પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !
તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
સુરેશ દલાલ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for January, 2014
January 31, 2014 at 1:51 AM by વિવેક · Filed under ગીત, હસિત બૂચ
રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.
રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !
ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !
– હસિત બૂચ
લયસ્તરો પર પ્રદ્યુમ્ન તન્નાનું એક મજાનું સ્પર્શકાવ્ય માણ્યું ને આ ગીત યાદ આવી ગયું…
આલિંગનનું આવું મજાનું ગીત કદી માણ્યું છે? ક્ષણભર બે જણ વીંટળાયા એમાં તો અ-મર માંડવો રચાઈ ગયો… કેવો છે આ માંડવો? રૂંવા-રૂંવા ફૂલ થઈને મઘમઘે છે ને એની સુવાસ શ્વાસમાં પ્રસરે છે… જ્યાં બે ઓષ્ઠદ્વય એક થયાં કે તરત હૈયાના પાંદડા લહેરવા માંડે છે અને મિલનની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… કેવો પ્રેમનો અમલ ! કેવું અમી ! ખુદ કાળ પણ લળી લળીને સલામ ભરે છે…
(રૂં-રૂં= રૂંવા-રૂંવા; ઉરપરણ= હૈયાનાં પર્ણ; અમલ= નશો; મુજરો = સલામ)
Permalink
January 30, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
ગંધ તૂરી શ્વાસમાં ને ટેરવે રસ ઊઘડે,
પાંખ ફફડાવે અને અસ્થિમાં સારસ ઊઘડે
તરસમાં તરબોળ હું ધ્રૂજું નહિ તો શું કરું ?
હાથ છેટે ખેતરો લીલાં ને લસલસ ઊઘડે.
વાત એવી શું હશે વર્ષાની બરછટ છાંટમાં,
કે અચાનક યાદના ચ્હેરામાં અતલસ ઊઘડે ?
ક્યાં પહોંચ્યો છું વગર ઝાલ્યે પરીની આંગળી ?
સ્પર્શ કરવા જાઉં ને સમણાનું ધુમ્મસ ઊઘડે.
સાત રંગોમાં પછી ક્ષમતા બયાનીની નથી,
જો ઉષાની જેમ બસ એકાદ માણસ ઉઘડે.
– હેમેન શાહ
હાથવેંત શક્યતાઓના ઉઘાડની શક્યતાની ગઝલ… ભીતર સારસ પાંખ ફેલાવતા હોય એવા અક્ષુણ્ણ ને ટેરવાંથી જિંદગી ચાખવા આતુર યૌવનની આ ગઝલ છે. હાથ અડે ત્યાં જ લીલીછમ્મ વાસનાના લીસ્સા પાક અને ભીતર પાછી આકંઠ તરસ juxtapose કરી ભાવકને પણ શું કરુંનો પ્રશ્ન કરીને પૂરો સંડોવી દે છે. પ્રેમમાં અનુભૂતિ કયા સ્વરૂપે અડતી હશે? ક્યાંક બરછટ દાઢીનો સ્પર્શ ભીંજવે છે તો ક્યાંક મખમલી ચહેરાનું રેશમ ઊઘડે છે… પછીના બે શેર તો એવા મજાના છે કે એને અડવાની ગુસ્તાખી નથી કરવી…
Permalink
January 29, 2014 at 1:52 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રદ્યુમ્ન તન્ના
અગત્ય નથી
કોણ કોને અડ્યાનું
બસ છે કેવળ બીના
કે આપણે જગવ્યો
એક સહિયારો કંપ –
સ્તબ્ધ,
નિબિડ શૂન્ય થકી,
અચરજનાં
અનગળ,
જગ ઉઘાડતો
લખલખ આનંદ સ્ત્રોત !
– પ્રદ્યુમ્ન તન્ના
એક સ્પર્શમાં આખા જગતને ભરી દે એટલો બધો આનંદ જન્માવવાની તાકાત હોય છે. કાવ્યનું શીર્ષક છે – ઉદભવ. એક સ્પર્શમા ઘણી શરૂઆતો છુપાયેલી હોય છે.
તળપદા ગીતોથી જાણીતા કવિએ થોડા અછાંદસ પણ લખ્યા છે. કવિએ આ કાવ્ય ઇટાલિયનમાં લખેલું અને પછી પોતે ગુજરાતીમાં અનુવાદ કરેલો.
Permalink
January 28, 2014 at 2:39 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
બુદ્ધિની દલીલો પર લાગણીની સરસાઈ; એ ક્ષણો ગઝલની છે;
કંટકો કળી સમ્મુખ દાખવે સલુકાઇ; એ ક્ષણો ગઝલની છે.
ગુફતેગો ય કરવી છે, એ ય પાછી એકાંતે ને વળી પ્રિયા સાથે;
આ શરત પૂરી થાતાં વાગે જયારે શરણાઈ, એ ક્ષણો ગઝલની છે.
પુષ્પની તુરંગોમાં કેદ ખુશ્બૂને કરવી શક્ય એ બને ક્યાંથી ?
પ્રેમમાં મળે ઊર્મિ સાથે ભીની રુસ્વાઈ ; એ ક્ષણો ગઝલની છે.
વૈભવો વસંતોના પાનખરના પાલવમાં જાય છે ઢબૂરાઈ;
તે પછીયે ફરફરતી ફૂલની ફકીરાઈ, એ ક્ષણો ગઝલની છે.
સાવ ઝીણો અંતરપટ શિવ ને જીવની વચ્ચે, શક્ય એનું ઓગળવું;
માશૂકા-ખુદા વચ્ચે હોય ન અદેખાઈ, એ ક્ષણો ગઝલની છે.
– ભગવતીકુમાર શર્મા
‘ એ ક્ષણો ગઝલની છે ‘ – કવિના તાજેતરમાં જ પ્રકાશિત થયેલા ગઝલસંગ્રહની પ્રથમ રચના છે. આટલી જૈફ વયે પણ સર્જકતાને થાક લગીરે લાગ્યો નથી. આ સંગ્રહની ઘણી રચનાઓ સરસ છે. તેઓનો બીજો એક ગઝલસંગ્રહ આ વર્ષે પ્રકાશિત થનાર છે.
Permalink
January 27, 2014 at 2:40 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે
ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’
પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે
ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે
‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે
– રમેશ પારેખ
મત્લાના શેરની બીજી લીટી વાંચીને હું તો ધન્ય થઇ ગયો……વાત કડવી છે પણ સો ટકા સાચી છે…..
Permalink
January 25, 2014 at 12:30 AM by વિવેક · Filed under વિલિયમ વર્ડ્સવર્થ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
મારું હૃદય ઊછળી પડે છે જ્યારે હું જોઉં છું
આકાશમાં એક ઇન્દ્રધનુષ :
એમ જ હતું મારું જીવન શરૂ થયું ત્યારે પણ,
એમ જ છે જ્યારે હું હાલ પુરુષ છું:
એમ જ રહે જ્યારે હું ઘરડો થાઉં ત્યારે,
કે મરી જાઉં તો પણ !
બાળક એ પુરુષનો પિતા છે;
અને હું ઇચ્છું છું કે મારા દિવસો
સંપૃક્ત રહે એક-મેક સાથે કુદરતી ધર્મનિષ્ઠાથી.
-વિલિયમ વર્ડ્ઝવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
નાનપણમાં મેઘધનુષ્યને જોઈને હૃદય જે રીતે હર્ષવિભોર બની જતું એ જ રીતે પુખ્તવયે પણ અનુભવાતું જોઈ કવિ ઇચ્છે છે કે આ આનંદની છોળ ઘડપણ સુધી, ના, ના ! મૃત્યુપર્યંત આમ જ અનુભવાતી રહે.
The Child is father of the Man – આ વિધાન વિશ્વના સહુથી વધુુ quote થયેલ વિધાનોમાંનું એક છે. બાળક એ પુરુષનો પિતા છે એવું અવળું વિધાન કરી કવિ કહે છે કે બાળપણના સંસ્કરણો જ મોટપણને આકાર આપે છે. અને એ નાતે બાળક જ માણસનો પિતા છે.
માત્ર નવ લીટીની આ નાનકી કવિતા ઉઘાડવાની ખરી ચાવી આ વિધાન ઉપરાંત natural piety શબ્દપ્રયોગમાં છે. આમ એનો અર્થ કુદરતી ધર્મનિષ્ઠા થાય છે પણ અહીં પૈતૃકસંબંધની વાત હોવાનું ફલિત થાય છે… પણ એનો અનુવાદ શો કરવો?
*
MY heart leaps up when I behold
A rainbow in the sky:
So was it when my life began,
So is it now I am a man,
So be it when I shall grow old
Or let me die!
The Child is father of the Man:
And I could wish my days to be
Bound each to each by natural piety
– William Wordsworth
Permalink
January 24, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
પગના છાલા દોડવાની ‘ના’ જ કહેશે
પ્યાસ તો યે ઝાંઝવા પીવા જ કહેશે
કાંકરા અંગે બધા સહેલાણી જાણે
મોતી બાબત માત્ર મરજીવા જ કહેશે
શું કદરની આશ ઉન્નત લોક પાસે!
વાદળાં તો પ્હાડને નીચા જ કહેશે
બોર કેવા હોય છે, શબરીને પૂછો
રામને પૂછો તો એ મીઠા જ કહેશે
આ પગરખાંઓ દિવસની વાત જાણે
રાત વીતી કેમ ઓશીકાં જ કહેશે
શોરોગુલ જંપી જશે જૂઠાણાં લઈને
વાત સાચી તો સ્વરો ધીમા જ કહેશે
તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને?
મંડળી મળશે ને ‘હા જી હા’ જ કહેશે
બેઘરોની પીઠને પૂછી તો જોજો
શહેરના ફૂટપાથને લિસ્સા જ કહેશે
– રઈશ મનીઆર
ફરી એકવાર કયા શેર પર આંગળી મૂકવી એની વિમાસણ ઊભી કરે એવી ગઝલ… પણ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી રામ-શબરીના બોરની વાયકા જે રીતે સાવ નવા જ દૃષ્ટિકોણથી કવિએ રજૂ કરી છે એ કાબિલે-દાદ છે.
રદીફમાં આવતા ‘જ’ને બખૂબી નિભાવવાની કવિની કરામત ગઝલને વધુ આસ્વાદ્ય બનાવે છે…
Permalink
January 23, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, પ્રિયકાંત મણિયાર
કંચુકીબંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.
અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,
મનનાં લોહને મારાં ચુંબક જેમ કર્ષક.
દીસંત આમ તો જાણે ઘાટીલી નાની ગાગર,
જાણું છું ત્યાં જ છૂપા છે શક્તિના સાત સાગર !
મન્મથ-મેઘ ઘેરાતા કાયાના વ્યોમમાં લસે,
તારા ત્યાં સ્તનના જાણે મોરલા ગ્હેકી ઊઠશે !
દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને ગત કાલની
વસંતો ઊર્મિઓ વેરે સાંપ્રતે હ્યાં જ વ્હાલની;
કંચુકીબંધ છૂટ્યા ને
રહસ્યબંધને બાંધ્યો…
– પ્રિયકાન્ત મણિયાર
સંભોગશૃંગારની વાત થાય, સાવ જ ઉઘાડાં શબ્દોમાં થાય ને તોય એ સુચારુ કવિતાસ્વરૂપે જનમનને આકર્ષી શકે એવું દૈવત તો કોઈક જ કલમમાં હોય. “ચોલી કે પીછે ક્યા હૈ” જેવો ગર્ભિત પ્રશ્ન પૂછવાના બદલે કવિ સોંસરું જ કહે છે કે ચોળી ખૂલીને જ્યાં રેશમી બંધન હટ્યું કે હૈયાના લોચન સમા બે સ્તન નજરે ચડ્યાં. પણ રહો… હૈયાના લોચન ?! કવિ બે સ્તનને એમની નીચે ધબકતા હૃદયની બે આંખ હોય એમ જુએ છે… અહીં જ સંભોગશૃંગાર કવિતાની ચરમસીમાએ પહોંચે છે…
પ્રિયતમ સામે નિરાવૃત્ત થવાની અનંગવેગની ચરમક્ષણે લોહી કેવું ધસમસ ધસમસ વહેતું હશે ! સ્તનમંડળ પર ઉપસી આવેલી લોહીની રાતી-લીલી નસોમાં કવિને પ્રીતના પંખીનો માળો નજરે ચડે છે. અહો ! અહો !
અહમની સરહદ જ્યાં ઓગળી જાય એ પ્રેમ. સેક્સની પરાકાષ્ઠાએ જ પુરુષ કબૂલી શકે કે એનું મન કંચન નહીં, લોહ છે અને સ્ત્રીના સ્તન એને લોહચુંબકની જેમ આકર્ષે છે. કામના વાદળો ગોરંભે ચડે છે ત્યારે સ્તનની ડીંટડીઓની ઉત્તેજનામાં કવિને મોરનો ગહેકાટ અનુભવાય છે.
ગઈકાલની વસંતો આજે ઊર્મિઓ વેરી રહી છે ને કવિને ખુલતા કંચુકીબંધમાં રહસ્યના બંધનોમાં બંધાતું ભાવિ નજરે ચડે છે… આવનારા બાળકની વાત છે?
Permalink
January 20, 2014 at 8:22 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.
નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.
કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?
ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.
કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.
-રમેશ પારેખ
શું જોરદાર વાત છે !!!!
Permalink
January 19, 2014 at 12:45 AM by તીર્થેશ · Filed under અછાંદસ, અશ્વિની બાપટ
તારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ
સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ
તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી
મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો…
Permalink
January 18, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ડેવિડ હૉલબ્રુક, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારી બાળકીના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. એણે
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે,
પીડાની
બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પારિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા
એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી,
મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને
મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !
– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર
સંબંધની વાસ્તવિક્તાની જાંઘ ઉઘાડી આપતી આ તેજાબી કવિતા આપણામાંથી મોટાભાગનાને નહીં પચે.
અહીં બાપ-દીકરીના સંદર્ભમાં ગમે તેટલાં નજીક જણાતાં સંબંધમાં -મા-સંતાનના સંબંધમાં પણ- રહેલી પ્રકાશવર્ષો જેટલી અલગતા વિશે વાત થઈ છે. ગમે એટલા સ્નેહાસિક્ત કેમ ન હોઈએ, પીડા કે એ સંદર્ભમાં અન્ય કોઈપણ અનુભૂતિ આપણે પરસ્પર સહિયારી શકતાં નથી. ‘દો જિસ્મ-એક જાન’ની આપણી સદીઓ જૂની ફેન્ટસી પર કવિ સીધો જ કુઠારાઘાત કરે છે.
અજાણતાં જ પોતાની ફૂલ સમી બાળકીની આંગળીઓ દરવાજામાં આવી જતાં બાળકી જે રીતે આક્રંદી ઊઠે છે અને સગો બાપ હોવા છતાં અને દીકરીને જી-જાનથી ચાહતો હોવા છતાં દીકરીના દર્દને સહિયારી ન શકવાની અશક્તિનો અહેસાસ બાપને આપણા સંબંધોમાં બે તારાઓની વચ્ચે રહેલી દૂરતા જેવી અંધારી વાસ્તવિક્તાનો અહેસાસ કરાવે છે…
*
Fingers in the Door
Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!
– David Holbrook
Permalink
January 17, 2014 at 12:30 AM by વિવેક · Filed under કિસ્મત કુરેશી, ગઝલ
રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે,
આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે.
અંધારે જે ન આવ્યાં, શું આવે ઉજાસમાં ?
ખીલી ગયું સવાર, હવે એ નહીં મળે.
પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે,
વીતી ગઈ બહાર, હવે એ નહીં મળે.
મન, એને જીતવાના નકામા છે ઓરતા,
આપી ગયા જે હાર, હવે એ નહીં મળે.
જન્મારાના ફળ્યા ન અજંપા-ઉજાગરા
જંપી જા મારા પ્યાર, હવે એ નહીં મળે.
કિસ્મતને એ જ કહેવાને આવી ચડી કઝા,
જેનો છે ઈંતેઝાર, હવે એ નહીં મળે.
– કિસ્મત કુરૈશી
એ નહીં જ મળેની ખાતરી દરેક શેર સાથે પ્રબળતમ થતી હોવા છતાં નિરાશાનો સૂર બળકટ થતો નથી એ વાત ધ્યાન ખેંચે છે…
Permalink
January 16, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મીના છેડા, શિલ્પીન થાનકી
(કચ્છી)
મીણ જેડા થઈ વિયા પથ્થર ડિસે,
સ્પર્શ જે ગુલ્મોરજો અવસર ડિસે.
આંગણે મેં લાગણી રેલાઈ વઈ,
અંકુરિત હાણે સઘન ઉંબર ડિસે.
ભાલજો સિન્દુર હી સૂરજ સમો,
આભલેં મઢ્યો અસાંજો ઘર ડિસે.
મઘમઘેંતી મેડિયું મધરાતજી,
સાંસમેં સાયુજ્યજો અત્તર ડિસે.
ઓયડેજી શૂન્યતા ખન્ડિત હુઈ,
રુનઝુનિત આશ્લેષજા ઝાન્ઝર ડિસે.
એકતારો હી વજે અદ્વૈત જો –
સત્ત સાગર સામટા ભીતર ડિસે.
– શિલ્પિન થાનકી
ભાષાને અતિક્રમીને પણ જે અડી જાય એ ખરી કવિતા. સાથે આપેલો ભાવાનુવાદ વાંચતા પહેલાં આ ગઝલ એમ જ ત્રણ-ચાર વાંચો. તરત તમારા દિલને અડી ન જાય તો કહેજો…
*
મીણ જેવા થઈ ગયેલા પથ્થર દેખાય છે
ગુલમહોરના સ્પર્શનો અવસર દેખાય છે
આંગણામાં લાગણી રેલાઈ ગઈ
હવે આખું આંગણું અંકુરિત દેખાય છે
કપાળનું સિન્દુર સૂરજ સમાન છે
આભલે મઢ્યું અમારું ઘર દેખાય છે
મધરાતની મેડીઓ મઘમઘે છે
શ્વાસમાં સાયુજ્યના અત્તર દેખાય છે
ઓરડાની શૂન્યતા ખંડિત થઈ
રણઝણિત આશ્લેષના ઝાંઝર દેખાય છે
અદ્વૈતનો આ એકતારો વાગે છે
સાત સાગર સામટા ભીતર દેખાય છે.
– ભાવાનુવાદ: મીના છેડા
Permalink
January 14, 2014 at 3:07 AM by વિવેક · Filed under અછાંદસ, મનોજ શ્રીવાસ્તવ
मत लिखो, कविता पतंग पर
कविता उड़ने लगेगी,
कविता में रहते लोग
अचानक घटित आश्चर्य से
डर-सहम जाएंगे
मत बनाओ, कविता को
इतनी शोख और आज़ाद
कि वह उड़कर इतनी दूर चली जाए
हो सकता है
हमें भूल ही जाए
और हम अपना मुंह देखते रह जाएं
उन दर्पणों में
जो हमें बदसूरत बना देते हैं
हमें खुद से बहुत दूर ले जाते हैं
हम अपने से लगते हैं
जब देखते हैं
अपना प्रतिबिम्ब कविता में,
हम अपनों के पास आते हैं
जब देखते हैं
उनका अक्स कविता में
सो, मत लादो पतंग पर
कविता का दुर्वह बोझ,
इसमें समाया आदमी
अपने लफड़ों-झमेलों के साथ
और उसके समाजों के जंगल
जो विस्तारित हैं
पृथ्वी के कोने-कोने,
बेघर और निराश्रित हो जाएगा
इसलिए, कविता का भारी जिस्म
तोड़ देगा पतंगों की कमर,
तब, कविता गिरकर ज़ख़्मी हो सकती है
और उसमें समाया संसार
चकनाचूर हो सकता है |
– मनोज श्रीवास्तव
ઉત્તરાયણ આવે એટલે મોટાભાગના કવિઓ પતંગ વિશે કવિતા કરવું એ પોતાનું પરમ કર્તવ્ય છે એમ માનીને કવિતા કરવા મંડે છે. એવા જોડકણાંઓની ભીડમાં ક્યાંક આવી મજાની કવિતા હાથ ચડી જાય તો ભયો ભયો !
લયસ્તરો તરફથી સહુ વચકમિત્રોને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ…
Permalink
January 13, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under નગીનદાસ પારેખ, રવીન્દ્રનાથ ઠાકુર
હિંસક રાત્રિ ચુપચાપ આવે છે,
બળ જેનું ચાલ્યું ગયું છે
એવા
શરીરના શીથીલ આગળા ભાંગી નાખીને
અંતરમાં પ્રવેશ કરે છે,
જીવનના ગૌરવનું રૂપ હર્યા કરે છે.
કાલિમાના આક્રમણથી મન હારી જાય છે,
એ પરાભવની લજ્જા, એ અવસાદનું અપમાન
જયારે ઘનીભૂત બની જાય છે,
ત્યારે એકાએક દિગંતમાં સ્વર્ણકિરણની
રેખા આંકેલી દિવસની પતાકા દેખા દે છે;
જાણે
આકાશના કોઈ દૂરના કેન્દ્રમાંથી ‘મિથ્યા મિથ્યા’ કહેતો
ધ્વનિ ઊઠે છે.
પ્રભાતના પ્રસન્ન પ્રકાશમાં જીર્ણ દેહદુર્ગના શિખર ઉપર
પોતાની દુઃખ-વિજયીની મૂર્તિ જોઉં છું.
-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ
કોઈકવાર આજકાલ જે ગરમ ભજીયાની જેમ વેચાય છે તેવી કહેવાતી ‘સેલ્ફ હેલ્પ’ ની બુક્સ ઉથલાવવાનું બને છે ત્યારે અત્યંત આઘાત સાથે એ હકીકત નજરે ચડે છે કે આવી ઘણી ચોપડીઓમાં હળાહળ negative emotions ને બિન્ધાસ્ત ઉત્તેજન આપવામાં આવતું હોય છે જેમ કે – ‘ તમારાથી સફળ વ્યક્તિની ઈર્ષ્યા તમારે માટે વિકાસનું ઇંધણ સમાન હોય છે.’ ‘પ્રત્યેક વ્યક્તિમાં jealousy હોય જ છે.’ ‘ પોતાની સિદ્ધિ માટે અભિમાન હોવું સ્વાભાવિક છે.’ ‘ સમાજ આગળ તમારી સિદ્ધિઓને જેટલી અસરકારક રીતે રજૂ કરશો તેટલા તમે વધુ સફળ’ ‘ સાચા હોવું એટલું મહત્વનું નથી કે જેટલું મહત્વનું સાચા લાગવું મહત્વનું છે’ ‘વ્યક્તિ જેટલી વધુ competitive હોય તેટલી તે વધુ ક્રોધી જ હોય’ etc etc etc !!!!!
negative emotions નું આવું ભયાનક અને જઘન્ય glorification કોણ જાણે કેટલા immature માનસમાં ઝેર ભરી દેશે ! આ કાવ્યમાં negative emotioms સામેના સંઘર્ષની વાત છે. પ્રત્યેક પળે જે જાગૃત છે, watchful છે, તે જ બચી શકશે .
ભગવાન બુદ્ધને આનંદે પૂછ્યું હતું- આપ તો બુદ્ધ છો, તો હજુ પણ આપ સતત શેનું ધ્યાન ધરતા હો છો ? – બુદ્ધે કહ્યું હતું – બુદ્ધત્વ પ્રત્યેક ક્ષણે અર્જિત કરવાનું હોય છે,એક વાર પ્રાપ્ત કરી લેવાથી કંઈ કામ પતી નથી જતું. સભાનતામાં જો જરાપણ શિથીલતા આવે તો ક્ષણાર્ધમાં જ desires ની નાગચૂડમાં હું ફસાઈ શકું છું.
Permalink
January 12, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ઝેન કવિતા, વિશ્વ-કવિતા
In my daily life there are no other chores than
Those that happen to fall into my hands.
Nothing I choose, nothing reject.
Nowhere is there ado, nowhere a slip.
I have no other emblems of my glory than
The mountains and hills without a spot of dust.
My magical power and spiritual exercise consists in
Carrying water and gathering firewood.
રોજીંદા જીવનમાં મારા બીજા કોઈ ખાસ કામ નથી
સિવાય કે જે અનાયાસે મારા હાથે ચડે.
ન તો હું કંઈ પસંદ કરું છું,કે ન તો નાપસંદ.
કશે કોઈ ધાંધલ નથી, ન તો કોઈ ચૂક.
મારા પ્રભાવનું અન્ય કોઈ ચિહ્ન નથી સિવાય કે
અણીશુદ્ધ પર્વતો અને ટેકરીઓ…
મારી ચમત્કારિક શક્તિઓ અને આધ્યાત્મિક અભ્યાસ
રહેલા છે
પાણી ભરી લાવવામાં અને બળતણ એકઠું કરવામાં.
– Pang Chu Shih
ઝેન કવિતા છે પણ કવિ ઝેન સાધુ નથી. આ કાવ્યનો રચનાર સામાન્ય ગૃહસ્થ હતો પરંતુ તેના ગુરુએ તેને ‘સવાયો ઝેન સાધુ’ કહી નવાજેલો. તે એક સામાન્ય કઠિયારો હતો. ગુરુ તેની પાસે પોતાના ઘણા શિષ્યોને મોકલતા. તે તેઓને કશું જ શીખવતો નહિ,માત્ર પોતાની સાથે કામમાં જોતરી દેતો. અકળાઈને કોઈક શિષ્યે જયારે એનું બહુ જ માથું ખાધું ત્યારે તેણે જવાબમાં આ કાવ્ય સંભળાવેલું.
એવી કલ્પના કરીએ કે આ ક્ષણ આપણા જીવનની અંતિમ ક્ષણ છે અને આપણે આપણા જીવનનો ટૂંકસાર કહેવાનો છે…….પછી આ કાવ્ય વાંચો….
Permalink
January 11, 2014 at 12:30 AM by વિવેક · Filed under કેતન કારિયા, ગઝલ
ભળ્યાં આંસુ જળમાં; ખબર ક્યાં પડી છે !
ઘણીવાર નહિ તો, નદીઓ રડી છે !
અમે જિંદગીને મળી તેમ જીવ્યા,
તમે જીવવા યોજનાઓ ઘડી છે !
હું સન્માન લેવા ચડ્યો લાકડીથી,
તમે પીઠ મારી હવે થાબડી છે !
પછી આવજે મોત, હું છું નશામાં !
હવે જિંદગી આ બરોબર ચડી છે !
પહેલી વખત કંઈક માગ્યું છે ઈશ્વર,
તથાસ્તુ કહી નાંખ; તક સાંપડી છે.
– ડૉ.કેતન કારિયા
કયા શેરને વધુ વખાણવો અને કયાને ઓછો એ સમસ્યા થઈ પડી છે મારે તો… છે તમારી પાસે કોઈ ઉકેલ?!
Permalink
January 10, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, યશવંત ત્રિવેદી
અરીસાની આંખોમાં ફૂલોના ગજરા.
દીવાલોમાં, દ્વારોમાં લો, આ દિશાઓમાં
મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?
કોઈ સોનમછલી તરંગાય સરવર
નજર જાય તાણી અરીસાનું સરવર
તરંગો તરંગોમાં ફૂલોના ગજરા
ઢોળાય ગગનો ને ભીની હવાઓમાં
મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?
નેણ વરસે ને ભીનાય કોરાં ને કોરાં
ચાંદરણાંનાં ચકલાંય ફોરાં ને ફોરાં
પલળેલી રાતોમાં ફૂલોના ગજરા
પોઢ્યાં કોણ ઓઢી અરીસાને આભે ?
ને મહેકી રહ્યા કોના ફૂલોના ગજરા ?
– યશવન્ત ત્રિવેદી
જરા અલગ જ ફ્લેવરનું ગીત… એક-એક કલ્પન પકડીને શાંતિથી વિચાર કરીએ એ પછી આખું ગીત મઘમઘ થતું અનુભવાય…
Permalink
January 9, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
યાદ ભૂંસાતી રહી કે હું – ખબર પડતી નથી
જ્યોત બુઝાતી રહી કે હું – ખબર પડતી નથી
હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસાર
મ્હેક વીંધાતી રહી કે હું – ખબર પડતી નથી
કૈં યુગોથી છું સફરમાં તોય પ્હોંચાયું નહીં
કેડી રોકાતી રહી કે હું – ખબર પડતી નથી
ક્યાં હવે પળને લીલીછમ રાખનારાં આંસુઓ
આંખ સુકાતી રહી કે હું – ખબર પડતી નથી
એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર
ડાળ છોલાતી રહી કે હું – ખબર પડતી નથી
– મનોજ ખંડેરિયા
ગઝલના પહેલા શેરમાં બંને કડીમાં તથા પછીના બધા શેરના અંતે જે શબ્દાંશ, શબ્દ કે શબ્દસમૂહ પુનરાવર્તિત થાય એને “રદીફ” કહે છે, જેમ કે આ ગઝલમાં “રહી કે હું – ખબર પડતી નથી” રદીફ છે…
ગઝલમાં લાંબી રદીફ નિભાવવી આમેય કપરું કામ છે. મોટાભાગની ગઝલમાં આવી રદીફ લટકણિયું બનીને જ રહી જતી હોય છે. આવી લાંબી અને પ્રમાણમાં અટપટી રદીફ અદભુત રીતે નિભાવવી એ ખરા કવિકૌશલ્યની સાબિતી છે… માટે જ મ.ખ. ગુજરાતી ગઝલનું ગિરિશિખર ગણાય છે.
Permalink
January 7, 2014 at 8:32 PM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, હેયડન કરુથ
વર્ષો સુધી માત્ર મૈથુનમાં હતો અને મને
એનાથી વધારે ખબરેય નહોતી
ક્ષણિક
પળ
માંડ એકાદ કે બે
જાતમાંથી બહાર નીકળી જવાની
કે
સંગીતમાં જરા લાંબો ટકતો અને હું
ઉત્કૃષ્ટ વેદના-વલોણા
સૂરોથી ભર્યો ભર્યો
ને
આજે ય એટલો જ
ક્ષણિક અને અસ્પષ્ટ
બેઠો છું હું મારી ફાટલી ખુરશીમાં
શિયાળાની રાત્રે તાપણાંની બાજુમાં બહાર છે બરફ ને પવન
સૂસવાટા કરતો અને હું વિચારું છું
આખાય જગતમાં શાંતિ
શાંતિ
બધાય સુખી અને હૂંફાળા
એ અગાધ પીડાનું શમન
ક્ષણ આ
તેજસ્વી અનુપમ આનંદની.
– હેયડન કરુથ
(અનુ. ધવલ શાહ)
પરમ આનંદ એટલે શું? – એનો જવાબ આ કવિતા છે. પરમ આનંદની ત્રણ અનુભૂતિઓ કવિ વર્ણવે છે.
પહેલી તે મૈથુનની ક્ષણ. એ પરમ આનંદની માત્ર ક્ષણિક અનુભૂતિ છે પણ અગત્યની વાત એ છે કે એ ક્ષણ માટે માણસ પોતાની જાતમાંથી બહર નીકળી જાય છે. બીજી અનુભૂતિ છે સંગીત. વેદનારંજીત સૂર જ્યારે હૈયાને વલોવી નાખે છે એ ક્ષણે કવિ પરમ આનંદ અનુભવે છે. આ આનંદ થોડો વધારે ટકે છે.
ત્રીજી અનુભૂતિ તદ્દન અલગ જાતની જાતની છે. કવિ શિયાળાની રાત્રે તાપણાની બાજુમાં બેઠા છે. એ વખતે કવિને એ હૂંફાળી, શાતાભરી ક્ષણ આખા વિશ્વમાં વિસ્તરતી અનુભવાય છે. આ ક્ષણે આનંદ ‘સ્વ’માંથી નીકળીને ‘સર્વ’ સુધી વિસ્તરે છે. આખી દુનિયાને શાતા થઈ છે એવું લાગે છે. એ ક્ષણે કવિને (જગતમાં રહેલી વિસંવાદિતાની) અગાધ પીડા શમતી લાગે છે. અને એનામાંથી પ્રગટે છે – તેજસ્વી અનુપમ આનંદ. જેમા આખુ વિશ્વ ભાગીદાર થઈ જાય એ પરમ આનંદની ક્ષણને જતા રહેવાનું કોઈ કારણ જ રહેતું નથી !
કરુથે નાના ગામમાં કુદરતના ખોળે નેકી અને મહેનતનું જીવન પસંદ કરેલું. પાછલી વયે જ્યારે એમની કવિતાને અનેક ઈનામો મળ્યા ત્યારે પણ એ જરાય બદલાયા નહોતા.
* * *
Ecstasy by Hayden Carruth
For years it was in sex and I thought
this was the most of it
so brief
a moment
or two of transport out of oneself
or
in music which lasted longer and filled me
with the exquisite wrenching agony
of the blues
and now it is equally
transitory and obscure as I sit in my broken
chair that the cats have shredded
by the stove on a winter night with wind and snow
howling outside and I imagine
the whole world at peace
at peace
and everyone comfortable and warm
the great pain assuaged
a moment
of the most shining and singular gratification.
Permalink
January 7, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?
ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.
નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.
ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?
તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.
આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.
Permalink
January 5, 2014 at 11:12 PM by તીર્થેશ · Filed under અછાંદસ, માલા કાપડિયા
મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?
ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?
અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.
– માલા કાપડિયા
એક સઘન અભિવ્યક્તિ……..
Permalink
January 4, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીરજ મહેતા ડૉ.
પછી એવું થયું કે યાદમાં ધુમ્મસ છવાયું પણ
પછી એવું થયું કે એમને ભૂલી જવાયું પણ
પછી એવું થયું ગુલમ્હોરના છાંયા ભૂંસાયા ‘ને
પછી એવું થયું ખુદથી કશે ઊગી જવાયું પણ
પછી એવું થયું કે કંઠમાં જઈ મોર બેઠેલા
પછી એવું થયું કે આવડ્યું એવું ગવાયું પણ
પછી એવું થયું મધરાત એવી મેઘલી આવી
પછી એવું થયું કે મન થયું સાજું, ઘવાયું પણ
પછી એવું થયું એક સ્મિત ઊગ્યું સાત રંગોનું
પછી એવું થયું કે આભ અમને ઓળખાયું પણ
– ડૉ.નીરજ મહેતા
પછી એવું થયું કે વ્હૉટ્સએપ પર મિલિન્દ ગઢવીનો સંદેશો આ ગઝલ સાથે આવ્યો જેમાં એણે કહ્યું, “આ રચના લયસ્તરો પર હોવી જોઈએ કેમકે પેટર્નની દૃષ્ટિએ તો સારી છે જ પણ જે સરળતા ઉતરી આવી છે એ સરળ નથી. અને ‘મોર’વાળો શેર તો OMG (ઑહ માય ગૉડ) થયો છે. તમે જુઓ કે ‘આવડ્યું એવું ગવાયું’માં જે નિખાલસતા અને સહજતા આવી છે એ ગઝલની ભાષામાં બહુ ઓછી જોવા મળે છે. કંઠમાં મોર બેઠેલા જેવું એક સ્ટ્રૉંગ વિધાન અને પછીની જે ડાઉન-ટુ-અર્થ અભિવ્યક્તિ! આને કહેવાય, મારી નાઇખા“.
Permalink
January 3, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિનોદ રાવલ
ફૂલ જેવું ગુલાબનું રાતું,
આપ કોઈ સ્મરણ તું મદમાતું.
શ્વાસ જેવું સહજ હતું તો પણ,
ક્યાં થયું કોઈ આવતું જાતું.
આ હવા ત્યાં ટુવાલ થઈ જાતી,
જે જગા પંખી ઠીબમાં ન્હાતું.
રાતના કાનમાં કહે સૂરજ,
કોઈ જુએ ના એમ ઝટ જા તું.
શ્વાસ લેતાં નિહાળું હું અચરજ,
વિશ્વ આખું ‘વિનોદ’માં માતું.
– વિનોદ રાવલ
આમ તો બધા જ શેર વાંચતાવેંત છેક અંદર સુધી અડી જાય એવા સંતર્પક પણ મને તો પંખી ઠીબમાં ન્હાઈને ભીનું થાય ત્યાં એને સૂકવવા ટુવાલ પેઠે વીંટળાઈ વળતી હવાનું કલ્પન સવિશેષ સ્પર્શી ગયું…
Permalink
January 2, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વંચિત કુકમાવાલા
ગમે ત્યારે મને તું ઝણઝણાવે પાસમાં આવી
નવું અચરજ ભરે છે ચેતનાનું શ્વાસમાં આવી
અમે શીખી ગયા પાંખો વગર પરવાઝ ભરવાનું
ઊભા જ્યાં છેક ભીતર ખુલતા આકાસમાં આવી
મજા જેવું કશું તો છે ભલે ને ભાન ખોવાતું
તમારા એ નયનના રોજ બાહુપાસમાં આવી
હજી પણ થાય છે બાળક સમું આળોટવાનું મન
કદી વરસાદમાં ઊગી ગયેલા ઘાસમાં આવી
સમયનું ફૂટવું, વ્યાપક બની વિખરાઈ જાવું એ
સતત જોયા કરું છું હું ક્ષણોના ચાસમાં આવી
અહીંથી એ તરફનો માર્ગ ‘વંચિત’ આ રહ્યો અહિંયા
ઊભો છું હું તમસના અનહદી અજવાસમાં આવી
– વંચિત કુકમાવાલા
મજાની ગઝલ. હવાની એક તાજી લહેરખીની જેમ ગમે ત્યારે પાસમાં કે શ્વાસમાં આવી ચડતી પ્રિયતમા જે ચેતન અંગાંગમાં ભરી દે છે એ પ્રિયતમાનું જાદુ વધુ છે કે પ્રેમની તાકાત એ કળવું મુશ્કેલ છે પણ ગઝલનો આ ઉઘાડ આપણને રણઝણાવી દે છે ખરો. અને મક્તાના શેરમાં વંચિતનો પ્રયોગ પણ કેવો અર્થસભર !
હા, જો કે કાફિયાદોષ નજરે ન ચડે એવી તરકીબ ખાતર આકાશનું આકાસ અને બાહુપાશનું બાહુપાસ કવિએ કર્યું છે એ ખટકે છે.
Permalink