શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
- અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2013

કોને – મનોજ ખંડેરિયા

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

Comments (10)

હશે – અમર પાલનપુરી

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.

– અમર પાલનપુરી

મુશાયરાને કદાચ ડોલાવી શકનારી આ ગઝલના ગુણ-દોષ મુક્તમને ચર્ચવા સૌ રસિકોને આમંત્રણ છે……

Comments (7)

આવ મારી પાસે – એન વિલ્કિન્સન (અનુ. અપૂર્વ કોઠારી)

આવ મારી પાસે
સ્વેચ્છાપૂર્વક નીચે પડતી
વિશાળ સાગરમાં ખોવાઈ જવા
સરિતા જેમ નહીં..
પણ આવ મારી પાસે
જેમ કિનારે આવે છે ભરતી
ખાલી અખાતને છલકાવી દેવા
શ્વેત નીરવતાથી;
ધરતી અને સાગર કામક્રીડા કરતાં.

– એન વિલ્કિન્સન
(અનુ. અપૂર્વ કોઠારી)

પ્રણયની ઉત્કટતાની બળવત્તર અભિવ્યક્તિનું કાવ્ય… પ્રેમ સમર્પણ નહીં, છલોછલ છલકાઈ જવાનું નામ છે…

Comments (10)

ગઝલ – સાહિલ

છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું !
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઇ બોલ્યા : ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો !
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં ?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય –
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ…

Comments (18)

સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

આપ કરી લે ઓળખાણ
.                       એ સાચા શબદનાં પરમાણ

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
.                       સાચા શબદનાં પરમાણ

કોયલ ટહુકે આંબાડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ –
.                       સાચા શબદનાં પરમાણ

ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ –
.                       એ સાચા શબદનાં પરમાણ

– મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

સાચો શબ્દ બ્રહ્મ સમાન છે… એણે એની ઓળખાણ આપવાની ન હોય. એ સ્વયંસ્પષ્ટ જ હોય. સાકર પોતાના ગળપણના ગુણ નથી ગાતી, વીજળી હોય કે મૃત્યુ – બધા જાહેરખબર વગર જ કામ કરે છે. કોયલ કોઈ તાલિમ નથી લેતી કે નથી ગળું સાફ કરતી.. એ એની મસ્તીની જ માલકિન છે. જે રીતે ફૂલ સૌરભ પ્રસારે છે એ રીતે અંદરથી સ્વયંભૂ વાણી પ્રગટે ત્યારે સાચો શબ્દ, સાચી કવિતા હાથ ચડે છે…

Comments (5)

એણે કાંટો કાઢીને – વિનોદ જોશી

એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

-વિનોદ જોશી

એક રળિયામણું ગીત…..

Comments (5)

આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

સૌજન્ય – ટહુકો.કોમ

આ ગઝલ ‘ટહુકો’ પર વાંચી અને એકદમ સોંસરવી અંદર ઉતરી ગઈ…..

Comments (9)

ડહાપણ દાખો – સંજુ વાળા

રહીએ, જેમ તમે જી ! રાખો !
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !

વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવ
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગુ સઘળી ટેવ
ત્યાં જ ઉડીએ , જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !

મેં ક્યાં માંગ્યું ? સોને-રૂપે માંઝી દો મનસૂબા
ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા ખોળે જરાંક, અમી નઝર તો નાખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !

– સંજુ વાળા

આ ગીત તો જુઓ… ગીત છે કે સૉનેટ? સૉનેટમાં જેમ કાવ્યાંતે ચોટ આવે એમ કવિએ અહીં છેલ્લી લીટીમાં કમાલ કારીગરી કરી છે.  આખા ગીતમાં એમ જ લાગે કે અબોલા લઈ બેસનાર પ્રિયતમને મનાવવા નાયિકા અછોવાનાં કરી રહી છે.. વ્રત-પૂજા-આખડી, બધી જાતની ટેવ-કુટેવ બધું જ છોડી દેવા તૈયાર છે, એના જ આપેલા આકાશમાં માપસરનું ઊડવા તૈયાર છે… આંખમાં સહવાસના ઝળઝળિયા આપે તોય જેને સોના-રૂપાથી વિશેષ લાગે છે એ નાયિકા પત્ની છે અને પ્રિયતમ પતિ છે એ વાત તો સા…વ છેલ્લી કડીમાં ખાલી ખોળાને પૂરવા માટે પગલીનો પાડનાર માંગવાની વાત આવે છે ત્યારે છતી થાય છે… છે ને સૉનેટની મજા!!

Comments (11)

કદ – માર્જોરી પાઈઝર (અનુ. જયા મહેતા)

તમારા વક્ષ પર માથું મૂકીને સૂઈ જાઉં છું
અને તમારા હાથ મારી ફરતા વીંટળાયેલા ત્યારે
હું નાની થઈ જાઉં છું અને સુરક્ષિત
મારા પ્રિયતમ દ્વારા.

મારા વક્ષ પર માથું મૂકીને તમે સૂઓ છો
અને મારા હાથ તમારી ફરતા વીંટળાયેલા, ત્યારે
હું મને બહુ સબળ અનુભવું છું, સુરક્ષા કરતી
મારા પ્રિયતમની.

– માર્જોરી પાઈઝર
(અનુ. જયા મહેતા)

વીજળીના ચમકારની જેમ શરૂ થયા પહેલાં જ પૂરી થઈ જતી આ કવિતા આપણા અંતઃકરણમાં કેવો પ્રેમલિસોટો છોડી જાય છે…

Comments (10)

ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સોનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સોનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. વીસ વરસની ઊંમરે લખાયેલ આ સોનેટમાં કવિ દરિયાના મોજાંઓ હજારો થનગનતા ઘોડા અવનિ-આભ ભેગાં કરવા કૂચે ચડ્યા હોય એવું અદભુત શબ્દચિત્ર દોરી આપે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સોનેટ સાવ જ અણધાર્યો વળાંક લઈ દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપવામાં સફળ રહે છે.

કવિ ઉમાશંકર જોશીએ આ સોનેટ વિશે કહ્યું છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતા સાથે ભાગ્યે જ કોઈ કવિતામાં પ્રયોજાઈ હશે…

Comments (7)

Page 1 of 3123