તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

સૈંયર, શું કરિયેં? – અનિલા જોષી

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈંયર, શું કરિયેં?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈંયર, શું કરિયે?

ઊંઘમાં જાગે ઊજાગરો
ને સમણાંની સોગાદ
સૈંયર, શું કરિયેં?

મૂગામંતર હોઠ મારા
ને હૈયું પાડે સાદ
સૈંયર, શું કરિયેં?

પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈંયર, શું કરિયેં?

પગમાં હીરનો દોર વીંઝાયો
ને ઝરણાનો કદનાદ
સૈંયર, શું કરિયેં?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈંયર, શું કરિયેં?

– અનિલા જોષી

જ્યારે કોઈ ગીત વાંચીને લાગે કે આ તો લોકગીત હશે અને પછી એ ન લોકગીત ન નીકળે ત્યારે માનવું કે એ સો ટચનું ગીત છે. વાત તો એ ની એ જ છે – પ્રેમ રંગે રંગાતી જતી નાયિકા સખીને પોતાના મનની મૂંઝવણ કહે છે. પણ ગીત તરત જ મહેકી ઊઠે એવું થયું છે.

10 Comments »

  1. Rina said,

    June 6, 2012 @ 1:08 AM

    BEAUTIFUL…..

  2. Pravin Shah said,

    June 6, 2012 @ 3:28 AM

    પ્રેમ રંગે રંગાયેલું સુંદર ગીત !

  3. Rasila Kadia said,

    June 6, 2012 @ 4:24 AM

    સ્ત્રેીનેી લજ્જા અને અરમાન વચ્ચેનો સન્ઘર્શ સરસ રેીતે વ્યક્ત થયો

  4. Dhruti Modi said,

    June 6, 2012 @ 9:59 PM

    ખૂબ જ સરસ ગીત.

  5. bhavika said,

    June 8, 2012 @ 2:53 PM

    આ ગીત કયા લય મા ચ્હે જરા કહેશો વિવેકભાઈ?
    કે બેનપણી નું ગીત?

  6. વિવેક said,

    June 9, 2012 @ 2:53 AM

    @ Bhavika: આપની વાત સમજાઈ નહીં… બેનપણીનું ગીત? મતલબ??

  7. વિવેક said,

    June 11, 2012 @ 7:49 AM

    @ ભાવિકા:

    આ ગીત અષ્ટકલમાં લખાયું છે.. ગાગાગાગાના આવર્તનોમાં… નખશિખ સુંદર ગીત…

  8. bhavika said,

    June 12, 2012 @ 12:10 AM

    મુન્ગા મન્તર હોઠ મારા,
    મા કૈ રીતે અશ્ટ્કલ થયુ?
    કોયલ ટહુકે સવારના…
    મા ગાગાગાગાલગાલગા થયું કે નહિ?

  9. વિવેક said,

    June 12, 2012 @ 1:32 AM

    @ ભાવિકા:

    ગીતનું લયશાસ્ત્ર ગઝલના છંદશાસ્ત્રની જેમ વધુ પડતું ચુસ્ત નથી… ગીતમાં ઘણીવાર એકથી વધુ લઘુ-ગુરુ ઓછા અને/અથવા અધ્યાહાર પણ રાખવામાં આવે છે. ઘણા બધા જાણીતા ગીતકારોના ગીતમાં પણ અનવરુદ્ધ લય જોવા મળતો નથી. (હું પોતે જોકે ગીતશાસ્ત્રનો ખાસ જાણકાર નથી)

    મૂગામંતર હોઠ મારા ને હૈયું પાડે સાદ – આ પંક્તિમાં કવયિત્રીએ ‘હોઠ’ને સાંકડો ઉચ્ચાર આપીને એક ગુરુ તરીકે લીધો હોય એમ લાગે છે. “મૂંગામંતર હોઠ આ મારા, હૈયું પાડે સાદ” – આમ કરીએ તો લય યોગ્ય રહે છે…

    કોયલ ટહુકે સવારના…- અહીં ગાગાગાગા બરાબર જ છે કેમકે ગીતમાં નિયત સ્થાનો પર ગાગાની જગ્યાએ લલગા, ગાલલ કે લગાલ લઈ કુલ માત્રા જાળવી શકાય છે…

    આપની તીક્ષ્ણ દૃષ્ટિના કારણે મારું પણ રિ-વિઝન થઈ ગયું… આભાર.. પણ આપની પહેલી કોમેન્ટ- ‘બેનપણીનું ગીત?’ આ મને હજી પણ સમજાયું નહીં…

  10. Dhaval B. Shah said,

    August 6, 2012 @ 5:00 AM

    તનમાં તરણેતરનો મેળો
    ને મનમાં છે મરજાદ

    ખૂબ જ સરસ ગીત.

    “naad” khabar che pan “kadnaad” etle shu? zarana no “khalkhal” avaj?

    Dhaval

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment