વનરાજી – પ્રતિષ્ઠા પંડ્યા
તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.
તારા હસવાથી
થઈ પાણી વહે છે
શરીરની તમામ સરહદો
તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં.
તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?
– પ્રતિષ્ઠા પંડ્યા
પરમેશ્વર, પ્રકૃતિ અને પ્રણય –વિશ્વની દરેક ભાષાની કવિતાઓના કેન્દ્રમાં રહ્યા છે. પ્રસ્તુત રચનામાં પ્રકૃતિને માધ્યમ બનાવીને સર્જકે પ્રણયની પરમોત્કૃષ્ટ પળ આલેખી છે. યાદ રહે, અહીં કેવળ પ્રિયતમની યાદ, હાસ્ય, નજર અને અવાજથી નાયિકાના તનમનમાં થતા જાદુની જ વાત છે. સ્પર્શ, આલિંગન કે ચુંબનને તો હજી કાવ્યપ્રવેશનું સુખ પણ મળ્યું નથી. સ્પર્શ પહેલાં જ શરીરની તમામ સરહદો પાણી પાણી થઈ જાય છે, કાંઠાઓ ઓગાળી વહી નીકળે છે… પ્રણયનો આ કેવો ઉચ્ચ તબક્કો હશે, જ્યાં એક પાત્ર બીજી પાત્રમાં સમસ્ત વનરાજી થઈને ઉઘડતી હશે!
(જેકરંદા અને સાલનાં વૃક્ષથી અજાણ મિત્રો માટે ગૂગલદેવતાની મદદથી મેળવેલ ફોટોગ્રાફ્સ હાજર છે.)





Dr. Vrajlal Savaliya said,
October 31, 2025 @ 11:33 AM
પ્રકૃતિ અને લાગણીનું અદ્ભુત તાદાત્મ્ય.
વ્રજેશ said,
October 31, 2025 @ 1:18 PM
કસ્તુરી નજર.. મૃગલા..
Sejal Desai said,
October 31, 2025 @ 2:29 PM
વાહ…સુંદર અભિવ્યક્તિ
Kishor Ahya said,
October 31, 2025 @ 2:41 PM
વાહ! ખૂબ સરસ અછાંદસ રચના .કેટલાક લોકો ઇશ્વરને આકાર સ્વરૂપે પૂજે છે તો કેટલાંક લોકોને નિરાકાર સ્વરૂપ ગમે છે તો આકાર અને નિરાકાર બને સ્વરૂપોને માનવા વાળા પણ ઘણા છે.કવયિત્રી સુ.શ્રી પ્રતિષ્ઠા પંડ્યાની આ સુંદર અછાંદસ રચના આકાર નિરાકાર બંનેનો પ્રતિઘોષ કરે છે.
જેકરંદા અને સાગના વૃક્ષ ,ફૂલ આકર સ્વરૂપ છે તો ફૂલોનું સૌંદર્ય, સુવાસ નિરાકાર સ્વરૂપ છે. પુરુષ , સ્ત્રી આકાર સ્વરૂપ છે, બંને વચ્ચે પ્રેમની જે ધારા વહે છે તે નિરાકાર સ્વરૂપ છે.
આ સમગ્ર અસ્તિત્વ રહસ્યોથી ભરપૂર છે બીજમાંથી વૃક્ષ થવું, બીજથી મનુષ્યનું ઉત્પન્ન થવું, જન્મ અને મૃત્યુ , સુર્યનું ઊગવું, પૃથ્વીનું ફરવુ, સમગ્ર બ્રહ્માંડ, પાંચ તત્વો બધું અથાહ રહસ્ય છે. પૃથ્વીએ ધારણ કરેલ કરોડો યોનિ (Creator) એક ચમત્કાર છે ! મનુષ્ય -મનુષ્ય વચ્ચે નો પ્રેમ : ચાહે કોઇપણ સ્વરૂપે હોય, એક રહસ્ય, ચમત્કાર છે ! કવયિત્રી સુ.શ્રી પ્રતિષ્ઠા પંડ્યા છેલ્લી પંક્તિમાં પૂછે છે ;
“તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?”
એ કુદરતે મનુષ્યને આપેલી એક અમૂલ્ય મહાન ભેટ પ્રેમ છે ! એક રહસ્ય! ચમત્કાર! , કહો, નિરાકાર ઈશ્વર છે !
આ રચનામાં પ્રકૃતિનું સુંદર વર્ણન મન મોહી લે તેવું છે.
“તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં”
કહેવાય છે મૃગ હમેશા એક અજાણી સુગંધ શોધવા દોડતું રહે છે જેને કસ્તુરીનઝર ,સુગંધ ને કસ્તુરી સુગંધ કહે છે, આ સુગંધ તેની અંદરથી જ આવતી હોય છે. ક્વિયીત્રીએ અંદરના મૃગલાઓ માટે કસ્તુરી નઝરની સરસ ઉપમા આપી છે.
“તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.”
તારા હસવાથી શરીરની સરહદો ઓળંગે છે પાણી .કઇપણ ખુશીના સમાચાર કે કોઈ સાથે મિલનની કલ્પના ,સુખદ બાબતો માટે ,’પાણી પાણી થઈ જવું’ એવો એક મુહાવરો પ્રચલિત છે તેના અનુસંધાને આ સરસ શબ્દ પ્રયોગ કર્યો લાગે છે.
ખૂબખૂબ સરળ અને મૃદુભાષામાં લખાયેલ આ અછાંદસ રચના ખૂબ ગમી.
શ્રી વિવેકભાઈએ કાવ્યની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો તે માટે તેઓને ખૂબ ધન્યવાદ.
🌸🌸🌸🌸
Kishor Ahya said,
October 31, 2025 @ 7:37 PM
તારા હસવાથી
થઈ પાણી વહે છે
શરીરની તમામ સરહદો.
આ પંક્તિનો એક અર્થ સરસ છે. પ્રિયપાત્રના હસવાથી ઉત્પન્ન થતી મોજને લીધે જ્યારે શરીર રોમાંચિત થઈ ઝૂમી ઉઠે છે! એને શરીરની તમામ સરહદો ઓળંગી પાણી વહેવાનું કહે છે.આ અર્થ વધુ સારો છે.
🌹🌹🌹🌹
Poonam said,
January 3, 2026 @ 1:32 PM
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી? Aahaa…
– પ્રતિષ્ઠા પંડ્યા –