અભિશપ્ત – ચંદ્રકાન્ત ટોપીવાળા
(પૃથ્વી સૉનેટ)
ઊડ્યા જ કરવાનું આમ બસ પાંખને વીંઝતા
ઊડ્યા જ કરવાનું આ ચરણ યુગ્મ સંકોરીને
ઊડ્યા જ કરવાનું હાંફભર ડોક લંબાવીને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ ને—
ઊડ્યા જ કરવાનું આ ગગન શૂન્યમાં, વાયુમાં
ઊડ્યા જ કરવાનું ખાલીખમ વાદળોમાં, ઊડ્યા
ઊડ્યા જ કરવાનું આ ધુમસમાં, નરર્યા ધૂમમાં
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ, ને—
ઊડ્યા જ કરવાનું ના ઊતરવાનું, થાક્યા છતાં
ઊડ્યા જ કરવાનું ભૂમિ પર ચક્કરો મારતાં
ઊડ્યા જ કરવાનું રે અડકવાનું ના ભૂમિને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ, ઊડ્યા જ, ને
ઊડ્યા જ કરવાનું! ક્યાંક ઊતર્યો હું જો ભૂલમાં
ઊડ્યા જ કરવાનું બંધ, ગતિ બંધ, હું ધૂળમાં!
– ચંદ્રકાન્ત ટોપીવાળા
ભાવાભિવ્યક્તિ માટે જે રીતે ચિત્રકાર રંગોનો ઉપયોગ કરે, એ જ રીતે કવિ શબ્દોનો. કોઈ વાત વજનપૂર્વક કહેવી હોય તો કવિ પુનરુક્તિ કરે. ક્યારેક ત્રિરુક્તિ પણ કરે. પણ અહીં? અહીં તો સૉનેટની ચૌદે ચૌદ પંક્તિની શરૂઆત ઊડ્યા જ કરવાનું‘થી થાય છે… એ સિવાય પણ રચનામાં અન્ય સાત જગ્યાએ ‘ઊડ્યા’ ‘ઊડ્યા’નો ફફડાટ સંભળાય છે. સહેજ પણ અટક્યા વિના કે વિરામ લીધા વિના આમ જ ઊડતા જ રહેવાના શાપને કોઈ આથી વધુ તો કેટલો અધોરેખિત કરી શકે?! (બાય ધ વે, અભિશપ્ત એટલે જેને શાપ આપવામાં આવ્યો છે એ) ભૂલેચૂકેય જો ઊડવાનું બંધ કરીને જમીન પર પગ મૂક્યો કે જીવતર ધૂળમાં…. કવિતાની આ બાહ્યાભિવ્યક્તિના પડળ નીચે પણ કવિ કંઈક કહી રહ્યા છે…. સંભળાય છે?


વ્રજેશ said,
October 23, 2025 @ 11:26 AM
વાહ..
શરત ફક્ત એક જ ગતિમાન રહેવું..!
મરીઝ યાદ કરાવ્યા..!
પીયૂષ ભટ્ટ said,
October 23, 2025 @ 2:46 PM
વાહ, સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે આ સંવેદના…
ઉડ્યા જ કરવાનો આ અભિશાપનો પંખીએ જાતે જ સ્વીકાર કર્યો છે તેથી ઉડવા માટે પ્રતિબદ્ધ પણ અને કટિબદ્ધ પણ. હા, આ અકળામણ જીરવી જવી એ નિયતિ છે. સમગ્ર સોનેટમાં પ્રવર્તમાન પરિસ્થિતિની અકળામમણ છે પણ આક્રોશ નથી.
સોનેટનાં પ્રથમ બંધમાં પંખીની સ્થિતિ, બીજીમાં પરિસ્થિતિ અને ત્રીજા બંધમાં નિયતિનો સ્વીકાર અને અંતિમ બે પંક્તિઓ નિતાર સાથે જીવનનો વાસ્તવિક ચિતાર આપે છે. चरैवेति, चरैवेतिને ચરિતાર્થ કરતું આ સોનેટ દ્વારા કવિ અભિશપ્ત નિયતિનો જ સ્વીકાર કરે છે.
સરસ કાવ્ય પસંદ કરી કવિની અધોરેખિત બાહ્યાભિવ્યક્તિનાં પડે પાછળનું આંતરિક સૌંદર્ય નિરખવા વિવેકભાઈ અંગૂલીનિર્દેશ કરી આપણી સુશુપ્ત સંવેદનાને ઢંઢોળે છે. સલામ.
હર્ષદ દવે said,
October 23, 2025 @ 4:06 PM
ગતિ બંધ. હું ધૂળમાં… રાખમાંથી ફરીથી પ્રાકટ્ય. ચક્ર ચાલતું જ રહે છે. અભિશપ્ત કાવ્યનાયક આ ચક્રના કેન્દ્ર સ્થાને રહેવા માટે નિમિત બને છે. પ્રયોગશીલ અભિવ્યક્તિ માટે કવિને અભિનંદન.
વિવેક said,
October 23, 2025 @ 6:16 PM
વાહ…
@વ્રજેશ, પીયૂષ ભટ્ટ તથા હર્ષદ દવે:
ત્રણેય મિત્રોએ ખૂબ સ-રસ પ્રતિભાવ પાઠવ્યો… પીયૂષભાઈએ વિસ્તારપૂર્વક આસ્વાદ કરાવ્યો અને હર્ષદભાઈ પણ થોડામાં ઘણા જેવું આકલન કરાવ્યું…
આભાર
Jigisha Desai said,
October 23, 2025 @ 8:23 PM
ખૂબસરસ સંવેદના