કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રાર્થના

પ્રાર્થના શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૦૧ : અંતર મમ વિકસિત કરો – રવીન્દ્રનાથ ટાગોર

 

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર
(મૂળ બંગાળી પાઠ અહીં ગુજરાતી લિપિમાં મુક્યો છે. મોટા ભાગના શબ્દો સરખા છે એટલે ગુજરાતી જાણતો માણસ તરત સમજી શકે એમ છે. નિરલસ=આળસ વિનાનું, સબાર=સૌના, બંધ=બંધન, છંદ=લય, નિઃસ્પંદિત=સ્થિર, અવિચળ)

*

હે અંતરતર (ભીતરથી વધુ ભીતર) મારા અંતરને
વિકસિત કરો. નિર્મલ ઉજ્જવલ કરો.
જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો.
મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો.
સર્વ સાથે એને જોડી, એનાં બંધન છોડો.
મારા સકલ કર્મોમાં તમારા શાંત લયનો સંચાર કરો.
તમારાં ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા
વગર લીન થાય એમ કરો,
એને આનંદિત આનંદિત કરી મૂકો.

– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ ઉમાશંકર જોશી)

ગુજરાતીમાં એટલી બધી પ્રેરણા આપતી કવિતાઓ છે જે તમને જિંદગી જીવવાનો અને જીતવાનો રસ્તો બતાવે. આ બધી કવિતાઓમાંથી કઈ પસંદ કરવી એ મૂંઝવણનું કામ છે. એટલે કવિતાની પસંદગીમાં મેં દુષ્યંતકુમારની સલાહને અનુસરવાનું નક્કી કર્યું છે: मैं जिसे ओढ़ता-बिछाता हूँ / वो ग़ज़ल आपको सुनाता हूँ. જે કવિતા મારી જિંદગીમાં ખરેખર કામ લાગી છે એ જ હું અહીં મુકું છું.

આજની કવિતા ખરું કહું તો મને વારસામાં મળેલી કવિતા છે. રવીન્દ્રનાથ ટાગોરે લખેલી આ કવિતા મારા પપ્પાની અતિ પ્રિય કવિતા. અને એમના થકી આ કવિતાનો પ્રેમ મને વારસામાં મળેલો. રવિબાબુ તો કવિઓના ય કવિ અને આ વળી એમની ય શ્રેષ્ઠ રચનાઓમાં એક.

આ કવિતામાં પોતાની જાતને ઉન્નતિના ઊંચા સોપાન પર કેવી રીતે લઇ જવી એના બધા પગલાં સમાવી લીધા છે. કવિ પોતાની જાતને નિર્મળ, ઉજ્જવળ, સુંદર, જાગૃત, ઉદ્યમી, નિર્ભય, મંગળ, આળસથી ઉપર અને સંશયથી રહિત કરવા માગે છે. પોતાની જાતને (સ્વાર્થના) બંધનમાંથી છોડીને સકળ વિશ્વ સાથે જોડવા ચાહે છે. પોતાના બધા કર્મમાં ‘અંતરતર’ના શાંત લયનો છાંયો ઈચ્છે છે અને એના જ પગે ચિત્તની સ્થિરતાને પામવા માંગે છે. આ સ્થિતિ છે છલોછલ આનંદની સ્થિતિ !

સરળ ભાષામાં આ ગીત આખી જિંદગીને ઉલ્લાસપૂર્ણ અને સાર્થક કરી નાખવાનો કીમિયો બતાવી દે છે. પ્રેમ, પવિત્રતા અને પુરુષાર્થ ત્રણેનું અહીં એકસાથે આવાહન છે.

છેલે એક વાત ‘અંતરતમ’ શબ્દ માટે. અંતરતમ શબ્દનો શાબ્દિક અર્થ થાય ‘અંતરનીય અંદર વસેલું’. એનો સામાન્ય અર્થ ઈશ્વર થાય (એ અર્થમાં આ પ્રાર્થના છે ) પણ એનો બીજો અર્થ પ્રિયજન (એ અર્થમાં આ ઉન્નત પ્રેમગીત છે) કે પછી પોતાનો આત્મા (એ અર્થમાં આ સ્વયંસિધ્ધિનું બુલંદ ગીત છે ) પણ લઇ શકાય.

Comments (2)

આત્મદીપો ભવ – – ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા! તું તારાo

રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા… તું તારાo

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેલ છુપાયાં;
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા… તું તારાo

આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં.. તું તારાo

– ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

લયસ્તરો તરફથી સર્વ કવિમિત્રો તેમજ વાચકમિત્રોને દિપોત્સવી પર્વનાં ખૂબ ખૂબ વધામણાં…

આપણી ભાષાની અજરામર રચના. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે જેણે આ રચના ગાઈ-સાંભળી નહીં હોય. વિશ્વકવિતાની હરોળમાં અગ્રિમ સ્થાન પામી શકે એવી આ ગીતરચના સરળ પદાવલિ અને સહજ પ્રતીકોના વિનિયોગને લઈને જનમાનસમાં પ્રાર્થનાનું સ્થાન લઈ પ્રકાશી રહી છે.

Comments (4)

હરિનાં દર્શન – ન્હાનાલાલ

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા નુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ ! ક્યહારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.

– ન્હાનાલાલ

સચરાચરમાં વ્યાપ્ત સર્વજ્ઞ પ્રભુના દર્શન આડે આવતા ચર્મચક્ષુ અને આળસ, મોહ-માયાના બંધથી અંધ આંખોની આરત કવિ શ્રી ન્હાનાલાલની પ્રાથનામાં તારસ્વરે રજૂ થઈ છે. આપણા સાહિત્યના અમૂલ્ય વારસામાંથી આ એક મોતી અજે આપ સહુ માટે…

(રક્ત=લીન, આસક્ત; ચરાચર= જડ અને ચેતન; ગમ=સૂઝ)

Comments (7)

સુ.દ. પર્વ:૧૫: પ્રાર્થના

Suresh Dalal - sketch

*

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

– સુરેશ દલાલ

*

*

જે રીતે સુંદરમે દોઢ લીટીમાં –તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી– પ્રેમનો આખો ઉપનિષદ લખી નાંખ્યો એમ સુ.દ.ની આ એક લીટીની પ્રાર્થના પણ જગતભરની પ્રાર્થનાઓમાં મોખરાનું સ્થાન મેળવી શકે એવી અદભુત છે…

Comments (5)

અંતર મમ વિકસિત કરો

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથની પ્રાર્થનાનો આ અનુવાદ આપણામાંથી મોટાભાગનાએ અનેકવાર સાંભળ્યો હશે. કવિશ્રી સુરેશ દલાલ આ કવિતાને ભગવદ ગીતા સમકક્ષ મૂકે છે.

પ્રસ્તુત કવિતામાં એક પણ શબ્દ ધ્યાન બહાર રાખી શકાય એવો નથી. એકે-એક શબ્દ પર પૂરતું ધ્યાન આપીને વિચારીએ તો જ આ કવિતા કમળ બનીને ભીતર ખુલે. મને જે પંક્તિ સવિશેષ સ્પર્શી ગઈ એ છે, યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ.  મને બધાની સાથે જોડો અને મારા બધા બંધનો તોડો… અહીં ‘બધા’ શબ્દ ખૂબ અગત્યનો છે… કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મને સગપણ-લાગણી-સંબંધ અને પૈસા-દરજ્જાની ગણતરી કર્યા વિના સર્વની સાથે સમ્યકભાવે જોડો… હું હું ન રહું, બધામાં ભળી જાઉં.. મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે… પણ કવિતાનો ઉત્તમ ભાગ તો બધા બંધનોથી મુક્ત કરોની પ્રાર્થનામાં છે.  બધાની સાથે જોડાઈને પણ બધાથી મુક્ત કરો..  આ વિચાર કલાકો સુધી આપણને અટકાવી દે એવો ગહન છે…

 

Comments (6)

અંગત અંગત : ૧૪ : વાચકોની કલમે – ૧૦

પાણી વહે તો પથ્થરો કોરાય નહીં તોય ભીના તો જરૂર થાય. કવિતા પણ ક્યારેક કોરે પણ ભીંજવે કાયમ. ગૌરાંગ ઠાકરની ગઝલો આંખ મીંચીને કોઈ બીજાના અવાજમાં સાંભળવાની થાય તોય ખ્યાલ આવી જાય કે આ ગૌરાંગ ઠાકરની કલમ છે. એમની રચનાઓમાં ખાસ એમની જ શૈલીમાં ઈશ્વર અને પ્રકૃતિ કેમ ડોકાતા રહે છે એનું રહસ્ય આજે આપણને ખબર પડશે…

જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો,

ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યાનું જળ થાજો
દીનદુઃખિયાના આંસુ લ્હોતા
અંતર કદી ન ધરાજો……મારું જીવન

સતની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો;
ઝેર જગતના જીરવી જીરવી
અમૃત ઉરના પાજો…….મારું જીવન

વણથાક્યા ચરણો મારા
નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પન્દને
તારું નામ રટાજો……….મારું જીવન

વમળોની વચ્ચે નૈયા મુજ
હાલક ડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
ના કદીયે ઓલવાજો……મારું જીવન.

– કરસનદાસ માણેક

ગુજરાતી કવિતાની પ્રતિષ્ઠિત વેબ સાઈટ લયસ્તરો ડોટ કોમ એની સ્થાપનાના છ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે તેના તમામ સંચાલક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરું છું.

મારી વાત કરું તો મારા માટે આ પ્રશ્ન ખરેખર મુંઝવણ ઉભો કરતો પ્રશ્ન રહ્યો કારણ કે ગુજરાતી ભાષાની કંઈ કેટલીય કવિતાઓ મને સ્પર્શી છે અને મારા જીવનને વળાંક પણ આપ્યો છે, તેમાં માત્ર એક કવિતાની વાત હું કઈ આંગળીને કાપું ને લોહી ના નીકળે એવી વાત છે.તેમ છતાં જીવનના પ્રારંભિક કાળમાં શાળામાં ગવાતી આ કવિતા જીવન અંજલિ થાજો… મને ખૂબ ગમી હતી. આ પ્રાર્થના ગીતના બંધારણને મળતી છે એ તો પછીથી જાણ થઈ અને મારા આનંદનો પાર ન રહ્યો. અને જાણ્યું કે જે કવિતા પ્રાર્થના થઇ જાય તે સાચી કવિતા. પછી તો ભણવામાં કલાપીની આપની યાદી ગઝલ ભણ્યો,ને કવિતા તરફની મારી આ માન્યતા વધુ મજબુત થઇ અને આજે પણ હું જીવનના કપરા સંજોગોમાં આ કવિતાઓ ઉપરાંત ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા’ કે ‘નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના’ વાંચું કે સાંભળું તો જીવવાનું બળ મળી રહે છે. આમ કવિતાએ મારા માટે ઈશ્વર આરાધનાનું સ્થાન લીધું છે અને ત્યાર પછીની મારી કવિતાઓમાં પણ મેં મારી ઈશ્વર પ્રીતિ અને પ્રકૃતિ પ્રેમ વણવાનો પ્રયાસ કર્યો છે.

– ગૌરાંગ ઠાકર

Comments (7)

મારો જીવનપંથ ઉજાળ – નરસિંહરાવ દિવેટીયા

પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ !… પ્રેમલo

દૂર પડ્યો નિજ ધામથી હું, ને
ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…પ્રેમલo

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય … પ્રેમલo

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને
માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા
હામ ભીડી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર … પ્રેમલo

ભભકભર્યા તેજથી હું લોભાયો ને
ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ;
મારે આજ થકી નવું પર્વ … પ્રેમલo

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ,
આજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલo

કર્દમભૂમિ કળણ ભરેલી ને
ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ
મુને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલo

રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલo

– નરસિંહરાવ દિવેટિયા

16 જુન, 1833ના રોજ જ્હોન હેનરી ન્યુમેને દરિયાઈ સફર દરમિયાન લખેલ  ‘Lead kindly light‘ કવિતાનો ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું !

Comments (9)

પ્રાર્થના – હરીન્દ્ર દવે

તારું બની કરણ જીવીશ હું સદાય
તારું લહી શરણ જીવીશ હું સદાય,
પંથે વિશૂન્ય મનથી ભટકી રહ્યો છું
તારાં ગ્રહી ચરણ જીવીશ હું સદાય.

-હરીન્દ્ર દવે

ચાર લીટીની આ નાનકડી પ્રાર્થનામાં કોઈ કી-વર્ડ હોય તો તે છે વિશૂન્ય મન.  મન જ્યાં સુધી શૂન્યથીય વધુ શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી પ્રભુના ચરણ ગ્રહી શક્વાનું નસીબ થતું નથી. વળી અહંકારનો અભાવ પણ આ પ્રાર્થનાનો મુખ્ય સંદેશ છે. હું તારું કરણ બનીને જીવી રહ્યો છું એવો અહંકાર મનમાં આવે તો કદી પ્રભુશરણ મળતું નથી… પણ હું તારું કરણ બનીને જીવીશ, તારા શરણમાં અને ચરણમાં જીવીશ એવો નિરંહકારી સંકલ્પ કરીએ તો જ ભટકતા પંથ અને પંથીને એની ખરી મંઝિલ મળે…

Comments (7)

યાદગાર ગીતો :૦૩: જીવન અંજલિ થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

(જન્મ: ૨૮-૧૧-૧૯૦૧, મૃત્યુ: ૧૮-૧-૧૯૭૮)

[audio:http://urmisaagar.com/saagar/audio/jivan-anjali-thajo.mp3]

આખું નામ કરસનદાસ નરસિંહ માણેક અને ઉપનામ ‘વૈશંપાયન’.  મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે ઘણું સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી હતી.  કરાંચીમાં જન્મેલા પરંતુ મૂળ જામનગર જિલ્લાના હડિયાણાના વતની અને મુંબઈમાં વસવાટ. અસહકારની ચળવળ વેળાએ જેલવાસ પણ ભોગવેલો.  ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ સામયિકના તંત્રી પણ રહેલા, જે બંધ થઈ જતાં એમણે ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક પણ શરૂ કરેલું.  ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. (વધુ વિગતે કવિ પરિચય અહીં વાંચો)

ખૂબ જ જૂજ ગીતો એવા હોય છે કે જે પ્રાર્થનાની કક્ષાએ પહોંચી શકે છે.  પ્રાર્થનાની કક્ષાએ પહોંચેલું કવિનું આ ગીત શાળાથી માંડીને છેક મરણપ્રસંગોમાં આજે પણ અચૂક ગવાય છે.  પોતાના આખા જીવનને એક અંજલિ તરીકે પ્રભુને સમર્પિત કરી દેવાનો દિવ્ય ભાવ જ આ ગીતને પ્રાર્થનાસમી ઊંચાઈ બક્ષે છે. જીવનમાં માત્ર સારા કાર્યો કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ (કુંતામાતાની જેમ) પોતાના પથમાં થોડી અડચણો માંગે છે. અને જો અડચણો આવશે તો એને લીધે ક્યાંક શ્રદ્ધા ખોઈ બેસવાની ભીતિ પણ કવિને છે જ, અને એટલે જ સૌથી મહત્વની વસ્તુ જે કવિ છેલ્લે માંગે છે, એ છે અખૂટ શ્રદ્ધા.  ખબર નહીં કેમ, પરંતુ આ ગીત કાયમ મને આપણા ‘ગાંધીબાપુ’ અને એમના જીવનની યાદ અપાવે છે.  કવિ અહીં જીવનમાં જેટલું અને જે જે માંગે છે એટલું અને એ બધું જો આપણને ખરેખર મળી જાય (એટલે કે એટલું જો આપણે જીવનમાં ઉતારી શકીએ) તો આપણે પણ જરૂર ‘ગાંધીજી’ બની શકીએ… પરંતુ એટલું સામર્થ્ય હોવું, શું એ જ ગાંધીપણું નથી?!

Comments (7)

યાદગાર ગીતો :૦૨: એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
.                          એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં
.                          ખરચી  જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
.                          ન ફળી મહેનત મારી… મહાનલ0

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
.                         સળગી  આભ અટારી;
ના સળગી એક સગડી મારી,
.                        વાત  વિપતની ભારી… મહાનલ0

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,
.                      ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
.                      માગું એક ચિનગારી… મહાનલ0

-હરિહર ભટ્ટ

(જન્મ: ૦૧-૦૫-૧૮૯૫, મૃત્યુ: ૧૦-૦૩-૧૯૭૮)

સંગીત : આશિત દેસાઈ
સ્વર :  હેમા અને આશિત દેસાઈ

[audio:http://urmisaagar.com/saagar/audio/ek-j-de-chinagari.mp3]

સૌરાષ્ટ્રના જાળીલા ગામે જન્મેલા અને અમદાવાદમાં વસેલા કવિનો અભ્યાસ બી.એ. સુધીનો અને કાર્ય અધ્યાપનનું. જ્યોતિષશાસ્ત્રના પણ અધ્યાપક. વર્ષો સુધી સંદેશના પ્રત્યક્ષ પંચાંગના મુખ્ય સંપાદક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા અને નિયામક પણ ખરા.  એમની કવિતાઓમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, વતન માટેનો પ્રેમ અને ગાંધી મૂલ્યોનો આદર છલકાતો જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘હૃદયરંગ’, ‘હૃદયનૃત્ય’, બંનેનું સંકલન-  ‘એક જ દે ચિનગારી’)

ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ભક્તિગીત કહી શકાય એવા આ એકમાત્ર ગીતે કવિને અમરત્વ બક્ષ્યું છે. આખી જિંદગી આપણે નાસભાગમાં ને આજીવિકા રળવાની મહેનતમાં ખર્ચી નાંખીએ છીએ પણ આપણી અંદર સળગીને પ્રકાશિત થવા તૈયાર જે જામગરી પડી છે એ સળગે છે કે નહીં એ જોવા થોભતા નથી. વિશ્વ આખામાં ઈશ્વરના નામનો પ્રકાશ પથરાયેલો છે, એક આપણી જ સગડી આગ વિનાની છે. દુનિયાની આ હાડમારીથી હવે કાયા ધ્રુજી ઊઠી છે અને ધીરજનું પણ નાકું આવી ગયું છે… આવી ક્ષણે કવિનો સાચો ભક્ત-વિવેક પ્રગટ થાય છે અને ભજનને કવિતાનું માન મળે છે. કવિ વિશ્વાનલ પાસે માંગી-માંગીને એક ચિનગારીથી વિશેષ કંઈ જ નથી માંગતા.. સળગવાની ને પ્રકાશવાની સામગ્રી તો માંહ્ય ભરી જ છે… માંગણીનો સંતોષ એ આ કવિતાનો મુખ્ય પ્રાણ છે…

Comments (8)

બીજું હું કાંઈ ન માગું – બાદરાયણ

આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
                        પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
                        એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું

– ભાનુશંકર બા. વ્યાસ ‘બાદરાયણ’

અંતરના આર્તસ્વરે કવિ નક્કામા પડી રહેલા તૂંબડા માટે ઈશ્વરના અંતરનો વધુ નહીં, માત્ર એક તાર માંગે છે કેમકે કવિ જાણે છે કે એક તાર જ તૂંબડાને એકતારો બનાવી શકે છે અને એના રણઝણાટથી સૌના આકર્ષણનું પાત્ર થઈ શકાય છે કે આત્મચેતનાવિકાસની પાત્રતા મેળવી શકાય છે…જેવું તૂંબડાનું એવું જ મનખાવતારનુ !!  

Comments (7)

શબ્દોત્સવ – ૬: ભજન: મંગલ મન્દિર ખોલો ! – નરસિંહરાવ દિવેટિયા

મંગલ મન્દિર ખોલો
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાભર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

– નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (જન્મ: 03-09-1859, મૃત્ય: 14-01-1937) પંડિતયુગના ઉત્તમકોટિના સર્જક છે. જાણીતા સાક્ષર કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી. વડનગરા નાગર. મુંબઈમાં ગુજરાતીના પ્રાધ્યાપક. પાછળથી ખેડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર. જેવા કવિ એવા જ સંવેદનશીલ ગદ્યસર્જક. ક્યારેક કોઈ એક જ કૃતિ પણ કવિને અમર કરી દેતી હોય છે. યુવાનપુત્ર નલિનકાન્તના મૃત્યુપર્યંત રચેલા ‘સ્મરણસંહિતા’ દીર્ઘકાવ્યમાંનું આ  ભજનગીત એની સાબિતી છે. એમની એક બીજી અમર પંક્તિ છે: ‘છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી’.

કાવ્યસંગ્રહો: ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’, ‘સ્મરણસંહિતા’.

Comments (1)

હરિ ૐ – અંબાલાલ પટેલ

રમું હું તુજમાં, ભમું હું તુજમાં,
પ્રભુ આંનંદુ તુજ આનંદમાં.
તુજ તેજ તરંગ ઝીલી જીવવા,
જનમ્યો જગમાં તુજમાં શમવા.

સઢ કીશ્તી તણા ભવ સાગરમાં,
કુમકુમ વરણે પૂલ નાંગરવા,
તરી પાર જવા, તુજ રૂપ થવા,
લખું મંત્ર નવા ઉર ઉજ્જ્વળવા.

સચરાચર તું પ્રભુ એકજ તું.
નીરખું જ્યાં જ્યાં ત્યાં પ્રભુ તું.
તું રૂપ સહુ, સહુ રૂપ જ તું.
પછી હું થી જુદો પ્રભુ ક્યાં લગી તું.

મુજ હું પ્રભુ એમ તું રૂપ થતાં,
જડ ભીષણ ભેદી દિવાલ જતાં,
જગ લોપ થયું. મુજ હું ય ગયું. 
તુજ સત્ ચિત આનંદ રૂપ રહ્યું.

ભરી ભર્ગ વરેણ્ય તું ૐ બન્યો.
તુજ આદ્ય ધ્વનિ પ્રભુ ૐ સુણ્યો.
એ ૐ મહીં સ્વર સોહમ્ ના,
ઝીલતાં મુજ હું ગળી ૐ થતાં,

હરિ ૐ સુણું હરિ ૐ ભણું,
હરિ ૐ રટે સ્થુળ સુક્ષ્મ અણું
હરિ ૐ વિભુ ૐ પ્રભુ ૐ નમું
રટી ૐ, હરિ ૐ, હરિ ૐ વિરમું

– અંબાલાલ પટેલ

બહુ જાણીતા નહીં તેવા આ સાધક કવિનું એક જ પુસ્તક ‘ વેણુના નાદ’ અમારા ઘરમાં હતું. અમે ભાઇ બહેનો નાના હતા ત્યારે સોનેરી મુખપૃષ્ટ વાળા તે પુસ્તકને અમે બહુ આદરથી જોતા. તેમની સ્તુતિઓ અને ગરબા અમારા કુટુંબોમાં વારંવાર ગવાતા. અમારા ઘરમાં આ સ્તુતિ હજુ પણ ગવાય છે. માત્ર સ્મૃતિ પરથી આ સ્તુતિ લખી છે.

Comments (4)

અર્ઘ્ય- સ્નેહરશ્મિ

(શિખરિણી)
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહ્ લાદ ભરતે.

કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.

પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
– મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા !
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !

– સ્નેહરશ્મિ

Comments (1)

મારા અંતરના અંતરમાં – જયંતિલાલ આચાર્ય

મારા અંતરના અંતરમાં વિરાજેલા દેવ હે !
ધરવી શી મારે તમને અંજલી જો?

મારા હૃદીયાના તારે તારે ગાનો ઝંકારતાં,
ધરવી શી ગીતો કેરી અંજલી જો?

મારા નયનોની કીકી કેરાં નૂર છો જો,
ત્યારે શીદને અંધારે અમને અથડાવા દ્યો છો દેવ?
ક્યારે અજવાળે અમને દોરશો જો?

મારા કર્ણોની શ્રુતિ કેરા સૂર છો જો,
ત્યારે શીદને કોલાહલમાંથી ઉગારી લ્યો ના દેવ?
ક્યારે અનાહત નાદે પ્રેરશો જો?

મારા મુખની વાણીના રસ, રૂપ છો જો,
ત્યારે શીદને આ વૈખરીમાં વિખરાવા દ્યો છો દેવ?
ક્યારે નીરવમાં સંચારશો જો?

મારા મનની નૌકાના તમે ધ્રુવ છો જો,
ત્યારે શીદને ભમાવી મારી ભટકાવા દ્યો છો દેવ?
ક્યારે ગહનમાં હંકારશો જો?

જાગો ! જાગો ! સૂતેલા દેવ!
જગવો ! જીવન ઘોર.
આ મંગળ ઘડીએ આવો મ્હાલતા જો!

– જયંતિલાલ આચાર્ય

સદ્ ગત શ્રી જયંતિલાલ આચાર્ય મારા પિતાશ્રીના મિત્ર હતા. તે જમાનામાં અમારા સમાજમાં શાંતિનિકેતન જઇ ગુરૂદેવ ટાગોર પાસે ભણ્યા હોય તેવી તે વિરલ વ્યક્તિ હતા. અમદાવાદની લબ્ધ પ્રતિષ્ઠીત ‘શ્રેયસ’ શાળામાં ગુજરાતીના આ શિક્ષકે કોઇ પુસ્તક પ્રસિધ્ધ કર્યું ન હતું. પણ તેમની આ સ્તુતિ અમારા ઘરમાં અવારનવાર ગવાતી.

આપણી અંદર જ રહેલા, આપણા કણ કણને સંચાલતા, પણ સૂતા પડીને રહેલા, તત્વને જગાડવાનું આ આવાહન મને સૌથી વધી ગમતી સ્તુતિ છે.

Comments (1)

ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો ,નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે ,ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે ,સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે ,ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો  પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની ,વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

રહી નિર્મોહી શાંતિથી ,રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલમસ્તીમાં મઝા લેજે !

બાલાશંકર કંથારીયા

મને બહુ જ ગમતી આ કવિતા/ સ્તૂતિ માનનીય શ્રી. મનવંતભાઇ પટેલે મારી વિનંતિને માન આપીને એક જ દિવસમાં ટાઇપ કરીને મોકલી આપી છે. પ્રેમ અને સહકારનું આનાથી મોટું બીજું શું ઉદાહરણ હોઇ શકે?

Comments (9)

એક જ દે ચિનગારી -હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી  જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
                                   મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભઅટારી
ના સળગી એક સગડી મારી,  વાત  વિપતની ભારી
                                  મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,   ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,  માગું એક ચિનગારી
                                  મહાનલ… એક દે ચિનગારી…

-હરિહર ભટ્ટ

Comments (4)