વર્ષાકાવ્ય: ૫ :વરસાદમાં – ઉદયન ઠક્કર
ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
મોસમની હિલચાલ જ છે આશાવાદી :
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.
ખુલ્લા ડિલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે !
– ઉદયન ઠક્કર
ઉદયન ઠક્કરની આ ગઝલ વરસાદી ગઝલોમાં શ્રેષ્ઠતમ ગણી શકાય. ચાર શેર અને ચારેય અદભુત. વરસાદમાં ભીંજાવાની ઈચ્છા જે તીવ્રતાથી આ ગઝલના પહેલા શેરમાં અનાયાસ ઊઘડી આવી છે એ न भूतो, न भविष्यति છે. કવિને વરસાદમાં ભીંજાવું તો છે પણ ઠેઠ અંદર સુધી. ભીંજાવાની શક્યતાનો વ્યાપ કવિ રોમ-રોમથી વધારી અંતરાત્મા સુધી લંબાવે છે એમાં આ શેરની ચમત્કૃતિ છે. રેઈનકોટ, છત્રી ભીંજાવાની આડે આવે એ તો સમજી શકાય પણ ખુદનું શરીર જ જો વ્યવધાન ભાસે તો? આકંઠ ચાહનાની આ ચરમસીમા છે, પછી ભલે તે વરસાદ માટે હોય, પ્રિયતમ માટે હોય કે ઈશ્વર માટે હોય.
વરસાદ ગમે તે સ્વરૂપે આવે એ ગંભીરતા, પાકટતા લાવે છે. ઊઘાડી નિર્વસન ધરતીને એ લીલું પાનેતર પહેરાવી અલ્લડ અવાવરૂ કન્યામાંથી ગૃહિણી બનાવે છે તો ફિક્કા પડતા જતા નદીના પોતને એ ફેર ગાઢું કરી આપે છે. વરસાદની ઋતુ આ રીતે ભારે આશાવાદી લાગે છે. ગઈકાલ સુધીની ઉચ્છંખૃલ ષોડશી આજે સત્તરમા વાને ઊભેલી ઠરેલ યુવતી ભાસે છે એ વરસાદનો જ જાદુ છે ને !
(શર=તીર)
Jina said,
July 18, 2008 @ 2:17 AM
“વાહ વાહ!!” સિવાય બીજું શું કહી શકાય???
gopal parekh said,
July 18, 2008 @ 5:29 AM
મન મેલીને વરસ્યા તમે,ઉદયનભાઇ ભીંજાવાની મજા પડી
Pinki said,
July 18, 2008 @ 6:49 AM
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
ઊઘડી જઈએ અવસર જેવું લાગે છે
જાત ખોલવાની વાત જ નિરાળી…
મત્લાના શેર અને વર્ષાને ઉજવતો આ શેર તો અદ્.ભૂત !!
pragnaju said,
July 18, 2008 @ 9:30 AM
ગમી જાય તેવી ગઝલ્
વરસતા વરસાદમાં એકવાર ભીંજાવાની ઇરછા તો દરેકને થતી હોય છે, બાળપણમાં કરેલા છબછબિયાં અમે વૃધ્ધને કરવામાં મળે તો તે ખુશીની પળ હોય છે.
મને આ પંક્તીઓ વધુ ગમી
મોસમની હિલચાલ જ છે આશાવાદી :
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.
ભીતર નિર્વ્યાજ લાગણીથી ભીંજાવાની તો મઝા કાંઈ ઔર જ ….
ધવલ said,
July 18, 2008 @ 12:45 PM
ઉત્તમ ગઝલ !
આગળ ઉ.ઠ.ની મસ્તીખોર ‘વરસાદી’ ગઝલ મૂકેલી એ સાથે જોજો : અષાઢના પ્રથમ દિવસે..
( https://layastaro.com/?p=742 )
વળી સત્તરમાં વરસ પરથી (મોટેભાગે મુકુલભાઈનો) શેર યાદ આવ્યો:
કાનથી સુંઘાય ના ને કાનમાં પૂમડું અત્તરનું બેસે,
એમ એક છોકરીને સત્તરમુ બેસે !
જો કોઈને યાદ હોય તો શેર સુધારી આપશો અને શક્ય હોય તો આખી ગઝલ જ મોકલજો. એડવાન્સમાં આભાર !
uravshi parekh said,
July 18, 2008 @ 10:33 PM
ghani saras gazal chhe.
varsad man vanchvani maja avi.
ek ek kadi saras chhe.
bahu gami.
nilamdoshi said,
July 19, 2008 @ 8:52 AM
મારી પ્રિય ગઝલ છે. પણ મને તો વરસાદમાં ઉલટી અનુભૂતિ થાય છે. સોળ વરસની કન્યા વરસાદમાં સત્ત્રર વરસની ઠરેલ યુવતી કેમ બની શકે હું તો બાવન વરસે યે વરસાદમાં સોળ વરસની બની જાઉ અને ભીંજાવા નીકળી પડું છું….
વિવેક said,
July 19, 2008 @ 11:24 PM
આ વાતેય સાચી નીલમબેન…
Mansuri Taha said,
July 20, 2008 @ 12:47 AM
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
કેટલી સરસ વાત, ઉદયન સાહેબને અભિનંદન આપવા જ પડે.
Priyjan said,
July 22, 2008 @ 10:32 AM
તબતર કરિ ગઈ આ ગઝલ તો!!
મજા આવી ગઈ!!
GURUDATT said,
July 28, 2008 @ 1:46 PM
ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
આ બે ય શેર ખૂબ ગમ્યા..
સુંદર ગઝલ્..