એકધારો સો વરસ ગાતો રહ્યો, જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી, લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2013

પયંબરની સહી – જલન માતરી

મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.

ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી

-જલન માતરી

Comments (12)

નર્યું પાણી જ… – ‘ગની’ દહીંવાળા

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

 

– ‘ગની’ દહીંવાળા

Comments (7)

ગઝલ – શોભિત દેસાઈ

આંખમાં ભીનો ભેદ છે કે શું ?
લાગણી પણ સફેદ છે કે શું ?

નીકળે છે પવિત્ર ઉચ્ચારો !
તારું, તે ! નામ વેદ છે કે શું ?

સૂર્યોદય તિમિર લઈ ચાલ્યો,
સીમને એનો ખેદ છે કે શું ?

લીલી ઇચ્છા, ઉદાસી કે આંસુ
બધું સંયમમાં કેદ છે કે શું ?

– શોભિત દેસાઈ

પહેલી નજરે સાવ વિચિત્ર અને નકરા પાટિયાં બેસાડી દીધેલો લાગે એવો મત્લાનો શેર જરા ધ્યાન આપીએ તો ચમત્કૃતિ કાંખમાં ભરી બેઠો છે. આંખમાં ભીનો ભેજ હોય એ જાણીતી વાત છે પણ આ કવિનો શબ્દ છે. જરા સાવધાનીથી કામ લેજો… કવિને આંખનો ‘ભેજ’ નહીં પણ ‘ભેદ’ અભિપ્રેત છે. આંખ અહીં કશાકનો ભેદભાવ જોઈ રહી છે પણ આત્માને આ ભેદ પસંદ નથી માટે આ ભેદ જરી ભીનો થઈ ગયો છે… પણ આ ભેદ છે શા માટે એ તો કહો… જરા ધીરે રહીને સાની મિસરા પાસે જઈએ ત્યાં કવિ આ ભેદ ખોલી આપે છે… લાગણી સફેદ થઈ ગઈ છે માટે… આમ તો સફેદ રંગ શાંતિનો ગણાય પણ આંખમાં ‘ભીનાશ’ અને ‘ભેદ’ જોયા પછી લાગણીનો સફેદ રંગ શાંતિની નહીં પણ કફનની યાદ અપાવે છે. દિલી લાગણીઓ તો હંમેશા રંગ-રંગથી ભરીભરી હોય… પણ લાગણીનું પોત જ ધોળું પડી જાય તો પછી બચે શું?

લાગણીના સૂકાવાની અને આંખના ભીંજાવાની આ અનુભૂતિમાંથી આપણે સહુ પસાર થયાં જ છીએ. પણ આપણી લાગણી જો સાચી હોય તો રહી રહીને પણ આ સફેદી, આ ભીનાશ વિશે પ્રશ્ન તો થવાનો જ. ખરેખર સાચું કે ભ્રમની આશંકા પાસેથી આપણે સધિયારો શોધવાના જ… અને માટે જ કવિ પણ રદીફમાં ‘છે કે શું ?’નો પ્રશ્ન ઊભો કરીને હૃદયભંગ થવા છતાં પોતાની આશા જીવંત રાખે છે…

બાકીના ત્રણ શેર વિશે હું નહીં, હવે આપ વાચકમિત્રો જ વાત કરજો…

Comments (4)

ગઝલ – અર્પણ ક્રિસ્ટી

સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
‘ને પછી કાગળ અડું તો એય ઊનો નીકળે.

આ વરસતી આગનાં કારણ તપાસો તો ખરાં ?
દર વખત શું છેવટે આ વાંક લૂનો નીકળે ?

જીદ ના કર, સાફ દામનનાં રહસ્યો જાણવા,
મેં કરેલાં કેટલાં સ્વપ્નોનાં ખૂનો નીકળે !

આગ થઈ આવે ઘણાયે ‘ને ઘણા પાણી બની,
‘ને ઉપરથી આપણો અવતાર રૂનો નીકળે !

હું મને નિર્દોષ મારી જાતમાં સાબિત કરું,
ત્યાં જ દફનાવી દીધેલો કોઈ ગુનો નીકળે.

નામ પર જેનાં અહીં ટોળાં જમા થઈ જાય છે,
એ જ ઈશ્વરનો હવે દરબાર સૂનો નીકળે.

– અર્પણ ક્રિસ્ટી

Comments (14)

ગઝલ – આબિદ ભટ્ટ

સેંકડો મુફલિસ, તવંગર થઈ ગયા,
જઈને માટીમાં બરાબર થઈ ગયા !

નામ રેતી પર લખેલા છે સમજ,
યાદ કોને છે સિકંદર થઈ ગયા ?

આદમી તો યે નહીં આદમ થયો,
કેટલા જગમાં પયંબર થઈ ગયા !

ખાણના પથ્થર ચણાયા તાજમાં,
આ જગત કાજે ધરોહર થઈ ગયા !

અશ્રુઓએ સ્થાન સંભાળ્યું પછી,
શબ્દ હોઠેથી છુમંતર થઈ ગયા !

જિંદગીની રેલગાડી સડસડાટ,
બેઉ પાટા જ્યાં સમાંતર થઈ ગયા !

– આબિદ ભટ્ટ

બંને પાટા સમાંતર કરી શકાય તો જીવનની ગાડી પૂરપાટ ચાલતી થઈ જાય પણ આ કસબ કેટલાને હાંસિલ ? આંસુઓ વહેવા મા6ડે અને શબ્દ નિઃશબ્દ થઈ જાય એ શેર પણ ખૂબ મજાનો… સરવાળે મજાની ગઝલ…

Comments (5)

અમે પ્રેમના નંદીજી – ઉદયન ઠક્કર

પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !

એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.

ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.

મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.

દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.

પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !

– ઉદયન ઠક્કર

આ ગીત છે ? કે ગઝલ ? જાણકારો પ્લીઝ પ્રકાશ પાડે ….. જે કંઈ પણ છે – મસ્ત છે !!!

Comments (7)

પાલવ અડક્યાનો મને વ્હેમ છે – હરીન્દ્ર દવે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

-હરીન્દ્ર દવે

Comments (5)

ગઝલ – કુ. કવિ રાવલ

ભવ્યતા લાગે ભયાનક શક્ય છે
શક્યતા સામે પરાજય શક્ય છે.

સ્પષ્ટતા કરવી ઘણીએ હોય પણ –
સાવ થઈ જાઓ અવાચક શક્ય છે.

પ્રેમની પેચીદગીને તો જુઓ –
કારણો એના અકારણ શક્ય છે.

ખુશ છે ભૂલી જઈને એ બધું –
ઢોંગ કરતા હો મહાશય શક્ય છે…

બોલવાની રીત બદલે અર્થને
શબ્દમાં ના હો તફાવત શકય છે.

માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે –
તે મળે સામે અચાનક શક્ય છે.

જિંદગીભર માનતા હો જે ગલત,
અંતમાં લાગે બરાબર શક્ય છે.

– કુ. કવિ રાવલ

સવાર સવારમાં આવી ગઝલ વાંચવામાં આવે તો આખો દિવસ સુધરી જાય એ ‘શક્ય છે’.

Comments (14)

બાંધ્યું છે – અનિલ ચાવડા

આ કેવું બંધન બાંધ્યું છે ?
માણસ અંદર મન બાંધ્યું છે.

જીવ આવ્યો છે પ્રવાસ કરવા,
શરીરનું વાહન બાંધ્યું છે.

મેઘધનુના નામે આભે,
માદળિયું પાવન બાંધ્યું છે.

તું પોતે જો ફૂલ હોય તો,
હાથે કાં ચંદન બાંધ્યું છે ?

– અનિલ ચાવડા

સ્વયંસિદ્ધ કવિની સ્વયંસિદ્ધા ગઝલ… બીજા અને ત્રીજા શેરમાં કવિની કલ્પનાશક્તિ એની ચરમસીમાએ પહોંચી છે.

Comments (9)

સાવન છકી ગયેલો – ચંદ્રકાન્ત શેઠ

સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો. –

ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –

સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –

– ચંદ્રકાન્ત શેઠ

મેઘરાજ ઓણસાલ બરાબર મંડ્યા છે. એક તો એપોઇન્ટમેન્ટ કરતાં દસ દિવસ વહેલા આવી ટપક્યા અને આવ્યા પછી એકેય દિવસ કોરો છોડતા નથી… સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે એવામાં આ ગીત યાદ ન આવે તો જ નવાઈ.

દશે દિશાઓને જાણે ડહોળી નાંખવાની જીદે ન ચડ્યો હોય એમ છાકટો થઈ વરસતો વરસાદ સમગ્ર સૃષ્ટિનો કોળિયો કરતો ન હોય એમ વકર્યો છે એ વાત અહીં કેવી સરસ રીતે લયાંવિત થઈ છે !

Comments (6)

તું એક ગુલાબી સપનું છે – શેખાદમ આબુવાલા

તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.

શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.

કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.

સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.

– શેખાદમ આબુવાલા

Comments (8)

પતંગિયાંઓ સળવળે – સંજુ વાળા

કોઈ બોલે છે ને કોઈ સાંભળે છે
તે છતાં ક્યાં કોઈને કોઈ મળે છે

છેક મનનાં મૂળમાં જે ઓગળે છે
એજ કૂંપળ જેમ ફૂટી નીકળે છે

સુખનું સામ્રાજ્ય ચાલે પાંસળીમાં
ને પીડાઓ આંગળીથી ઊખળે છે

આમ તો બુઝુર્ગ છે આ શખ્શિયત પણ-
લોહીમાં તો પતંગિયાંઓ સળવળે છે

સ્થિર થઈ બેઠા છે એ આજે પરંતુ
ચોતરફ એના જ દીવા ઝળહળે છે

ઓથમાં છુપાઈ રહ્યાં છે તણખલાંની
આખ્ખુયે બ્રહ્માંડ જેના પગ તળે છે.

-સંજુ વાળા

Comments (6)

વળાવી બા આવી – ઉશનસ્

(શિખરિણી)

રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

– ઉશનસ્

આપણામાંથી મોટા ભાગના લોકો કવિતાના હૃદયસ્વરૂપની સમજણ અને સમાજમાં વડીલોના મોળા પડી ગયેલા સ્થાનની સમજ સાવ કાચી હોય એવે તબક્કે આ સોનેટ શાળામાં ભણી જ ચૂક્યા હશે પણ એક ઉત્તમ કવિતા તરીકે આજે આપણે એને ફરીથી માણીએ…

બાળવિધવા ફોઈ અને મા-બાપથી બનેલા ગામડાના સૂના ઘરમાં દિવાળીના દીવા ત્યારે જ પ્રકાશે છે જ્યારે બાળકો કુટુંબ-કબીલા સાથે વેકેશન ગાળવા આવે છે પણ સંતાનોને વિદાય આપ્યા બાદ ઓસરીથી ઉંબરાનું અંતર કાપવું કેવું દોહ્યલું થઈ પડે છે !

Comments (10)

ગઝલ – ડૉ. નીરજ મહેતા

સ્મરણના રાફડામાંથી કીડી ઊભરાય ને ! એમ જ
સખત ઘેરી વળ્યો તું આજ મારી સાંજને એમ જ

અહીંથી નીકળ્યો’તો ને થયું મળતો જઉં – એવાં
બહાનાં સાવ ખંખેરી તું મળવા આવ ને એમ જ

મળે જો કોઈ રસ્તામાં મુંઝાયેલું ને રત ખુદમાં
કશું નહિ તોય એને ‘કેમ છો?’ પૂછાય ને, એમ જ

હશે, કરવું પડે સંબંધ સાચવવા : ખરું છે, નહિં ?
શરત તો વ્હાલમાં હોતી નથી એક્કે – મને એમ જ

અઢેલી છાતીએ તો ઘૂઘવાયો કાનમાં દરિયો
અરે ! કાને ધરેલા શંખમાં સંભળાય ને, એમ જ

ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’

– ડૉ. નીરજ મહેતા

‘એમ જ’ – આપણા રોજિંદા જીવનવ્યવહારમાં આ શબ્દપ્રયોગ કંઈ એવી રીતે વણાઈ ગયો છે કે આપણે પણ એને ‘એમ જ’ -casually- લઈને જ આગળ વધી જઈએ છીએ. પણ પારખુ ગઝલકાર નીરજની પારેખનજરમાંથી વ્યવહારમાં ચવાઈને ચુથ્થો થઈ ગયેલ આ શબ્દપ્રયોગ બચી શક્યો નથી… પરિણામે બિલકુલ બોલ-ચાલની આ રદીફમાંથી આપણને મળી આ બિલકુલ બોલચાલની ગઝલ.. વાહ કવિ!

Comments (14)

ગઝલ – ‘રાઝ’ નવસારવી

શું સાંજ, શું સવાર અમે ચાલતા રહ્યા,
કીધા વિના પ્રચાર અમે ચાલતા રહ્યા.

નિષ્ક્રિય થઈને જીવવું બદતર છે મોતથી,
રાખીને એ ખુમાર, અમે ચાલતા રહ્યા.

અવરોધ એવા કંઈક હતા જો કે રાહમાં,
ત્યાગીને સૌ વિચાર અમે ચાલતા રહ્યા.

એક આદમીને એથી વધારે શું જોઈએ ?
આપીને સૌને પ્યાર અમે ચાલતા રહ્યા.

બસ લક્ષ્ય પામવાની હતી અમને ખેવના,
સુખનો ગણી પ્રકાર અમે ચાલતા રહ્યા.

સહકારની અપેક્ષા અમારી ફળી નહીં,
ઉચકી બધાનો ભાર અમે ચાલતા રહ્યા.

– ‘રાઝ’ નવસારવી

‘જીવન ચલને કા નામ’ની ફિલસૂફી લઈને આવતી ચાલવા વિશેની આ મજાની ગઝલ વાંચતા જ રોબર્ટ ફ્રોસ્ટ યાદ આવી ગયા : “In three words I can sum up everything I’ve learned about life: IT GOES ON.

Comments (8)

આટલો – રવીન્દ્ર પારેખ

પુષ્પોનું ભાગ્ય લાવ્યું છે મલકાટ આટલો,
બાકી તો ક્યાંથી હોય પમરાટ આટલો ?

બાકી હશે ભવાટવિની લેણદેણ કંઈ
નહિતર કશે કર્યો નથી વસવાટ આટલો.

થોડોઘણો તો ભેજ કશે રહી ગયો હશે,
બાકી સ્મૃતિને લાગે નહીં કાટ આટલો.

આંખોમાં વાદળાં બને એવી આ પળ હશે,
મારી ભીતર છે એટલે ઉકળાટ આટલો.

તું હોત તો આ ભીંતને છાયા થતે બીજી,
આખર સુધી રહ્યો મને કચવાટ આટલો.

વધતા આ અંધકારમાં હસવું પડ્યું હશે,
બાકી ન હોય સાંજમાં મલકાટ આટલો.

પાંખો હવામાં રાખીને પંખી ખર્યું હશે,
તેથી હવામાં છે હજી ફફડાટ એટલો.

લાગે છે કોઈએ કશે દીવો કર્યો હશે,
નહિતર પવનમાં હોય ના સુસવાટ આટલો.

-રવીન્દ્ર પારેખ

ગઝલ જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ ઉઘડતી જાય છે.

Comments (10)

નથી – હેમેન શાહ

હજી જો નથી કંઈ થયું, હવે કંઈ થવાનું નથી,
રહેશે બધું અહીંનું અહીં, કશું ચાલવાનું નથી.

વિચાર્યું ભલે હો ઘણું, કરો બંધ આ બારણું,
નજર પાછી બોલાવી લો, કોઈ આવવાનું નથી.

પલાંઠીમાં બેસી રહો, જો મન થાય તો કંઈ કહો,
જગતને જવું હો ભલે, અમારે જવાનું નથી.

થશે મન, બધું છોડીને આ પકડું જરા દોડીને,
એ સુખ કે હરણ સ્વર્ણનું, કોઈ જાણવાનું નથી.

કલાનાં જુદાં નામ છે, ઝીણેરું ભરતકામ છે,
તમારી નજરથી જુઓ, એ દેખાડવાનું નથી.

ફૂલો સાથે સગપણ રહે, ફળોમાંય ગળપણ રહે,
રહે એવા લીલા દિવસ, વધુ માગવાનું નથી.

-હેમેન શાહ

પહેલા ત્રણ શેર માટે આ ગઝલ ખાસ અહીં રજૂ કરી છે – તેમાં પણ વિશેષત: પહેલો શેર. આંતરજગત અને બાહ્યજગત માટે પહેલો શેર એકદમ મર્મભેદી છે – જે કરવું છે તે જો આ ક્ષણે નહીં કરીએ અને વિચારીશું કે પછી કરીશું તે કદી થવાનું નથી .

Comments (5)

આંખનો મતલબ – લલિત ત્રિવેદી

આંખનો મતલબ કર્યો ખોટો તમે,
એટલે ઈશ્વર નથી જોયો તમે !

પાણી પણ વેચાય છે તે આ સડક,
જે સડક નીચે પૂર્યો કૂવો તમે !

બોલો તે પ્હેલાં જ તમને સાંભળું,
મારી અંદર આવી જો બોલો તમે !

દૃશ્યનો દીવો કરો રાણા પ્રથમ
એકબીજાને પછી જોજો તમે !

વાત કરશું કોક દિ’ બ્રહ્મરંધ્રની,
આજ ઘરની બારી તો ખોલો તમે !

જંગલોની ડાળને પિંજર ઊગ્યાં,
કઈ જગાએ બાંધશો માળો તમે !

– લલિત ત્રિવેદી

રાજકોટના કવિ શ્રી લલિત ત્રિવેદી “બીજી બાજુ હજી મેં જોઈ નથી” સંગ્રહ લઈને આવ્યા છે. એમને લયસ્તરો તરફથી હાર્દિક શુભકામનાઓ…

Comments (14)

મધ્યવર્ગીય ગાર્ગી – ઇન્દિરા સંત

એક પથ્થર દુઃખનો.
એક પથ્થર કાળનો.
એક પથ્થર ત્યાગનો.
વાત્સલ્યના થર ઘાટ માટે વાપરવાના.
આવો સુરેખ ચૂલો ઘરે ઘરે હોય.
ઘર સંભાળનારી… ઘર સાચવનારી.
તેનું જ નામ ગૃહસ્વામિની… ગૃહલક્ષ્મી. ઘરધણિયાણી
આમ ઘરબારથી વીંટલાયેલી. બંધાયેલી.
ઘર આખામાં ફરતી ભમરડાની જેમ.
ઓતપ્રોત અને અતૃપ્ત.

ક્યાંક ક્યાંક કે ઘણુંખરું ઘરમાં જ સિઝાતી
વાનગીઓની ફરસી વરાળ બહાર ફેલાય છે.
દૂર દૂર પ્રસરે છે અને કોઈક તે સ્વાદિષ્ટ વરાળનાં વાક્યો
બનાવે છે,
મથાળાં બાંધે છે :
આધિનિક સ્વતંત્ર સ્ત્રી. સ્ત્રીનો વિકાસ.
પ્રગતિપથ પર સ્ત્રીની હિલચાલ. વગેર વગેરે.
કાનને મનને વાક્યો મીઠાં લાગે.
આંકડાઓની પ્રગતિ તો સૂર્ય સુધી પહોંચે.
સાંજે થાકેલી હારેલી જમણાડાબા હાથમાં
પર્સ પડીકાં ને ઝોળી સંભાળતી ઘરે પાછી આવતી તે.
તે ગાર્ગી. મધ્યવર્ગી તે
પેલાં મથાળાંની માલિક
પર્સના હોદ્દાની સાથે જ સંભાળીને આણેલાં પેલાં
વાક્યોનાં લાકડાં ચૂલામાં મૂકે છે,
બહુ જલ્દી ચા કરવા માટે.
ચાના નશામાં જ પાંખો સંકેલી લેવી જોઈએ.

અને પછી કૂકર. પછી રોટલી. પછી વઘાર.
મોટાંનાનાં સૌનાં મન સાચવવાનાં. નોકરોની જડતા
કેટલાયે દોર ઘટ્ટ જકડી રાખનારા.
બધું જ કંટાળા ભરેલું. સીઝવનાર પણ તે જ.
અને સીઝનાર પણ તે જ.

– ઇન્દિરા સંત (મરાઠી)
(અનુ. જયા મહેતા)

ગાર્ગી નામ કાને પડતાં જ આપણા મનોચક્ષુ સમક્ષ ભરી રાજ્યસભામાં ભલભલા વિદ્વાનોનું ગુમાન ઉતારી દેતી વિદૂષી આવી ઊભે છે. અહીં કાવ્યનાયિકા ગાર્ગી આજના મધ્યમવર્ગની સ્ત્રીની પ્રતિનિધિ છે.

ત્રણ પથ્થર મૂકીને છાણ-માટીના ગારાથી એને ઘાટ આપી તૈયાર થતા ચૂલાથી શરૂ થઈ કવિતા કેરિયર-વુમન સુધી જઈ ફરી ચૂલા અને રસોઈ સુધી પહોંચે છે ત્યારે આપણી અંદર કશુંક હચમચી જતું અનુભવાય છે.

આ ગાર્ગી એના સંસારમાં ઓતપ્રોત થઈ ભલે જીવતી હોય, અતૃપ્ત છે. મોટા ભાગે ઘરની ચાર દીવાલો વચ્ચે જ સ્ત્રીનું જીવન પૂરું થાય છે. ક્યાંક આ “ફરસી વરાળ” બહાર પણ ફેલાય છે અને અખબારોમાં મોટા મથાળાં આવે છે કે આજની સ્ત્રી પુરુષ-સમોવડી બની ચૂકી છે. સૂર્યને આંબી જાય એવા સ્ત્રીઓની પ્રગતિના આંકડા અંતે તો ચૂલો અને ઘરની જવાબદારીઓમાં જ સિઝાઈ જતા હોય છે. સ્ત્રી સ્ત્રી જ રહે છે. એની સાચી પ્રગતિ ન એ ગાર્ગીના સમયમાં થઈ હતી, ન આજની આ ગાર્ગીના સમયમાં…

Comments (8)

તમે – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

તમે હાથમાં હાથ લીધો. મેં જોયું. મારા હાથમાં બેડી.
તમે હસ્યા. અવાજના ખીલા મારા શરીરમાં ખોડાઈ ગયા.
તમે માથે હાથ મૂક્યો. કાંટાળો તાજ રક્તથી રંગાઈ ગયો.
તમે જતાં જતાં કહેતા ગયા : તું ઈશુ નથી.

તમે હાથ મિલાવ્યો. મારા હાથમાં પારિજાત.
તમે હસ્યા. ધરતી પર વર્ષાનાં છાંટણાં, મારે અંગે રોમાંચ.
તમે માથે હાથ મૂક્યો. આંખ સામે અદભુત દૃશ્યો
ખૂલતાં ને ખૂલતાં ચાલ્યાં.
જતાં જતાં તમે કહેતા ગયા :
હું ઈશુ નથી.

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

જીવનના બે અંતિમ. એક દુઃખથી છલોછલ અને એક ખુશીથી ઉભરાતો. માથે દુઃખ પડે ત્યારે આપણે આપણાથી વધુ દુઃખી આ સંસારમાં અવર કોઈ નથી એવું જ માની બેસીએ છીએ અને સામાને દુઃખનું કારણ. વળી ખુશ હોઈએ ત્યારે જેના કારણે જીવનમાં ખુશી આવી હોવાનું અનુભવીએ એ આપણને ભગવાન જેવો લાગે છે…

પણ સત્ય તો એ છે કે ન કોઈ વ્યક્તિ, ન કોઈ સંજોગ કે ન કોઈ બનાવ પણ આપણું મન પોતે જ આપણા દુઃખ-સુખનું ખરું કારણ છે…

Comments (3)

શ્વાસમાં – રાજેન્દ્ર શુક્લ

તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !

ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !

મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !

પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !

-રાજેન્દ્ર શુક્લ

Comments (4)