તું મને જોતાની સાથે ઓળખી લેશે, ન ડર;
ખુશબૂ પહેરીને ઊભો છું, છાંટીને ઝાકળ જરા.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2025

વનરાજી – પ્રતિષ્ઠા પંડ્યા

તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.

તારા હસવાથી
થઈ પાણી વહે છે
શરીરની તમામ સરહદો
તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં.
તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?

– પ્રતિષ્ઠા પંડ્યા

પરમેશ્વર, પ્રકૃતિ અને પ્રણય –વિશ્વની દરેક ભાષાની કવિતાઓના કેન્દ્રમાં રહ્યા છે. પ્રસ્તુત રચનામાં પ્રકૃતિને માધ્યમ બનાવીને સર્જકે પ્રણયની પરમોત્કૃષ્ટ પળ આલેખી છે. યાદ રહે, અહીં કેવળ પ્રિયતમની યાદ, હાસ્ય, નજર અને અવાજથી નાયિકાના તનમનમાં થતા જાદુની જ વાત છે. સ્પર્શ, આલિંગન કે ચુંબનને તો હજી કાવ્યપ્રવેશનું સુખ પણ મળ્યું નથી. સ્પર્શ પહેલાં જ શરીરની તમામ સરહદો પાણી પાણી થઈ જાય છે, કાંઠાઓ ઓગાળી વહી નીકળે છે… પ્રણયનો આ કેવો ઉચ્ચ તબક્કો હશે, જ્યાં એક પાત્ર બીજી પાત્રમાં સમસ્ત વનરાજી થઈને ઉઘડતી હશે!

(જેકરંદા અને સાલનાં વૃક્ષથી અજાણ મિત્રો માટે ગૂગલદેવતાની મદદથી મેળવેલ ફોટોગ્રાફ્સ હાજર છે.)

જેકરંદા

જેકરંદા

સાલ

Comments (6)

ગબડું અને પકડું — મનહર મોદી

ગબડું! ઓ ગબડું!
પકડું! ઓ પકડું!

તારું અસલ નામ તે શું?
હોજી અસલ નામ તે શું?
ગબડું! ઓ પકડું!

તને જાણીએ
અને માણીએ
આછું અમથું તો પણ લાગે ભરચક ભારે ભૂ         ગ.

ક્યાંથી આવ્યો?
કેવો ભાવ્યો?
ઝળહળ અંધારાની અટકળ પળ પળ કરતો છૂ!         ગ.

ઘડીક આછું
ઘડીક પાછું
વાદળ તડકે તડાક તૂટ્યું ઐસા બોલે ક્યું?         ગ.

ઉંદર છે ડુંગરનું સપનું
જંગલ મોટું વૃક્ષ વખતનું
પડઘાઓ પોતાને પૂછે અહીં આપણું શું?         ગ.

ચાર દિશા ચોસઠ બાજુ છે
સવા શેર આદૂ ખાધું છે
આંખ મહીં અધમણ ઊકળ્યું છે લીલું ચોમાસું.         ગ.

ધડાક ધડ ધડ
ફડાક ફંડ ફડ
કોણ ઉકેલે પડ પડ મારી ભીતસું ચાંદરણું.         ગ.

મારા મનમાં કલબલ ઊગ્યું
ને અધ્ધર આકાશે પૂગ્યું
એક ઝાપટે એક સપાટે વિસ્તરતો તે તું?         ગ.

અમે શોધીએ
અમે ખોદીએ
ગત સમયનું ઘણું ગયું પણ બાકી રહે છે ‘હું’         ગ.

– મનહર મોદી

કવિતાને વરસોવરસ ઘાણીના બળદની જેમ એક જ ઘરેડમાં ચાલ્યા કરતી જોઈ થાકી-પાકી ગયેલ કેટલાક સર્જકોએ આઝાદી પછી નવી કવિતાનો રાહ પકડ્યો હતો, એમાંના એક તે મનહર મોદી. શબ્દોના પરંપરાગત અર્થમાળખાને તોડીફોડીને કવિ ઘણીવાર ધ્વનિ અને સંવેદનની નવ્યલીલા રચી ચેતન અને અસ્તિત્ત્વના મૂળ સુધી પહોંચવા મથતા જણાય છે. પ્રસ્તુત રચના પણ રૂપકાત્મક અસ્પષ્ટતા અને ભાષાક્રીડાથી ભરપૂર એબ્સ્ટ્રેક્ટ ગીતરચના છે. ગબડું અને પકડું –બે ઘડી માથું ખણતાં કરી દે છે. ગબડું કદાચ પ્રતીક છે અરાજકતા, ગડમથલ અને પતનનું, અને પકડું કદાચિત રૂપક છે નિયંત્રણ અને નિશ્ચિતતાનું. આ બેની વચ્ચેના ટગ-ઑફ-વૉરમાં કથક પોતાના અસલ નામ અને ઓળખની શોધ કરતા જણાય છે. ટુ બી ઓર નોટ ટુ બી જેવી આ દ્વિધાને આછી અમથી જાણીએ-માણીએ તોય ભારે ભરચક લાગે છે. એના મૂળની શોધની યાત્રા નાની નાની ચોટદૂક પંક્તિઓ અને ધડાક ધડ ધડ જેવા રવાનુકારી શબ્દોની મદદથી આગળ વધે છે. ‘મારા મનમાં કલબલ ઊગ્યું /ને અધ્ધર આકાશે પૂગ્યું’ –અવચેતન માનસની કોસ્મિક વિસ્તરણ તરફની ગતિ નિર્દેશે છે. ગમે એટલી શોધખોળ કેમ ન કરીએ, ‘હું’ યાને અસ્તિત્ત્વનું મૂળ તો અવિનાશી જ છે…

Comments (8)

સાહેબ તેરા સાઈ! – દાન વાઘેલા

સાહેબ તેરા સાઈ!
માલા બિચ બના ધાગાઃ જ્યમ ફૂલ મેં સુગંધ સમાઈ!
.                                     ૦ સાહેબ તેરા સાઈ…!

જ્ઞાન-ધ્યાન મેં ખુદ અલગારી!
હૃદયસ્થિત હરપલ હિતકારી!
કાગજ કલમ બિન કર લેતા વો ઢાઈ અક્ષર કી કમાઈ!
.                                 ૦ સાહેબ તેરા સાઈ…!

પલ પ્રવાહ જબ ‘દાન’ કો ડારે;
નાભિસ્થંભ રહે મૂલાધારે!
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ!
.                                ૦ સાહેબ તેરા સાઈ…!

– દાન વાઘેલા

ભક્તિમાર્ગના ગીતો પ્રારંભથી જ ગુજરાતી કવિતાનો મુખ્યસ્તંભ રહ્યો છે. વળી, હરિભક્તિની વાતો કરવા કાજ આપણા કવિઓએ ઘણીવાર ખડી બોલી, વ્રજ, તથા હિન્દીનેય ખપમાં લીધી છે. હેતુ તો એક જ છે, હૈયાની આરત ગાવાનો… પછી ભાષાના વાઘાંને શું કરવા? કવિ દાન વાઘેલાની આ રચના પણ આ ખજાનામાં ઉમેરો કરે છે. પ્રથમ બંધ સામાન્ય થયો છે, પણ મુખડું અને બીજો બંધ બાજી મારી જાય છે.

Comments (16)

કડવાં કારેલાં – સુન્દરમ્

કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા હો,
કડવાં વચન ન હોય કડવાં હો રે.

છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી,
કાતર કાપે ફરી સાંધવા હો રે,
સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે.           કડવાં૦

તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરમી કોપે પાપ હરવા હો રે.             કડવાં૦

દુનિયાના રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે.
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કડવું સુણીને કોક હરખ્યા હો રે.       કડવાં૦

– સુન્દરમ્

આપણામાંથી મોટાભાગનાઓને શાળાના પાઠ્યપુસ્તકમાં આ રચના ભણવામાં આવી હશે. કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો‘ (૧૯૩૩)માંની આ રચના અલગ-અલગ ચીજોથી લઈને મનુષ્યના સ્વભાવ અને વર્તનના દાખલાઓની મદદથી દેખીતી ખરાબ વસ્તુઓ બધી ખરાબ હોય એ જરૂરી ન હોવાની વિભાવના સુપેરે સમજાવે છે. કારેલાંની જેમ જ કોઈને પણ કડવું કહી દેવાના બદલે એની કડવાશ પાછળના હેતુને ઓળખતા શીખી જવાય, તો સાચેસાચ જીવનમાંથી ઘણીબધી કડવાશ દૂર થઈ જાય.

Comments (4)

અભિશપ્ત – ચંદ્રકાન્ત ટોપીવાળા

(પૃથ્વી સૉનેટ)

ઊડ્યા જ કરવાનું આમ બસ પાંખને વીંઝતા
ઊડ્યા જ કરવાનું આ ચરણ યુગ્મ સંકોરીને
ઊડ્યા જ કરવાનું હાંફભર ડોક લંબાવીને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ ને—

ઊડ્યા જ કરવાનું આ ગગન શૂન્યમાં, વાયુમાં
ઊડ્યા જ કરવાનું ખાલીખમ વાદળોમાં, ઊડ્યા
ઊડ્યા જ કરવાનું આ ધુમસમાં, નરર્યા ધૂમમાં
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ, ને—

ઊડ્યા જ કરવાનું ના ઊતરવાનું, થાક્યા છતાં
ઊડ્યા જ કરવાનું ભૂમિ પર ચક્કરો મારતાં
ઊડ્યા જ કરવાનું રે અડકવાનું ના ભૂમિને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ, ઊડ્યા જ, ને

ઊડ્યા જ કરવાનું! ક્યાંક ઊતર્યો હું જો ભૂલમાં
ઊડ્યા જ કરવાનું બંધ, ગતિ બંધ, હું ધૂળમાં!

– ચંદ્રકાન્ત ટોપીવાળા

ભાવાભિવ્યક્તિ માટે જે રીતે ચિત્રકાર રંગોનો ઉપયોગ કરે, એ જ રીતે કવિ શબ્દોનો. કોઈ વાત વજનપૂર્વક કહેવી હોય તો કવિ પુનરુક્તિ કરે. ક્યારેક ત્રિરુક્તિ પણ કરે. પણ અહીં? અહીં તો સૉનેટની ચૌદે ચૌદ પંક્તિની શરૂઆત ઊડ્યા જ કરવાનું‘થી થાય છે… એ સિવાય પણ રચનામાં અન્ય સાત જગ્યાએ ‘ઊડ્યા’ ‘ઊડ્યા’નો ફફડાટ સંભળાય છે. સહેજ પણ અટક્યા વિના કે વિરામ લીધા વિના આમ જ ઊડતા જ રહેવાના શાપને કોઈ આથી વધુ તો કેટલો અધોરેખિત કરી શકે?! (બાય ધ વે, અભિશપ્ત એટલે જેને શાપ આપવામાં આવ્યો છે એ) ભૂલેચૂકેય જો ઊડવાનું બંધ કરીને જમીન પર પગ મૂક્યો કે જીવતર ધૂળમાં…. કવિતાની આ બાહ્યાભિવ્યક્તિના પડળ નીચે પણ કવિ કંઈક કહી રહ્યા છે…. સંભળાય છે?

Comments (5)

હે દીવા! તને પ્રણામ… – રમેશ પારેખ

હે દીવા! તને પ્રણામ…
અંધારામાં કરતો તું તો સૂર્ય-ચન્દ્રનું કામ

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી તમામ સર્જકમિત્રો તેમજ ભાવકમિત્રોને દીપોત્સવી પર્વ નિમિત્તે અઢળક મબલખ વધામણાં….

Comments (1)

તને ચ્હાતાં ચ્હાતાં – નિરંજન ભગત

તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!

હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!
કશી તારી લીલા, કવિ, ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!

– નિરંજન ભગત
(૧૯૪૮)

લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે હેરક્લાઇટસે કહેલી બે વાત યાદ આવે છે: એક, “The Only Constant in Life Is Change.” અને બે, “No man ever steps in the same river twice, for it’s not the same river and he’s not the same man. ” પરિવર્તન સંસારનો સાર્વત્રિક નિયમ છે. હૃદયમાં પ્રણયના અંકુર ફૂટે ત્યારે દુનિયા હોય એથી વધુ સુંદર લાગે. કહેવાય છે કે લૈલા સહેજ પણ રૂપાળી નહોતી,પણ મજનૂને મન એ સંસારની સૌથી સુંદર સ્ત્રી હતી. અહીં પણ કથકના હૃદયમાં ગોપિત રહેલ કવિ પ્રિયતમા છે એથી અલગ જ માનસછબી સર્જે છે. પણ એમ કરવા જતાં ખરો પરિચય વિસ્મૃતિની ગર્તામાં વિલીન થઈ ગયો. હવે એ અસલ રૂપને તો ચાહી શકાય એમ નથી… કવિમનની અકળ લીલાઓ અને છળ પણ કળી શકાય એમ નથી. પણ એ જ કવિ શતદલા પ્રેયસીને સુગંધ સ્વરૂપે ફરી નિહાળી શકે છે…

Comments (4)

રસ્તો ક્યાં છે? – ચંદ્રકાન્ત શેઠ

બ્હાર નીકળવું મારે,
.                રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછાં પીંછાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
.                નભમાં બારી ક્યાં છે ?

છીપની દીવાલ બંધ,
.                કણ રેતીનો,
.                સહરા જેવો.

સ્વાતિનો આ સમય
.                આખુંયે આભ ઊજડ્યા જેવો.

આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ:
ઊભા રહો તો જાવ ચણાતા,
ચાલો તો વીખરાતા!
દરિયાનાં મોજાંય મગર થૈ મરજીવાને ખાતાં!

કાંઠો હોડી ગળી રહ્યો છે.
ભીંત ભીતરને ગળી રહી છે…

પથ્થર! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?

– ચંદ્રકાન્ત શેઠ

અસ્તિત્ત્વને પામવા માટેનો તરફડાટ મનુષ્ય શરૂથી અનુભવતો રહ્યો છે. પિંજરું કાયાનું હોય કે માયાનું, આઝાદીની ઝંખના સૌને રહે છે. બહાર નીકળવાના રસ્તાને શોધવાની મથામણની આ છંદોબદ્ધ રચના કટાવ છંદની રવાનીમાં મોટેથી વાંચશો તો વધારે મજા આવશે.

Comments (2)

કાયમી જુદાઈ – અનિલ જોશી

કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

ચૈતરના આકરા તડકા પડ્યાં ને તૂટ્યા નદિયું ને આભના સંબંધ
આસોપાલવના સળવળતા છાંયડે ડૂબી ગૈ ઝાડની સુગંધ
સહરાની રેતીમાં વાયરાએ ચીતરેલાં મોજાંની જેમ હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

વાટ જોઈ થાકેલા ગતિહીન પોપચાનું અંધારું રોજ મને તોડે
ઓસરીમાં આવીને દીવો પેટાવતાંક અંજવાળું સસલું થઈ દોડે.
તમરું બોલે ને મારી ફાટી બે આંખમાંથી ખરતું એકાંત હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

– અનિલ જોશી

ગુજરાતી ગીતકાવ્યસૃષ્ટિમાં અનિલ જોશીનું નામ ધ્રુવતારક સમું છે, જે દિશા ભૂલેલ મુસાફરને મંઝિલે પહોંચડવામાં સહાયભૂત થાય. ગઝલમાં દર બે પંક્તિએ ભાવવિશ્વ બદલાઈ જાય અને દર બે પંક્તિમાં એ સંપૂર્ણ પણ થઈ જાય. સૉનેટમાં પહેલાં પશ્ચાદભૂ સર્જાય અને પછી ભાવપલટો અને અંતે ચોટ. અછાંદસનું પોત વળી સાવ જ નોખું. એ સઘન ભાવવિશ્વ પણ રચી શકે, એક ચિત્ર પણ દોરી શકે અને ચોટ પણ જન્માવી શકે. ગીત મોટાભાગના કાવ્યપ્રકારો કરતાં અલગ તરી આવતું ઊર્મિકાવ્ય છે. ગીતકાવ્યનો કેન્દ્રસ્થ ભાવ એના મુખડામાં જ વ્યક્ત થઈ જાય છે. કવિને જે કહેવું હોય એ મુખડામાં જ કહી દે છે. બાકીનું ગીત તો સામાન્યતઃ એનું ઘનીકરણ અથવા વિસ્તૃતિકરણ જ હોય. સુરેશ દલાલ કહેતા કે ખરું ગીત મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય છે. આ વાત શીખવી-સમજવી હોય એવા નવોદિત અને અભ્યાસુ કવિઓ માટે અનિલ જોશીનું આ કાવ્ય માર્ગદર્શક બની શકે એમ છે. ચૈતરના આકરા તડકા પડતાં જે રીતે સૂકાયેલ નદી અને ખાલીખમ આભ વચ્ચેનો પાણીદાર સંબંધ તૂટી જાય છે, એ રીતે બે જણ અલગ થાય ત્યારે હૈયામાં કંઈ નહીં તોય અષાઢના આવવાની આશા અને પ્રતીક્ષા તો હોવાનાં… પણ અહીં બે જણ અલગ તો થયાં છે, પણ કાયમ માટે. બે જણ વચ્ચેનો વિયોગ કાયમી હોવાની પ્રતીતિના સ્વીકાર સાથે ગીત શરૂ થાય છે. પણ ખરી કવિતા ચડતા વંટોળિયામાં છે. વિયોગનો વંટોળ હજી ઊઠી થઈ રહ્યો છે, મતલબ હજી તો જોર-એ-કલમ ઔર જિયાદા! અને આ વિશાળ વાવંટોળમાં કથકનું સ્થાન શું? છે ને અદભુત મુખડું! આખું ગીત જ જાનદાર છે…

Comments (8)

કલમવૃક્ષ – હરદ્વાર ગોસ્વામી

વર્ષોની શબ્દસાધનાથી
ખુશ થઈ
વહેલી સવારે મા શારદા પ્રગટ થયાં.
એમણે કહ્યું, “માગ માગ, માગે તે આપું’
મેં કહ્યું, ‘કલ્પવૃક્ષ’.
માએ કહ્યું, “તથાસ્તુ”.
બીજી ક્ષણે તો હું કલ્પવૃક્ષ પાસે.

એવું કહેવાય છે કે,
‘કલ્પવૃક્ષની નીચે બેસીએ તો બધી ઇચ્છા પૂર્ણ થઈ જાય છે’
હું એની નીચે બેસવા જાઉં ત્યાં જ
કલ્પવૃક્ષ બોલી ઊઠ્યું…
‘આવો કવિરાજ,
તમે અહીં
અમારું સદભાગ્ય.
આજે ચોથા પહોરમાં મને સપનામાં
મા શારદા આવ્યાં અને કહ્યું કે,
“જા તને કલમવૃક્ષ નીચે બેસવા મળશે”
હજુ તો આંખ ખોલું ત્યાં સામે તમે…
બાય ધ વે…
તમે કેમ આ બાજુ પધાર્યા?
કોઈ ઇચ્છા હોય તો બોલો
તુરંત પૂર્ણ થશે.’
મેં સંકોચાતાં કહ્યું,
‘કોઈ ઇચ્છા નહીં,
અમસ્તો આ બાજુ આંટો મારવા નીકળ્યો.’

– હરદ્વાર ગોસ્વામી

દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે અમૃત હાથ લાગતા પહેલાં જે ચૌદ રત્નો નીકળ્યાં એમાંનું એક તે કલ્પવૃક્ષ. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ નીચે બેસીને જે કોઈ ઇચ્છા કરવામાં આવે એની પૂર્તિ થાય છે. કલ્પવૃક્ષને કેન્દ્રમાં રાખીને કવિએ કલમવૃક્ષ નામે સરસ મજાની સહજસાધ્ય રચના કરી છે…

Comments (5)

કોઈ ન જાણે! – રમેશ પારેખ

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

-રમેશ પારેખ

ઓણસાલ વરસાદ કંઈ અલગ જ અડીંગો જમાવીને બેઠો છો… જાઉં જાઉં કરે છે ને અચાનક હાઉકલી કરતોક વળી છત્રી વગરના આત્માઓને રંગે હાથ ઝડપી તરબતર કરી ભાગી જાય છે… આવામાં ર.પા.નું આ ગીત ક્યાંકથી હાઉકલી કરતુંકને આવી ચડ્યું અને મને ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા વડે ગળાબૂડ પાણીમાં ડૂબાડી ગયું… તમારે પણ ડૂબવું છે? તો ચાલો… પણ રહો! એક શરત છે… આ ગીત વાંચીને નહીં, મોટેથી લલકારીને વાંચવું…

Comments (8)

બંધ હોય ખડકી ને બંધ હોય બારી… – વિનોદ જોશી

બંધ હોય ખડકી ને બંધ હોય બારી,
પણ ધારી લે, છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હીંચકાને બાંધવો,
જો કે, અઘરું છે ધોધમાર વાદળના ભારથી જ બટકેલા ટહુકાને સાંધવો;

પણ ધારી લે, ધારદાર શમણાં વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, અંધારું એકલું જ પૂરતું છે આમતેમ આથડતો પડછાયો ઢાંકવા,
જો કે, ઢોલિયામાં સૂતેલાં અજવાળાં કોઈવાર અણધાર્યાં માંડે છે પાકવા;

પણ ધારી લે, કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

– વિનોદ જોશી

કોઈ જ પહોંચી ન શકે એ રીતે ભીતરને સજ્જડ તાળું મારીને આપણે બેઠા હોઈએ, એવામાં કોઈક હાઉકલી કરતુંકને સામે આવી ચડે તો? સ્વયંને પુરુષ કે પ્રેમને તાબે ન થવા દેવાની ગાંઠ મનમાં મારીને બેઠેલ નવયૌવનાને ડારો દેતી સહેલીનું રમતિયાળ ગીત આજે માણીએ. જો કે સવાલ કરનાર કથક સહેલી પણ હોઈ શકે અને સ્વયં કાવ્યનાયિકા જાતની ઉલટતપાસ કરતી હોય એય બનવાજોગ છે. સવાલ એ છે કે ભલે ખડકી બંધ કરી, બારીય વાખી દીધી, પણ ધાર કે કોઈ છાપરું ઠેકીને આવી ચડે અને તું આજથી મારી એમ દાવો કરે તો તું શું કરવું?

કવિ નિજની ઊર્મિઓ ભાવક સુધી પહોંચાડવા એકમાત્ર ઉપલબ્ધ ઉપાદાન શબ્દોનો સહારો લે એ બરાબર પણ અન્ય કાવ્યપ્રકારોથી વિપરીત ગીતનું પ્રમુખ ધ્યેય ભાવકને કે શબ્દાર્થ નહીં, ભાવાર્થ સુધી લઈ જવાનું છે. કવિએ જે પ્રતીકો અને પદ પ્રયોજ્યા છે, એનો સ્થૂળાર્થ કરવા કરતાં ભાવ પકડવા મથીશું તો રચના દિલની વધુ નજીક અનુભવાશે. ઝાડનું કદ ખિસકોલી જેવડું જ હોય ત્યારે આપણે એને છોડ તરીકે ઓળખીએ છીએ, પણ કવિ ઝાડ કહે છે. કારણ, જે પ્રેમી છાપરું કૂદીને નાયિકા ઉપર માલિકીભાવ જમાવી શકવાની આશંકા છે, એના માટે નાયિકાના મનમાં તો પ્રણયનો છોડ વૃક્ષની જેમ ફૂલીફાલી ચૂક્યો છે. પણ વાત હજી સાવ પ્રારંભિક તબક્કે હોય ત્યારે સંબંધનો હીંચકો તો બાંધી ન બેસાય ને? અને એવા ટાણે ધોધમાર વરસવા આતુર હૈયાના ભારથી પ્રેમગાનનું સંધાન સાધવાની ઉતાવળ પણ ન થાય. નાયિકા તો આ સમજે છે, પણ નાયક ધારદાર શમણાંની ભારી ફળિયામાં ઠાલવી સામો આવી જાય તો? ગીતમાં આખી મજા જ ડગલે ને પગલે ધારવાની અને તોના ધારદાર સવાલની છે…

Comments (9)

અહીં બારી ખોલું – નયન હ દેસાઈ

થયું, ચાલો, છોડી નીરવ ઘરનાં સંસ્મરણો સૌ
નથી રે’વું આહીં, સજળ નયનો સાદ કરતાં.
વીતેલાં વર્ષોનાં ખળખળ વહ્યાં નીર હૃદયે,
વળાવા આવો લ્યો, સ્વજન સરખાં ઊમ્બર ભીંતો,
નહીં આવો કોઈ? વિનતિ મુજ આ વ્યર્થ જ જશે?
અહીં સંબંધોના શબદ સઘળા મૂક જ હશે?
સવારો થીજેલી, તરફડ થતી સાંજ ઢળતી,
છતાં તારા ખોળે અનુપમ અહો હૂંફ મળતી.
અહીં બારી ખોલું, ટહુક ટહુક્યું આભ ઊઘડે,
અહીં બારી ખોલું, નજર મહીં બ્રહ્માંડ છલકે!

– નયન હ દેસાઈ

નયનભાઈ પાસેથી આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ છંદોબદ્ધ કાવ્ય આપણને મળ્યાં છે. સૉનેટ તો બેએકે જ. આ રચનામાં જ ચાર કડી ઉમેરી સૉનેટકરાર આપી શકાયો હોત, પણ એવું કરવાથી કવિ દૂર જ રહ્યા છે. જે ઘરમાં હવે કોઈની ઉપસ્થિતિનો રવ રહ્યો નથી એ ઘરને છોડી જવા કવિ વિચારી રહ્યા છે. સ્વજનોની ગેરહાજરીમાં સ્વજન જેવાં બની રહેલ ઘરનાં ઊમ્બર અને દીવાલોને વળાવવા આવવા માટે કવિ વિફળ વિનંતી કરે છે. પણ આ નિર્જીવ ભીંતોની વચ્ચે સજળ નયનોનો સાદ હજી સંભળાઈ રહ્યો છે… ઘાયલ સમય થીજી ગયેલ ભલે અનુભવાય, બારી ખોલતાવેંત ન કેવળ ટહુકંતુ આભ નજર સમક્ષ ઊઘડે છે, આખેઆખું બ્રહ્માંડ છલકાતું દેખાય છે… હવે આ ઘર કઈ રીતે ત્યજવું?

Comments (4)

ગાંધીજી – શેખાદમ આબુવાલા

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી,
તમે ચાહ્યું’તું તેવું તો નથી કંઈ આજ, ગાંધીજી.

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરસીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી?

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું,
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી.

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે,
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી.

કદી ‘આદમ’ સમાધિ પર જઈને આ તો કહેવું છે:
તમે એક જ હતા ને છો વતનની લાજ. ગાંધીજી.

– શેખાદમ આબુવાલા

લયસ્તરોના તમામ સર્જકમિત્રો અને વાચકમિત્રોને વિજયાદશમી, ગાંધી જયંતિ તેમજ શાસ્ત્રી જયંતિની ત્રિવિધ વધાઈ…

ગાંધીજયંતિ નિમિત્તે આજે એક ગઝલ… એકે-ક શેર અખાના ચાબખા જેવા થયા છે… પણ આપણી નફ્ફટ ચામડીને કંઈ અસર થશે ખરી?

Comments (3)