નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.
ઉર્વીશ વસાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરીશ ઠક્કર ડૉ.

હરીશ ઠક્કર ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(મુશ્કેલ છે) - હરીશ ઠક્કર
ગઝલ - ડૉ. હરીશ ઠક્કર
ગઝલ - ડૉ. હરીશ ઠક્કર
ગઝલ - હરીશ ઠક્કર
ગઝલ - હરીશ ઠક્કર
ગઝલ - હરીશ ઠક્કર
ગઝલ - હરીશ ઠક્કર
ગઝલ - હરીશ ઠક્કર
ગઝલ - હરીશ ઠક્કર
ગઝલે સુરત (કડી-૨)
ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧
ઝાકળબુંદ : ૨ : ચાડી ખાય છે - ડો. હરીશ ઠક્કરગઝલ – હરીશ ઠક્કર

જિંદગી સાક્ષાત્ થાતી હોય છે,
પણ પ્રસંગોપાત થાતી હોય છે.

એમ ક્યાંથી વાત એની નીકળે ?
વાતમાંથી વાત થાતી હોય છે.

બોલવામાં ધ્યાન તો રાખો જરા
સાવ ઉઘાડી જાત થાતી હોય છે.

કોઈનો કેમે દિવસ જાતો નથી
મારે સીધી રાત થાતી હોય છે.

એમ પ્રત્યેક વાતનો ઉત્તર ન વાળ,
કરવા ખાતર વાત થાતી હોય છે.

– હરીશ ઠક્કર

સોની જેમ દાગીનાને એકદમ બારીકાઈથી ઘડે, બરાબર એમ જ ગઝલ કરતા ગઝલકારોની યાદી બનાવવાની હોય તો હરીશ ઠક્કરનું નામ મારે મોખરાની યાદીમાં મૂકવું પડે. આ ગઝલ જુઓ… સાવ સીધા ને સટાક કાફિયા… એકદમ સહજ અને સરળ ભાષા… પણ ગઝલ જુઓ તો ? એક-એક શેર પાણીદાર. સંઘેડાઉતાર.

Comments (7)

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

હામ ને હેસિયત થકી બેઠો,
હુઁ નથી કોઈના વતી બેઠો.

શ્વાસ ખાવો કે રોટલા ખાવા ?
બેઉનો મેળ ક્યાં કદી બેઠો ?

જીવ ઉભડક હતો તમારી સમક્ષ,
સ્હેજ મલક્યા તમે, પછી બેઠો.

ચિત્ર દોરું છું તારું રોજેરોજ,
હાથ મારો હજી નથી બેઠો.

જેમનું નામ છે ઘણું મોટું,
એમનું નામ, હું પૂછી બેઠો.

– ડૉ. હરીશ ઠક્કર

આમ તો આખી ગઝલ જ કવિની તાસીર પ્રમાણે સંઘેડાઉતાર થઈ છે પણ મને ત્રીજો-ચોથો કવિકર્મના અરીસા જેવો લાગ્યો. જીવનું બેસવું અને કોઈ વસ્તુ પર હાથ બેસવો- આ બે રૂઢીપ્રયોગો જે સરળતા-સફલતાથી કવિ ટૂંકી બહેરમાં પ્રયોજી શક્યા છે એ કાબિલ-એ-દાદ છે.

Comments (4)

ગઝલ – હરીશ ઠક્કર

લાગણી છલકાય જેની વાતમાં,
એક-બે જણ હોય એવા, લાખમાં.

બંધ ઘરમાં ના જવું એ સૂચના,
જાવ તો આવે કશું ના હાથમાં.

છે વિરોધાભાસથી ભરપૂર, પણ
શબ્દકોશ આખો તમારી આંખમાં.

ચીસ પાડીને પછી કહેવી પડી,
વાત કરવાની હતી, જે કાનમાં.

હૈયું ખોલે ને શરત એવી કરે –
તું પ્રવેશી ના શકે આ દ્વારમાં.

– હરીશ ઠક્કર

આખેઆખી મનનીય ગઝલ… શબ્દકોશવાળું કલ્પન કેવું મજાનું ! અને ચીસ પાડીને વાત કરવી પડવાની વાત તો આપણા સહુના જીવનની કહાણી જ નથી?

Comments (9)

ગઝલ – હરીશ ઠક્કર

ખુશ થઈ શકો તો થાવ, ખુશી હાથવેંત છે,
જકડી શકાશે ક્યાં સુધી, મુઠ્ઠીમાં રેત છે.

ચોકી કરે છે રાત-દિ તારા વિચારની,
આ માંહ્યલાથી ચેત, ઘણો સાવચેત છે.

કેવો ઉઠાવ આવશે સંધ્યાનો, શી ખબર ?
આકાશનું ફલક હજી સંપૂર્ણ શ્વેત છે.

વિશ્વાસ જો ન હો તો ભ્રમરને પૂછી જુઓ,
પ્રત્યેક પુષ્પ આગવી સૌરભ સમેત છે.

નવપલ્લવિત કરી શકે પ્રેમાળ માવજત,
વૃક્ષો એ બીજું કંઈ નથી, ધરતીનું હેત છે.

– હરીશ ઠક્કર

સરળ, સહજ અને તોય નખશિક સંતર્પક…

Comments (7)

ગઝલ – હરીશ ઠક્કર

મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો,
સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો.

નથી માંગી કદી માફી, સજા માંગી છે હંમેશા,
તકાજો ન્યાયનો હો તો પતાવટ હું નથી કરતો.

નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.

વલોવાઈને જ્યારે આછરે ત્યારે ભરી લઉં છું,
ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ હું નથી કરતો.

હશે ત્યાંથી જ રસ્તો ટોચ પર પહોંચી જવાનો, પણ –
ચરણમાં સ્થાન લેવાની બનાવટ હું નથી કરતો.

– હરીશ ઠક્કર

ગઝલકાર સુરતના છે એ કારણોસર નહીં પણ આ ગઝલકાર માટે મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે. અને આપ અહીં જોઈ જ શકો છો કે એનું કારણ દીવા જેવું સ્પષ્ટ છે…

Comments (15)

ગઝલ – હરીશ ઠક્કર

એવું નથી કે લાગણી જેવું કશું નથી,
મારે હવે એ બાબતે કહેવું કશું નથી.

અવઢવ કશી જો હોય તો એ પણ પૂછી લીધું,
ફિક્કું હસીને એ કહે : એવું કશું નથી.

મારે જગતના નાથને શરમાવવો નથી,
નામ એક એનું લેવું છે, લેવું કશું નથી.

સાચું તો માત્ર વહેણ જે આંખોથી આંસુનું,
ઝરણાં-નદીનું વહેવું તે વહેવું કશું નથી.

– હરીશ ઠક્કર

સુરતના તબીબ-કવિ હરીશ ઠક્કરની ગઝલ સાધના અને ગઝલ યાત્રાનો હું નિકટનો સાક્ષી છું. સામયિકોમાં ગઝલો પ્રકાશનાર્થે મોકલાવતા ન હોવાના કારણે ગુજરાત આ સક્ષમ ગઝલકારથી લગભગ વંચિત રહી ગયું છે પણ અકાદમી-પરિષદના નિર્ણાયકો સંપૂર્ણ તાટસ્થ્યથી ચયન કરે તો એમનો તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પ્રથમ ગઝલસંગ્રહ “કહેવું કશું નથી” સોએ સો ટકા આ વર્ષના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકેના પારિતોષિકનો હક્કદાર છે…

Comments (9)

ગઝલ – હરીશ ઠક્કર

સાવ સ્વાભાવિક, સહજ હોતી હશે,
શ્વાસના લયમાં તરજ હોતી હશે.

હોય તો હમણાં જ તત્ક્ષણ હોય એ,
અંતવેળાએ સમજ હોતી હશે ?

હું નથી પહોંચ્યો હજી મારા સુધી,
મારે તે કરવાની હજ હોતી હશે ?

સ્હેજ ભીની થાય તો ઊગે કશુંક
આંખને જળની ગરજ હોતી હશે.

સાવ સાદી ને સરળ તો વાત છે-
બીજથી જુદી ઉપજ હોતી હશે ?

– હરીશ ઠક્કર

ચુસ્ત કાફિયા સાથેની ચુસ્ત ગઝલ.. એકદમ પ્રવાહી ગઝલ…  પણ મને તો કવિશક્તિના સાચા દર્શન મત્લાના શેરમાં થયા. શ્વાસથી વધુ સાહજિક અને સ્વાભાવિક ઘટના આપણા જીવનમાં બીજી કઈ હોઈ શકે ? આ બાબતને કવિએ સહજ અને તરજ જેવા કાફિયાઓમાં કેવી અદભુત રીતે વણી લીધી છે !

 

Comments (12)

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !

તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !

ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.

– ડૉ. હરીશ ઠક્કર

ફરી એકવાર આજે એવી ગઝલ જેના દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય છે… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કળવું દોહ્યલું થઈ પડે એમ છે. પણ જે રીતે કવિએ બીજા શેરમાં લાગણીને નાણી છે એ શબ્દાતીત છે…

Comments (18)

(મુશ્કેલ છે) – હરીશ ઠક્કર

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.

માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.

ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.

કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.

– હરીશ ઠક્કર

ગઝલ સરલ ભાષામાં લખવી, એ વાંચન કે શ્રવણ – બંને સ્વરૂપે શીઘ્રપ્રત્યાયનક્ષમ હોય, શેરિયત જળવાઈ રહે, શેર બંધ છીપ જેવો રહે અને આખો અર્થ કાફિયા પર જ ઉઘડે, રદીફ બધા જ શેરમાં બરાબર નિભાવી શકાઈ હોય, છંદ એકદમ સાફ હોય – આવી બધી જ મુશ્કેલ શરતોને એક જ ગઝલમાં નિભાવવાની કામગીરી દોરડા પર ચાલવા બરાબર છે પણ સુરતના હરીશ ઠક્કર આ કળામાં પારંગત છે. વ્યવસાયે આયુર્વેદાચાર્ય પણ સ્વભાવે નખશિખ કવિ. કોલેજમાં આયુર્વેદની સાથોસાથ શેરો-શાયરી પણ શીખવાડે. ચરકસંહિતા શુશ્રુતસંહિતા જેવા ત્રણેક ડઝન નાના-મોટા સંસ્કૃત પુસ્તકોનો સરળ ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે…

આ ગઝલના બધા જ શેર આફરીન પોકારવા મજબૂર ન કરે તો જ નવાઈ!

Comments (19)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે

-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-

અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર

કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…

ganichacha4

તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ  શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:

મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.

અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.

વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો  મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.

ganichacha3
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)

જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.

પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.

વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.

મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.

રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.

અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.

(ક્રમશઃ)

Comments (15)

Page 1 of 212