કલ્પ્યો છે વિશ્વે જેને હજારો સ્વરૂપમાં,
‘સાહિલ’ એ જગનિયંતા નિરાકાર નીકળ્યો.
-સાહિલ

કાયમી જુદાઈ – અનિલ જોશી

કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

ચૈતરના આકરા તડકા પડ્યાં ને તૂટ્યા નદિયું ને આભના સંબંધ
આસોપાલવના સળવળતા છાંયડે ડૂબી ગૈ ઝાડની સુગંધ
સહરાની રેતીમાં વાયરાએ ચીતરેલાં મોજાંની જેમ હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

વાટ જોઈ થાકેલા ગતિહીન પોપચાનું અંધારું રોજ મને તોડે
ઓસરીમાં આવીને દીવો પેટાવતાંક અંજવાળું સસલું થઈ દોડે.
તમરું બોલે ને મારી ફાટી બે આંખમાંથી ખરતું એકાંત હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

– અનિલ જોશી

ગુજરાતી ગીતકાવ્યસૃષ્ટિમાં અનિલ જોશીનું નામ ધ્રુવતારક સમું છે, જે દિશા ભૂલેલ મુસાફરને મંઝિલે પહોંચડવામાં સહાયભૂત થાય. ગઝલમાં દર બે પંક્તિએ ભાવવિશ્વ બદલાઈ જાય અને દર બે પંક્તિમાં એ સંપૂર્ણ પણ થઈ જાય. સૉનેટમાં પહેલાં પશ્ચાદભૂ સર્જાય અને પછી ભાવપલટો અને અંતે ચોટ. અછાંદસનું પોત વળી સાવ જ નોખું. એ સઘન ભાવવિશ્વ પણ રચી શકે, એક ચિત્ર પણ દોરી શકે અને ચોટ પણ જન્માવી શકે. ગીત મોટાભાગના કાવ્યપ્રકારો કરતાં અલગ તરી આવતું ઊર્મિકાવ્ય છે. ગીતકાવ્યનો કેન્દ્રસ્થ ભાવ એના મુખડામાં જ વ્યક્ત થઈ જાય છે. કવિને જે કહેવું હોય એ મુખડામાં જ કહી દે છે. બાકીનું ગીત તો સામાન્યતઃ એનું ઘનીકરણ અથવા વિસ્તૃતિકરણ જ હોય. સુરેશ દલાલ કહેતા કે ખરું ગીત મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય છે. આ વાત શીખવી-સમજવી હોય એવા નવોદિત અને અભ્યાસુ કવિઓ માટે અનિલ જોશીનું આ કાવ્ય માર્ગદર્શક બની શકે એમ છે. ચૈતરના આકરા તડકા પડતાં જે રીતે સૂકાયેલ નદી અને ખાલીખમ આભ વચ્ચેનો પાણીદાર સંબંધ તૂટી જાય છે, એ રીતે બે જણ અલગ થાય ત્યારે હૈયામાં કંઈ નહીં તોય અષાઢના આવવાની આશા અને પ્રતીક્ષા તો હોવાનાં… પણ અહીં બે જણ અલગ તો થયાં છે, પણ કાયમ માટે. બે જણ વચ્ચેનો વિયોગ કાયમી હોવાની પ્રતીતિના સ્વીકાર સાથે ગીત શરૂ થાય છે. પણ ખરી કવિતા ચડતા વંટોળિયામાં છે. વિયોગનો વંટોળ હજી ઊઠી થઈ રહ્યો છે, મતલબ હજી તો જોર-એ-કલમ ઔર જિયાદા! અને આ વિશાળ વાવંટોળમાં કથકનું સ્થાન શું? છે ને અદભુત મુખડું! આખું ગીત જ જાનદાર છે…

8 Comments »

  1. Varij Luhar said,

    October 11, 2025 @ 2:14 PM

    વાહ ખૂબ સરસ ગીત અને સમજુતી

  2. gaurang thaker said,

    October 11, 2025 @ 3:06 PM

    બહુ જ સરસ ગીત..

  3. Rakesh Thaker said,

    October 11, 2025 @ 5:16 PM

    જોરદાર પ્રસ્તુતિ…વિયોગી હર કોઈને પોતીકી લાગે એવી દર્દસભર છતાં જીવંત કાવ્ય સૃષ્ટિ

  4. Shailesh Gadhavi said,

    October 11, 2025 @ 6:41 PM

    વાહ,, ગીત અને આસ્વાદ બન્ને દમદાર..

  5. ચેતન શુક્લ said,

    October 15, 2025 @ 3:52 PM

    નવોદિત એમાંથી શું શીખી શકે??
    ….ગીતનો પ્રાણ તો એનો પ્રાસ છે અને આ ગીતમાંથી પ્રાસ જ ગાયબ છે.

  6. વિવેક said,

    October 15, 2025 @ 6:06 PM

    @ચેતન શુક્લ:

    ગીત હોય કે ગઝલ, સોનેટ હોય કે ઊર્મિકાવ્ય – કાવ્યસ્વરૂપ તો કેવળ દેહ જ છે, પ્રાણ તો કાવ્યત્તત્ત્વ જ ગણાય. પ્રાસ ગીતનો પ્રાણ નથી, અગત્યનું અંગ અવશ્ય ગણી શકાય. અહીં કેવળ ક્રોસલાઇનમાં જ પ્રાસ નથી, બાકી કવિએ બંને બંધમાં પ્રાસ પ્રયોજ્યા જ છે. પ્રાસ શોધવામાં ગીત ન ખોવાઈ જાય એ ખાસ જો જો, મિત્ર…

  7. Harihar Shukla said,

    October 16, 2025 @ 5:20 PM

    લંબી જુદાઈ … … (કાયમી જુદાઈનું જગાએ)
    અને ચેતન શુક્લનો પ્રતિભાવ પણ …

  8. Poonam said,

    January 3, 2026 @ 12:37 PM

    ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું… Aaha !
    – અનિલ જોશી

    Sarus rachna sir ji 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment