હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2012

ઊગેલી પાંખને – સંજુ વાળા

સાવ સામે આવી ઊભાં હો અને…
શક્ય છે હું ઓળખું ના આપને !

સાંભરણ, સંબંધના ઊંડાણને
તાગતાં અડકી જવાતું આભને !

કેટલા પાછળ લિસોટા પાડવા ?
એની ક્યાં કંઈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
કેમ ફફડાવું ઊગેલી પાંખને ?

પ્હોંચવું, પામી જવું, તરછોડવું
એ જ ઘટનાક્રમ મળ્યો તમને- મને !

જે કહું એ જ પાછું સાંભળું
સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !

છાંયે બેસે એની છાયા ઓગળે
તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

– સંજુ વાળા

સંજુ વાળા એ આજની ગુજરાતી કવિતાનો અલાયદો અવાજ છે. એમની રચનાઓ રુઢગતિથી નથી ચાલતી. એ ન ખેડાયેલી કેડી પર પોતીકા ચીલા ચાતરે છે એના કારણે ક્યારેક એ દુઃસાધ્ય પણ અનુભવાય છે. પણ એમની આ ગઝલ જુઓ. એક-એક શેર ખૂબ હળવેથી ખોલી જુઓ અને જુઓ કે તમારી આંખ
સાનંદાશ્ચર્યથી પહોળી થઈ જાય છે કે નહીં ! કેટલાક શેર તરત પ્રત્યાયિત થાય છે તો કેટલાક ambiguous જણાય છે.

Comments (19)

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? – ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ખભે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.

– ચિનુ મોદી

ચિનુ મોદીની એક ચિરસ્મરણીય ગઝલ…

 

Comments (12)

હોટેલનો આ રૂમ ખાલી કરતાં… – પ્રબોધ ર. જોશી

c472e4c8da162035ac1ebddf6a263df6

હોટેલનો આ રૂમ –
જલદી ખાલી કરી શકતો નથી
ફરી ફરી અથડાય છે ચીજો બધી
… કશુંક ક્યારેક આડુંઅવળું રહી ગયું
તો વળી કોઇકે કર્યું ઠીક –
અને આ વૃક્ષ લીલુંછમ સતત ડોક્યા કરે…
મોડી સાંજે પડદો પાડું
તો આવીને ગોઠવાઈ જાય રૂમમાં ચૂપચાપ
ને આ એકાંત મારું પ્યારું હવે બાવરું !
બધાં સાથે મળી આપે છે વિદાય.
આંખમાં ઝળઝળિયાં
ક્ષણ બે ક્ષણ એ દશ્યને મનમાં રહું મઢી
ને ચાલી નીકળું પુનઃ પ્રવાસે-
ભૂલી રહું એ રૂમ ને એ વૃક્ષ ને કૈં કેટલુંય !
કૈં કેટલા આ – લખચોરાસી – રૂમની છે
વિસ્મૃતિ!

– પ્રબોધ ર. જોશી (૧૯૫૩-૨૦૧૨)
(‘પાછો ઉઘાડ નીકળ્યો આ’)
સાભાર: વર્ડનેટ, મુંબઈ સમાચાર

કવિ પ્રબોધ ર.જોશીનું ૧૮મી નવેમ્બરે ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. આપણા વેઢે ગણાય એટલા સત્વશીલ સામાયિકોમાંથી એક ઉદ્દેશના એ તંત્રી હતા. પાછો ઉઘાડ નીકળ્યો આ સિવાય એમનો બીજો સંગ્રહ છે મારે કોઈ નામ આપવું બાકી છે.

હોટેલનો રૂમ અહીં જીંદગીનું પ્રતિક છે અને કવિતા ખરેખર મૃત્યુ વિશે છે. વૃક્ષ જીવનમાં જે બધું વહાલું-પ્યારું લાગે છે એનુ પ્રતિક છે. આ રીતે વાંચો તો કવિતા વાગે એવી ધારદાર છે. હોટેલના રૂમ કે વૃક્ષ – બધાનું એક જ ગંતવ્ય છે – વિસ્મૃ તિ.

Comments (9)

ગઝલ- હરીન્દ્ર દવે

બંનેમાં વેદના છે; હું તારી નિકટ કે દૂર,
જુદા છે સાજ, એકનો એક જ વહે છે સૂર.

તારી કૃપાનું કેવું સનાતન ધસે છે પૂર,
ઓઝલ લગાર આંખથી,કહી દઉં છું તને ક્રૂર.

વચ્ચે છે ભારે મૌનનો સાગર છતાં, પ્રભુ,
લાગે છે કે લગારે ગયો છું હૃદયથી દૂર ?

વનરાજીમાં તો કૃષ્ણ નથી, માત્ર કાષ્ઠ છે,
નક્કી કદંબવનથી અમે સાંભળ્યો’તો સૂર.

કોઈને કંઈ દીધું કે લીધું ? કંઈયે યાદ ના,
લૈ કોરી પાટી આવી ગયો, આપની હજૂર.

-હરીન્દ્ર દવે

Comments (5)

ગઝલ – મુકુલ ચોકસી

ભલેને એમનો બીજો કશો પણ હોય શુભ આશય,
ગુનો એ છે કે આંખોએ કર્યો આકાશનો દુર્વ્યય.

ને તે જગ્યાએ લીટી દોરી થઈએ આપણે નિર્ભય,
તમે જીરવી શકો સરેરાશ બોલો, કેટલો પરિચય.

દિલાસાના અધૂરા અર્થ જેવી આ અગાશીમાં,
નહીં ઉકલેલી ભાષા જેવા અંધારાનો શો આશય ?

દીવાલો હોય કે તું હોય કે ઈશ્વર કોઈ પણ હોય,
મને ચૂપ રહેતી વસ્તુઓ વિષે પહેલેથી છે સંશય.

પછી તો વ્યગ્રતાની વાત હસતા હસતા કરવાની,
અને તક હોય તો થોડુંક તરફડવાનું પણ સવિનય.

-મુકુલ ચોકસી

Comments (10)

હોય છે – ગૌરાંગ ઠાકર

જેનું હૈયું શબ્દદાની હોય છે,
એની નોખી કાવ્યબાની હોય છે.

પ્રેમમાં જે સાવધાની હોય છે,
એ જ ચાહતની નિશાની હોય છે.

ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં,
એ હવાની ખાનદાની હોય છે.

રૂપથી ફરિયાદ પણ ના થાય કે
આયનાની છેડખાની હોય છે.

તારે તો વંટોળિયાની વારતા
ઝાડ માટે જાનહાનિ હોય છે.

જે ઘડી હું મારી સાથે હોઉં છું,
ત્યારે સન્નાટો રુહાની હોય છે.

જો કલમથી થાય ના અજવાળું તો
કાવ્યની એ માનહાનિ હોય છે.

– ગૌરાંગ ઠાકર

કેટલાક કવિઓ ગુજરાતી ગઝલમાં પોતાનો આગવો અવાજ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. નીચે નામ ન લખ્યું હોય તો પણ ગઝલ વાંચીએ અને તરત સમજાઈ જાય કે આ ગઝલ તો આ કવિની. ગૌરાંગ ઠાકરની બાની પણ કુશળતાથી પોતાનો અવાજ આ રીતે આંકી શક્યા છે… ક્યારેક આ પ્રકારની સિદ્ધિ કવિશક્તિને કુંઠિત પણ કરી શકે છે પણ ગૌરાંગભાઈ આ દોષથી વેગળા રહી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદભાગ્ય.

Comments (17)

ગઝલ – નીતિન વડગામા

સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
અને પાડેલ પડદાનાં પ્રયોજન સાવ જુદાં છે.

ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ,
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે.

હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે,
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે.

દિશા એક જ છતાં જુદી દશાની શક્યતાઓ છે,
જરા ફંટાતા રસ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

કવિ, કાગળ, કલમ સઘળું ભલે હો એકનું એક જ,
છતાં મત્લા ને મક્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

– નીતિન વડગામા

Comments (7)

ગઝલ – સુનીલ શાહ

એટલે ત્યાં કશું ઉધાર નથી,
લાગણીનું કોઈ બજાર નથી.

મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

એ જરૂરી છે, હોય અર્થસભર,
શબ્દ કેવળ કશો વિચાર નથી.

શોધ એવું અતીત તો તું ખરો,
કોઈ પાને કશા પ્રહાર નથી.

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

– સુનીલ શાહ

બધા જ શેર સરસ પણ પહેલાં ત્રણ શેર તો ઉત્તમ…

Comments (15)

એક કવિતા પૂરી કરું છું કે – સંસ્કૃ તિરાણી દેસાઈ

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઈ ઊભી થઈ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું તો
તેનું આકર્ષક રૂપ લઈ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોથી ઈશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું તો
પાંચસાતની ટોળી ઊભી થઈ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં.
પૂરી જ ન કરી કવિતા.

રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.

– સંસ્કૃ તિરાણી દેસાઈ

દરેક કવિતાના મૂળમાં એક વિચાર હોય છે. દરેક વિચાર એક વાયરસ સમાન હોય છે. કવિતા લખી નાખો પછી એ છૂટી ગયેલા તીર જેવા વિચાર-વાયરસ પર કવિનો કોઈ અંકુશ રહેતો નથી. જે વિચારથી કવિ પોતે ગભરાય એને માટે એક જ રસ્તો છેઃ કવિતા ન લખવી. પણ આ રાક્ષસ તો ખરેખર કવિના મનની જ ઉપજ છે. બીજા બધા તો બચી શકે, પણ એ વિચાર-રાક્ષસથી કવિ પોતે કેવી રીતે બચી શકશે ?

Comments (11)

કબૂલ નથી-રમેશ પારેખ

સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી

જર્દ ચહેરાઓ ભટકતી નજર કબૂલ નથી
ફૂલો વિનાનું મને કોઈ ઘર કબૂલ નથી

બંધ દરવાજા ઝૂરે છે સતત ટકોરાને
કોઈ વિલંબ કે કોઈ સબર કબૂલ નથી

ચાંદ ઊગે છે હથેળીમાં તો ય અંધારું
હસ્તરેખાને કોઇપણ અસર કબૂલ નથી

નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈના હકમાં મને પાનખર કબૂલ નથી

નથી કબૂલ, હો દુ:સ્વપ્ન કોઈ આંખોમાં,
કોઈ હિચકારી પીડાની ખબર કબૂલ નથી.

તમારી પીડામાં રાખો કબૂલ હક મારો
કોઈ જ તક મને એના વગર કબૂલ નથી

સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી

-રમેશ પારેખ

Comments (6)

ગઝલ-હરીન્દ્ર દવે

સુખ કેટલું હતું તે સમીપતાના ખ્યાલમાં,
આવી શકી ન જે આ મુકદ્દરની ચાલમાં.

સદીઓ વીતી છે, એમને ઝૂર્યા કરું છું હું,
લાગે છે એ મળ્યા’તા હજી આજકાલમાં.

એના જવાબના બધા સંકેત સ્પષ્ટ છે,
શબ્દોને ગોઠવી નથી શકતો સવાલમાં.

ઘાયલ કરી ગયાં છે એ તીરોનો શો કસૂર,
છિદ્રો અદ્રશ્ય હોઈ શકે મારી ઢાલમાં.

મારો જ મેળ મળતો નથી, કોને શું કહું ?
ખામી કશીયે ક્યાં છે આ દુનિયાના તાલમાં.

-હરીન્દ્ર દવે

Comments (6)

ભજન-ગઝલ – જવાહર બક્ષી

એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી
પરપોટામાં કેદ પવનને કીધો જી.

ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું
અણસારાનો લાગ નયનને દીધો જી.

લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો
દૃષ્ટિનો દરબાર સ્વપનને દીધો જી.

સપનામાં તો ભુલભુલામણ – અટવાયા
ઓળખનો અવકાશ તો મનને સીધો જી.

અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું
પરપોટાની બહાર પવનને પીધો જી.

– જવાહર બક્ષી

પાંચ શેરની પંચેન્દ્રિય સમી ભજનની કક્ષામાં મૂકી શકાય એવી બે કાફિયાની ગઝલ. એકબાજુ જીવન-પવન-નયન-સ્વપન જેવા કાફિયા છે તો બીજી તરફ દીધો-કીધો-પીધો-સીધો જેવા કાફિયા સાંકળીને કવિએ કમાલ કરી છે. શરીરને પરપોટાની ઉપમા આપતા પહેલા અને છેલ્લા શેર તો અદભુત થયા છે.

Comments (5)

લા – પરવા ! – મકરન્દ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા !
કોક દિન ઇદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા,
કોક દિન ઇદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમો ઇદ અને આવો તમે રોજા.

– મકરન્દ દવે

આ કવિતાની ધ્રુવપંક્તિ તો આજે કહેવતકક્ષાએ બિરાજમાન છે. દુનિયાની પરવા રાખીએ તો દુનિયા જીવવા નહીં દે અને રુદિયામાં વસેલા રામને ધ્યાનમાં રાખીને મસ્ત થઈ જીવતા રહીએ તો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનું નથી એવો લાપરવાહીનો ભાવ ધરાવતું આ ગીત એના સ્વરૂપની બાબતમાં પણ એ જ અભિગમ દેખાડે છે. પહેલો અંતરો બે કડીનો, બીજો ચાર, ત્રીજો છ અને આખરી અંતરો આઠ કડીનો.

Comments (5)

અગ્નિ અને હિમ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. નિરંજન ભગત)

કોઈ કહે જગતનો લય અગ્નિથી, વળી
કોઈ કહે હિમ થકી, પણ કામનાનો
જે કૈં મને સ્વાદ મળ્યો છે એથી
લાગે જ સાચા સહુ અગ્નિ પક્ષના.
બે વાર જો જગતનો લય હોય થાવો
મેં દ્વેષ કૈં અનુભવ્યો બસ એટલો કે
કહી શકું હું હિમ પણ સમર્થ
વિનાશને કાજ, હશે જ પૂરતું.

– રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ. નિરંજન ભગત)

*

કવિતા શરૂ થાય છે આનંદમાં અને પરિણમે છે ડહાપણમાં – રોબર્ટ ફ્રોસ્ટની આ ફિલસૂફી એની કવિતાઓમાં સતત નજરે ચડે છે. સરળમાં સરળ વસ્તુ પર સરળમાં સરળ ભાષામાં કવિતા કરવી અને વાતના બે છેડા સામસામે ગોઠવી વાચકને ક્રોસરોડ પર છોડી દેવો એ એની આગવી શૈલી છે જે આ કવિતા કે ‘રોડ નોટ ટેકન’ જેવી ઘણી કવિતાઓમાં નજરે ચડે છે.

2012માં વિશ્વ નાશ પામશેની વાતો કરતાં કરતાં આપણે વર્ષના અંતભાગ સુધી આવી ગયા પણ વિશ્વનો નાશ અને પ્રલય એ કદાચ વિશ્વના ઉત્પત્તિકાળથી ચાલી આવતી ચર્ચા છે. વિશ્વ ક્યાં તો આગથી અથવા બરફથી નાશ પામશે એવી વાતો ફ્રોસ્ટના સમયે ચરમસીમા પર હતી. એ વાતનો મર્મ લઈને નવ જ પંક્તિમાં ફ્રોસ્ટ કેવી મજાની કારીગરી કરે છે !

અંગ્રેજી ચર્ચામાં રસ હોય એ મિત્રો લિન્ક ૧ અને લિન્ક ૨ પર ક્લિક કરી કાવ્યાસ્વાદ માણી શકે છે.

*
Fire and Ice

Some say the world will end in fire,
Some say in ice.
From what I’ve tasted of desire
I hold with those who favor fire.
But if it had to perish twice,
I think I know enough of hate
To say that for destruction ice
Is also great
And would suffice.

-Robert Frost

Comments (6)

દિવાળી – ચંદ્રવદન મહેતા

‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
આ કાનના તો પડદા તૂટે છે.’

‘સુણ્યા નથી તેં વીજના કડાકા ?
એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા !
ત્યાં વાદળવાદળીઓ અફાળી
સૌ દેવબાલો ઊજવે દિવાળી.’

‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,
ઝીલું ન તારાં વચનો અમોલાં;
મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે
ને એ સમે તો ઉરતંતુ તૂટે.’

– ચંદ્રવદન મહેતા

દિવાળીની સૌ મિત્રોને શુભેચ્છાઓ !

Comments (6)

ખોબે ખોબે આપું – મકરંદ દવે

ગુલમહોરનાં ઝીણાં ઝીણાં પાન પરે
જે પ્રભાતના મખમલિયાં કિરણો ભરત ભરે,
તે ભરત, કહો તો, આપું.
લહર લહર આ તલાવડીનાં નીર મહીં
લહેરાતાં વૃક્ષોની છાયા જે છાઈ રહી
તે ચંદનભીની આપું.

ચોગમ ચોગમ હરિયાળીની હવા શ્વાસમાં ઊભરાતી
ને ખુલ્લા આભતણા આરે આ નૌકા નયનોની તરતી,
લો,આજ ખરેખર લાગે છે કે સુંદર સુંદર છે ધરતી,
ને જન્મતણું વરદાન સહજરૂપે ઝીલી
આ ખુશ્બો જે ખીલી ખીલી,
તે ખોબે ખોબે આપું.

હા, ભીંસી દેતી ચોગરદમ દીવાલો દીવાલો ભેદી
આ મનનો આજ ફરીને મેદાનમાં આવ્યો છે કેદી,
આ બંધન રૂંધન ક્રંદન સહુ બસ મૂળ મહીંથી ઉચ્છેદી
લો, ફરી જેલના બંધ ભયાનક દરવાજે
આવીને ઊભો છે આજે
ને કહે, કહો , સહુ આપું ?

-મકરંદ દવે

અત્યંત રમણીય કાવ્ય…..અસ્તિત્વનો અદભૂત ઉત્સવ….

Comments (9)

શૌર્ય -રમેશ પારેખ

મૂછો માથે માખો બણબણ કરી ખાય ચકરી
ઠરે ત્યાં બાપુની નજર નકરી ખુન્નસભરી
‘કરી નાખું કુલ્લે ખતમ પણ શું થાય, જીતવા
અરે આ માંખો જો મરદ હત, તો દેત ન જવા’
-કહીને, ખંખેરે પગ પગથિયાંઓ ઊતરવા
કરે બાપુ પસ્તાણું ગઢ પછવાડે મૂતરવા…..

ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી
પરંતુ ના છૂટે સજડબમ એ ગંઠનવતી
વધે છે પેડૂફાટ ખણસ અને ગાંઠ ન ખૂલે
થતા બાપુ રાતાચકળ પણ ના હાર કબૂલે
અને ભીંતેથી તેગ તરત ખેંચીંગ લપકે
વધેરે નાડી ‘ જે બહુચર’ કહી એક ઝટકે

કહે : ‘ નાડીની યે ઘરવટ ગઈ હાથધરણે….
ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે….!’

-રમેશ પારેખ

આ સોનેટ વાંચીને હું નાચી ઉઠ્યો…..! એક તો સોનેટ કાવ્યપ્રકાર કોઈક કારણોસર બહુ લોકપ્રિય નહીં, તેમાં વળી હાસ્ય-સોનેટ !!!!! ધન્ય ધન્ય…..

Comments (10)

ગઝલ – જવાહર બક્ષી

વિસ્મયભર્યું વહેલી પરોઢે ઊઘડ્યું તે કોણ? મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું, એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ?

ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, તો હાથ લાગ્યાં તડકો, રેતી ને તરસ
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોનાં મૂળમાં છે કોણ ? સૂરજ, રણ કે હું ?

ક્ષણક્ષણ જીવનજળમાં સતત વહી જાઉં છું પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું,
આ કોણ વહેતું જાય છે ? કાયા કે પડછાયા કે માયા કે નહિ કંઈ પણ કે હું ?

પ્રત્યેક ઘર કરચોથી વેરણછેર છે ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું ? બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું ?

અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો, જીવન શું ? હું મૃત્યુ પછી પણ રવરવ્યો
ને આમ ઠંડું પડ્યું તે કોણ ? ધૂણી, રાખ કે અંગાર કે ઇંધણ કે હું ?

– જવાહર બક્ષી

લાંબી બહેરની ગઝલોમાં સમાન્યરીતે રદીફ પણ લાં…બી હોય છે જેથી ગઝલકારે દોઢ લીટી જેટલી જ કારીગરી કરવાની રહે પણ જવાહર બક્ષીની આ લાંબી બહેરની ગઝલમાં રદીફ માત્ર બે જ એકાક્ષરી શબ્દો જેટલી ટૂંકી છે. ‘હું’નો પ્રશ્ન જ એવો સનાતન છે કે આપો એટલી જગ્યા એને ઓછી જ પડવાની. જેટલું વધુ મમળાવીએ એટલી વધુ આત્મસાત થતી અનુભવાય એવી ગઝલ…

(રવરવ્યો = ચચરાટ સાથે બળવું, નાદ પ્રગટ કરવો)

Comments (10)

ગઝલ – કિરીટ ગોસ્વામી

આંખથી જે દૂર થાતું જાય છે,
એ બધું મનમાં સમાતું જાય છે.

એક તારો તૂટતાં ચારેતરફ,
કેમ અંધારું છવાતું જાય છે ?

ઝૂંડ આખું જાળથી છટકી ગયું,
એક પંખી કાં ફસાતું જાય છે ?

આજ લખવા પત્ર બેઠો છું તને-
તો અનાયાસે રડાતું જાય છે.

ફૂલ જેવું મન હવે મારું ‘કિરીટ’,
પથ્થરો વચ્ચે ઘડાતું જાય છે.

– કિરીટ ગોસ્વામી

Comments (10)

કમ સે કમ આટલું તો થાય… – અનિલ ચાવડા

કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.

આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…

માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…

– અનિલ ચાવડા

રમતિયાળ ભાષામાં અંતરને અડી જાય એવું એક મજાનું ગીત આપ સહુ માટે, તહેવારના દિવસો માટે ખાસ !

Comments (14)

પહેલાં જેવું – જયન્ત પાઠક

કયાં ગયા એ લીલાછમ પ્હાડ
ને અંધકારભર્યાં વન
નદીઓ જલ-છલોછલ?!
પહાડોમાં દવ
વનોમાં પંખીઓનો કલરવ
નદીમાં તરણીઓ તરલ?!
સ્મરું છું
– સ્મરણોય ક્યાં રહ્યાં છે હવે પ્હેલાં જેવાં
પહેલાં જેવો હું ય ક્યાં છું?!

– જયન્ત પાઠક

પહેલા એવું લાગે કે આ કવિતામાં કવિ વન, નદી, પહાડો વિશે ફરીયાદ કરે છે. પણ એ વાત ખોટી ઠરે છે. કવિને ખ્યાલ આવે છે કે જે સ્મરણો માટે વલોપાત હતો એ પણ પહેલાં જેવાં નથી રહ્યાં. અને સૌથી છેલ્લી પંક્તિમાં કવિને ખ્યાલ આવે છે કે પોતે પણ પહેલાં જેવા નથી રહ્યા. આપણને બધું અલગ લાગવાનું કારણ જ કદાચ આ છે : આપણે પોતે જ બદલાતા જઈએ છીએ.

Comments (6)

હોઠ હસે તો – હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન,બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયહાર મનભાવન.

કોઈને મન એ ભરમ,કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા,પ્રિય,માની એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

-હરીન્દ્ર દવે

[   અવગાહન=વિષયનું ઊંડુ અધ્યયન. ]

પ્રેમ એવો દરિયો છે જેમાં જેટલી ઊંડી ડૂબકી મારો, તળ એટલું જ ઊંડું ઉતરતું જાય….અર્થાત તે અતળ છે. વાચાળતા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમ એટલે harmony . રૂમી એ અદભૂત વાતો કરી છે પ્રેમ વિષે. રસિકજનોને અવકાશે રૂમીને વાંચવા નમ્ર અનુરોધ છે.

Comments (10)

સમજાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એ ફણગાય છે.

રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંજિલ હવે અટવાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

શૂન્યતાની આગમાં પીગળી જશે
લાગણીઓ જે ભીતર રૂંધાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (10)

નિરંતર – હસિત બૂચ

એક નિરંતર લગન ;
.       અમે રસ પાયા કરિયેં :
એકબીજામાં મગન :
.       અમે બસ ગાયા કરિયેં.

કોઈ ચાંગળું લિયે, પવાલું-
.       કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે મુખ છોને આડું ,
.       કે ઈતરાજી ઝાઝી ,
.              છાંય હોય કે અગન ; -અમે 0

સફર મહીં હો ઉજ્જડ વગડો,
.       કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
.       કે ઝરણાં ખળખળતાં ;
.              હવે મુઠ્ઠીમાં ગગન ; -અમે 0

-હસિત બૂચ

આવી અદભુત ગીતરચના આટલા વરસો સુધી નજરમાં આવી જ નહીં ! આવી રચના વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો.

Comments (10)

સાંજ – વિનોદ અધ્વર્યુ

અહો ! આજ
લાગે કેવી સુંવાળી આ સાંજ !
બપોરના ન્હોર થકી ઝરડાયું તન,
તે પરે શો રેશમ શો સ્પર્શ ?
વૃક્ષ તણાં થડનેય થતો હશે હર્ષ !
પાંદડે પાંદડે કેવું મલકે છે મન !
ઊના ઊના આભ પરે
દાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,
ત્યાં તો પેલી પોયણીને
વ્યાપી ગઈ રગેરગ !
ધરતીએ ઢીલા કર્યાં કંચુકીના બંધ,
પવનને પાથરણે આળોટતી ગંધ.
હાંફતી હવાએ કેવો હેઠો મૂક્યો શ્વાસ !
અનાયાસ જાણે એક જડી ગયો પ્રાસ
‘હા…શ !’
લાગે કેવી રૂપાળી આ સાંજ !
એક ડાળે બેસી એને જોયા કરે
કપોત ને બાજ !

– વિનોદ અધ્વર્યુ

સાંજનું એક ચિત્ર થોડા દિવસો પહેલાં આપણે લયસ્તરો પર જોયું હતું. આજે આવું જ એક મજાનું બીજું શબ્દચિત્ર જોઈએ…  બપોરના તાપથી ઘાયલ પ્રકૃતિ, વૃક્ષ, આભ, પોયણી બધે જ સાંજનો સુંવાળો સ્પર્શ એમ ફરી વળે છે જાણે (ઉ)ઝરડાયેલા તનને શાતા આપવા એ આવી ન હોય ! ઉઝરડાવું માંથી ‘ઉ’ કાઢીને કવિ એક નવા જ શબ્દની નિષ્પત્તિ કરે છે. છેલ્લી પંક્તિમાં કબૂતર અને બાજ – બંનેને એક જ ડાળી પર બેસાડીને કવિ સારું અને નઠારું – કોઈ પણ સાંજની રૂપાળી અસરથી હાશકારો અનુભવ્યા વિના રહેતા નથી એ નિર્દેશીને કાવ્ય સિદ્ધ કરે છે.

Comments (11)