જેવી સ્થિતિમાં તમે છોડી ગયાં
આજ પણ એવાં અને એવાં છીએ !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2012

એક લઘુકાવ્ય – મુકેશ જોષી

પાડોશી બનવાની પૂર્વશરત એ છે,
બંને વચ્ચે કમસે કમ એક દીવાલ હોવી જોઈએ.
લાંબા દાંપત્યજીવનને અંતે
અમે એને ઊભી કરવામાં સફળ થયા છીએ,
હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ.

– મુકેશ જોષી

મહત્વનું શું – સંબંધ કે વ્યક્તિ ? વ્યક્તિ છે તો સંબંધ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે ? – આવા પ્રશ્નોના ઉત્તર દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની જાત માટે શોધી કાઢતી હોય છે. કોઈ એક ઉત્તર દરેક માટે appicable હોતો પણ નથી. ઘણાબધા લોકો અસ્પષ્ટતાના grey area માં જ જીવન વીતાવી દેવાનું પસંદ કરતા હોય છે. લગ્નસંસ્થામાં જેટલી જાતને [ અને અન્યને પણ ] છેતરવામાં આવતી હોય છે તેટલી ભાગ્યે જ કોઈ સંબંધમાં છેતરામણી ચાલતી હશે. પ્રત્યેક પળે – પ્રત્યેક પળે – જાત સાથે અને અન્યોન્ય સાથે અણીશુદ્ધ સ્પષ્ટતા જાળવવી એ જ કદાચ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે.

Comments (10)

(સાંજતડકો) – નલિન રાવળ

પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો’ પંખી-શો
આ સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી, અટકતી, ડોલતી આકાશમાં ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સહેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી,
તારકો જેવાં ચળકતાં ડગ ભરી ગોરાં,
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં ?
ભીની પાંપણોની પાર
રમતો સ્નેહ પોચો, ગાઢમીઠો, રવભર્યો અંધાર
કે આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.

-નલિન રાવળ

સાંજના સમયે શાંત નદીના કિનારે ઢોળાવ પર વૃક્ષ પાસે ફૂલોની પથારીમાં સૂતેલી એક ઝૂંપડી અને એની ટોચેથી નીકતા ધુમાડાનું સુંદર મજાનું ચિત્ર કવિએ કલમના લસરકે ઉપસાવી આપ્યું છે. વૃક્ષની ઠેઠ ઉપરની નાજુક ડાળી પંખીનું વજન ઝીલી ન શક્તાં જે રીતે ઝૂલે એ રીતે સાંજનો તડકો વૃક્ષના છાંયાથી ભૂખરી દેખાતી ટેકરી પર જાણે ઝૂલી રહ્યો છે ! એક નાની કુમળી વયની નદી પર ધીમે ધીમે લહેરાતા પવન અને આછા પવનના કારણે ઝૂંપડીમાંથી નીકળતા લગભગ અગતિશીલ ધુમાડાની જેમ બાળા હળવી ગતિએ ઢોળાવ ઉતરતી નજરે ચડે છે. એનાં પગલાં કવિની સાંજના આકાશમાં ડોકિયું કરવાનું શરૂ કરતા તારા જેવા ચળકતાં દેખાય છે. એક તરફ ઢળતો સૂરજ છે તો બીજી તરફ જાણે આ ઊગતો સૂરજ છે. બંને સૂરજને એકમેકની સન્મુખ સ્થાપીને કાવ્યનાયકની આંખ જરા ભીની થઈ જાય છે… કુદરતની કરામતને નિહાળવી કે કુદરતના સર્જનને નિહાળવું એ પ્રશ્નના દ્વિભેટે આવીને કાવ્ય પૂરું થાય છે અને એક શાંત નીરવ છંદ ભાવકના મનોમસ્તિષ્કમાં રણઝણી ઊઠે છે…

પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય નખશિખ શુદ્ધ ‘ગાલગાગા’ના આવર્તનો લઈ ગતિ કરે છે…

Comments (6)

ગઝલ – મનોજ ખંડેરિયા

સ્મરણ વાંસળી જેમ વાગે અવિરત
સૂણે જે તે જન્મારો જાગે અવિરત

ન સમજે સકળ તીર્થ છે પગના તળિયે
અને તીર્થ જાવાને ભાગે અવિરત

અહીં સાવ ખાલી થનારાને અંતે
સભર થઈ ગયા એવું લાગે અવિરત

સતત ઊંઘના રોજ ફુરચા ઊડે છે
ભીતર કોઈ જામગરી દાગે અવિરત

અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી
ખબર છે હજી કોઈ તાગે અવિરત

રહે નિર્વસન શબ્દ એનો ઝળકતો
પહેરેલું જે નામ ત્યાગે અવિરત

– મનોજ ખંડેરિયા

મરણ ન આવે ત્યાં સુધી સ્મરણ આવતાં જ રહે છે. જે સ્મરણમાં ડૂબે છે તેની જન્મારા આખાની ઊંઘ ઊડી જાય છે.

Comments (7)

(મારી અંદર) -ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા શંકાનો સરવાળો મારી અંદર,
સદીઓથી છે આ ગોટાળો મારી અંદર.

એક જ સાથે ઉછરે યુગયુગાંતરોથી,
બાગ અને પંખીનો માળો મારી અંદર.

સમય અને સંજોગ પ્રમાણે દેખા દે છે,
લાલ પીળો ધોળો ને કાળો મારી અંદર.

લીન હોઉ મારામાં ને કોઇ કરે સળી તો,
તરત જ જન્મે અઢળક ગાળો મારી અંદર.

એક તરફ છે રણની રેતીના ઢૂવા ને,
બીજી તરફ છે સરવર પાળો મારી અંદર.

ક્યાંક પડ્યું છે ‘ઠારો ઠારો, કેવળ ઠારો’,
ક્યાંક છે કેવળ ‘બાળો બાળો’ મારી અંદર.

-ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા અને શંકાના સરવાળા-ગોટાળાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ… જો કે આખી ગઝલનો શિરમોર એવો આખરી શેર જરા વધુ ગમી ગયો.

Comments (8)

ઈથાકા – સી. પી. કેવેફી

ઈથાકાની સફ્રરના આરંભે
આશા રાખો કે તમારી મજલ લાંબી હોય,
સાહસ અને શોધથી ભરીભરી.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે
ક્રોધિત પોસાઈડન – કોઈથી ડરતા નહીં:
એમાંથી એકેય તમારો રસ્તો આંતરશે નહીં
જ્યાં સુધી તમારા વિચારો ઉન્નત હશે,
જ્યાં સુધી વિરલ ઉત્સાહ
તમારા દેહ અને આત્મામાં છલકાતો હશે.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે 
જંગલી પોસાઈડન – તમારી નજીક પણ નહીં ફરકે
સિવાય કે તમે જ એમને તમારા હ્રદયમાં લઈને આવો,
સિવાય કે તમારો આત્મા જ એમને સાક્ષાત કરે.

આશા રાખો કે તમારી મજલ લાંબી હોય.
ગીષ્મની એવી અનેક  પરોઢ હો,
જ્યારે અનેરા આનંદ અને હર્ષ સાથે, 
તમે નવીન નગરીઓમાં પહેલા કદમ માંડો; 
તમે ફિનિશિયન બજારોમાંથી  
ઉમદા ચીજો ખરીદો,
મોતી ને પરવાળાં, અંબર ને અબનૂસ,
ને વળી ભાતભાતના મોહક અત્તર; 
વિદ્યા માટે પહોંચો ઈજીપ્તના મહાનગરોએ
ને શીખો વિદ્વાનો પાસેથી. 

ઈથાકાને ચિત્તમાંથી જરાય ચસવા ન દેતા. 
ત્યાં પહોંચવું તો તમારી નિયતિ છે. 
રખે સફરમાં ઉતાવળ કરતા.
ભલે ને વર્ષો લાગી જાય,
ત્યાં પહોંચતા સુધી તમારી ઉમ્મર થઈ જાય
એટલા સમૃદ્ધ થઈ ગયા હો તમે સફરના અનુભવોથી,
કે ઈથાકા પાસે તમને કશાની આશા ન રહે.

ઈથાકાએ તો આપી તમને અદભૂત સફર.
એના વગર તો તમે એક પગલું પણ ન માડ્યું હોત.
એણે હવે તમને કશું વધારે આપવાનું રહેતું નથી.

ઈથાકા તમને રુચે નહીં તો ઈથાકાએ તમને જરાય ઠગ્યા નથી.
તમને શાણપણ જે લાધ્યું અનુભવોથી છલોછલ સફરમાં, 
એનાથી તમને સમજાય ગયું જ હશે કે ઈથાકાનો મર્મ શું છે.

– સી. પી. કેવેફી
(અનુ. ધવલ શાહ)

આ પ્રખ્યાત કવિતા ગ્રીક મહાકાવ્ય ‘ઓડિસી’ પર આધારિત છે. ઓડેસિયસ લાંબા સંગ્રામને અંતે પોતાની જન્મભૂમિ ઈથાકા તરફ પોતાની યાત્રા આરંભે છે. એ અનેક આફતો ને સંકટોનો સામનો કરીને પોતાને દેશ -ઈથાકા- પહોંચે છે એ દીર્ધ સફરની કથા ‘ઓડિસી’માં છે.

પણ અહીં કવિ દરેક માણસના પોતાના ‘ઈથાકા’ની વાત કરે છે. દરેકને પોતાનું એક ધ્યેય, એક સ્વપ્ન, એક મંઝિલ હોય છે. સફરનો મહિમા હંમેશા મંઝિલથી વધારે જ હોય છે. સફરનો ખરો લાભ એ મંઝિલ નથી બલ્કે સફરમાં જે અનુભવો મળ્યા એ છે. મંઝિલ તો માત્ર એક મુકામ છે. ત્યાં સુધીની સફર જ ખરો સરપાવ છે.

Comments (7)

પ્રાર્થના – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

ચિત્ત યેથા ભયશૂન્ય,ઉચ્ચ યેથા શિર,
જ્ઞાન યેથા મુક્ત, યેથા ગૃહેર પ્રાચીર
આપન પ્રાંગણતલે દિવસશર્વરી
વસુધારે રાખે નાઇ ખણ્ડ ક્ષુદ્ર કરિ,
યેથા વાક્ય હૃદયેર ઉત્સમુખ હતે
ઉચ્છવસિયા ઉઠે, યેથા નિર્વારિત સ્ત્રોતે
દેશે દેશે દિશે દિશે કર્મધારા ધાય
અજસ્ત્ર સહસ્ત્રવિધ ચરિતાર્થતાય
યેથા તુચ્છ આચારેર મરુબાલુરાશિ
વિચારેર સ્ત્રોત:પથ ફેલે નાઇ ગ્રાસિ-
પૌરુષેરે કરેનિ શતધા, નિત્ય યેથા
તુમિં સર્વ કર્મ-ચિન્તા-આનન્દેર નેતા,
નિજ હસ્તે નિર્દય અઘાત કરિ પિત:,
ભારતેરે સેઇ સ્વર્ગે કરો જાગરિત.

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે,
જ્ઞાન જ્યાં મુક્ત છે,જ્યાં ઘર ઘરના વાડાઓએ
રાતદિવસ પોતાના આગણામાં વસુધાના
નાના નાના ટુકડા નથી કરી મૂક્યા,
વાણી જ્યાં હ્રદયઝરણમાંથી સીધી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે
દેશે દેશે અને દિશાએ દિશાએ અજસ્રપણે
સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે,
તુચ્છ આચારની મરુનિ રેતી જ્યાં
વિચારનાં ઝરણાંને ગ્રસી લેતી નથી-
પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,
હંમેશા તુ જ્યાં સકલ કર્મ,વિચાર અને આનંદનો નેતા છે,
તે સ્વર્ગમાં તારે પોતાને હાથે
નિર્દય આઘાત કરીને,
હે પિતા,
ભારતને જગાડ.

– રવીન્દ્રનાથ ઠાકુર

આ પ્રાર્થના ગુરુદેવના જીવનકાળ દરમ્યાન જેટલી પ્રસ્તુત હતી તેટલી જ – કદાચ વધુ – સાંપ્રત ભારત માટે છે…. Bertrand Russel એ કહ્યું હતું – ભારતની પ્રજા અંગ્રેજોની ગુલામ નથી,એ ગુલામ છે પોતાના ભૂતકાળની.

Comments (8)

રહુગણ પ્રતિ ભરતની ઉક્તિ – રાજેન્દ્ર શુક્લ

કૈં નથી તો હું ક્યહીંથી ?
હું નથી તો છું ક્યહીંથી ?

આ બધું છે ને બધે છે,
એ વિના તો તું ક્યહીંથી ?

એ જ પંથી, પંથ પણ એ,
જાય ક્યાં, જાવું ક્યહીંથી ?

એક કેવળ અદ્વિતીયમ,
કોણ પૂછે, શું, ક્યહીંથી ?

ઓગળું આકાર વિણ આ,
ભિન્ન થઇ ભાસું ક્યહીંથી ?

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વખતે તદ્દન નવા સંદર્ભમાં લખાયેલી ગઝલ માણવા મળી… રહુગણ – સિંધુ દેશના એક રાજાનું નામ. તેણે ભરત મુનિને પાલખી ઊંચકવાની ફરજ પાડી હતી. એક વખત તે મેનામાં બેસી કપિલાશ્રમ તરફ ઇક્ષુમતીને તીરે જતો હતો ત્યાં રસ્તામાં તેનો ભોઇ થાકી ગયો એટલે સેવકોએ રસ્તામાં પડેલા જડભરતને પકડી લાવી તેની પાસે મેનો ઉપાડાવ્યો. જડભરત મંદ ગતિએ ચાલતો હોવાથી મેનાની ગતિ મંદ પડી અને ઠેલા આવવા લાગ્યા. તેથી રાજાએ તેની મશ્કરી કરી અને ગુસ્સે થયો. આ ઉપરથી જડભરતે તેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. તેથી રાજા નીચે ઊતરીને તેને પગે લાગ્યો.

પ્રત્યેક શેર ફિલસૂફીના એક-એક શાશ્વત પ્રશ્નને વાચા આપે છે- પહેલો શેર Descartes નું પ્રખ્યાત વિધાન -‘ I THINK , THEREFORE I AM ‘ -યાદ કરાવી દે છે. આ જ રીતે પ્રત્યેક શેર ગહન છે.

Comments (6)

મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુજીસ (અનુ. વિવેક મનહર ટેલર)

મકાનમાલિક, મકાનમાલિક,
મારા છાપરું ગળે છે.
તમને યાદ નથી મેં તમને એના વિશે કહ્યું હતું,
છેક ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં પણ તૂટી ગયાં છે.
આશ્ચર્યની વાત છે કે તમે જાતે જ્યારે ઉપર આવ્યા,
તમે પડી ન ગયા.

દસ રૂપિયા, તમે કહો છો કે મારે તમને આપવાના છે?
દસ રૂપિયા, તમે કહો છો કે બાકી છે?
ખેર, આ દસ રૂપિયા વધારાના છે છતાં પણ હું તમને આપીશ
જો તમે આ ઘરનું સમારકામ કરાવી દો.

શું ? તમે ઘર ખાલી કરાવવાનો હુક્મ લઈ આવશો ?
તમે મારી વીજળી કપાવી નાંખશો ?
મારું રાચરચીલું લઈને
શું તમે શેરીમાં ફેંકાવી દેશો ?
ઉહ-અંહ ! તમે બહુ મોટી વાત કરી રહ્યા છો.
બોલો, બોલો – તમારી વાત પૂરી કરો.
તમે એક શબ્દ પણ કહેવાને લાયક નહીં રહેશો
જો હું એક મુક્કો ફટકારીશ તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
અને ઉથલાવી દેવા માંગે છે !

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.

ભાડૂતને જામીન નહીં.

ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુજીસ
અનુ. વિવેક મનહર ટેલર

*

લોહી થીજી જાય એવી કવિતા !

અવાજ ચાર પણ દૃષ્ટિકોણ એક જ. ભાડૂઆતની સૌમ્ય રજૂઆત મકાનમાલિકની સખ્તી અને ધમકીના કારણે મુક્કો ઉગામવાની ધમકી સુધી પહોંચે છે. મકાનમાલિક ત્રણ-ત્રણ ધમકીઓ આપે છે એને પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણે છે અને ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવેર-રિએક્ટ કરી પોલિસને બોલાવે છે. પોલિસનો અવાજ ફક્ત સીટી પૂરતો છે પણ છે સાવ જ હૃદયહીન અને વિચારહીન. પોલોસની કામગીરી કવિએ એક-એક શબ્દોમાં જ આટોપી લઈને ઝડપ બતાવી છે. મૂળ અંગ્રેજીમાં આટલા પૂરતો જ કવિતામાં છંદ બદલાય છે જે પણ સૂચક છે. અને ચોથો અવાજ છે અખબારનો જેમાં પણ હબસી માટે કોઈ સહાનુભૂતિ નથી. ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક 1930-40ના સમયની આ કવિતા છે. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્ર અને એ રીતે પ્રવર્તમાન સમાજનો પણ આપણે સાંભળી શકીએ છીએ જ્યાં મકાન ખાલી કરાવવાની કે વીજળી કપાવી નાંખવાની કે સામાન શેરીમાં ફેંકાવી દેવાની ધમકીઓ બહેરા કાને પડે છે પણ મુક્કો મારવાની ધમકી ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે.

છેક છેલ્લી પંક્તિમાં હબસી શબ્દનો ઉલ્લેખ કરીને કવિ આપણને ધ્રુજાવી મૂકે છે.

Comments (13)

અનહદ અપાર વરસે – નયના જાની

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !

– નયના જાની

વરસવાની મોસમ છે એવામાં આ એક વરસાદી ગઝલ… પ્રિયતમ કંઈ શ્રાવણ-અષાઢ જોઈને થોડો વરસે છે? એ તો વરસે, અમસ્તો અમસ્તો વરસે ને વારંવાર વરસે.  એને હા પાડો તોય વરસે ને ના કહો તોય. અને કંઈ જ ન કહો તો તો ઘડી ઘડી વરસશે. પ્રેમનો વરસાદ જ કંઈ એવો છે કે છલકી ઊઠાય, છોળ થઈ ઊઠાય, અસ્તિત્વ ઘુઘવાટા મારી ઊઠે એ ખુમારીથી એ વરસે છે…

Comments (15)

વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

હું તેના હાથ ઝાલું છું
અને
મારી છાતી સરસા ચાંપું છું.

મથું છું
તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા,
ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા,
તેનાં કાજળકાળાં નેત્રોના દૃષ્ટિક્ષેપને
નજરથી પી લેવા.

કિન્તુ હાય !
ક્યાં છે એ સઘળું ?
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?

મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.

પાછો ફરું છું હું
વિફલ અને હતાશ થઈ.

જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
તે પુષ્પને
દેહ શી રીતે સ્પર્શી શકે ?

– અનુ. દક્ષા વ્યાસ

*

પ્રેમની ઉત્કટ આત્મીય અનુભૂતિનું કાવ્ય. લતા મંગેશકરનું “સિર્ફ અહેસાસ હૈ યે રુહ સે મહસૂસ કરો” ગીત યાદ આવી જાય…

*

I hold her hands and press her to my breast.
I try to fill my arms with her loveliness,
to plunder her sweet smile with kisses,
to drink her dark glances with my eyes.
Ah, but, where is it?
Who can strain the blue from the sky?
I try to grasp the beauty, it eludes me,
leaving only the body in my hands.
Baffled and weary I come back.
How can the body touch the flower
which only the spirit may touch?

– Ravindranath Tagore

Comments (7)

વિકાસ – શુન્તારો તાનિકાવા

ત્રણ વર્ષે
મને ભૂતકાળ જેવું કંઈ હતું જ નહીં

પાંચ વર્ષે
મારો ભૂતકાળ ગઈકાલ સુધી જ પહોંચતો

સાત વર્ષે
મારો ભૂતકાળ પહોંચતો રાણા પ્રતાપ સુધી

અગિયાર  વર્ષે
મારો ભૂતકાળ પ્રસર્યો છેક ડાયનોસોર સુધી

ચૌદ વર્ષે
મારો ભૂતકાળ સંમત હતો પાઠ્યપુસ્તકો સાથે

સોળ વર્ષે
ભૂતકાળની અનંતતા સામે જોતા મને ડર લાગતો

અઢાર વર્ષે
મને સમય વિશે કશુંય જ્ઞાન નથી

– શુન્તારો તાનિકાવા
(અનુ. ધવલ શાહ)

માણસની સમજના વિકાસનો ગ્રાફ દોરી આપતું નવી જાતનું કાવ્ય.

નાની ઉંમરે સમયનો કંઈ ખ્યાલ ન હોય. પછી ધીમે ધીમે ગઈકાલનો, વિતેલી સદીઓનો, વિતેલા યુગોનો અને છેવટે પાઠ્યપુસ્તકમાં હોય એવી બધી જ ઘટનાઓનો ખ્યાલ આવતો જાય. ને પછી એક દિવસ ખ્યાલ આવે કે પાઠ્યપુસ્તક્નો પનો તો ભૂતકાળને માપવા માટે બહુ ટૂંકો પડે છે. ને છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ (કદાચ) માણસના વિકાસની ખરી શરૂઆત થાય !

Comments (10)

નવનિર્માણ – રૂમી – અનુ-વસંત પરીખ

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !

હીરાના તેજને નિખારવા માટે
તેને ખૂબ ઘસવો પડે છે.
એમ આત્માની શુદ્ધિ માટે
કષ્ટોમાંથી ગુજારવું પડે છે.
પણ એ કષ્ટની સાધક જો ફરિયાદ કરે છે
તો મને નવી લાગે છે કે એ શુદ્ધિનો આગ્રહ જ
કેમ રાખે છે ?
પ્રેમ-ન્યાયાલયમાં દાખલ થયેલો છે દાવો,
અને ત્યાં છે પીડા એ જ પુરાવો.
જો તમે એ પુરાવો રજૂ નહીં કરી શકો,
તો તમે દાવામાં સફળતા ક્યાંથી મેળવશો?
કાજી જયારે પુરાવો માગે
ત્યારે તમે અકળાતા નહીં.
કરી લેજો સાપને પણ ચુંબન
અને મેળવી લેજો મહામૂલું પ્રેમધન.

સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.

– જલાલુદ્દીન રૂમી

અહીં જે પીડામાંથી પસાર થવાની વાત છે તે બંને ક્ષેત્રમાં લાગુ પડે છે – બાહ્ય અને આંતરિક. બાહ્ય પીડાની વાત સમજી શકાય તેમ છે પરંતુ આંતરિક વેદના ઘણી વધારે પડકારજનક હોય છે. આપણાંથી આપણી એક સામાન્ય માન્યતા બદલી શકાતી નથી હોતી, તો સમગ્ર આંતરિક ઢાંચો કે જે સંપૂર્ણપણે વિચાર-ભૂતકાળની યાદો-મગજની તિકડમબાજી પર અવલંબિત છે તેને ધ્વસ્ત કરવો કેટલો કઠિન હશે ! અને આ ઢાંચાની નિરર્થકતાનું સુપેરે જ્ઞાન હોવા છતાં તેને તોડી ન શકવાની સ્થિતિમાં જે guilt ઉદભવે છે તે એથી વધુ કષ્ટદાયક હોય છે. આ એક વિષચક્ર છે જે સાધકને કદી જંપવા નથી દેતું.

Comments (8)

ક્યાંથી લાવીએ ? – સંજુ વાળા

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ?

ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?

પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

-સંજુ વાળા

Comments (11)

પાવાગઢમાં એક વરસાદી અનુભૂતિ – જયન્ત પાઠક

(શિખરિણી)

પછી તો પ્હાડોએ નિજ પર લીધાં ઓઢી જલદો
અને ઢંકાયાં સૌ શિખર, ખીણ, ઉત્તુંગ તરુઓ
તળાવો યે ડૂબ્યાં અતલ તલમાં આવરણનાં
ભુંસાઈ ગૈ દ્યાવાપૃથિવી વચમાંની સરહદો !

હવે આજુબાજુ, અધસ-ઊરધે એકરૂપ સૌ;
મને ના દેખાતો હું, ન સ્વજન ઊભાં સમીપ તે;
અવાજોમાં આછા પરિચિત લહું સર્વ ગતિને
સદેહે સ્વર્લોકે વિચરું ચરણે ધારી ક્ષિતિને !

સૂણું આહા ! વાદ્યધ્વનિ વહત ધીમા અનિલમાં
સૂરો ગંધર્વોના, લય લલિત વિદ્યાધરતણા;
મૃદંગોના ઘેરા પ્રતિધ્વનિ શું વાતાવરણમાં !
હું રંગદ્વારે છું સ્થિત ભવનના વાસવ તણા !

ઝીણી, ફોરે ફોરે નૂપુર ઘૂઘરીઓ બજી રહી;
જરા ઝબકારો – શી નયન નચવી ઉર્વશી રહી !

– જયન્ત પાઠક

પાવાગઢના પર્વત પર વરસતા વરસાદના અમૂર્ત સૌંદર્યને કવિએ અહીં જાણે કે શબ્દોના કેમેરા વડે મૂર્ત કરી દીધું છે. પહાડો જાણે નીચે આવી ગયેલાં વાદળોને ઓઢીને ઊભા હોય એમ લાગે છે અને આ વાદળોમાં સ્વર્ગ અને પૃથ્વીની તમામ સરહદો કેમ જાણે ભૂંસાઈ ગઈ ન હોય એમ શિખર-ખીણ-વૃક્ષો-તળાવો બધું જ ઓગળી ગયું છે… ઊપર-નીચે, આજુ-બાજુ બધું જ એકરૂપ ! પાસે ઊભેલાં સગાં તો ઠીક, પોતાની જાત પણ જોઈ ન શકાય એવું ગાઢ ધુમ્મસ છે જ્યાં માત્ર અવાજો જ ‘નજરે’ ચડે છે. ધીમે ધીમે વાતો પવન ગંધર્વોએ છેડેલા સૂર જેવો અને વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદના ફોરાં ઉર્વશીના ઝાંઝરના રણકાર સમા ભાસે છે. ઇન્દ્રલોકના દ્વારે આવી ઊભા હોવાની તીવ્રતમ અનુભૂતિ આ સૌંદર્યાન્વિત સૉનેટને કવિતાની ઊંચાઈ બક્ષે છે…

(જલદો = વાદળો, ઉત્તુંગ = અત્યંત ઊંચું, દ્યાવાપૃથિવી = સ્વર્ગ અને પૃથ્વી, અધસ-ઊરધે = નીચે-ઉપર, સ્વર્લોક = સાત માંહેનો એક લોક, ક્ષિતિ = પૃથ્વી, વાસવ = ઇન્દ્ર)

Comments (6)

ઠેસ વાગી ને – વિનોદ જોષી

ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !

પડ્યા આડા ઊંબર આડી ઓસરી,
છેક છાતીમાં તૈડ પડી સોંસરી;
જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !

મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળાં પારેવડાંની પાલખી;
એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !

હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;
મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !

-વિનોદ જોષી

સાસરે પગ મૂકતી પરણેતરની હૈયાવિમાસણનું ચિત્ર કવિ આબાદ તાદૃશ કરે છે. પિયરમાં આંખ મીંચીને ઊડાઊડ કરતી છોકરી માટે ઓસરી-ઊંબરા, સાસુ-સસરા બધા જ જાણે રસ્તામાં આડા ન પડ્યા હોય એમ ચાલવું પણ દોહ્યલું બની જાય છે. એક ઠેસ વાગે અને જાણે ખાલી નખ જ નથી તૂટતો, છે…ક હૈયા સુધી તિરાડ પડી જાય છે. પોતીકો પડછાયો પણ ખોવાઈ જાય છે અને જડે તો એ પારકો લાગવા માંડે છે. એક-એક ધબકારા ચીપી-ચીપીને લીપવા પડે એવામાં પ્રિયતમનો સૂર જાણે સોનાનો સૂરજ બનીને ઊગે છે અને સંસારના ખારા સાગરમાં આખરે ડૂબી-ઓગળીને જ પોતાની મંઝિલ મળે છે એની નાયિકાને જાણ થાય છે…

Comments (8)

રે શિર સાટે – બ્રહ્માનંદ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ
.                                                                                (ટેક)

રે અંતર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;
.                                              રે હરિ સારુ માથું ઘોળ્યું.
.                                                                        રે શિરo

રે સમજ્યા વિના નવ નિસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
.                                                   ત્યાં મુખ પાણી રાખી મરીએ.
.                                                                                   રે શિરo

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
.                                        તે શું જીવે ભૂંડું મુખ લઈને.
.                                                                     રે શિરo

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ;
.                                       જો ચડીએ તો કટકા થઈ પડીએ.
.                                                                             રે શિરo

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
.                                         બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.
.                                                                           રે શિરo

– બ્રહ્માનંદ

આશરે ઈ.સ. ૧૮૨૮ થી ૧૮૮૮માં થઈ ગયેલ મધ્યકાલિન ભક્ત-કવિ બ્રહ્માનંદ સ્વામીનું આ જાણીતું પદ છે. એકે લીટીની વાર્તા એટલી જ છે કે પ્રેમ કરવો હોય તો સંપૂર્ણ સમર્પણ જોઈએ, સંપૂર્ણથી ઓછું કશુંય ચાલે નહીં. સમજ્યા વિના હરિ ભજવા નહીં અને એકવાર હરિને વરીએ તો ભલે માથું જાય, પણ પાછી પાની કરવી નહીં એ મતલબ એક પછી એક અંતરામાં કવિ ખરલમાં મેંદી ઘૂંટતા હોય એમ ઘૂંટતા જાય છે…

 

Comments (3)

સાન્નિધ્ય-સમજ – અશરફ ડબાવાલા

મારે કોઈ ન જુએ તેમ,
છીપમાં મૂંઝારે મરવું છે.
ભલે, હું છીપમાં છેલ્લા શ્વાસો ભરતો હોઉં
અને
પાણીને મોતી સાચવી રાખ્યાનો
અનુભવ થતો હોય.

મારે વાસણ જેમ પડી જઈને
હાથનો દોષ નથી કાઢવો.
મારે તો સ્પર્શની નિકટતા મુઠ્ઠીમાં બીડી
બસની જેમ દૂર દૂર નીકળી જવું છે.

મારે કાળજીથી કરેલા સરનામા જેમ
ઊકલી જઈને સાર્થકતા નથી અનુભવવી.
મારે તો પત્રમાં ન લખી શકાયેલ બાબતની જેમ
આમતેમ ગૂંચવાવું છે.

હે મારા નિ:શ્વાસો!
પાણીને ખબર ન પડવા દેશો કે
મારે કોઈ ન જુએ તેમ
છીપમાં મૂંઝારે મરવું છે.

– અશરફ ડબાવાલા

કારણ વિના પ્રગટ થઈને ચવાયેલી ઘટના થઈ જવા કરતા તો સારું છે છીપમાં મૂંઝારે મરવું. એવા મૂંઝારામાં જે નિકટતા, જે રોમાંચ, જે ગડમથલ, જે ટીસ છે એ અમૂલ્ય છે. કવિએ કવિતાનું શીર્ષક આપ્યું છે સાન્નિધ્ય-સમજ. અને એ રીતે કવિતાનો બૃહદ અર્થ ઊઘાડી આપ્યો છે. 

Comments (4)

સપ્ટેમ્બર 11નો ફોટોગ્રાફ – વિસ્વાવા શિમ્બોર્સ્કા

The_Falling_Man
(The Falling Man, Photograph by Richard Drew)

એ બધાએ ઝંપલાવ્યું છે બળતા મજલેથી
એક, બે, કે થોડા વધારે,
વત્તા કે ઓછા.

ફોટોગ્રાફે એમને જીંદગીમાં કેદ કરી લીધા છે,
અને ટીંગાડી રાખ્યા છે
જમીનથી અધ્ધર જમીન તરફ.

બધા હજુ સાંગોપાંગ છે,
સર્વથા ગોપિત છે
એમના ચહેરા અને લોહી.

પૂરતો સમય હતો
કેશના છૂટી જવા માટે,
પરચૂરણ અને ચાવીઓ
ગજવામાંથી પડી જવા માટે.

એ હજુ હવાની સીમામાં છે
દિશામાં છે ગંતવ્યની,
જે તાજા જ ખૂલ્યા છે.

હું એમના માટે બે જ ચીજ કરી શકું એમ છું –
આ ઉડ્ડયનની વાત માડું
ને છેલ્લી લીટી લખવાનું સદંતર ટાળું.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા
( અનુવાદ: ધવલ શાહ)

આમ તો 9/11ના ફોટોગાફસ તો બધાય છે તીણી ચીસ જેવા. એમાં સૌથી વધારે હચમચાવી નાખતી તસવીરો છે બળતા ટ્વીન ટાવરમાંથી નાછૂટકે કૂદી પડેલા માણસોની તસવીરો. સો મજલેથી કૂદવાનો વિકલ્પ પણ સારો લાગે એ ક્રૂર સ્થિતિની એ બધા ફોટોગ્રાફસ ગવાહી છે. કવિએ એ ફોટોગ્રાફસ પર આ કવિતા લખી છે. 9/11ની વેદનાને એક ફોટોગ્રાફિક કવિતામાં કેદ કરી છે.

હવામાં લટકતા આ માણસોનું ગંતવ્ય છે મોત. મોતનું નામ પાડવાને બદલે કવિએ ‘તાજા જ ખૂલેલા ગંતવ્ય’ પ્રયોગ કર્યો છે. છેલ્લે કવિ કહે છે, આ માણસને સલામ કરવા માટે પોતે બે જ વાત કરી શકે એમ છે. એક તો આ ઘટનાનું વર્ણન કરે. બીજું કે એ છેલ્લી લીટી – કે જેમાં સામાન્ય રીતે કવિઓ આખી કવિતાની ચોટ મૂકતા હોય છે- એ લખવાનું ટાળે. 9/11ની આ તસવીર કોઈ પણ શાબ્દિક ચોટથી પર છે. એને કોઈ પંચલાઈનની જરૂર જ નથી એને કોઈ વધારે શબ્દોની આવશ્યકતા જ નથી એ વાત કવિ વધારે ચોટદાર રીતે – ન કહીને -કહે છે.

અંગ્રેજી અનુવાદ (મૂળ કવિતા પોલિશ ભાષામાં છે) અહીં વાંચી-સાંભળી શકો છો.

Comments (13)

વાતમાં ને – સંજુ વાળા

વાતમાં ને વાતના વળાંક પર
અણધાર્યા ઊખળતા આવે કાંઈ….
એક એક સણસણતી ઘટનાના થર
વાતમાં ને વાતના વળાંક પર….

ફૂગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક,
ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
પથ્થરને પીડાનો ફર્ક ;
છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
કરવાનું હોય શું સરભર ?
વાતમાં ને વાતના વળાંક પર…

મનને વાગેલ ઠેશ ધરબી દઈ ભીતરમાં
ઉપરથી રહેવાનું રાજી,
પાળી-પંપાળીને જીવ જેવી ક્ષણ બધી
રાખવાની છેક સુધી તાજી,
ઓગળી ના જાય એમ આછા અણસારાને
ઉછેરું અંદરને અંદર !
વાતમાં ને વાતના વળાંક પર….

-સંજુ વાળા

અત્યંત નાજુકાઈથી તીવ્ર વેદનાની વાત થઇ છે આ કાવ્યમાં. ખૂબ જ બારીકીથી આ કાવ્યને ગૂંથવામાં આવ્યું છે. કોમળ શબ્દો દ્વારા ચોકસાઈપૂર્વકના શરસંધાન કરાયા છે…

Comments (11)

ન ઇચ્છે ! – રાજેન્દ્ર શુક્લ

એવોય કો’ક સૂરજ કે ઊગવા ન ઇચ્છે,
ના આથમે કદી, બહુ ઝળહળ થવા ન ઇચ્છે !

ઉંબર આ એક તડકો આવીને થિર થયો લો,
છાયા જરાય એની લંબાવવા ન ઇચ્છે !

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઇચ્છે !

ત્યાંનુંય તે નિમંત્રણ, ત્યાંયે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની ક્યાંયે જવા ન ઇચ્છે !

અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે,
કોઈ વિશેષ એને છલકાવવા ન ઇચ્છે !

– રાજેન્દ્ર શુક્લ

સરળ લગતી ગઝલમાં અતળ ઊંડાણ ભર્યું છે…પ્રત્યેક શેર ચિંત્ય છે…

Comments (11)

અછાંદસ – સુરેશ દલાલ

ચિતાનાં
લાકડાં ગોઠવ્યાં હોય એમ
ઓશીકાં
મારી પથારી પર….
તારું સ્મરણ
મને અગ્નિદાહ આપે
અને ભડભડ બળે મારી રાત
સવારે હું રાખ, રાખ….

-સુરેશ દલાલ

Comments (8)

તરસ – પ્રજારામ રાવળ

તરસ્યું હૈયા – હરણું !
દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું !

તરસ કેરા તીરથી ઘાયલ,
પલ વળે નહીં ચેન;
રાતથી લાંબો દિન થતો, ને
દિનથી લાંબી રેન !
પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું !

ધીકતી ધરા ચાર બાજુએ
આભ ઝરે અંગારા;
શાપિત મૃગની ઘોર તૃષાના
ક્યાંય દેખાય ન આરા,
રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું !

-પ્રજારામ રાવળ

તરસ આમ તો અનુભવવાની ચીજ છે પણ કવિતાની કમાલ જ એ છે કે એ અમૂર્તને પણ મૂર્ત કરી શકે છે. આ કવિતા વાંચીએ ત્યારે તરસ આપણને ‘નજરે’ ચડે છે. પહેલા અંતરામાં તૃષા અને પ્રતીક્ષાની વેદનાની લગોલગ રામના બાણથી ઘાયલ સ્વર્ણમૃગ પણ તાદૃશ થાય છે. મૃગજળને કિનારા હોતા નથી એ વાત પણ કવિ કેવી કમાલથી રજૂ કરે છે ! બીજી વાત, આ તરસ પ્રણયની છે કે ઉર્ધ્વ ચેતના માટેની છે એ તો ભાવકે જ નક્કી કરવાનું…

Comments (6)

એક ટેલિફોન ટોક – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હલ્લો સાગર !
કાંઠાના વેલાફાંસામાં ગળાડૂબ
મોઢે ફરતા ફૂફવતા ફીણના હલ્લા વચ્ચે હલ્લો સાગર
હું તમારું પાણી બોલું છું.
હલ્લો હલ્લો સાગર, હું તમારું પાણી બોલું છું.
તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી
તમારું પાણી બોલું છું, તમારી વાણી નથી બોલી શકાતી.
હલ્લો સાગર !
નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
રેતીનો ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો
પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય
તમારા પાણીને પાણી પાણી કરી નાખે છે,
તમારી વાણી નથી બોલી શકાતી.

ઠાલા છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે, હલ્લો સાગર
હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તૂટે
તો રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે
હલ્લો સાગર, નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
અગસ્ત્યના પેટસૂતું હું તમારું પાણી
વડવાનલની જીભે જલતું હું તમારું પાણી
ચૌદ રત્નના ઘામાં ગભરું તમારું પાણી બોલું છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

કવિતા કાનની કળા છે એ વાત આ કવિતા વાંચતાવેંત સમજાય. પાણી-વાણી, હલ્લા-હલ્લો-ઠેલ્લો, હલ્લો-કિલ્લો-ખીલ્લો-નીલ્લો, છીપો-દ્વીપો: આખી કવિતા સતત તમારા કાનની અંદર રેડાતી રહે છે. આ સિવાય પાણી સાથે સંકળાયેલ આપણા સંસ્કારો અને સંદર્ભો અલગ અલગ રૂપમાં સતત ડોકાતા રહે છે જેમ કે પાણીપંથુ, પાણીપોચું, પાણી પાણી થઈ જવું, અગસ્ત્ય, વડવાનલ, ચૌદ રત્નો વગેરે…

દરિયાનું પાણી દરિયાથી છૂટું થઈને દરિયા સાથે જે સંવાદ કરે છે એ જાઅણે આપણી અંદરનું કોઈક બિંદુ આપણા સમગ્રને ઝંઝોડતું કેમ ન હોય એ રીતે એકતરફો ટેલિફોન ચાલે છે… જ્યાં સમગ્રનો અવાજ શૂન્ય છે. બિંદુ હલ્લો હલ્લો કરે છે પણ સિંધુની વાણી એના સુધી પહોંચી શકતી નથી. બિંદુ સિંધુને આહ્વાન કરે છે કે રેતીના ખીલે બંધાઈ રહેલા પાણીપંથા અશ્વો યાને કે મોજાંઓને મુક્ત કરો… જે સ્વપ્નાંઓ પોતે જ પાણીપોચાં છે એનો ભય રાખીને પાણી પાણી થઈ જવાને બદલે અસ્તિત્ત્વના કાંઠાઓ તોડીને આવો, મુક્ત ભ્રમણ કરવાને…

Comments (7)

કિંમત – જયશ્રી ભક્ત

OLYMPUS DIGITAL CAMERA
(આ સ્મિત રહે સનાતન….                       …હેપ્પી બર્થ ડે, જયશ્રી)

*

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

– જયશ્રી ભક્ત

આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?

હા, આજે ટહુકો.કોમની જયશ્રીની વર્ષગાંઠ પણ છે… એને લયસ્તરો પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…

ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

Comments (20)

એની તરસ-ચિનુ મોદી

એની તરસનો ક્યાં તને અંદાજ છે ?
એ ઝાંઝવા પાણી ગણી પી જાય છે !

મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?

જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ઉદાસી હોય છે;
લો, આપણા ઘરનો ઘણો વિસ્તાર છે.

તારા નગરમાં ચાર પગલાં પાડતાં
આ શ્વાસમાં તો પીળો પીળો થાક છે !

ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?

-ચિનુ મોદી

ત્રીજો અને ચોથો શેર બહુ ન ગમ્યા. બાકીના શેર અર્થગંભીર છે.

Comments (8)

એક કાવ્ય – મનીષા જોષી

હવે તો કરવી જ પડશે રતિ,
આ રાત સાથે,
હંમેશા મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને
એકવાર મારી નીચે સુવડાવીને જોવી છે
આખરે ક્યાં સુધી માન્યાં કરવાનાં
પવિત્ર, આ અંધારાને ?
હવે એકવાર આંખો ખુલ્લી રાખીને
કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને.
રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે,
એક વાર બસ,
રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર,
મારે જોવું છે,
રાતરાણીના લીલા બીજમાંથી
કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ

-મનીષા જોષી

એકથી વધુ રીતે આ કાવ્યનો અર્થ માણી શકાય તેમ છે. ‘અંધારા’ એટલે રૂઢિચૂસ્ત જડ માન્યતાઓ. રાત એટલે જડસુ સમાજરચના. બીજો અર્થ આંતરિક સંઘર્ષને લગતો થઇ શકે- અંધારા એટલે અસંખ્ય પૂર્વગ્રહો,માન્યતાઓ,અર્ધજ્ઞાન… અંતિમ પાંચ પંક્તિઓ awareness ને ઈંગિત કરે છે.

Comments (12)

(ઇનકાર) – ભાગ : ૨

ગયા અઠવાડિયે ત્રણ જ પંક્તિની આ નાનકડી કવિતા વિશે ચર્ચા કરવા માટે લયસ્તરોના વાચકોને આહ્વાન આપવામાં આવ્યું હતું. કેટલાક અપવાદોને બાદ કરીને મોટા ભાગના વાચકો ચર્ચાથી દૂર રહ્યા… આજે એક તબીબ જેમ ડિસેક્શન કરે એમ આ કવિતાનું ડિસેક્શન કરી જોઈએ તો કેમ?

*

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
કિસમિસના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)

*

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

*

તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી કિસમિસ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો?

*

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ કિસમિસ સાથે કેવા ‘મેચ’ થાય છે !

બીજી પણ કેટલીક વાતો ધ્યાનાર્હ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની આખી વાડી હોય. કવિ માત્ર એક જ દ્રાક્ષની વાત કરે છે અને વળગી રહે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અને જીવનની સંધ્યાએ તો આ અપેક્ષા ‘એક’ દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત બની રહે છે…

જીવન નાશવંત છે પણ પ્રેમ અમર છે અને પ્રતીક્ષા ચિરંતન છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી પણ યથાતથ્ રહે છે અને પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને અને એના પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

આપણે ત્યાં કમનસીબે કવિતા વિશે વિશદ ચર્ચા કરવાની વૃત્તિ ઓછી જોવા મળે છે પણ વિદેશી સાહિત્યજગતમાં આવું નથી. આ કવિતા વિશેની કેટલીક રસપ્રદ ચર્ચાઓ અને અલગ-અલગ અંગ્રેજી અનુવાદ આપ અહીં માણી શકો છો.

Comments (16)