સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
આપ કરી લે ઓળખાણ
. એ સાચા શબદનાં પરમાણ
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
. સાચા શબદનાં પરમાણ
કોયલ ટહુકે આંબાડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ –
. સાચા શબદનાં પરમાણ
ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ –
. એ સાચા શબદનાં પરમાણ
– મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
સાચો શબ્દ બ્રહ્મ સમાન છે… એણે એની ઓળખાણ આપવાની ન હોય. એ સ્વયંસ્પષ્ટ જ હોય. સાકર પોતાના ગળપણના ગુણ નથી ગાતી, વીજળી હોય કે મૃત્યુ – બધા જાહેરખબર વગર જ કામ કરે છે. કોયલ કોઈ તાલિમ નથી લેતી કે નથી ગળું સાફ કરતી.. એ એની મસ્તીની જ માલકિન છે. જે રીતે ફૂલ સૌરભ પ્રસારે છે એ રીતે અંદરથી સ્વયંભૂ વાણી પ્રગટે ત્યારે સાચો શબ્દ, સાચી કવિતા હાથ ચડે છે…
narendrasinh chauhan said,
April 25, 2013 @ 3:55 AM
અત્યન્ત સુન્દર રચના ખુબ સરસ
perpoto said,
April 25, 2013 @ 6:03 AM
સામન્યપણે એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે નારી કોયલ ગાય છે,હકિકતે તો પુરુષ કોયલ સાથીને કોલ આપતો હોય છે…..
મથાળે -મનુભાઇ ત્રિવેદી સરો -મુદ્રણ દોષ જણાય છે.
P. P. M A N K A D said,
April 25, 2013 @ 6:13 AM
Simple and yet touching the heart.
pragnaju said,
April 25, 2013 @ 8:09 AM
સુંદર ગીતના મધુર શબ્દ
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ,
એ સાચા શબદના પરમાણ.
સાધુ સાધુ
આત્મસાધનાના ક્ષેત્રમાં વારંવાર સંતો એમ કહેતા કે કદાચ કાચો પારો પચાવી શકાય પણ સાધુતાને પચાવવી દોહ્યલી છે. ગંગાસતી પોતાના શિષ્યા પાનબાઈને સંબોધતા‚ પ્રબોધતા એમ ગાતા હોય
આ અજર સે કોઈ દિ જરે નહીં પાનબાઈ
અધૂરીયા ને પ્રેમ ઢોળાઈ જાય રે
એ વીણવો રે હોય તો રસ વીણી લેજો પાનબાઈ
આ અજર રસ‚ આ અજરા કાંઈ જરીયા ન જાય અને છતાં મારી મતિ મુજબ બે ચાર છાટણા સમજવા પ્રયત્ન …
Maheshchandra Naik said,
April 25, 2013 @ 2:14 PM
શબ્દ બ્રહ્મની વાત કરતુ સરળ કાવ્ય, પક્ષી, જળ, અને પુષ્પ સૌ મુક કર્તવ્ય બજાવે છે, એ દ્વારા શબ્દ બ્રહ્મનો મહીમા સરસ રીતે અભિવ્યક્ત કર્યો છે………….