ગઝલ – વિનોદ રાવલ
ફૂલ જેવું ગુલાબનું રાતું,
આપ કોઈ સ્મરણ તું મદમાતું.
શ્વાસ જેવું સહજ હતું તો પણ,
ક્યાં થયું કોઈ આવતું જાતું.
આ હવા ત્યાં ટુવાલ થઈ જાતી,
જે જગા પંખી ઠીબમાં ન્હાતું.
રાતના કાનમાં કહે સૂરજ,
કોઈ જુએ ના એમ ઝટ જા તું.
શ્વાસ લેતાં નિહાળું હું અચરજ,
વિશ્વ આખું ‘વિનોદ’માં માતું.
– વિનોદ રાવલ
આમ તો બધા જ શેર વાંચતાવેંત છેક અંદર સુધી અડી જાય એવા સંતર્પક પણ મને તો પંખી ઠીબમાં ન્હાઈને ભીનું થાય ત્યાં એને સૂકવવા ટુવાલ પેઠે વીંટળાઈ વળતી હવાનું કલ્પન સવિશેષ સ્પર્શી ગયું…
perpoto said,
January 3, 2014 @ 10:27 AM
આજકાલ હવે દરેક ગઝલને આત્મજ્ઞાન થઇ જતું જણાય છે,-વિશ્વ આખું ‘વિનોદ’માં માતું…
સુંદર ગઝલ,હરણની ચીસ હવે બદલાય છે….
ધવલ said,
January 3, 2014 @ 11:08 PM
શ્વાસ લેતાં નિહાળું હું અચરજ,
વિશ્વ આખું ‘વિનોદ’માં માતું.
– સરસ !
બાલકિશન જોગી said,
May 10, 2024 @ 5:48 PM
શ્વાસ જેવું સહજ હતું તો પણ,
ક્યાં થયું કોઈ આવતું જાતું.
હાસિલ-એ-ગઝલ.
અભિનંદન