જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for June, 2012
June 30, 2012 at 1:45 AM by વિવેક · Filed under કુમાર જૈમિની શાસ્ત્રી, ગઝલ
અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.
કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.
છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.
જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.
ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.
–કુમાર જૈમિની શાસ્ત્રી
બધા જ શેર સરસ થયા છે પણ પુષ્પ અને હસ્તરેખાવાળા બે શેર ઊંડું મનન માંગી લે એવા મજાના થયા છે….
Permalink
June 29, 2012 at 2:18 AM by વિવેક · Filed under ગઝલ, યોગેશ પંડ્યા
શૂન્યતા જ્યાં વિસ્તરે છે આજકાલ,
દર્દ-ગમ ડૂસકાં ભરે છે આજકાલ.
એક તારી યાદનું વળગણ રહ્યું,
જે થકી આ દિલ ઠરે છે આજકાલ ?
વાયરો ફૂંકાય છે Romanceનો,
કોણ કોનાં દિલ હરે છે આજકાલ ?
કો’કની મીઠી નજરનું લક્ષ્ય છો,
કો’ક તારા પર મરે છે આજકાલ !
ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના,
પોપડા કેવા ખરે છે આજકાલ !
શક્ય હો તો સાચવી લે કોઈ સ્મરણ,
કોણ સહારા વિણ તરે છે આજકાલ ?
– યોગેશ પંડ્યા
Permalink
June 28, 2012 at 1:44 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.
આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું ?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું ?
ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.
અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.
– મુકુલ ચોક્સી
આદિલ સાહેબ લખી ગયા કે રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! પણ આજે આ ભીંત થોડી વધુ આગળ વિસ્તરી ગઈ છે… વ્યવસાય, મકાનો અને ગાડીઓના કારણે મારા જેવા ઘણા બધાના નસીબમાંથી તો પલળવાનો એકડો જ નીકળી ગયો છે. અને એમાંય સાથે પળળવાની વાત? જાવેદ અખ્તર સાહેબ યાદ આવે છે: तब हम दोनों वक्त चुरा कर मिलते थे, अब मिलते हैं जब भी फुरसत होती है | પછી બિચારી બોગનવેલ હસે નહીં તો શું કરે?
Permalink
June 27, 2012 at 10:15 PM by ધવલ · Filed under જલન માતરી, મુક્તક
જીવનભોગે મેં મેળવેલી આ સિદ્ધિ
કયામત સુધી સાચવી રાખવી છે;
જમાનાને કહી દો, નહીં ભાગ આપું
મરણ આગવું છે, કબર આગવી છે.
– જલન માતરી
Permalink
June 26, 2012 at 7:20 PM by ધવલ · Filed under ગઝલ, ગની દહીંવાળા
અટકી અટકી શ્વાસના કટકા થયા,
હેડકીના ઓરતા પૂરા થયા.
ભ્રમ કશા રવનો થયો સૂનકારને,
સ્થિત સમયના કાન પણ સરવા થયા.
ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,
ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં.
ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,
પોપચાં એકાંતના ઊંચા થયાં.
રોમે રોમે થઈ અચાનકતા ઊભી,
નાડીના ધબકારા પણ અથરા થયા.
ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,
એના આ રંગીન પરપોટા થયા.
આછું આછું ઓગળ્યા તો યે ‘ગની’,
ના ચણોઠીભાર પણ ઓછા થયા.
– ગની દહીંવાળા
મીણના ટાંકણાના માલીક ગનીચાચા જ મરણ વિશે આટલી કોમળ ગઝલ કંડારી શકે.
(ઓસાણ=સ્મરણ, અથરા=અધીરા)
Permalink
June 25, 2012 at 1:14 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં
દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં
કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મૂકયું’તું તરતું તારી આંખમાં
હસ્ત-રેખા એટલે રેતી કહો
વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં
આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
શું લીધું તડકા સમું આ શ્વાસમાં
-મનોજ ખંડેરિયા
Permalink
June 23, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊજમશી પરમાર, ગીત
કોકડ મોકડ વળી અમસ્તો પડ્યો ક્યારનો સોપો,
સવળે નહીં લગરીકે, મારો ડંગોરો કે તોપો.
લહલહ કરતો હાંફે, લાંબી જીભ લટકતી હેઠે,
જરીય પડખું ફેરવવાની તસ્દી ના’વે નેઠે.
હવે વાયરો ફરકે ક્યાંથી, સૂતો હેઠ દબાવી,
કિયા ગુનામાં ઝાડ નમીને ઊભાં પાંદડાં ઢાળી ?
વાટેઘાટે એદી અજગર સમો પડ્યો જળ-સ્થળમાં,
કરે જાગતું પડ એને તો ધરબી દઉં હું તળમાં.
જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા,
સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા.
– ઊજમશી પરમાર
સન્નાટાની કવિતા… લય અને શબ્દની બાંધણી એવી ચસોચસ થઈ છે કે ભારીખમ્મ સુનકાર આપણી છાતી પર ચડી બેસતો હોય એમ લાગે. કૂકડું વાળીને સોપો એ રીતે પડ્યો છે કે લાકદીથી ફટકારો કે તોપ ફોડો, એ જરાય સવળવાનો નથી. આળસુ અજગર પેઠે જાણે જીભ લટકાવીને એ હાંફી રહ્યો ન હોય… વાયરાને એ જાણે પોતાની નીચે દબાવી બેઠો ન હોય એમ એ વાતો અટકી ગયો છે. ઝાડના પાંદડા પણ વાયરાની ગેરહાજરીમાં નીચા ઢળી પડ્યાં છે. શોકાતુર વાયરો ધીમે ધીમે ઝૂરી રહ્યો છે…
Permalink
June 22, 2012 at 12:30 AM by વિવેક · Filed under અઝીઝ ટંકારવી, ગઝલ
બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.
એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.
જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.
આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.
બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.
લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.
– અઝીઝ ટંકારવી
Permalink
June 21, 2012 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
આખરી વેળાનું આ આખર પ્રસારું,
તારી ઇચ્છા છે તો લે આ કર પ્રસારું !
તું ન હો વાકેફ એવું તો નથી કંઈ,
તે છતાં તારી કને ભીતર પ્રસારું !
તું કહે તો લે સકળ સંકોચ છોડું,
તું કહે તે રીતે સચરાચર પ્રસારું !
તું તો આપે પણ બધું હું ક્યાં સમાવું ?
જર્જરિત ઝોળી સમો અક્ષર પ્રસારું !
તું કદી આવે તો આસન શું બિછાવું !
ઝાંખી ઝાંખી આંખનો આદર પ્રસારું !
હા, અપેક્ષા વિણ અહીં આવી ચડ્યો છું
એ ન હું કે દર-બ-દર ચાદર પ્રસારું !
એક વીતી ક્ષણ ફરી આપી શકે તું
હું ફરીથી એનો એ અવસર પ્રસારું !
ઓગળી અતિ આવરું છું આ પ્રસરવું,
શૂન્ય લગ જો એક ક્ષણનું ઘર પ્રસારું !
-રાજેન્દ્ર શુક્લ
એક મજાની ગઝલ… જેટલી વધુ મમળાવો એટલી જ વધુ મીઠી લાગશે…
Permalink
June 20, 2012 at 11:31 PM by ધવલ · Filed under ગીત, ચંદ્રેશ ઠાકોર
ઘંટ નથી શંખ નથી ગૂંજે છે સૂર આ તો ફાગના
ઘેલી હું તો સાંભળું છું હળુહળુ પગલાં વસંતનાં.
આયખાની બપ્પોરે ક્યાં મને પડી’તી
કે લીલાં પણ થઈ જશે પીળાં
અને રાચું છું આજે હું પાનખરી મેળામાં
જોઈ જોઈ ડોકિયાં વસંતનાં
આંજી એનો જાદુ મારી આંખમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …
ઉજ્જડ બેઠી બધી ડાળીઓ ઉદાસી
ને સોરાતાં વનરાજી નીર
ફેંકે એક કંકર જોને ટીખળી વસંત
પાંખે લીલાં સ્પંદનનાં ચીર
ઘોળી ચૈતન્ય આ નખરાળા ઠાઠમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …
નીંદરેથી જાગી ઊઠી શરણઈઓ લીલી
ને માલણના છાબ જાણે ખૂટ્યા
મહિયરને માણવા દીકરી આવી
એવાં આંગણનાં ચ્હેરા છે મલક્યા
મોજીલી હું તો લઈ લીલાં ઓવારણાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …
– ચંદ્રેશ ઠાકોર
વસંતને વધાવતું પ્રસન્ન ગીત.
Permalink
June 18, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….
ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….
સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….
– મનોજ ખંડેરિયા
એક એક પંક્તિ ખૂબ માવજતથી સર્જાઈ છે…. સંવેદનનું અત્યંત નાજુક આલેખન……
Permalink
June 17, 2012 at 7:42 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
મારા નાનકડા ખોરડાની બારી પ્રભુ !
આજ વાસી દઉં
મારા નાનકડા દીવડાને ઠારી પ્રભુ !
આજ બ્હારે જઉં.
જયારે ખૂલે વિરાટ ગૃહ કેરી નભે
તારી જ્યોતિસભા
જ્યારે રેલે અસીમ શ્યામ રાત બધે
તારી સ્મિત પ્રભા.
મારા બારણિયાં બ્હાર ત્યારે બેસી પ્રભુ !
મૂક વંદી રહું
એક ખૂણે અનંતને પ્રવેશી પ્રભુ !
ધનભાગી થઉં.
મારી નાનકડી બારી વચાળે સદા
તને જોવા મથ્યો
મારે દીવાને ઝાંખે અજવાળે વૃથા
તને ખોવા રહ્યો.
હવે એવી તે ભૂલ કદી ના રે કરું
નાથ, વસી બારી
તારી જ્યોતિ અનંતમાં હું જાતે સરું
મારો દીવો ઠારી.
-મકરંદ દવે
ઇન્દ્રિયોરૂપી બારી અને mind – મનરૂપી દીવડો….. આ બે ને અતિક્રમીને વિશ્વચેતનામાં ભળી જવાની ભાવના અહીં નાજુકાઈથી વ્યક્ત થઈ છે…..
Permalink
June 16, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
નભના ઘનઘોર કાનને
ચઢી અશ્વે નીકળ્યો કુમાર છે;
કર ભાલો વીજળી સમો ઝગે,
પગ ગાજે પડછંદ ડાબલે.
તિમિરો ગુહકોટરે સૂનાં
અહીંથી ત્યાં ભયભીત ભાગતાં;
પગ અધ્ધર લૈ વટી જવા
હદ મૃત્યુની, શિકારીની તથા.
પવનો વનની ઘટા વિશે
થથરે સ્તબ્ધ છૂપાછૂપા જુએ
બચવા દૃગથી શિકારીનાં
દૃગ મીંચી ત્રસ્ત તારકો !
પડ્યું લો, ઘાવથી છાતી સોંસરા
ઊડી છોળો, તરબોળ દ્યો-ધરા !
– જયન્ત પાઠક
ગુજરાતી કવિતા એના કમનસીબે અનુદિત થઈ જવલ્લે જ વિશ્વ સમક્ષ પેશ થઈ છે અન્યથા ઘણા ગુજરાતી કવિઓ વિશ્વકવિ થવા જન્મ્યા હતા. ચોમાસાની કાજળઘેરી રાતના ફાટફાટ સૌંદર્યનિબદ્ધ આ કવિતા વિશ્વકવિતાની કક્ષાએ બેસી શકે એમ છે.
આકાશના ઘનઘોર જંગલમાં વરસાદ હાથમાં વીજળીનો ભાલો લઈ ઘોડે ચડી શિકારે નીકળ્યો છે. વાદળોનો ગગડાટ એના ઘોડાના ડાબલા સમો સંભળાય છે. ગુફા અને કોતરોમાં એકબાજુ અંધારું પોતે ભયભીત થઈને ભાગતું ભાસે છે તો બીજી તરફ પવન પણ છુપાઈને મૃત્યુની હદ પણ વટી જવા આતુર આ શિકારીને નિહાળી રહ્યો છે. વરસાદની રાતે વાદળોના કારણે નજરે ન ચડતા તારાઓને કવિ જાણે વરસાદની આંખમાં આંખ પરોવી શકતા ન હોય એમ આંખો મીંચી ગયેલા કલ્પે છે… અને તીર જેવો વરસાદ ધરતીની છાતી સોંસરો નીકળી જાય છે. કેવું મનહર દૃશ્ય…
(કાનન = જંગલ, ગુહકોટર = ગુફાની કોતર, દૃગ = આંખ)
Permalink
June 15, 2012 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, ગુણવંત ઉપાધ્યાય
નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.
રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.
જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.
અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.
એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.
– ગુણવંત ઉપાધ્યાય
આમ તો બધા જ શેર મજાના અને સ્વયંસ્પષ્ટ છે પણ મને તકલાદી સમય વધુ ગમી ગયો. સમયના તકલાદીપણાને કવિએ કાચના અંજળ ગણાવીને કમાલ કરી છે. છેલો શેર પણ જેટલી વાર વાંચો, વધુ ને વધુ ખુલતો જણાય છે…
Permalink
June 14, 2012 at 2:56 AM by વિવેક · Filed under અરુણ દેશાણી, ગઝલ
કોઈ તો એકાદ એવું સ્થળ હશે,
દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ઝળહળ હશે.
શું ખબર એ પંથ ક્યારે આવશે !
જળથી લથબથ જે સ્થળે મૃગજળ હશે.
જળ હશે, પથ્થર હશે, વાદળ હશે,
હોવું પણ હોવાનું કેવળ છળ હશે.
સૂર્યની છાયા ભલેને ના મળે !
લોહીમાં અજવાસની સાંકળ હશે.
સંચરો ભાથાં લઈને કર્મનાં,
એ જ તો બસ આપણાં અંજળ હશે.
-અરુણ દેશાણી
હોવાની વિધાયક શક્યતાઓને ઉજાગર કરતી ગઝલ…
Permalink
June 13, 2012 at 11:58 PM by ધવલ · Filed under અછાંદસ, નીતિન મહેતા
ક્યારેક આપણા સપનાંને
ઝાંખપ વળે
કરચલીઓ પડે
વળી ક્યારેક સપનાં
થરથર કાંપે
ડગુમગુ ચાલે
પણ પ્રવાસ ન છોડે
ક્યારેક આ સપનાં
રોજરોજ સૂર્યપ્રકાશમાં
આપણા કેટલાયે
વિચારોને તરછોડી દે
ને કયારેક
સૂર્યકિરણની જેમ એક ડાળેથી
બીજી ડાળે ફર્યા કરે
જોકે સપનાં
ક્યારેક બરફ
ક્યારેક ધુમ્મસ
ક્યારેક વરાળ
ક્યારેક તરસ
ક્યારેક સત્તા
ક્યારેક શોષણ
સપનાં
ક્યારેક સજાવાય
ક્યારેક દેખાડાય
ક્યારેક ડહોળાય
ક્યારેક છીનવાય
તો સપનાં
ક્યારેક છબીમાં તડ પાડે
ક્યારેક વાતોમાં રંગ પૂરે
ક્યારેક મોઢાનું નૂર હરે
આ સપનાંઓની કોઈ ઓળખ?
હા, એ થોડા સાઈકોસોમેટિક
ને એના મરણની પણ વસંત.
– નીતિન મહેતા
સપનાં-પુરાણ એ માનવીપણાનો આખોય ઈતિહાસ છે. સપનાં જોતા શીખ્યા પહેલા જે પ્રાણી હતો, એ સપનાં જોતા શીખ્યા પછી માનવ થયો. સપનાંએ આપણને અઢળક આશાથી ભરી દીધા અને એ સપનાંએ જ નિરાશા શું એ સોટી મારીને શીખવાડ્યું. સપનાં બધા સુખોમાં ઉત્તમ સુખ છે અને સપનાં જ બધા દુ:ખોમાં સૌથી તીણું દુ:ખ છે. જે એને પાર કરી જાય એ તો ઓલિયો થઈ જાય.
(સાયકોસોમેટિક = એવી બિમારી જેનું કારણ ખાલી માનસિક જ હોય)
Permalink
June 12, 2012 at 11:25 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.
હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !
ઉઘાડી આંખમાં છલકે અસંખ્ય શમણાંઓ,
ભીડેલી પાંપણો વીંધી તમામ છટકે છે.
મરણગતિએ મળી લઈએ એકબીજાને-
એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે.
દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.
– રમેશ પારેખ
આ ગઝલના ત્રણ શેર પહેલા પણ ખબર હતા. આજે અચાનક આખી ગઝલ હાથ લાગી ગઈ. ર.પા.ના શબ્દચિત્રોની વાત જ અલગ છે. ઝાંઝવા એમના ગીત અને ગઝલ બન્નેમાં વારંવાર આવે છે. અહીં તો ઘરની હવામાં ભટકતા ઝાંઝવાની કલ્પના એક જ લસરકે અતૃપ્ત ઈચ્છાઓની આખી ભૂતાવળને તાદૃશ કરી દે છે. એ પછી એ અતુપ્ત ઈચ્છાઓનું ‘લેંડિગ’ કવિ હાથની રેખાનોના ‘રન વે’ પર કરાવે છે. અપ્રાપ્ય ભવિષ્યમાં કેદ સઘળી અતૃપ્ત ઈચ્છાઓ ! પાનખરનો ભાર ઝીલી જતું વૃક્ષ વસંતનો ભાર જીરવી શકતું નથી. દિવસે જે સપના કનડે છે એ બધા રાત્રે ઊંઘને સૂનકાર કરીને છટકી જાય છે. ત્રીજા શેરને ઊંચે લઈ જતો શબ્દ છે – મરણગતિ. આ મરણગતિ એટલે શું ? મરણગતિ એટલે મરણની જેમ, એટલે કે એકવાર મળીએ તો પછી કદી છૂટા ન પડે એવું મિલન. પણ આવા મિલન માટેના બીજા બધા શબ્દોને બદલે આ શબ્દ વાપરીને કવિ શેરને કાળીમેશ ધાર કાઢી આપે છે. ને છેલ્લા શેરમાં, નિરાંત જોઈતી હોય તો દીવાલ પરના ફોટામાં જ મળશે એવો ટાઢો ડામ હળવી ભાષામાં આપીને કવિ ગઝલ પૂરી કરે છે.
Permalink
June 11, 2012 at 1:38 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
બેચેન છે વસંત ને લાચાર પાનખર,
ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો.
બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,
વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.
આગળ હતી વસંતની માદક હવા, છતાં,
હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો.
આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો.
-હરીન્દ્ર દવે
Permalink
June 10, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી
તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.
થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.
તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે.
-જગદીશ જોષી
જે અંતરમાં નથી, તે ક્યાંય નથી…..
Permalink
June 9, 2012 at 12:30 AM by વિવેક · Filed under આલ્બ્રેશ્ટ હૌસહૉફર, એમ. ડી. હેર્ટર નોર્ટન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ અજાણ્યા, ન સમજી શકાય એવા વિશ્વમાં તેઓ આવી પડ્યા છે.
તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે જે વાત તેમનું હૃદય કદી અનુભવવા તૈયાર નહોતું એ તેઓ જાણવા ન માંગતા હોય – માતૃભૂમિનું એ દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.
એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.
કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ ચુપચાપ કામ કરે છે. કેદીઓ છે – તેઓ પણ ! પણ શું એ લોકો આ સમજી શક્શે ? આવતી કાલે ? પછીથી ? કદી પણ ?
– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)
*
મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…
*
આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળીએ કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…
Permalink
June 8, 2012 at 12:31 AM by વિવેક · Filed under અગમ પાલનપુરી, ગઝલ
કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?
દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?
કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?
આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !
બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?
– ‘અગમ’ પાલનપુરી
અસ્તિત્વના પડળોને ખોલવાની મથામણ કરતી મજાની અર્થગંભીર ગઝલ… પણ અસ્તિત્વની શોધ એટલે સરવાળે તો ‘અગમ’ પ્રશ્નાર્થ જ ને !
Permalink
June 7, 2012 at 1:19 AM by વિવેક · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
પ્રપંચ-ખટપટ-રમત નિરંતર,
રમે-રમાડે જગત નિરંતર.
ઘણુંય વ્હાલું બધું છતાંયે,
કહો, ખરેખર ગમત નિરંતર ?
ઊભો રહ્યો તું, ગુન્હો જ તારો,
વહ્યા કરે છે વખત નિરંતર.
કદીક બાહર કદીક અંદર,
કદી ન અટકી લડત નિરંતર.
અમૂલ્ય જે કૈં અહીં જગતમાં,
તને મળ્યું છે મફત નિરંતર.
સતત ભક્તની થતી કસોટી,
સુખી રહ્યા બગભગત નિરંતર.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
June 6, 2012 at 12:53 AM by ધવલ · Filed under અછાંદસ, દિનેશ દલાલ
હે પ્રભુ!
જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાય
અને કહે કે,
‘માગ, માગ, જે માગે તે આપું.’
ત્યારે, હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે.
જેથી હું કાંઈ બોલી ના શકું.
ફક્ત તારી સામે નજર માંડી રહું.
કારણ… તું તો અંતરયામી છે…
અને જો આપણું મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…
– દિનેશ દલાલ
ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણને શા માટે કશું માગવા સાથે સાંકળવી ? એ તો મુક્તિની ક્ષણે સોનાની સાંકળ માગવા બેસવા જેવી વાત થઈ.
Permalink
June 5, 2012 at 12:49 AM by ધવલ · Filed under અનિલા જોશી, ગીત
કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈંયર, શું કરિયેં?
આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈંયર, શું કરિયે?
ઊંઘમાં જાગે ઊજાગરો
ને સમણાંની સોગાદ
સૈંયર, શું કરિયેં?
મૂગામંતર હોઠ મારા
ને હૈયું પાડે સાદ
સૈંયર, શું કરિયેં?
પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈંયર, શું કરિયેં?
પગમાં હીરનો દોર વીંઝાયો
ને ઝરણાનો કદનાદ
સૈંયર, શું કરિયેં?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈંયર, શું કરિયેં?
– અનિલા જોષી
જ્યારે કોઈ ગીત વાંચીને લાગે કે આ તો લોકગીત હશે અને પછી એ ન લોકગીત ન નીકળે ત્યારે માનવું કે એ સો ટચનું ગીત છે. વાત તો એ ની એ જ છે – પ્રેમ રંગે રંગાતી જતી નાયિકા સખીને પોતાના મનની મૂંઝવણ કહે છે. પણ ગીત તરત જ મહેકી ઊઠે એવું થયું છે.
Permalink
June 4, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યાં તટના બંધન.
કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન.
નીલ વર્ણનું અંબર એમાં સોનલ વરણી ટીપકી,
વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી.
નયન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન.
-હરીન્દ્ર દવે
Permalink
June 3, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઑક્તોવિયો પાઝ, નલિન રાવળ, વિશ્વ-કવિતા
આપણે માટે પ્રત્યેક પદાર્થ ભયપ્રદ છે.
છેદે છે સમય મારા વિગત અને અનાગતને
કરી મૂકે છે મને છિન્નભિન્ન
જેમ
સર્પને ખંજર કટકે કટકે છેદી નાખે,
અને તમે –
જેને તૂરીનો કોઈ ઘોષ તોડી ન શકે એવી
પોકળ દીવાલો
અસંખ્ય ખંડિત ચિત્રોવાળું સ્વપ્ન
કે પયગંબરી વાણીના છાકવાળી લવરી
કે નહોર-દાંત વાળો પ્રેમ
કશું જ આપણે માટે પૂરતું નથી
આપણીયે પાર
પ્રાણ અને મહાપ્રાણની સરહદ રેખા ઉપર
અતીવ ચૈતન્યમય એવું જીવન
આપણને આવકારી રહ્યું છે
બહાર રાત્રિ પાસે છે – લંબાવે છે,
ઉષ્માભર્યા પર્ણો,પ્રતિસ્પર્ધી દર્પણો,
એની પારદર્શક ત્વચા છેદાઈ જાય
જે અંધ છે
તે જુએ છે
શબ્દો : ચૈતન્યની વિસ્તીર્ણ માયાજાળ –
હું
ફળો,નહોરો,નેત્રો
પસાર થવા મથતાં શરીરો
આ બધાંથી ભરી રાત્રિ બહાર ભાસે છે – લંબાવે છે
આ
ફીણભર્યા કાંઠાની બહાર તમારો પગ ઉઠાવો,
આ જીવન કે જે જીવન શું તે જાણતું નથી
અને
જે તમને પ્રેરે છે રાત્રિને સમર્પિત થવા,
હાંફતી-ધબકતી ધવલતા, ઓહ વિભક્ત તારક,
સવાર તરફ પલ્લું નમાવતો રોટલાનો ટુકડો,
આ સમય અને અનંત સમય વચ્ચેનો
મૂર્ત વિરામ.
– ઓક્તોવિયો પાઝ
અભિવ્યક્તિ જરા અટપટી છે…. મૂળ વાત છે શબ્દોની નિરર્થકતાની અને મિથ્યા પ્રેમની મોહજાળ ની… fear -ભય -એ આપણાં જીવનને સતત ગ્રસે છે. નહોર અને દાંત વાળો પ્રેમ પ્રેમીજનને જ ખાઈ જાય છે. અહી મિથ્યા પ્રતિબિંબોને પ્રસરાવતા પ્રતિસ્પર્ધી દર્પણો છે. સર્વત્ર મોહ રાત્રિ પથરાઈ છે. ‘જે અંધ છે તે જુએ છે’- આ વાચાળ વિરોધાભાસ ઉપનિષદવાક્ય યાદ કરાવી દે છે-બોલનાર જાણતો નથી અને જાણનાર બોલતો નથી…. મૂર્ત સમય દર ક્ષણે આપણને છેદે છે,છળે છે.
આ સઘળું અતિક્રમીને આપણે પ્રાણ અને મહાપ્રાણ ની સરહદ રેખા ઉપર જે અતીવ ચૈતન્યમય જીવન છે ત્યાં પહોંચવાની યાત્રા પ્રારંભવાની છે…..
આ તો થઈ theory – ઘણીવાર વિચાર આવે કે બધા જ વિચારકો આ જ વાત કરે છે. આ વાતની practical applicability કેટલી ? શું આ વાત કોઈ નક્કર હકીકત છે કે ઠાલાં પોથીમાંનાં રીંગણાં ? – આ વાતનો જવાબ મને કંઈક આવો અનુભવાય છે- દરેક વ્યક્તિની અંગત યાત્રા તેની ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ ઉપર અવલંબે છે. જેને પ્રશ્નો થશે તે જવાબ શોધશે….
Permalink
June 2, 2012 at 1:43 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, મનોજ જોશી ડૉ., સાહિત્ય સમાચાર
લયસ્તરો પર કોઈ કૃતિ પ્રકાશિત થઈ હોય અને એના અનુસંધાનમાં કોઈ અગત્યની સાહિત્યિક ઘટના બને અને કૃતિના સર્જક સંપાદકો પાસે દાદ માંગે ત્યારે પીછેહઠ કરવાના બદલે એ ઘટનાને યોગ્ય પ્રકાશમાં લાવવું એ લયસ્તરોની નૈતિક ફરજ બની રહે છે… લયસ્તરોના ચારેય સંપાદકમિત્રોએ પરસ્પર સવિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે આ ગઝલોનો જાહેર ઘટનાક્રમ અહીં મૂકીએ છીએ…
ન તારી ન મારી નથી કોઈની પણ, ન તારી, ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ. દશા સાવ સારી, નથી કોઈની પણ.
કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે, બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
દશા એકધારી નથી કોઈની પણ. અને એ ધુતારી, નથી કોઈની પણ.
બિછાને નહીં તો હશે મનમાં કાંટા, અધૂરી ખુશીની યે ચૂકવી છે કિંમત,
ફૂલોની પથારી નથી કોઈની પણ. અમારે ઉધારી નથી કોઈની પણ.
બધા જિંદગીને ગળે લઈ ફરે છે, કરોડો સૂરજથી ઉજાગર છે હૈયું,
અને એ ધુતારી નથી કોઈની પણ. અહીં એ ખુમારી નથી કોઈની પણ.
જરા આયના પાસ બેસી વિચારો, અહીં સ્વપ્ન તૂટે જ, તેથી જ રાતો
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ. પ્રભુએ વધારી નથી કોઈની પણ.
– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’ – દિવ્યા રાજેશ મોદી
આ બે ગઝલમાં હાઇ-લાઇટ કરેલા બે શેરની સમાનતા જોઈ?
ડૉ. મનોજ જોશીની આ ગઝલ લયસ્તરો પર (https://layastaro.com/?p=6842)13 જુલાઈ, 2011ના રોજ મૂકવામાં આવી હતી. એ અગાઉ આ ગઝલ શ્રી રશીદ મીર સંપાદિત ‘ધબક‘ સામયિકમાં ડિસેમ્બર, 2009માં પ્રકાશિત થઈ ચૂકી હતી. દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત ‘ગઝલવિશ્વ‘માં ડિસેમ્બર, 2011ના અંકમાં પ્રકાશિત થઈ. અને દિવ્યાની આ જ ગઝલ શ્રી પ્રવીણ શાહના બ્લૉગ ‘ગુર્જર કાવ્ય ધારા‘ (http://aasvad.wordpress.com/2012/05/30/d-310/) પર ત્રીસમી મે, 2012ના રોજ પુનઃપ્રકાશિત થઈ.
Permalink
June 1, 2012 at 1:43 AM by વિવેક · Filed under ગઝલ, દક્ષા બી. સંઘવી
ફૂલ ખરવું આમ તો ઘટના સહજ;
ડાળથી વિચ્છેદ, વંચાતો નથી !
પ્રેમ જેવા પ્રેમની બેઠી દશા;
શબ્દમાં છે કેદ; વંચાતો નથી !
નાવડીનું ડૂબવું નક્કી હવે;
એક નાનો છેદ; વંચાતો નથી !
આયનાની બા’ર-અંદર-બા’ર છું,
છે જરા શો ભેદ; વંચાતો નથી !
છોડવાથી એમ ક્યાં છૂટે કશું,
આંખમાં નિર્વેદ વંચાતો નથી !
– દક્ષા બી. સંઘવી
આમ તો આ ગઝલમાં મત્લા ગેરહાજર છે પણ બાકીના બધા જ શેર એટલા પાણીદાર થયા છે કે આ ગઝલ લયસ્તરોના વાચકો સાથે share કરવાની લાલચ રોકી શકતો નથી…
Permalink