કોણ કરે ? – સૈફ પાલનપુરી
નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?
જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?
વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?
આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?
જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?
લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?
-સૈફ પાલનપુરી
વિવેક said,
April 1, 2013 @ 1:36 AM
વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?
આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?
– આ બે શેર તો કોલેજકાળના પ્રાણપૂરક શેર જાણે… !
perpoto said,
April 1, 2013 @ 3:11 AM
સૂરજ એક અફવા છે
તારાઓ ગણગણે
narendrasinh chauhan said,
April 1, 2013 @ 4:25 AM
જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ? અતિ સુન્દર
Maheshchandra Naik said,
April 1, 2013 @ 2:29 PM
પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધા જ્યારે હોય છે ત્યારે આવી સુંદર રચના પ્રાપ્ત થાય છે,સરસ ગઝલ, દરેક શેર લાજ્વાબ…………………….
Pravin Shah said,
April 3, 2013 @ 12:24 AM
અતિ સુંદર !
દરેક શેર લાજવાબ !
Nisha said,
April 5, 2013 @ 4:28 AM
એક સપનુ જે દિવસે મારિ સાથે રહે …રાત થતા મારિ સાથે સુવે.
હકિકત નિ દુનિયા મા જિવતુ રહે…એક સપ્નુ જે મારિ સાથે રહે.
Jigar said,
April 8, 2016 @ 2:06 PM
masterpiece !!!