પદ, પ્રતિષ્ઠા કે પૈસાની પાઈનીય પરવાહ કર્યા વિના નિતાંત ગઝલપરસ્તિમાં જીવતા અસ્સલ હુરતી પંકજ વખારિયાનો સંગ્રહ આખરે આવ્યો ખરો… ગુજરાતી કાવ્યસંગ્રહ માટેના આ વર્ષના તમામ પુરસ્કારો માટે આનાથી વધુ લાયક બીજો કોઈ સંગ્રહ આ વરસે નહીં જ આવી શકે એવી ઊંડી ખાતરી સાથે પંકજનું સ્વાગત અને શુભકામનાઓ…
*
કેટલાક શેર આપના રસાસ્વાદ માટે…
સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી
હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી
તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શકતું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી,
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.
ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે
દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા
એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,
આંસુને આરે આરે રઝળપાટ આપણો.
ક્યાંય બોલાયું નહીં એ નામ આખી વાતમાં,
રીત દુનિયાથી અલગ છે આપણી ગુણગાનની.
રણની તમામ શુષ્કતા આજે ખરી ગઈ,
કેકટસને બેઠું ફૂલ, ને રોનક ફરી ગઈ.
છાતીની વંધ્યા વાવમાં પાણી પ્રગટ થયાં,
બત્રીસલક્ષણા કોઈ પગલાં કરી ગઈ.
જે સમજવા ચાહે તે સમજી શકે,
સત્ય બાકી કોણ સમજાવી શકે ?
કાશ કે ચાલ્યા જનારાની સ્મૃતિ,
કોઈ એની સાથે દફનાવી શકે.
હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું,
થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે.
લાગશે એ શહેર બસ, બે પળ નવું,
જાવ હાંસિલપુર મુરાદાબાદથી.
સાંજના સોફે ટીવીનો હાથ મેં
હાથમાં લીધો અને તનહાઈ ગઈ.
તોય વધતું જાય અંધારું સતત,
બત્તી તો લાખો બળે છે શહેરમાં.
ફરી એ જ હત્યા, કરપ્શન, અકસ્માત,
ઊઠે છે સવાલ : આ તે છાપું કે પાછું ?
રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો,
હા, વારસામાં એક સરસ બાંકડો હશે.
ધીમી તો ધીમી યાદ છે તારી અગન સમી,
ને અખરે આ હોવું બરફનું મકાન છે.
જીરવી પળ પ્રાણઘાતક, પણ પછી,
જિંદગી વીતે છે, જિવાતી નથી.
દૃશ્યનું ફોલ્લું ફોડવા માટે,
આંખ મીંચ્યા વિના ઉપાય નથી.
જિંદગી સાથે કોઈ ઝઘડો નથી,
બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.
એક-બે વાતો અધૂરી રાખીએ,
બીજી તો શી પાછાં મળવાની કળા ?
– પઁકજ વખારિયા