બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2011

તપ કરવાનું – ‘સ્નેહી’ પરમાર

સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !

તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.

દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.

એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?

– ‘સ્નેહી’ પરમાર

આ ગઝલ વાંચો અને એના પ્રેમમાં ન પડાય એવું બની શક્શે? કેટલાકે ડંકાની ચોટ પર તો કેટલાકે પોતાની જાતથીય છાનુંમાનું પણ તપ તો જરૂર કર્યું હશે…

Comments (18)

શિશિર – પ્રજારામ રાવળ

ખરખર ખરે
પાનખરપર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે !
પીત અતિ શુષ્ક
ખડખડે, રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે;
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત.
ઊઘડે તરુવર કેરી કાય,
ચીવરે પીત ધરા ઢંકાય;
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
પીત ચીવરમાં ધરતી મગ્ન:
બેઉ તપ તપે,
પંખી પંખીની સોડે લપે.

– પ્રજારામ રાવળ

આ કાનથી વાંચવાની કવિતા છે. નકરો સ્નિગ્ધ લય કાનથી મન સુધી કેવો જાદૂ કરે છે એ માણો. ( ચીવર=વસ્ત્ર )

Comments (10)

શબદસૃષ્ટિ અંતે – રાજેન્દ્ર શુક્લ

ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.

ન તો ઊંઘવું આ, ન તો જાગવું આ,
અહર્નિશ ઉજાગર ઉંઘેટી લઉં છું.

હું રેલાઉં, ફેલાઉં, વરસી પડું પણ-
બીજી ક્ષણ મને હું ઉશેટી લઉં છું.

ભલો ભાવ ભગવો, ભલો મેઘધનુષી!
લિપટતું જે આવે લપેટી લઉં છું.

શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.

– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)

એક એવી અવસ્થા આવે છે કે જ્યાં બધું છોડી દેવું અને સર્વસ્વને ભેટી લેવું એક જ બની જાય છે. ત્યાં શાંત થઈ જવું કે છલકી જવું એક જ બની જાય છે. અને જાગૃતિ ને નિદ્રા છાના પગલે ભેગા થઈ જાય છે.

જે ભાવ કુદરતી રીતે સ્ફૂરે – એ ભગવો હોય કે રંગીન – એ જ ખરો ભાવ છે. એને ભારે ભાવથી ભેટી જ લેવું !

છેલ્લો શેર તો ભારે મઝાનો થયો છે. શબ્દ જ ક્ષીરસાગર છે, શબ્દ જ સૃષ્ટિ છે અને એના અંતે આધાર પણ તો શબ્દની શેષશય્યાનો જ છે ! આ બધા પ્રતિકોથી, માણસને છેક ઈશ્વર-સમાન અવસ્થા સુધી લઈ જવાનું શબ્દનું સામર્થ્ય કવિ અહીં છતું કરે છે.

Comments (12)

ગઝલ – રઈશ મનીઆર

ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી,
પણ યુગેયુગ એ જ ગમગીની મળી.

ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
શબ્દની, સારું થયું,ખીંટી મળી.

વિશ્વ આખું પોતીકું ગણનારને,
વેદના જયારે મળી,નિજી મળી.

સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
આપણું કિસ્મત કે બસ પીંછી મળી.

એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત,
અંતે થોડી રેત ત્યાં ભીની મળી.

જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?

– રઈશ મનીઆર

Comments (25)

મને ક્ષમા કરજો – આદિ શંકરાચાર્ય

હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !

-આદિ શંકરાચાર્ય

આપણને અસીમ ચાહતાં આવડતું નથી. આપણે બધાંને ટુકડાંઓમાં જ ચાહીએ છીએ. ઈશ્વરને પણ આપણે આપણી સગવડ પ્રમાણે વેતરી નાંખ્યો છે…

Comments (11)

ગઝલ – હેમેન શાહ

પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.

પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.

ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.

સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.

કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.

સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.

મોંઘીને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.

– હેમેન શાહ

સામનમાં એકમાત્ર સાચો કક્કો જ હોય તો જીવન આપમેળે શું મોંઘેરું ને રંગીન નથી બની રહેતું?

Comments (16)

ગઝલ – આશા પુરોહિત

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહિત

કોઈનાં જવાથી એની સાથે સાથે બીજું શું શું ચાલ્યું જાય છે- એ વિષાદી ભાવને મત્લાથી લઈને મક્તા સુધી દરેક શેર વધુ ને વધુ ઘેરો બનાવે છે… કયા શેરને બેસ્ટ ગણવો એ સવાલનો જવાબ આપવોય અઘરો થઈ પડે એવી મજાની ગઝલ.

Comments (20)

ઘટમાં ઝાલર બાજે – ઊજમશી પરમાર

ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.

પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી ?

વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !

– ઊજમશી પરમાર

એકવાર ઘટમાં ઝાલર વાગવા માંડે તો પછી દુનિયાનો લય પણ અનોખો જ લાગે… અને એકવાર ભીતરની દૃષ્ટિ બદલાઈ જાય, પછી તો સાવ અજાણી આંખોની ભાષા પણ મધઝરતી જ લાગે.

Comments (6)

ગુલામી – દલપત ચૌહાણ

ગુલામીની બેડીઓ
કેવી હોય છે, દોસ્તો ?
નજરે જોઈ નથી.
રાજમાર્ગ પર ચાલતાં ચાલતા
હ્રદય થડકો ચૂકી જાય
પૂજા માટે ઝૂકેલું મસ્તક
છેદાય જાય
નજર સામે સંભોગાતી સ્ત્રીની ચીસ
સંભળાય, તો ય
મૌનનો કિલ્લો તૂટે નહીં
તેને શું કહીશું, દોસ્તો ?

– દલપત ચૌહાણ

ગુલામી તો માનસિક અવસ્થા છે. કોઈ કાયદો કદી કોઈને સ્વતંત્ર બનાવી શકતો નથી. સ્વતંત્રતાની કિંમત આપવાની તૈયારી, એને પચાવવાની તાકાત, અને એને જીરવવાની હિંમત આ બધુ હોય તો જ કોશિશ કરવી. બાકી તો ઘેટાંના ટોળામાં એક વધારે, બીજું શું ?

Comments (10)

ગીત – મુકેશ જોષી

ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીગડાં લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એકવાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે

અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીની માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે…ફાટ્યા ને તૂટ્યા….

પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે….ફાટ્યા ને તૂટ્યા….

– મુકેશ જોષી

‘ Love that does not renew itself every day becomes a habit and in turn a slavery’ – Kahlil Gibran.

Comments (15)

Page 1 of 3123