતા લાગે!
કદી ના કોઇ આલંબન લઉં, વિહરું સ્વયં નિત્યે,
છતાં દુર્ભાગ્ય કે મિત્રો મને શણગારતા લાગે!
કશામાં હું નથી એવી ચઢી મસ્તી, નશામાં છું,
હું ડૂબું છું, મને કો હાથ દરિયો તારતા લાગે!
ઊઠી જાઉં થતું કે મ્હેફિલેથી જામ ફોડીને;
વિખૂટા સાથી જન્મો જન્મના સંભારતા લાગે!
– હેમન્ત દેસાઇ
Permalink
September 28, 2006 at 9:37 AM by સુરેશ · Filed under અછાંદસ, નીરવ પટેલ
મારા શામળિયે મારી હુંડી પૂરી-
નીકર બબલીના ગવનનું આણું શેં નેંકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !
બબલીની મા તો જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,
મારો ભંગિયાનો ય બેલી ભગવાન !
– નીરવ પટેલ
જેમને એક જાણીતા સમાચાર પત્રના અહેવાલમાં ‘દલિત કવિતાનો આદ્યાક્ષર’ , ‘દલિત કવિતાના મણકાનો મેર‘, ‘જે લખવા ખાતર નથી લખતો નથી – તેવો પૂર્ણ કવિ’ એવાં વિશેષણોથી નવાજવામાં આવ્યા છે; અને જેની કવિતાની સિતાંષુ યશશ્ચન્દ્ર અને સુમન શાહ જેવા લબ્ધ પ્રતિષ્ઠીત સાહિત્યકારોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે તેવા શ્રી. નીરવ પટેલની આ કવિતા છે. તેમની કવિતા ‘સંસ્કારપૂર્ણ આભિજાત્યને અક્ષુણ્ણ રાખીને’ દલિતોનાં વેદના, વિદ્રોહ અને માનવતાને તેમનાજ શબ્દોમાં વાચા આપે છે.
તેમનો એક માત્ર કાવ્ય સંગ્રહ ‘ બહિષ્કૃત ફૂલો’ તાજેતરમાંજ પ્રસિધ્ધ થયો છે. ઉપરની કવિતા તમને આઘાત આપશે કે તમારી સુષુપ્ત સંવેદનાને ઉજાગર કરશે તેની તો મને ખબર નથી , પણ એ હકીકત છે કે, આ કવિતા વાંચ્યા પછી હું એક કલાક માટે સાવ હતપ્રભ થઇ ગયો હતો.
આ એકવીસમી સદીમાં પણ શામળીયામાં અસીમ શ્રધ્ધા રાખતા આ દલિત લોકોને શામળીયાના મંદિરમાં ઘણી જગ્યાઓએ હજુ પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે. આપણે યાદ કરીએ કે, એક માણસ આપણી વચ્ચે હતો, જેનો આત્મા 1914 માં આફ્રિકાથી ભારત આવીને આપણી કહેવાતી મહાન સંસ્કૃતિનાં આવાં વરવાં દ્રષ્યો જોઇ કકળી ઊઠ્યો હતો. અને તેણે તેનો સભ્ય પહેરવેશ ફગાવી એક પોતડી જ ધારણ કરી હતી.
Permalink
September 26, 2006 at 10:28 PM by ધવલ · Filed under મુકુલ ચૉકસી, મુક્તક
ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
પાસે જઈને જોઉં તો કાંઈ પણ હતું નહીં
રેતી ઉપર લખ્યું હતું કે અહીં પરબ હતી !
– મુકુલ ચોકસી
Permalink
September 25, 2006 at 9:52 PM by ધવલ · Filed under ગઝલ, મકરન્દ દવે
કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી,
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી.
મારે લથડતી ચાલ મને ક્યાં લઈ જશે ?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી.
આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી.
તારાથી હોઠ ભીડી મેં નજરોને હટાવી,
ને કાંઈ કરગર્યો જ નથી, એમ પણ નથી.
તારી નજરની બ્હાર ગયો તો નથી, સનમ !
ચીલો મેં ચાતર્યો જ નથી, એમ પણ નથી.
દોસ્તો, હવે તો મારી હયાતીને દુવા દો !
કહેશો મા કે મર્યો જ નથી, એમ પણ નથી.
– મકરંદ દવે
જીવનની અપુર્ણતાઓ અને અસંગતિઓ જે જીવનને વધારે ચોટદાર બનાવે છે (અને કયારેક ચોટ પણ ખવડાવે છે!) એને કવિ એ ‘એમ પણ નથી’ કહીને અહીં ટાંકી છે. પોતાના સ્ખલનોની આપકબૂલાતથી વધારે સીધો સચ્ચાઈનો રસ્તો ક્યો હોય શકે ?
Permalink
September 24, 2006 at 4:48 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ.
ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા
જિંદગી એટલે, આવરણની કથા.
આમ અકબંધ સંબંધની વારતા
આમ, અણછાજતા અવતરણની કથા.
એ અલગ વાત છે કે, ન ભૂલી શકો
પણ સ્મરણ માત્ર, છે વિસ્મરણની કથા !
ડૉ. મહેશ રાવલ
કુમારના એક અંકમાં આ ગઝલ વાંચી હતી. આ ગઝલમાં બીજા શેર છે કે નહીં તે તો હું જાણતો નથી, પણ એટલું જાણું છું કે આ ત્રણ શેર વડે પણ આ ગઝલ અધૂરી નથી લાગતી… આપનું શું માનવું છે?
તા.ક. : સંપૂર્ણ ગઝલ નીચે કોમેંટમાં છે. આભાર, સુનીલ.
Permalink
September 23, 2006 at 5:26 AM by વિવેક · Filed under ગઝલ, હિમાંશુ ભટ્ટ
મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.
ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.
નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.
તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ
કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે. આ ગઝલને જરા ઝીણવટથી જોઈએ તો આવું સુખદ આશ્ચર્ય અહીં શબ્દના પગલે-પગલે વેરાયેલું ભાસે છે. નડવું એ મૂળે માણસની પ્રકૃતિ છે. કંઈ ન હોય તો અભાવ અને બધું જ હોય તો સ્વભાવ નડે છે. ગઈ ગુજરી ભૂલી ન શક્વાના કારણે આપણે આવનારી જીંદગી પ્રેમથી જીવી નથી શક્તાં એ વાત પણ કેટલી સહજતાથી કહી દીધી છે! અને જીવનનો મોહ કોને ન હોય? ગઝલના મક્તાના શેરમાં લગાવોની વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે એવું નથી લાગતું?!
Permalink
September 22, 2006 at 6:20 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, મુક્તક
ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?
– ઉદયન ઠક્કર
Permalink
September 21, 2006 at 8:48 AM by સુરેશ · Filed under ગીત, સુન્દરમ
( શાર્દૂલ વિક્રીડિત)
બેઠી બિસ્તર બાંધવા પ્રિય તણો,લૈ ત્યાં પ્રવાસે જવા,
બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુયે,
ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા,
આવ્યો પ્રિતમ પૂછતો, ‘ક્યમ અરે! પાછું બધું છોડતી?’
બોલી : ‘ભૂલથી આ બધાંની ભળતું બંધાઇ હૈયું ગયું.’
– સુંદરમ્
Permalink
September 20, 2006 at 10:36 AM by સુરેશ · Filed under ગીત, નાથાલાલ દવે
કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે.
આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે
ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
બાંધો રે નદીયુંના નીર ;
માગે છે દેશ આજ મહેનત મજિયારી,
હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે
હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,
વેળા અમોલી આ વીતે;
આજે બુલંદ સૂરે માનવીની મહેનતના
ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે
– નાથાલાલ દવે
Permalink
September 19, 2006 at 11:30 PM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ.
યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.
છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.
મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ.
કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.
– હરીન્દ્ર દવે
મીણના માણસ હરીન્દ્ર દવે યાદ, જુદાઈ અને ઝંખનાની વાત માંડે ત્યારે આવી ગઝલ રચાય છે. કાંકરી તો કવિના જળસપાટી-વત મનને માટે બહુ મોટી વાત છે, એમાં તો જળનું જ એક ટીપું પડે તોય મસમોટાં વમળો રચાય છે – અંતરમનની વ્યથિત અવસ્થાની કેવી નાજુક અને અસરદાર રજૂઆત !
Permalink
September 18, 2006 at 11:11 PM by ધવલ · Filed under નીતિન વડગામા, મુક્તક
બંધ રોજેરોજ સઘળાં બારણાંઓ હોય છે
સાવ નિરાધાર હૈયાધારણાઓ હોય છે
એમ વાગોળ્યા કરો ને એમ એ દૂઝ્યા કરે
કેટલા કરપીણ આ સંભારણાઓ હોય છે
– નીતિન વડગામા
Permalink
September 17, 2006 at 5:36 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
પામી નહીં શકાય ઘણીવાર એક પળ,
ચોરી નહીં શકાય ઘણીવાર એક પળ.
સમજણ બધી જ આપણી માથે પડી શકે,
સમજી નહીં શકાય ઘણીવાર એક પળ.
પ્રત્યેક પળ ઉપર પછી એની અસર રહે,
જીવી નહીં શકાય ઘણીવાર એક પળ.
આખીય જિંદગી તને અર્પણ કરી છતાં,
આપી નહીં શકાય ઘણીવાર એક પળ.
પ્રત્યેક માપ આપણું ખોટું પડે ‘કિરણ’,
માપી નહીં શકાય ઘણીવાર એક પળ.
-કિરણસિંહ ચૌહાણ
લયસ્તરો પર અગાઉ આપણે કિરણની ગઝલોના ચૂંટેલા શેર કિરણોત્સવમાં માણ્યા હતા. કિરણ વ્યવસાયે શિક્ષક છે અને ભાષા સાથે એવો ઘરોબો એમણે કેળવ્યો છે કે શબ્દો સહજ સરળતાથી એની પાસે દોડતા આવે છે. આ અઠવાડિયે જ મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી.એ ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કિરણ ચૌહાણને પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” આપવાની જાહેરાત કરી છે. લયસ્તરોની ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, કિરણભાઈ!
Permalink
September 16, 2006 at 5:27 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
એકલાં છે, હતાં ને રહેવાનાં,
સૌ જુદાં છે, હતાં ને રહેવાનાં.
આપણા વર્તમાન ઉપર કંઈ
પાંદડાં છે, હતાં ને રહેવાનાં.
એકસરખાં જ મન અને તનથી
આગવાં છે, હતાં ને રહેવાનાં.
જળ નહોતાં, નથી, ન હોવાનાં
બુદબુદા છે, હતાં ને રહેવાનાં.
જે અહીંયા મને ગમે છે તે
ત્યાં ઊભાં છે, હતાં ને રહેવાનાં.
હું નહીં હોઉં એ જ નક્કી છે,
આ બધાં છે, હતાં ને રહેવાનાં.
ભરત વિંઝુડા
મનભરીને માણવા જેવી ગઝલ…. વધુ તો શું કહું? હું નહીં હોઉં એ જ નક્કી છે, આ બધાં છે, હતાં ને રહેવાનાં. આજ કવિની એક બીજી ગઝલ અહીં વાંચી શકશો.
Permalink
September 15, 2006 at 12:33 PM by ધવલ · Filed under અછાંદસ, હરીન્દ્ર દવે
મારા એકાંતમાં
ધસી રહી છે એ સભાઓ
– જેમાં હું ગયો નથી.
મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
– જે મેં કર્યાં નથી.
મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.
નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.
મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
કે હું એકલવાયો છું !
– હરીન્દ્ર દવે
આ કવિતામાં કોઈ સંદેશ નથી, માત્ર સચ્ચાઈ છે. જીવનભર લીધેલા નિર્ણયોને કારણે ભલે લોકો તમને બિરદાવ્યા કરે પણ અંતરમન તો જાણતું જ હોય છે કે એ નિર્ણયો ‘લીધેલા’ નહોતાં ‘લેવાય ગયેલા’ હતાં. પગલાં ખોટી દીશામાં ન ઊપડ્યા એમાં મનની શક્તિ કરતા શિથીલતાનો ભાગ વધારે હતો. આવું ખૂબ અંગત અંતરદર્શન ગુજરાતી કવિતામાં ઘણું ઓછું જોવા મળે છે.
Permalink
September 15, 2006 at 10:39 AM by ધવલ · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
રીડ ગુજરાતી.કોમ પર મૃગ્રેશે આજે ભૂલાતા જતા ગુજરાતી સામાયિકો વિષે સરસ લેખ પ્રગટ કર્યો છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં પાયાનું કામ કરતા આ સામાયિકો આર્થિક તકલીફોથી સામે સતત ઝઝૂમી રહ્યાં છે. ભારતના સૌથી સંપન્ન રાજ્યોમાંથી એક હોવા છતાં આપણે આપણી ભાષા અને સાહિત્ય માટે કાંઈ કરતા કે કરી શકતા નથી. ગુજરાતી સાહિત્યના મોભ જેવું ‘કુમાર’ પણ થોડા વખત પર બંધ થઈ ગયું હતું એનાથી વધારે ચોંકાવનારી વાત તો કઈ હોય શકે? એ તો સદનસીબે ફરી શરૂ થયું છે પણ બીજા કેટલાય સામાયિકો મરવાના વાંકે જીવી રહ્યાં છે. ‘શું શા પૈસા ચાર’વાળુ મહેંણું આપણે ક્યાં સુધી સાંભળતા રહીશું ?
Permalink
September 14, 2006 at 10:49 AM by સુરેશ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?
શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?
લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?
ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?
ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?
– ‘શૂન્ય’ પાલનપુરી
‘રૂસવા’ અને ‘શૂન્ય’ – ગુરુ અને શિષ્ય. બન્નેની એકજ કાફીયા ની બે ગઝલો છે. પણ ગુરુ કરતાં શિષ્ય ચઢી જાય છે. ‘રૂસવા’ ની ગઝલમાં ફરિયાદ છે. પીડા હાથે કરીને વહોરી છે, અને હવે પસ્તાવો થતો હોય તેમ લાગે છે.
‘શૂન્ય’ ની મસ્તી ન્યારી છે. તે તો પીડાને જ રામબાણ ઈલાજ માને છે.
આ કઇ પીડાની વાત છે? કઇ દિવાનગીની વાત છે? આ એ પીડાની વાત છે જે શિરીં અને ફરહાદે વહોરી હતી. જિસસ, મહંમદ, બુદ્ધ અને ગાંધીએ હાથે કરીને વહોરી હતી, તે પીડાની વાત છે. લોકોત્તર માનવીઓએ જીવનની સામાન્ય અપેક્ષાઓથી પર જઇને જે દિવાનગી અપનાવી હતી તેની ગાથા છે.
અર્થશાસ્ત્રના નિયમો – જરૂરિયાતો, સગવડો અને વૈભવો – થી સાવ નિરાળા એક ગાંડપણથી દોરવાતી જિંદગીની આ વાત છે. બધાજ ગઝલકારોએ જે શરાબની મુક્તકંઠે પ્રશંસા કરી છે તે શરાબ આ દિવાનાઓએ બરાબર પીધો છે. અને એની મસ્તીમાં આ પીડા જ રામબાણ ઈલાજ બની જાય છે. આ મસ્તીની પીડા મનના માણીગર કોઇ પ્રેમી માટે હોય, કે જીવનના છેલ્લા ગાળામાં સેંટ પીટરના દેવળની છત પર ચિત્રકામ કરનાર લિયોનાર્ડો- દ-વિંસીની તેના ચિત્ર માટે હોય, કે કોઇ શિલ્પકારની તેના શિલ્પ માટે હોય, કે જિસસની સમસ્ત માનવજાત પ્રત્યે કરુણા માટે હોય, કે કોઇ સત્યશોધકની પરમ સત્યને પામવા માટેની હોય.
મસ્તીમાં લીન થઇ ગયેલા માનવોની આ ગઝલ છે. જ્યારે આ મસ્તી ચરમ સીમાએ પહોંચે છે, ત્યારે જ વિરક્તિ આપોઆપ ટપકી પડે છે. કહેવાતો ઇશ્વર આ શૂન્યની પિછાણ છે. જેને આ શૂન્ય મળે છે તે મસ્તીથી પણ પર પરમ સમાધી અવસ્થાને પામે છે. વૈકુંઠમાં રાસનું દર્શન કરતાં નરસૈયા નો હાથ મશાલથી બળતો હોય તો પણ તેની પીડાની તેને ખબર ન પડે તેવી આ સમાધી હોય છે.
જવાહર બક્ષી પણ ગાય છે કે:-
’મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.’
આપણને ઇશ્વર જોઇએ છે, કારણકે આપણને સ્વર્ગ જોઇએ છે. આપણને કશું જ ન જોઇએ તેવી શૂન્યની મસ્તી ખપે છે? એ પીડા જોઇએ છે? ના કારણકે આપણને એ પીડા લાગે છે. તેથી જ આપણે માટે કદી એ મસ્તીની ઉપલબ્ધિ શક્ય નથી. એટલે જ આપણે આ ધર્મ અને પેલા ધર્મ ના હવાતિયાં મારીએ છીએ.
આ મસ્તી માણવી બહુ જ સરળ છે. આપણે જેમાં રસ ધરાવતા હોઇએ તે પ્રવૃત્તિમાં કોઇ પણ અપેક્ષા વિના રમમાણ થવાનું, એકરૂપ થવાનું શરુ કરીએ. આપણા એ ‘Passion’ ને ચરમ સીમા પર લઇ જઇએ. મસ્તી વધતી જશે અને આપણે શૂન્યની વધુ ને વધુ નજીક જતાં જઇશું. જીવન વ્યવહારની સાથે સાથે આપણે આપણા જીવનનો વધારે ને વધારે અંશ આ મસ્તી માટે જરૂર ફાળવી શકીએ. કારણકે આપણને આનો ‘Passion’ છે. આમાં ફળ માટે કોઇ આસક્તિ નહીં રહે. કારણકે આ તો આપણો પ્રિયતમ છે. આપણે તેને માટે ખુવાર થઇ જવા તૈયાર છીએ. આપણે તો તેની સાથે એકાકાર થઇ, શૂન્યની અનુભૂતિ કરવી છે.
ચાલો આપણે જીવનને એક નવા રસ્તે વાળીએ. જ્યારે માનવજાતમાં કરોડોમાં એક વિરલા જેવા જિસસ કે ગાંધી જ નહીં પણ આપણા જેવા ઘણા બધા સામાન્ય માણસો જીવનની આ દિશાએ વળશે, ત્યારે નવી માનવજાત પૃથ્વી ઊપર પ્રગટશે. કદાચ પેલા કહેવાતા ઇશ્વરનું, જીવની ઉત્ક્રાંતિનું આ સ્વપ્ન પણ હોય.
Permalink
September 13, 2006 at 9:54 AM by સુરેશ · Filed under ગઝલ, બાલુભાઇ પટેલ
કરું ફરિયાદ કોને હું?
કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?– કરું ફરિયાદ
નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?–કરું ફરિયાદ.
જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?– કરું ફરિયાદ
ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?– કરું ફરિયાદ
ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું? – કરું ફરિયાદ
– બાલુભાઇ પટેલ
બાલુભાઇ પટેલનું કામ તો રસ્તા બાંધવાનું છે, પણ તેમનો ગમતો રસ્તો તો કવિતા રચવાનો છે. આ અને બીજાં કાવ્યો શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયે ‘ખુશબૂ’ આલ્બમમાં સુંદર રીતે સ્વર બધ્ધ કર્યા છે.
આ ગઝલ શ્રી. આશિત દેસાઇએ તેમના સુરીલા કંઠમાં ગાઇ છે.
Permalink
September 12, 2006 at 11:53 PM by ધવલ · Filed under ગીત, નલિન રાવળ
મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
નીલ નભે જઈ ઈન્દ્રધનુ બની છાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
ફળફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
પંખીગણના કલરવ મહીં ગવાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
અપરિમેય લાવણ્યમયીના હિય મહીં
મધુર રાગ થઈ વાયો
– નલિન રાવળ
દુ:ખનું ગીત લખવા કરતાં આનંદનું ગીત લખવું અઘરું છે. આ ગીતના કલ્પનો બધા જાણીતા છે છતાંયે એના ઉપાડમાં જ એવું કશુંક છે કે તરત આકર્ષે છે. આનંદ જ્યારે ઊભરાય ત્યારે આખા વિશ્વને ગાતો કરી જાય છે એ ઘટનાનું મધુરું ચિત્ર કવિ દોરી આપે છે. ‘હિય’ શબ્દ ક્યાંય મળતો નથી, એ હૈયા કે હ્રદયનો અપભ્રંશ હોય એવું અનુમાન કરું છું.
(અપરિમેય=જેનું માપ ન થઈ શકે એવું, હિય=?હ્રદય)
Permalink
September 11, 2006 at 11:34 PM by ધવલ · Filed under ગઝલ, હરદ્વાર ગોસ્વામી
ખુદને ખુદથી એમ અલગ કર;
સ્હેજ અમસ્તું રહે ન અંતર.
જોજન ઈચ્છાઓને તેડી,
બોલો કયારે પ્હોચાયું ઘર !
તારો ઈશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઈશ્વર.
આંખો સામે તું આવે છે,
મને પુકારું મારી અંદર.
સાત જનમનો શોક મૂકીને,
ઊજવી લે તું ક્ષણના અવસર.
– હરદ્વાર ગોસ્વામી
‘ખુદને ખુદથી એમ અલગ કર…’ થી શરુ થતી ગઝલ મનને તરત ગમી ન જાય તો જ નવાઈ. ઈચ્છાઓની લાંબી યાદીના બોજ હેઠળ દબાઈ જવાની વાત સરસ રીતે આવી છે. ઈશ્વર ખરેખર તો આપણા અંતરમનનું પ્રતિબિંબ માત્ર છે એની વાત પણ મર્મભેદી રીતે કરી છે. ક્ષણોના અવસરને ઊજવી લેવાની વાત આપણે દર વખતે ભૂલી જઈએ છીએ અને જીવનને વિના કારણ સંકુલ બનાવતા રહીએ છીએ.
Permalink
September 10, 2006 at 8:47 AM by વિવેક · Filed under ઉર્વી પંચાલ 'ઉરુ', ગઝલ
ચોઘડિયાંઓ જોતો રહેશે,
માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે,
દુઃખનો ડુંગર મોટો રહેશે.
સંબંધોના સરવાળામાં,
આગળ પાછળ ખોટો રહેશે.
ફૂલોના રંગોને ચૂમે,
ભમરો તોયે ભોંઠો રહેશે.
દુનિયા આખી ભરચક માણસ,
પણ માણસનો તોટો રહેશે.
મિલકતમાં ‘ઉરુ’ મારી પાછળ
યાદો દેતો ફોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’
માણસોથી ઉભરાતી આ દુનિયામાં ‘માણસ’ની હંમેશા ખોટ પડવાની આ વાતને કવયિત્રીએ ખૂબ સાલસતાથી કરી છે અને સુખના સૂરજના અનુસંધાનમાં દુઃખના પહાડની કરેલી વાત પણ ખૂબ મોટા ગજાની છે.
Permalink
September 9, 2006 at 6:29 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
દરિયો નિહાળે તો મોજું થઈ જાય
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
મગદલ્લા બંદરની છોકરી…
બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ
ચાલે તો ધરતી પર તરતી દેખાય…
મગદલ્લા બંદરની છોકરી…
નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી
ગીત ગાય હઈસો ને હોફા
નામ એનું કાંઈ નહીં
મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા….
બગલાની પાંખ જેવો પાથરી પવન
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…..
મગદલ્લા બંદરની છોકરી…
મગદલ્લા બંદરમાં ભરતી આવે ને
વ્હાણ આવે છે કંઈ કંઈ થી મોટાં
હારબંધ સરૂઓનાં વૃક્ષોની પાછળથી
સૂરજ પાડ્યા કરે છે ફોટા
ફોટામાં આપ ધારી ધારીને જુઓ તો
પરપોટા જેવું જે હસતું દેખાય…..
મગદલ્લા બંદરની છોકરી…
નયન દેસાઈ
Permalink
September 8, 2006 at 12:00 PM by ધવલ · Filed under ગીત, પન્ના નાયક
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઈ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવીને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
– પન્ના નાયક
રસકવિ રધુનાથ ભટ્ટની પ્રખ્યાત રચનાના મુખડાને લઈને પન્ના નાયકે આ ગીત રચ્યું છે. આ ગીતમાં રસકવિની રચનાઓમા છલકાતો શૃંગારભાવ અકબંધ છે. છેલ્લી ત્રણ પંક્તિઓ – રાતનો તો જુદો મરોડ છે… મારી સુંવાળી સુંવાળી સોડ છે… મારી સોડમાં તો રાત ને પરોઢ છે – માં વધુને વધુ ઉત્કટ થતી જતી પ્રણયઉત્કંઠાની સરસ અભિવ્યક્તિ થઈ છે.
Permalink
September 7, 2006 at 8:43 AM by સુરેશ · Filed under ગઝલ, રૂસવા
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?
‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?
– ‘રૂસવા’
*મોહતાજ = આશ્રિત
Permalink
September 6, 2006 at 7:33 AM by સુરેશ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
ઘંટનાં નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળ દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા !
મંદિરના આ ભવ્ય મહાલો, બંધન થાય મને;
ઓ રે પૂજારી! તોડ દિવાલો, પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ ! પૂજારી પાછો જા !
એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નિંદર લેતો, (ને) નૈવેદ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા, પૂજારી પાછો જા !
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બ્ હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પણ પથરા;
ઓ તું જો ને જરા ! પૂજારી પાછો જા !
માળી કરે ફૂલ– મ્હેંકતી વાડી, ફૂલને તું અડ કાં ?
ફૂલ ધરે તું : સહવાં એને ટાઢ અને તડકા!
એ તે પાપ કે પૂજા? પૂજારી પાછો જા !
ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા;
લોહીનું પાણે તો થાય એનું, ને નામ ખાટે નવરા !
અરે તું ના શરમા? પૂજારી પાછો જા !
ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી , ઘંટ બજે ઘણમાં;
પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
Permalink
September 5, 2006 at 10:08 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.
સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.
તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.
Permalink
September 4, 2006 at 6:14 PM by ધવલ · Filed under કરસનદાસ માણેક, મુક્તક
હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે,
રહેમત છે ખુદાની: જીવતો છું, તું ગમે છે !
ગમે બુઢઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો
શરદની ચાંદની ને દિલતણું ઝૂરવું ગમે છે !
– કરસનદાસ માણેક
આપણા જેવા માણસો ખુદાની કૃપામાં કંઈ કેટલીય ચીજોની આશા રાખે છે. જ્યારે કવિને મન તો પોતાનું હ્રદય લાગણીથી સભર છે એ હકીકત જ ખુદાની સૌથી મોટી રહેમત છે. માત્ર ચાર પંક્તિઓમાં કવિએ બહુ મોટા ગજાની વાત અહીં ખૂબ નાજુક રીતે મૂકી છે.
Permalink
September 3, 2006 at 3:22 AM by વિવેક · Filed under અદી મિરઝા, ગઝલ
તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !
મારા હાથોમાં હવે શક્તિ નથી !
તું મને સંભાળ મારા સારથી !
આ તરફ પણ ઝાઝાં તોફાનો નથી
આવ તું આ પાર પેલે પાર થી !
તું હજી પણ નીચે ઊતરતો નથી ?
વાટ જોઉં છું હું તારી ક્યારથી !
જિંદગીનું સત્ય સમજાઈ જશે !
સાંભળો એકવાર અમને પ્યારથી !
સાર એમાંથીય નીકળી આવશે !
જે મળે લઈ લે હવે સંસારથી !
જિંદગીભર જે રડાવે છે ‘અદી’,
જાન લઈ લે છે એ કેવા પ્યારથી
– અદી મિરઝા
Permalink
September 2, 2006 at 10:07 AM by વિવેક · Filed under ગઝલ, સુરેન ઠાકર 'મેહુલ'
એક રણમાંથી વહ્યાનું દુઃખ છે,
લાગણી રઝળી પડ્યાનું દુઃખ છે.
હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી,
પણ તમે ના પીગળ્યાનું દુઃખ છે.
વલ્કલે ઢાંકી સતીની આબરૂ,
સભ્યતા રઝળી પડ્યાનું દુઃખ છે.
હાથ ફેલાવી લીધાં ઓવારણાં
ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે.
બારણાએ વાત આખી સાંભળી
ટોડલા ફાટી પડ્યાનું દુઃખ છે.
રંક આશાઓ અવસ્થા વાંઝણી
બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે.
-સુરેન ઠાકર ‘મેહુલ’
Permalink
September 1, 2006 at 10:34 AM by સુરેશ · Filed under ગીત, માધવ રામાનુજ
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….
– માધવ રામાનુજ
આ ગીતને શુભા જોશીના સૂરીલા કંઠે, અને શ્યામલ- સૌમિલના મધુર સ્વરાંકનમાં સાંભળતાં આપણને પણ આવો અનુભવ એક વાર કરી લેવાનું મન થઇ જાય છે.
આ ગીતમાં જે અનુભવની વાત કરી છે, તે અનુભવ થયેલા અગણિત વ્યક્તિઓએ પોતાનો આ અનુભવ બધાને પણ થાય તેવી ઇચ્છા રાખી છે.
કમભાગ્યે, તેમણે કહેલા માત્ર શબ્દોને જ પકડીને જગતના સર્વ ધર્મો અને સંપ્રદાયો રચાયા છે, અને લાખો લોકોનાં લોહી રેડાયાં છે, અને અગણિત માનવ વ્યથાઓએ જન્મ લીધો છે. અને હજુ પણ આ દારૂણ પ્રક્રિયા ચાલુ જ છે.
માટે જ્યારે કોઇ શબ્દ આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે જે ભાવ કે અનુભવનો તે પડઘો હોય છે, તે મૂળ તત્વ આપણા માનસ પટમાં ઝીલાય, અને આપણે તે ભાવ સાથે તાદાત્મ્ય અનુભવીએ, ત્યારે આપણી સંવેદનશીલતા બરાબર પાંગરી છે, તેમ કહી શકાય.
Permalink