સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2016

રોજ સાંજે પંખીઓના – ઉદયન ઠક્કર

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે, એમ માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’

– ઉદયન ઠક્કર

મક્તાનો શેર આખી ગઝલને ઊંચકી કાઢે છે……

Comments (4)

થ્રી ઓડેસ્ટ વર્ડસ – વિસ્વાવા શિમ્બોર્સ્કા

હું જ્યારે ‘ભવિષ્ય’ શબ્દ બોલું છું,
ત્યારે એ જ ક્ષણે બોલાયા બાદ
એ ભૂતકાળ થઇ જાય છે.

હું જ્યારે ‘મૌન’ શબ્દ બોલું છું,
એ જ વખતે એ તૂટી જાય છે.

હું જ્યારે ‘નથિંગ’ શબ્દ બોલું છું,
ત્યારે હું કશુંક એવું બનાવી બેસું છું,
જે અનસ્તિત્વની પકડની બહાર છે.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા [ પૉલૅન્ડની નૉબેલ વિજેતા કવયિત્રી ]

Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no nonbeing can hold.

– Wislawa Szymborska

 

 

જ્યાં શબ્દની\વિચારની સરહદ પૂરી થાય છે ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.

Comments (4)

જોઈએ છે – રિષભ મહેતા

મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!

તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!

મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!

ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!

ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

– રિષભ મહેતા

કાફિયાદોષને અવગણીએ તો કેવી મજાની ગઝલ ! મત્લા અને આખરી શેરમાં સંસારનું અને બીજા શેરમાં આજના જમાનાના પ્રેમનું સનાતન સત્ય.

Comments (6)

ઈજન – જગદીપ ઉપાધ્યાય

બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

– જગદીપ ઉપાધ્યાય

મજાનું લયાન્વિત ગીત… દરેક બંધની પોતાની એક અલગ જ મજા છે પણ છેલ્લો બંધ શિરમોર…

Comments (3)

ઉથલાવ ને – હર્ષા દવે

હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!

આજ ટહુકા રંગમાં તરબોળ છે,
આજ તો ફૂલો તમે પણ ગાવને !

સ્તબ્ધ થઈને સાવ તળિયે જીવવું,
આકરું લાગી રહ્યું છે વાવને !

ઓગળે હોવાપણાનું આવરણ
કોઈ દિ’ વરસાદમાં જઈ ન્હાવ ને!

આંખથી ઓઝલ થયે શું ફાયદો ?
યાદમાંથી શક્ય હો, સંતાવ ને!

સાવ રેઢુ જ્યાં મૂક્યું’તું બાળપણ,
એ જ રસ્તે આજ પાછા જાવ ને!

-હર્ષા દવે
(૧૬.૭.૨૦૧૬)

“જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી” – મરીઝ જિંદગી જીવવાની ફિલસૂફી આ પ્રકારે આપે છે તો હર્ષા દવે ઘા-દુઃખ-દર્દને હાંસિયામાં ધકેલી આગળ વધવા પાનું પલટાવી દેવાની ફિલસૂફી લઈને આવે છે.

Comments (4)

મળે – મનોજ ખંડેરિયા

કાયમી સમજણથી બસ રુખસદ મળે
થાય છે કે આ પીડા અનહદ મળે

ક્યાં શરૂ થઈ ક્યાં પૂરી થાતી હશે?
એવું છે ભેળાણ કે ના હદ મળે

ક્યાં ગયાં પાદર-નદી ને વડ જૂનો?
ગામ આખું આંસુમાં ગારદ મળે

સ્થિર જીવન થઈ શક્યું ના જે વિષે,
ખોદતાં એ ઘર નીચે પારદ મળે       [ પારદ = પારો , અહીં mercurial અર્થ વધુ બેસે છે ]

શબ્દની પૂરી થતી જ્યાં, તે પછી-
બસ પછી-બસ એમની સરહદ મળે

આ નગરમાં આવીને મનમાં થતું
ક્યાંકથી કોઈ ખૂણે નર્મદ મળે

 

– મનોજ ખંડેરિયા

 

મત્લો જ કેટલો મજબૂત છે !!! મરીઝ યાદ આવી જાય – ‘ દે એક મહાન દર્દ અને પારાવાર દે….’  કવિને અનહદ પીડા જોઈએ છે, કારણકે પીડા વ્યક્તિને સતત વર્તમાનમાં રાખે છે. કવિને ભગવાન બુદ્ધની વાતમાં રસ નથી. શુદ્ધ અનુભૂતિ સિવાય કશામાં કવિને રસ નથી.

Comments (1)

નડે – રઈશ મનીઆર

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી ! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

– રઈશ મનીઆર

રઈશભાઈની પચાસમી વર્ષગાંઠ શુક્રવાર 19મીએ ગઈ. તેઓની નિરંતર શબ્દસાધનાને સલામ સાથે આ ગઝલ રજૂ કરી છે……

Comments (4)

એકલવાયા – વજેસિંહ પારગી

માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.

શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.

એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.

બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.

તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.

– વજેસિંહ પારગી

કવિ મત્લામાં કહે છે એવી દૂ….રની માયા રાખીએ તો દુઃખી ન થવાય. બીજા શેરનો સંદર્ભ તો તરત જ સમજી શકાય છે. પણ ખરી મજા ત્રીજા શેરમાં છે. પ્રણયની આખી ગીતા બે જ લીટીમાં કવિ સમાવી લે છે. સફળ થાવ કે વિફળ, પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે છે, ભલે ને ટોળાંમાં હોવ કે ન હોવ.

Comments (3)

સફર થાય છે – રઈશ મનીઆર

એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
પગ તળેથી જ ધરતી ખસી જાય છે

ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે

નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
છિદ્ર પડતાં પરિચય થતો જાય છે

માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે

લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર
એ જ શત્રુના ભાથે ઉમેરાય છે

– રઈશ મનીઆર

કવિશ્રી ઉદયન ઠક્કર આ ગઝલના મત્લા વિશે કહે છે: “પરંપરાની ગઝલો મોટે ભાગે દાવા-દલીલની પદ્ધતિથી રચાતી. શેરની પહેલી પંક્તિમાં કરાયેલા દાવાનું બીજી પંક્તિની દલીલ વડે સમર્થન કરાતું. અહીં માન્યામાં ન આવે તેવો દાવો કરવામાં આવ્યો છે: ચાલ્યા વિના પ્રવાસ કેમ થાય? ધરતી સ્થિર રહે અને ચરણ આગળ નીકળી જાય એ પ્રવાસ કહેવાતો હોય, તો ચરણ સ્થિર રહે અને ધરતી પાછળ ખસી જાય એ પ્રવાસ ન કહેવાય? પગ તળેથી ધરતી ખસી જવી એટલે આઘાત લાગવો. ચરણ આગળ જવાથી યાત્રા થાય, અને ધરતી પાછળ ખસવાથી આંતર્યાત્રા. બીજી પંક્તિમાં અણધાર્યો ખુલાસો આપીને કવિ ચમત્કૃતિ સર્જે છે.કવિને માટે ચમત્કૃતિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.

આ ગઝલના પાંચેય શેરમાં વ્યગ્રતા અને વિફળતાના સૂર ઘુંટાય છે.”

રઈશભાઈની આજે ૫૦મી વર્ષગાંઠ છે. જીવનની આ ગોલ્ડન જ્યુબિલી પર કવિશ્રીને ટીમ લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

 

Comments (10)

ગણાવ તું – મેગી આસનાની

જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.

તકલીફ બેઉ વાતે થશે, પણ જરૂરી છે,
બોલું કે સાંભળું ? હું કરું શું ? બતાવ તું.

ઘરને સજાવી રાખું છું ચારે તરફથી હું,
એવુંય પણ બને કે ના આવીને આવ તું.

માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.

આખર સવાલ ‘હું’પણાનો છે તો કર શરૂ,
તેં શું કર્યું ને મેંય કર્યું શું, ગણાવ તું.

– મેગી આસનાની

પહેલો શેરમાં હિસાબની વાત નજરે ચડે તો કોઈ પુરુષ પતી ગયેલા પ્રેમની ઉલટતપાસ કરતો હોય એમ લાગે પણ પછીના શેરોમાં તરત જ શબ્દે-શબ્દે સ્ત્રી અને સ્ત્રીસહજ વેદના રવરવતી અનુભવાય છે. પુરુષ હકથી માંગે, સ્ત્રી આપી દે અને પછી પુરુષ પણ પોતાની ફરજ બજાવે એ શેર આજની સ્ત્રીનો આયનો છે.

Comments (8)

લખો ! – રમેશ પારેખ

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો !

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો !

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !

લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !

આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !

– રમેશ પારેખ

અલગ ઢાળની ગઝલ છે. ક્યાંક રમતિયાળપણું છે તો ક્યાંક વેધક કટાક્ષ છે તો ક્યાંક વક્રોક્તિ છે….આપઘાતની વાત બહુ માર્મિક રીતે આલેખી છે.

Comments (1)

कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता – નિદા ફાઝલી

कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीं तो कहीं आसमाँ नहीं मिलता

बुझा सका है भला कौन वक़्त के शोले
ये ऐसी आग है जिसमें धुआँ नहीं मिलता

तमाम शहर में ऐसा नहीं ख़ुलूस न हो [ ख़ुलूस = purity of heart ]
जहाँ उमीद हो सकी वहाँ नहीं मिलता

कहाँ चिराग़ जलायें कहाँ गुलाब रखें
छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलता

ये क्या अज़ाब है सब अपने आप में गुम हैं [ अज़ाब = torment, pain ]
ज़बाँ मिली है मगर हमज़बाँ नहीं मिलता

चिराग़ जलते ही बीनाई बुझने लगती है [ बीनाई = vision ]
खुद अपने घर में ही घर का निशाँ नहीं मिलता

जिसे भी देखिये वो अपने आप में गुम है
ज़ुबाँ मिली है मगर हमज़ुबा नहीं मिलता

तेरे जहान में ऐसा नहीं कि प्यार न हो
जहाँ उम्मीद हो इस की वहाँ नहीं मिलता

– નિદા ફાઝલી

સ્વાતંત્ર્ય દિવસે આ ગઝલ હેતુપૂર્વક મૂકુ છું. શેનું મહત્વ વધારે – માણસાઈનું કે રાષ્ટ્રીયતાનું ? હું જો દેશ સાથે છેતરપીંડી કરું તો હું નઠારો અને મારો સમગ્ર દેશ અન્ય દેશ સાથે છેતરપીંડી કરે તો તે સફળ વિદેશનીતિ…. રાષ્ટ્રીયતા વિભાજક બળ છે, સંયોજક નથી. નાગરિકત્વ કરતા વિશ્વનાગરિકત્વ અનેકગણું અધિક છે. જે રીતે ધર્મ અને જાતિના વાડાઓ સમાજને વિભાજે છે તે કરતા અત્યંત વધુ જડતાપૂર્વક રાષ્ટ્રીયતા વિભાજે છે. જ્યાં સુધી વ્યક્તિની આંતરિક conflict દૂર નહિ થાય ત્યાં સુધી શાયરનો પ્રત્યેક શેર વ્યક્તિમાત્રની struggle પ્રતિબિંબિત કરતો જ રહેશે.

Comments (3)

પુનઃ ! – વીરુ પુરોહિત

(મંદાક્રાંતા)

આશ્લેષી ત્યાં ફરી કર વિષે ફૂટતું અંકુરો શું,
ડોલી ઊઠે મઘમઘ થતાં ફૂલ જેવી હથેળી !
ભીની ભીની મૃદુ ફરકતી રોમાવલિ ઘાસ જેવી,
‘ને તેમાંથી હળુક સરતી સર્પ શી અંગુલીઓ !

કૂદે જાણે યુગલ સસલાં, એમ સ્પર્શે સ્તનો, ‘ને
શ્વાસે શ્વાસે મધુર શ્વસતો મોગરો કેશ ગૂંથ્યો !
ખુલ્લી પૂંઠે ક્રમિક પડતા ઉષ્ણ શ્વાસો અધીરા
જાણે કાળાં, નિબિડ વન વચ્ચે પ્રકાશે ન ભાનુ !

કંપી ઊઠ્યાં શગ સમ સખી ! ઓષ્ઠ પે ઓષ્ઠ મૂકી,
આંદોલે તું અવિરત ધરા પાદ નીચે ! અચિંતા-
ઝીણી ચૂંટી કર મહીં ખણી, આંખમાં આંખ પ્રોવી
‘ને તેં શ્યામા, મધુર હસતાં હોલવી રાત કેવી !

કંપી ઊઠ્યો હળુક લહરે, હાર તારી છબીનો,
તૂટ્યાં સ્વપ્ને, સજળ નયને, હું નિહાળું છબીને !

– વીરુ પુરોહિત

“આશ્લેષી” ક્રિયાની આગળ ‘તને’ અધ્યાહાર રાખીને કવિ શબ્દવ્યવહારમાં તો કરકસર ઇંગિત કરે છે પણ પ્રણયવ્યવહારમાં રતિરાગપ્રચુરતા અપનાવે છે. પ્રિયાના આશ્લેષમાં હાથ ફૂલ સમ મઘમઘ ખીલી ઊઠે એ તો સાહજિક કલ્પન છે પણ ત્વચા પર આંગળીઓ ફરતાં થતા રોમાંચને ઘાસમાં હળવેથી સરકતા સાપ સાથે સરખાવીને કવિ કમાલનું અનુઠું ચિત્ર ઊભું કરે છે. પ્રણયકેલિનું પ્રગલ્ભ ચિત્ર કવિ સમ-ભોગની પરાકાષ્ઠા સુધી એકદમ સાહજિકતાથી પૂર્ણ કરે છે. સંભોગશૃંગારનું એક ઉત્તમ મોતી આપણને હાથ લાગ્યું હોવાની ઉત્તેજના ચરમસીમા પર હોય એ જ ઘડીએ આખરી બે પંક્તિમાં કવિ સૉનેટને કરૂણાંતિકા બનાવી દે છે. મૃત્યુ પામેલી પત્નીની છબી પરના હારને પવનમાં હળવેથી હલતો જોતા હોવાની વાસ્તવિક્તા તૂટેલાં સ્વપ્નોની કરચથી આંખ છલકાવી દે છે – આપણી પણ !

Comments (4)

મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા

શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.

– મનોજ ખંડેરિયા

મિત્રતા વિશેની એક ચિરકાલિન યુવા ગઝલ. એક-એક શેર ટકોરાબંધ.

Comments (9)

સત કહો કે ભ્રમણા – વિમલ અગ્રાવત

સત કહો કે ભ્રમણા.
આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં !
સત કહો કે ભ્રમણા.

તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ,
તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ,
રાત બની કંઈ રમણા.
સત કહો કે ભ્રમણા.

તેજ-તિમિરની રંગછટાનાં દૃશ્યો કૈં ચીતરાતાં,
ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં.
ટહુકા કરશે હમણાં.
સત કહો કે ભ્રમણા.

– વિમલ અગ્રાવત

શું હશે આ ? સાચું કે માત્ર આભાસ ? ચર્મચક્ષુ બંધ થતાં જ અજવાળું ખીલી ઊઠે છે. આરા-ઓવારા વિનાના અંધારામાં તળિયેથી ઉજાસ પ્રગટે છે, જેનું મૂળ પાછું અકળ છે. આંખ ખુલ્લી હોય ત્યારે જે આપણને છોડી ગયું હોય એ બધું સાંજ પડતાં પાછા ફરતાં પંખી પેઠે આપણા ચેતસ્ તરફ પરત ફરે છે.

Comments (11)

ભીતર રહે – મુકુલ ચોકસી

એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.

જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.

એમ આ સૌંદર્ય કોઈ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.

આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.

– મુકુલ ચોકસી

Comments (7)

એવી ખબર થોડી જ હોય? – અનિલ ચાવડા

એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

પ્રત્યેક શેર એક કહાની છે….. બળકટ ગઝલ

Comments (9)

વાત ક્યાં સમજાય છે ! – નેહા પુરોહિત

આંખ પરથી વાત અંદાજાય છે,
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

એક, બે ને ત્રણ નથી થાતું અહીં,
એ રીતે તો એકડો ભૂંસાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

ભીતરે વૈશાખ છે આઠે પ્રહર,
ને અષાઢી આંખ થાતી જાય છે .
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

તું ગુલાબી જાત બોળે ઈશ્કમાં,
રંગ દિલનો આસમાની થાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

રોજ આવે છે તું મારી શેરીએ ,
બિનજરૂરી ધારણા બંધાય છે…
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

– નેહા પુરોહિત

આ રચનાને આપણે શું કહીશું? ગઝલ કે ત્રિપદી ? ગઝલ કહીએ તો દરેક શેરમાં આવતી ત્રીજી પંક્તિ સામી ઊભી રહી જાય છે અને ત્રિપદી ગણીએ તો પહેલા બંધમાં એક પદ ખૂટે છે ને બાકીના તમામમાં ત્રીજું પદ માત્ર પુનરાવર્તન છે. પણ કવિતાના આકારના પિષ્ટપેષણમાં ન ઉતરીએ તો તરત જ સમજાય છે કે ત્રીજું પદ જ આ રચનાની જાન છે. દરેક શેરને એ ત્રીજું પદ અર્થની નવી ઊંચાઈ અને ગહેરાઈ- બંને બક્ષે છે.

કવયિત્રીની આજે વર્ષગાંઠ પણ છે…  ટીમ ‘લયસ્તરો’ તરફથી કવિમિત્ર નેહાને જન્મદિવસ પર શત શત કોટિ સ્નેહકામનાઓ….

Comments (8)

સૂતી હતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં :
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા :

ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ :

અંધારની અંગ ધરી પછેડી;
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી :
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી :

જે ઓષ્ઠ મારા, મુજ એકલાના,
તે ચૂમવા ચંદ્ર કરે ? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી !

પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી,
અંધાર જીત્યું સઘળું જતો હરી!

– કૃષ્ણલાલ શ્રીધરાણી

દેશ આખો ગાંધીજીના પ્રભાવમાં અને પ્રવાહમાં કેદ હતો એવા ટાણે ૧૯૩૨ની સાલમાં શ્રીધરાણી પાસેથી આવું ઉમદા રતિરાગનું કાવ્ય મળે છે.

સંભોગની ચરમસીમા પછીની આરામની પળોમાં જોવા-બોલવાનું કશું હોતું નથી, મનોભાવ વાંચવાનુંય વ્યર્થ છે. બે દેહ એક થઈ જાય એનું પ્રેમગાન જ અબોલ સાદ કરતું હોય છે. આવામાં ચંદ્રની ચાંદની પ્રિયાના હોઠ પર પડતી જોઈ કવિની ‘પઝેસિવનેસ’ જાગૃત થાય છે. પણ ચાંદનીને હટાવવા ચંપાના પાંદડાનો પડછાયો કામમાં આવે છે એ પણ બીજી જ ક્ષણે પ્રિયાના અધરોષ્ઠ ચુંબનમાં ભાગ પડાવી કવિને હરાવી જતો હોય એમ લાગે છે.

કવિતા વાંચીએ ત્યારે આધિભૌતિક કવિતા (મેટાફિઝિકલ પોએટ્રી)ના પિતા જોન ડૉનની “ધ સન રાઇઝિંગ” કવિતા યાદ આવી જાય જેમાં રતિરત પ્રિયતમાને બારીના પડદા વચ્ચેથી પ્રવેશીને ખલેલ પહોંચાડતા સૂર્યને કવિ ખખડાવે છે.

 

Comments (3)

ઉદાસ ન થાય – ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.

એક દી સૂર્ય ના ઊગ્યો તો થયું –
ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!

જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?

એ રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ ન થાય

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
એમ ઇચ્છું કે એ નપાસ ન થાય

– ભાવેશ ભટ્ટ

આજકાલ ગુજરાતી મુશાયરાઓની જાન બની ગયેલા ભાવેશ ભટ્ટની એક શાનદાર ‘પોઝિટિવ’ ગઝલ. બધાજ શેર સરળ, સહજ સાધ્ય પણ અર્થગાંભીર્યસભર.

Comments (11)

કારણ વગર – હિતેન આનંદપરા

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

Comments (5)

નાપાસ વિધાર્થીઓને ! – નિર્મિશ ઠાકર

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.

ભણતર સાથે આપણે સાત જનમનાં વેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

રંજ ન કરવો જ્ઞામાં ગુમાવતાં બહુ સત્ર,
બોચી દુખશે ઓઢતાં જ્ઞાન તણાં શિરછત્ર,
સ્નાતકને તક ને નહિ અત્ર-તત્ર-સર્વત્ર,
લઇને કરશો શું કહો અમથાં પ્રમાણપત્ર?

જીવતરમાં તમ હસ્તીથી આમ ન ઘોળો ઝેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

જ્ઞાનપિપાસુ – બોચિયા રાતરાતભર રોય,
થોથાં સતત ઉથામતાં પંડિત ભયા ન કોય,
રેખા સહ અમિતાભની ફિલ્મ પ્રણયમય જોય?
ઢાઇ અક્ષર પ્રેમ કો પઢે સો પંડિત હોય.

ફિલ્મ નિહાળો બ્લેકની ટિકિટ લઇ વટભેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

અભણ ઊડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ,
સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ,
ચિત્રગુપ્તને ચોપડે માત્ર થશે એ પાસ,
જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ;

બાપા બબડે એ સમે ગણવો દ્રષ્ટિ ફેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

– નિર્મિશ ઠાકર

ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં ભણતરના નામે જે નિષ્ઠુર મજાક ચાલી રહી છે તેવામાં આ ગીત એક મસ્ત તોફાની તાજગી લઈને આવે છે…..

Comments (2)