પંખી બનવાની કંઈ જરૂર નથી
આંખ મીંચો અને ઉડાય સખી !
ભરત વિંઝુડા

પુનઃ ! – વીરુ પુરોહિત

(મંદાક્રાંતા)

આશ્લેષી ત્યાં ફરી કર વિષે ફૂટતું અંકુરો શું,
ડોલી ઊઠે મઘમઘ થતાં ફૂલ જેવી હથેળી !
ભીની ભીની મૃદુ ફરકતી રોમાવલિ ઘાસ જેવી,
‘ને તેમાંથી હળુક સરતી સર્પ શી અંગુલીઓ !

કૂદે જાણે યુગલ સસલાં, એમ સ્પર્શે સ્તનો, ‘ને
શ્વાસે શ્વાસે મધુર શ્વસતો મોગરો કેશ ગૂંથ્યો !
ખુલ્લી પૂંઠે ક્રમિક પડતા ઉષ્ણ શ્વાસો અધીરા
જાણે કાળાં, નિબિડ વન વચ્ચે પ્રકાશે ન ભાનુ !

કંપી ઊઠ્યાં શગ સમ સખી ! ઓષ્ઠ પે ઓષ્ઠ મૂકી,
આંદોલે તું અવિરત ધરા પાદ નીચે ! અચિંતા-
ઝીણી ચૂંટી કર મહીં ખણી, આંખમાં આંખ પ્રોવી
‘ને તેં શ્યામા, મધુર હસતાં હોલવી રાત કેવી !

કંપી ઊઠ્યો હળુક લહરે, હાર તારી છબીનો,
તૂટ્યાં સ્વપ્ને, સજળ નયને, હું નિહાળું છબીને !

– વીરુ પુરોહિત

“આશ્લેષી” ક્રિયાની આગળ ‘તને’ અધ્યાહાર રાખીને કવિ શબ્દવ્યવહારમાં તો કરકસર ઇંગિત કરે છે પણ પ્રણયવ્યવહારમાં રતિરાગપ્રચુરતા અપનાવે છે. પ્રિયાના આશ્લેષમાં હાથ ફૂલ સમ મઘમઘ ખીલી ઊઠે એ તો સાહજિક કલ્પન છે પણ ત્વચા પર આંગળીઓ ફરતાં થતા રોમાંચને ઘાસમાં હળવેથી સરકતા સાપ સાથે સરખાવીને કવિ કમાલનું અનુઠું ચિત્ર ઊભું કરે છે. પ્રણયકેલિનું પ્રગલ્ભ ચિત્ર કવિ સમ-ભોગની પરાકાષ્ઠા સુધી એકદમ સાહજિકતાથી પૂર્ણ કરે છે. સંભોગશૃંગારનું એક ઉત્તમ મોતી આપણને હાથ લાગ્યું હોવાની ઉત્તેજના ચરમસીમા પર હોય એ જ ઘડીએ આખરી બે પંક્તિમાં કવિ સૉનેટને કરૂણાંતિકા બનાવી દે છે. મૃત્યુ પામેલી પત્નીની છબી પરના હારને પવનમાં હળવેથી હલતો જોતા હોવાની વાસ્તવિક્તા તૂટેલાં સ્વપ્નોની કરચથી આંખ છલકાવી દે છે – આપણી પણ !

4 Comments »

  1. સંજુ વાળા said,

    August 13, 2016 @ 2:07 AM

    વાહ
    સરસ ભાવલય અને નિયોજનાપૂર્ણ કવિકર્મ.

  2. CHENAM SHUKLA said,

    August 13, 2016 @ 4:30 AM

    વાત સાચી છે વિવેકભાઈ ….ભાષાકર્મનું ઉત્તમ ઉદાહરણ બની રહે તેવી અદભુત રચના

  3. Neha said,

    August 13, 2016 @ 9:52 PM

    વાહ
    શૄંગારકાવ્યના નામે અશ્લિલતા ફેલાવતા કવિઓને લપડાક મારતું સોનેટ !
    ભાવ ચરમ સીમાએ પહોંચે ત્યારે જ
    ‘કંપી ઉઠ્યો ‘ શબ્દપ્રયોગ આવનાર આઘાત પ્રત્યે ઇશારો કરી, કવિ ‘હળૂક’ વજ્રઘાત આપે ત્યાં કવિકર્મ પૂર્ણતાને પામે છે.
    આવી ઉત્તમ રચના શેર કરવા બદલ આભાર..

  4. poonam said,

    August 18, 2016 @ 3:50 AM

    હું નિહાળું છબીને !
    – વીરુ પુરોહિત (Y)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment