ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
ચડે છે આવી રોજેરોજ એ શાથી ટપાલમાં ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વર્ષાકાવ્ય

વર્ષાકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

એક ચોમાસું - કરસનદાસ લુહાર
ચાલ, વરસાદની મોસમ છે... (વર્ષાકાવ્ય મહોત્સવ)
વર્ષા - નર્મદાશંકર
વર્ષાકાવ્ય : ૩ : આજ અષાઢ આયો - નિરંજન ભગત
વર્ષાકાવ્ય : ૪ : વ્હાલપની વાત - ઉમાશંકર જોશી
વર્ષાકાવ્ય: ૧ :અષાઢ - પ્રદ્યુમ્ન તન્ના
વર્ષાકાવ્ય: ૨ : ગુલાબ મારાં કોણ લેશે ?
વર્ષાકાવ્ય: ૫ :વરસાદમાં - ઉદયન ઠક્કર
વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં - આદિલ મન્સૂરી
વર્ષાકાવ્ય: ૭ :એવું કાંઈ નહીં ! - ભગવતીકુમાર શર્મા
સાવન છકી ગયેલો - ચંદ્રકાન્ત શેઠસાવન છકી ગયેલો – ચંદ્રકાન્ત શેઠ

સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો. –

ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –

સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –

– ચંદ્રકાન્ત શેઠ

મેઘરાજ ઓણસાલ બરાબર મંડ્યા છે. એક તો એપોઇન્ટમેન્ટ કરતાં દસ દિવસ વહેલા આવી ટપક્યા અને આવ્યા પછી એકેય દિવસ કોરો છોડતા નથી… સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે એવામાં આ ગીત યાદ ન આવે તો જ નવાઈ.

દશે દિશાઓને જાણે ડહોળી નાંખવાની જીદે ન ચડ્યો હોય એમ છાકટો થઈ વરસતો વરસાદ સમગ્ર સૃષ્ટિનો કોળિયો કરતો ન હોય એમ વકર્યો છે એ વાત અહીં કેવી સરસ રીતે લયાંવિત થઈ છે !

Comments (6)

વર્ષા – નર્મદાશંકર

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?

આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.

-નર્મદાશંકર

વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે.

પ્રોષિતભર્તૃકા

(દામણી= વીજળી, ઉદક=પાણી, દાદુર= દેડકો)

Comments (4)

એક ચોમાસું – કરસનદાસ લુહાર

એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.

એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર !
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર !

– કરસનદાસ લુહાર

કાલે એક ચોમાસું ગીત વાંચ્યું, આજે એક ચોમાસું ગઝલ… ટૂંકી બહરની અને ઓછા શેરની આ ગઝલમાં કવિ મનભરીને વરસ્યા છે. બે અંતિમ છેડાની સરખામણીઓમાં વિરહની વેદનાને ધાર મળે છે અને એ ધારને ઓર તીક્ષ્ણ બનાવે છે ચોમાસાંની મૂલભૂત મિલનની ઋતુમાં થતી વાત. અંતિમ શેરમાં અલકાપુરી અને રામાદ્રિની વાતમાં કવિ કાલિદાસના મેઘદૂતને પણ અછડતું સ્પર્શી લે છે…

Comments (4)

વર્ષાકાવ્ય: ૭ :એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે  પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે માટીની  ગંધ અને  ભીનો  સંબંધ  અને મઘમઘતો સાદ,
.                                                  એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી  અને તે ય  બારમાસી,  હવે જળમાં ગણો
.                                                  તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ  અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કાળું  ભમ્મર  આકાશ  મને  ઘેઘૂર  બોલાશ  સંભળાવે  નહીં;
મોર  આઘે  મોભારે  ક્યાંક  ટહુકે  તે  મારે  ઘેર  આવે  નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા  લઇને આવે ઉન્માદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કોઈ  ઝૂકી  ઝરુખે  સાવ  કજળેલા  મુખે   વાટ   જોતું  નથી;
કોઈ  ભીની  હવાથી   શ્વાસ  ઘૂંટીને   સાનભાન  ખોતું  નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (9)

વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં – આદિલ મન્સૂરી

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં – આપણને સહુને આપણા ભૌતિક્તાવાદી હોવાનો અહેસાસ કરાવી ભીતર, ઠે…ઠ ભીતર કારી ચોટ પહોંચાડે એવો આ શેર ! શહેરીકરણ, દોડધામની જિંદગી અને મકાનો-ગાડીઓથી છલોછલ વૈભવી જીવનને વેંઢારવાની અને નિભાવવાની જવાબદારીઓથી આપણે સહુ આજે એવા ભીંજાઈ ગયાં છીએ અને ભીંજાયેલા જ રહીએ છીએ કે વરસાદનું ભીંજાવું તો જાણે આપણા જીવનકોશમાંથી જ નીકળી ગયું છે… પણ આપણે સૌ ભૂલી બેઠાં છીએ કે લાખ કોશિશ કેમ ન કરીએ, છેવટે તો હવા જેવી હવા પણ પલળીને જ રહે છે ને !

Comments (14)

વર્ષાકાવ્ય: ૫ :વરસાદમાં – ઉદયન ઠક્કર

ભીંજાવામાં   નડતર   જેવું   લાગે   છે :
શરીર  સુદ્ધાં,  બખ્તર  જેવું   લાગે   છે.

મને   કાનમાં   કહ્યું   પુરાણી   છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”

મોસમની  હિલચાલ  જ  છે આશાવાદી :
સોળ   અચાનક   સત્તર  જેવું  લાગે છે.

ખુલ્લા   ડિલે   વૃદ્ધ  મકાનો  ઊભાં  છે,
અક્કેકું   ટીપું   શર   જેવું   લાગે   છે !

– ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કરની આ ગઝલ વરસાદી ગઝલોમાં શ્રેષ્ઠતમ ગણી શકાય. ચાર શેર અને ચારેય અદભુત. વરસાદમાં ભીંજાવાની ઈચ્છા જે તીવ્રતાથી આ ગઝલના પહેલા શેરમાં અનાયાસ ઊઘડી આવી છે એ न भूतो, न भविष्यति છે. કવિને વરસાદમાં ભીંજાવું તો છે પણ ઠેઠ અંદર સુધી. ભીંજાવાની શક્યતાનો વ્યાપ કવિ રોમ-રોમથી વધારી અંતરાત્મા સુધી લંબાવે છે એમાં આ શેરની ચમત્કૃતિ છે. રેઈનકોટ, છત્રી ભીંજાવાની આડે આવે એ તો સમજી શકાય પણ ખુદનું શરીર જ જો વ્યવધાન ભાસે તો? આકંઠ ચાહનાની આ ચરમસીમા છે, પછી ભલે તે વરસાદ માટે હોય, પ્રિયતમ માટે હોય કે ઈશ્વર માટે હોય.

વરસાદ ગમે તે સ્વરૂપે આવે એ ગંભીરતા, પાકટતા લાવે છે. ઊઘાડી નિર્વસન ધરતીને એ લીલું પાનેતર પહેરાવી અલ્લડ અવાવરૂ કન્યામાંથી ગૃહિણી બનાવે છે તો ફિક્કા પડતા જતા નદીના પોતને એ ફેર ગાઢું કરી આપે છે. વરસાદની ઋતુ આ રીતે ભારે આશાવાદી લાગે છે. ગઈકાલ સુધીની ઉચ્છંખૃલ ષોડશી આજે સત્તરમા વાને ઊભેલી ઠરેલ યુવતી ભાસે છે એ વરસાદનો જ જાદુ છે ને !

(શર=તીર)

Comments (11)

વર્ષાકાવ્ય : ૪ : વ્હાલપની વાત – ઉમાશંકર જોશી

                  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની. 
                  એવી  વ્હાલપની  વાત રંગભીની.

                          આકાશે વીજ ઘૂમે, 
                          હૈયામાં પ્રીત ઝૂમે,
                  છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની. 
                  વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની.

                           બાજે  અજસ્ત્રધાર
                           વીણા  સહસ્ત્રતાર
                   સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની. 
                   વર્ષાની   રૂમઝૂમતી  રાત  રંગભીની.

                            ઓ રે વિજોગ વાત! 
                            રંગ   રોળાઈ   રાત,
                    નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની. 
                    વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

-ઉમાશંકર જોશી

વર્ષાની એક રાત… સ્મુતિપટ પર દૃશ્યોની લંગાર લગાડી દે એવી રૂમઝૂમતી રાત ! ગીતની એક પછી એક કડી એક પછી એક પાંદડીની જેમ ખૂલે છે અને વ્હાલપની વાતથી છેક રોળાઈ રાત સુધી લઈ જાય છે.

Comments (4)

વર્ષાકાવ્ય : ૩ : આજ અષાઢ આયો – નિરંજન ભગત

                રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂર દખ્ખણ મીટ માંડીને
                     મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને 
                     વરસી હેતની હેલ;
એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો !

                      મેઘવીણાને કોમલ તારે 
                                           મેલ્યાં વીજલ નૂર,
                      મેહુલાએ ત્યાં જલની ધારે 
                                           રેલ્યા મલ્હારસૂર; 
                      એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો,
                      સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો 
                      મને ન લાગ્યો રંગ;
એ તો સૌને ભાયો ને શીતલ છાંય શો છાયો !

                      આપણે રે પ્રિય, સામસામે તીર,
                                           ક્યારે ય નહીં મિલાપ;
                      ગાશે જીવનજમુનાનાં નીર 
                                           વિરહનો જ વિલાપ ? 
                      રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

                બિરહમાં બાઢ લાયો !
                રે આજ અષાઢ આયો !

-નિરંજન ભગત

કુદરત વ્યસ્ત અને માનવ હૈયું ત્રસ્ત. વર્ષાનો (કે વર્ષાગીતોનો!) આ જ નિયમ છે !

Comments (5)

વર્ષાકાવ્ય: ૨ : ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સવારની ભીનીભીની છાબમાં
ટહુકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી બપોરની ભીનીભીની છાબમાં
તડકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સાંજની ભીનીભીની છાબમાં
સળવળતાં કોનાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી રાતની ભીનીભીની છાબમાં
સપનાંનાં ઊઘડે ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

કોઈ મને ક્યારે કહેશે -  
                            ગુલાબ મારાં કોણ લેશે ?

– મહેશ દવે

આ ‘ભીનુંભીનું’ વર્ષા કાવ્ય વરસાદનું નામ પણ લીધા વગર લખેલું છે. શ્રાવણનો ભીનો દિવસ એક મીઠી ફાંસની માફક ચારે પ્રહર પ્રિયજનની યાદ અપાવે છે – સવારે, બપોરે, સાંજે અને રાત્રે. ગીતની ભાષા અને યોજના એટલી સરળ છે કે જોડકણાં જેવું લાગે. પણ કવિએ શબ્દોનો એવો તો તાતો પ્રયોગ કર્યો છે કે પ્રેમભીના  હૈયાની રેશમી તરસ અદલ ઉભરી આવે છે. આ ગીત સાથે જ સાહ્યબો મારો ગુલાબનો છોડ છે પણ વાંચો તો ઓર નશો ચડવાની ગેરેંટી છે !

Comments (5)

વર્ષાકાવ્ય: ૧ :અષાઢ – પ્રદ્યુમ્ન તન્ના

આયો અષાઢ !
સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!

        કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,
        ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!

        ઉઘલ ઉઘલ દળવાદળ પલપલ વરસે મુશળધાર,
        પ્રકૃતિ રૂઠી ઊઠી આજે ધરે પ્રલયસિંગાર
રંગરંગીલી ઓઢણી છોડી ઓઢે જળ-ઓછાડ!

         આભ ચીરીને ઊતરે જાણે વૈતરણીનાં વાર,
         આકુલ જનગણ કંઠે ઊડતો ધેરો એક પુકાર,
પ્રલયંકર હે શંકર ! એને ઝીલો જટાની આડ.

– પ્રદ્યુમ્ન તન્ના

વર્ષાનો પૂરેપૂરો ‘પાવર’ એક ગીતમાં પકડવો લગભગ અશક્ય બાબત છે – આ ગીત ન વાંચો ત્યાં સુધી 🙂 લયના એક અદભૂત સંમિશ્રણથી કવિ વરસાદના જોમ અને જુસ્સાને જીવંત કરી દે છે. શબ્દ અને અર્થની પરવા કર્યા વિના ગીત મોટા અવાજે બે વાર વાંચી જુઓ… એ જ એની ખરી મઝા છે !

(સમીરણ=પવન, ઓછાડ=ઓછાયો, ઉઘલ=છલકતું, આકુલ=ગભરાયેલુ)

Comments (7)

Page 1 of 212