ઉકેલ્યા પછી ભેદ નીર-ક્ષીર કેરાં,
જીવણ! એકે મોતી ચરી ના શકાયું!
– હર્ષા દવે
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for November, 2010
November 30, 2010 at 5:26 PM by ધવલ · Filed under ગઝલ, દિલીપ વ્યાસ
તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં
ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં !
કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં
જરીય ભય નથી બંધનનો હવે માયાથી,
થયેલ હોઉં છું પોતે જ, ગરક મારામાં.
સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં !
પુણ્ય ને પાપ તો ભાસે છે રમતના સાથી,
કરું છું જ્યારે હું શૈશવનું સ્મરણ મારામાં !
– દિલીપ વ્યાસ
આજે એક શબ્દના ફકીરની અલગારી ગઝલ માણો !
Permalink
November 29, 2010 at 10:10 PM by ધવલ · Filed under ગીત, દિલીપ ભટ્ટ
એકલો પડું ને તમે સાંભરો.
થાળીમાંથી ચોખા લઈ વીણતાં હો એવે બપોર મને સપનામાં આવે,
બારણામાં ઊભા રહી, ટીકી ટીકી પૂછો, કાચી કેરીનું શાક ભાવે ?
જીંદગીની ગોધૂલીવેળા છે ઢૂંકડી, છાના રહો જીવ, ન ભાંભરો.
એકલો પડું ને તમે સાંભરો.
ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય ? એમાં સાત-સાત સમદરનાં જળ,
કૂણા ટુવાલથી લૂછું છું ડિલ અને ખરખરતા ખરતાં અંજળ.
એકલો પડું ને ‘અમે’ સાંભરો
એકલો પડું ને તમે સાંભરો.
– દિલીપ ભટ્ટ
દરેક ગીત એક કથા લઈને આવતું હોય છે. ગીતે પહેલા કથાનું વાતાવરણ જમાવવાનું અને સાથે સાથે કથા પણ કહેવાની – આ બેવડી જવાબદારી વચ્ચે ઘણા ગીતો બેવડ વળી જતા હોય છે. પણ આ ગીત જુઓ કેવું સ્નિગ્ધ વાતાવરણ ઊભું કરે છે અને આખી કથા તો જાણે ઘૂંટાતી ધૃવપંક્તિમાં જ બયાન કરી દીધી છે. વર્ષોના સાનિધ્ય પછી પ્રિયજનના જતા રહેવાથી જનમતો મન ફાટી પડે એવો ખાલીપો આ ગીતમાં ઝમતો અનુભવી શકાય છે.
Permalink
November 28, 2010 at 2:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
જંગલને યાદ નથી કરવું વાલમજી !
ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.
પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.
– મનોજ ખંડેરિયા
પહેલી નજરે સરળ લાગતા આ કાવ્યમાં અત્યંત ખૂબીપૂર્વક નાયિકાના મનોભાવને વાચા અપાઈ છે. જંગલ એ અતીતનું પ્રતિક છે. સૂરજ,ખુલ્લું આકાશ તે આવનારી કાલ છે. વળી જંગલ અને તેને આનુષાન્ગિક રૂપકોને અજ્ઞાનના રૂપક ગણી શકાય અને સૂર્યને જ્ઞાનનું. જોકે અતીતના સંદર્ભમાં અર્થ વધુ બંધબેસે છે.
Permalink
November 27, 2010 at 12:30 AM by વિવેક · Filed under કાયમ હજારી, ગઝલ
ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !
તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.
સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !
જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તાં કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં.
કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈને રોકાયા !
તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને, હજી સુધી ન સમજાયા !
હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.
– ‘કાયમ’ હઝારી
પરંપરાના રંગે રંગાયેલી આ ગઝલમાં મોટા ભાગના શેર અર્થગંભીર થયા છે અને આજે પણ પ્રાણવાન લાગે છે… પણ મને તો ‘ગજું’ શબ્દની ભાવકની ક્ષમતા મુજબ નાનાવિધ અર્થછટાઓ ઉપસાવતો અને તખલ્લુસને બખૂબી નિભાવતો મક્તાનો શેર ખૂબ ગમી ગયો…
Permalink
November 26, 2010 at 1:02 AM by વિવેક · Filed under અછાંદસ, ઈન્દુકુમાર ત્રિવેદી
શાન્ત શિયાળુ સવાર…
ને આ નભનીલ સરોવર નીર
જેનાં સ્વચ્છ તરંગે
રંગ રંગનાં પંખી,
તરતાં, ફરતાં,
કહીં કહીં ગગનમાં ઊડતાં
આછાં આછાં જણાય નજરે
એને દૂરબીનથી જોતાં
લાગે પાસે
અડવા ઇચ્છા થાય એટલાં પાસે
દૃગથી જ્યાં પંપાળું
ત્યાં તો
બધાંય સરરર… ગેબ મહીં ગાયબ –
– ઈન્દુકુમાર ત્રિવેદી
નળસરોવરમાં પક્ષી જોવા જઈએ… પક્ષીઓના રંગો અને અજાયબ વિશ્વો જોઈને દંગ થઈ જઈએ અને હળવેથી નજીક જઈ અડવા જઈએ કે તરત બધા ઊડી જાય… આમાં વળી કવિતા ક્યાં આવી? પણ આ ગદ્યકાવ્યને જરા ‘દૂરબીન’ માંડીને જોઈએ તો ગદ્ય અને કાવ્ય વચ્ચેનો ઝીણો તફાવત ઊડીને આંખે વળગે અને વાહ..વાહ.. બોલી ઊઠાય! દૂરબીનથી નજીક લાગે એવા પક્ષીઓને ઇચ્છાની આંખોથી પંપાળીએ અને એ ગેબ મહીં ગાયબ… આ સમાધિ જ કવિતાનો સાચો પ્રાણ છે…
Permalink
November 25, 2010 at 11:37 PM by ધવલ · Filed under મુકુલ ચૉકસી, મુક્તક
આંસુ મારાં, ન પૂછ શાનાં હતાં?
તેઓ બીજે તો ક્યાં જવાના હતાં?
તેં લૂંટાવેલા ટાપુઓ ફરતે
થોડા દરિયા બનાવવાના હતા.
– મુકુલ ચોકસી
Permalink
November 23, 2010 at 10:24 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
છે અનંત નીલ આકાશ
અને અનંત છે તારા
જાણું બધું.
ચોરસ જેવી મારી બારીને
ભરી દેતું આ ચોરસ આકાશ,
અને તેમાંના ચાર પાંચ તારા
મને પ્યારા…
– અનંત કાણેકર
(અનુ. જયા મહેતા)
આકાશ ગમે તેટલું મોટું હોય, આપણા માટે તો એનો ખરો વિસ્તાર બારી જેટલો જ રહેવાનો. એ સિમિત આકાશ(ના ટુકડા)માં પણ થોડા તારાને પ્યારા કરી લેવાના … એનું નામ એ જીંદગી !
Permalink
November 22, 2010 at 11:05 PM by ધવલ · Filed under અછાંદસ, સર્વેશ્વરદયાલ સક્સેના
તમે એક યાત્રા છો –
જ્યાં કંઈક કરી છૂટવાનો અર્થ
છે કંઈક મળવું
જ્યાં દરેક થાક
એક નવી સ્ફૂર્તિ છે
જ્યાં પરિવર્તનનો અર્થ
મારું પોતાનું બદલાવું છે
જ્યાં દરેક અનુભૂતિ
ઈશ્વરની મૂર્તિ છે.
– સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)
અનેક રસ્તાઓમાંથી તમે પોતે યાત્રા માટે કયો રસ્તો પસંદ કરો છે એના પર આખો ખેલ છે. ખાલી દ્રષ્ટિના બદલાવાથી જીવન દમન ને બદલે ઉર્ધ્વગમન બની જાય છે.
Permalink
November 22, 2010 at 12:23 AM by તીર્થેશ · Filed under અછાંદસ, યેવતુશેન્કો, વિશ્વ-કવિતા
કેટલીયે વાર ભારે દર્દ સાથે હું ઘવાયો છું.
જાણે ઘૂંટણિયે પડી ચાલતો હોઉં એમ ઘસડાતો-ઘસડાતો
ઘેર ગયો છું.
માત્ર મેલી-ઘેલી ઝેરીલી જબાનથી જ ઘા નથી પડતા,
ફૂલની પાંદડીથી પણ કોઈને જખમ થઇ શકે છે.
મેં પોતે પણ સાવ જાણ્યે-અજાણ્યે,ઠંડે કલેજે
કેટલાંયને હાલતાં-ચાલતાં જખમી કર્યાં છે;
અને પછીથી કોઈક તેનાથી દુભાયું છે
જાણે ઉઘાડે પગે બરફ પર ચાલવું પડ્યું ન હોય !
હું આમ સહેલાઈથી છેડાઈ-છંછેડાઈ જાઉં છું,
અને મરણતોલ સરળતાથી કોઈકને જખમ કરી બેસું છું.
શા માટે મારી નિકટનાં પ્રિયજનોનાં
ખંડેર પર હું પગલાં માંડતો હોઈશ !
– યેવતુશેન્કો (રશિયા)
અનુ – મહેશ દવે
આ કાવ્ય પર નજર પડતાં જ એવી તીવ્ર લાગણી થઇ કે જાણે મને ઉદ્દેશીને જ આ કાવ્ય લખાયું છે !!!
Permalink
November 20, 2010 at 6:41 AM by વિવેક · Filed under અછાંદસ, જ્યોતિષ જાની
ત્રાટક તો મેં કર્યું
ગુલાબના ફૂલ સામે,
આંખમાં આટલા બધા
કાંટા ક્યાંથી ઊગી નીકળ્યા ?
-જ્યોતિષ જાની
Permalink
November 19, 2010 at 1:46 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
ચળકે શુક્ર.
રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.
ઉષા તણી નથડીનું નંગ,
સ્નેહ સરીખડો તેનો રંગ.
મલકે શુક્ર.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આ વર્ષ કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મશતાબ્દી વર્ષ તો છે જ પણ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું પણ જન્મ શતાબ્દી વર્ષ છે. તો આ પ્રસંગે ઉમાશંકરના મોઢે શ્રીધરાણીની કવિતા વિશે બે વાત સાંભળીએ તો કેવું ? : “રાત્રિનો હૃદયઉઘાડ અને એમાં કવિતાના ચમકાર સમી શુક્રની આભા. પહેલી કડીમાં સંધ્યાશુક્રનું વર્ણન છે. બીજીનું વર્ણન સંધ્યાશુક્ર વિશે છે કે પભાતશુક્ર અંગે કે બંને અંગે ? અંતમાં પ્રભાતશુક્રની દ્યુતિને ‘ઉષા તણી નથડીનું નંગ’ એ અપૂર્વ ચિત્રમાં મઢી લીધી છે. પલક પલક થતી શુક્રની તેજસ્વિતાને ‘ચળકે’… ‘ઝળકે’… ‘મલકે’ એ શિલ્પ દ્વારા પ્રગટ કરી દીધી છે એ છૂપું રહેતું નથી.“
Permalink
November 18, 2010 at 4:01 PM by ઊર્મિ · Filed under બાલુભાઇ પટેલ, મુક્તક
કાળનું આ ચક્ર ફરતું કાળ પર,
જિંદગી આવી ઊભી છે ઢાળ પર;
કોઈ પીંછા ખેરવી ઊડી ગયું,
છે હજી એકાદ ટહુકો ડાળ પર.
– બાલુભાઈ પટેલ
Permalink
November 17, 2010 at 11:16 PM by ઊર્મિ · Filed under ગઝલ, ભરત વિંઝુડા
આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે
એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે
તે છતાં પણ લખું તે કવિતા હશે
તું જશે એમ લય તાલ ચાલ્યા જશે
ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે
ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે
-ભરત વિંઝુડા
ખબર નહીં કેમ પણ મને આ ગઝલ વાંચીને તરત બે ખૂબ જ પ્રખ્યાત રચનાઓ યાદ આવી ગઈ. એક તો “જોબનીયું આજે આવ્યું ને કાલે જાશે” અને બીજી, બેફામસાહેબની એક પ્રખ્યાત રચના “એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના”…
Permalink
November 16, 2010 at 11:08 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ચાલો,
અષાઢનાં વાદળો તીડના ટોળાં બનીને
ધરતીને ચૂસી ખાય તે પહેલાં,
વિનામોતે મરેલાંની કબરો
હિમાલયના શિખરો બની જાય તે પહેલાં,
પ્રેમની વાતોથી
કવિતાના શબ્દોનો રંગ ફટકી જાય તે પહેલાં,
જાળ નાખીને
ચંચલ પાણીમાં સ્થિર ઊભેલો માછીમાર
ભગવાન બની જાય તે પહેલાં,
ચાલો,
ધરતીમાં ઢબૂરાયેલા બીજને
આપણે મૃત્યુથી કથા કહેવાની છે.
અને –
– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
જો આશાનું બીજ ઊગે નહીં તો આશંકાઓ આખા જગતને ઘેરી વળે. અને બીજને ઊગવા માટે જે રસ જોઈએ તે પૂરો પાડવા માટે આગલી પેઢીએ મૃત્યુ પામીને ધરતીને સમૃદ્ધ કરવી પડે. અને એ પછી જ કથા આગળ ચાલે.
કવિના કલ્પનોની ધાર કવિતામાં અનુભવી શકાય છે. કવિએ પસંદ કરેલા આશંકાના શબ્દચિત્રો મનને સૂન્ન કરી દે એટલા સબળ છે.
Permalink
November 15, 2010 at 9:42 PM by ધવલ · Filed under અછાંદસ, કિશોર શાહ
ચૂપ બેઠા રહેવું
કશું ન કરવું
વસંત આવે
અને ઘાસ ઊગે આપમેળે.
– અનામી (અનુ. કિશોર શાહ)
બધા ધર્મ ચેતના માટે ભારે તપ અને ત્યાગનો મહિમા કરે છે. જ્યારે ઝેન વિચારધારામાં સાક્ષાત્કાર માટે બને તેટલું ઓછું કરવાનો મહિમા છે. મનમાં કશું સત્વશીલ ઊગે એ પહેલા બે વાત થવી જોઈએ 1) ચૂપ બેસવું અને 2) કશું ન કરવું. વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આ તો ઘ્યાનની વ્યાખ્યા થઈ.
આ નાનકડા કાવ્યમાં આખી ઝેન વિચારધારાનો નીચોડ સમાયો છે.
Permalink
November 14, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, માધવ રામાનુજ
આ શબ્દ હવે છૂટે તો સારું !
આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે-
વાટ ખૂટે તો સારું…
આ સંબોધનમાં,સંબંધોમાં
માયાની માયામાં,
આ પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે
એના પડછાયામાં !
આ મનમાં પળપળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું…
આ ક્યાં અધવચ્ચે,ક્યાં મઝધારે,
ક્યાં અંતરને આરે!
આ ભીતરથી કોઈ સાદ કરે છે :
પાછા ફરશું ક્યારે !
આ જીવતર જેવું જીવતર અટવાયું છે-
જાળ તૂટે તો સારું….
આ શબ્દ હવે છૂટે તો સારું !
– માધવ રામાનુજ
પગથિયા ઉપર પગ મૂકી ઉપર જતા પગથીયું જ પગની બેડી બની જાય તો શું થાય ?……. મૌનથી શરુ થતી યાત્રા શબ્દની પાંખે માંહ્યલાને ફરી મૌનના પ્રદેશમાં લઇ જતી હોય છે,પરંતુ ક્યાંક પાંખ થંભવાનું નામ જ નથી લેતી અને ચકરાવાઓનો કોઈ અંત જ નથી રહેતો….
Permalink
November 13, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
ખેલ મેં દેખા ખેલનહારા !
અલકમલક સે આયા બાદલ
. બરસત અનરાધારા.
વીજચમક કી પ્રકટ આરતી
ગરજન ઘોર નગારા;
ચલત પવન કી બજત નાગિણી
જલાધારી જલધારા,
. શિવમંદિર સંસારા !
ભમરા ગુંજે કમલ ફૂલ મેં :
ગણ મહિમનસ્તુતિ ગાવે;
નદિયાં નાગ-ફણાસી ફૈલી
ડમરુ બિપિન બજાવે;
. સો નટરાજ નિહારા !
– જયન્ત પાઠક
વરસાદના ખેલમાં ખેલનહાર પણ નજરે નથી ચડતો? અને વરસાદની લીલા પણ કેવી! એક પછી એક કલ્પન કવિ સાવ અનોખી રીતે પેશ કરીને આંખ આગળ આખું માતીલું ચોમાસું લઈને આવી ચડે છે… આજ કવિ ક્યારેક એમ પણ કહે, અજબ કરામત કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી…
નાગિણી= નાગ આકારનું એ વાદ્ય; બિપિન= ઉપવન, વાટિકા;
Permalink
November 12, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દલપત પઢિયાર
તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !
બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વનેવને…
કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર,
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર,
નદી કુંડીમાં ના’વા ઊતરી, દરિયો ઊભે પને…
મળવું એ જ હો મનસૂબો તો નક્શા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં,
સરખું ઊતરે સામૈયું તો રજની રેલે દને…
મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને…
-દલપત પઢિયાર
અંદરના અજવાળાને આકાર આપતું ધનમૂલક ગીત.
(ચરો= ગૌચર તરીકે અલાયદી રાખેલી પડતર જમીન, દને=દિવસે, માંયલી= માંહ્યની, ભીતરની)
Permalink
November 11, 2010 at 1:07 PM by ઊર્મિ · Filed under ગઝલ, રશીદ મીર
સાચ જેવા સાચની અફવા ન કર,
આપણા સંબંધની ચર્ચા ન કર.
પાછલો વરસાદ ક્યાંથી લાવવો,
આટલા વર્ષે હવે ઈચ્છા ન કર.
એક પડછાયાને કેટલો વેતરું ?
સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.
ભીંત બેસી જાય તો સારું હવે,
ક્યાં છબી ટાંગી હતી જોયા ન કર.
આગનો દરિયો છે ચડતો જાય છે,
ડૂબવાનું હોય છે જોયા ન કર.
એ ચાહે છે પ્રેમ કરવાને ફરી,
‘મીર’ પાછા પારખા વખના ન કર.
-ડૉ. રશીદ મીર
ડૉ. રશીદ મીરની ગઝલિયતથી ભરપૂર એક ગઝલ…
Permalink
November 9, 2010 at 7:58 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
લેખિની ક્યાં લગીર બોલે છે?
બસ, શબદનું શરીર બોલે છે.
એ જ માણસ અલગ તરી આવે
એનું જ્યારે ખમીર બોલે છે!
બુઝર્ગતા ધૂંધવાય છે ત્યારે,
કોઈ તણખો સગીર બોલે છે.
બંધ ધબકાર બે’ય હૈયાના:
બાળપણની તસ્વીર બોલે છે.
ઓસરે છે લકીર પાણીમાં,
પથ્થરોમાં લકીર બોલે છે.
છેવટે સોનું તો રહે સોનું ,
આ નકામુ કથીર બોલે છે.
છે ફક્ત પ્રેમપંથ ફુર્તિલો,
કવિના વેશે કબીર બોલે છે.
– મનસુખવન ગોસ્વામી
પાણી પર કાંઈ લખી શકાતું નથી. પાણીમાં સહજ સરકી જતી લકીર છેવટે પથ્થર પર જઈને બોલે છે.
Permalink
November 8, 2010 at 11:33 PM by ધવલ · Filed under અછાંદસ, રમેશ પારેખ
એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે,
તો એ અંધારાના
સઘળા અહંકારને દળે.
હરેક ચીજને એ આપે સૌ સૌનું
મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય
કાજ બસ બળે !
અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી ?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી ?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે …
– રમેશ પારેખ
દિવાળી ટાણે દીપ-મહિમાનું કાવ્ય. આ કાવ્યનો મીરા ભટ્ટનો આસ્વાદ અહીં જુઓ.
Permalink
November 7, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, પન્ના નાયક
તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.
મારા સઘળાં દુવારને કરી દીધાં બંધ,
ને આમ તમે આંખોને કરી દીધી અંધ.
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ,
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.
હું તો વહેણમાં તણાઈ મને કાંઠો નથી,
ને આપણા સંબંધની કોઈ ગાંઠો નથી.
અછાંદસ જેવો છે આપણો આ પંથ,
ને એનું તે નામ તમે છંદ રાખ્યું.
– પન્ના નાયક
નિ:શબ્દ થઈ જવાય તેવી મધુર છતાં ઘેરી ફરિયાદ છે… વળી આ કાવ્યમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે ક્યાંય ઉદગારચિહ્નનો ઉપયોગ નથી. કોઈ હકીકત પંડ્યમાં નિ:શંક રીતે અને કાયમી ધોરણે ઉતરી ગઈ હોય અને અનહદ દર્દને લીધે જે એક કારમી તટસ્થતા આવી ગઈ હોય,તે રીતે સીધાસાદા statements of fact છે…. છતાં કાવ્યની ઊંચાઈ તેમાં રહેલા કડવાશના સદંતર અભાવમાં છે.
Permalink
November 6, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નરસિંહરાવ દિવેટિયા, પ્રાર્થના
પ્રેમલ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ !… પ્રેમલo
દૂર પડ્યો નિજ ધામથી હું, ને
ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ…પ્રેમલo
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય … પ્રેમલo
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને
માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા
હામ ભીડી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર … પ્રેમલo
ભભકભર્યા તેજથી હું લોભાયો ને
ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ;
મારે આજ થકી નવું પર્વ … પ્રેમલo
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ,
આજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલo
કર્દમભૂમિ કળણ ભરેલી ને
ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ
મુને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલo
રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલo
– નરસિંહરાવ દિવેટિયા
16 જુન, 1833ના રોજ જ્હોન હેનરી ન્યુમેને દરિયાઈ સફર દરમિયાન લખેલ ‘Lead kindly light‘ કવિતાનો ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું !
Permalink
November 5, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત ટોપીવાળા
ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
ઘેટું અને વરુની બોધકથા તો આપણે બધા જાણીએ જ છીએ પણ અહીં કવિએ જે અ-બોધકથા કહી છે એ જ મને તો આજની દુનિયાની ખરી બોધકથા લાગે છે. ‘મારે એની તલવાર’ને ‘બળિયાના બે ભાગ’ એમનેમ કહ્યું હશે ભલા?!એ
Permalink
November 4, 2010 at 11:45 PM by ઊર્મિ · Filed under અશોક ચાવડા 'બેદિલ', ગઝલ
અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ,
અજવાશ આવશે નજર, દીવો કરી જુઓ.
અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
સગપણ વગર કબર ઉપર, દીવો કરી જુઓ.
ઊંચી ઈમારતોમાં છે દીવાલ મીણની,
કહેવું કઈ રીતે : “નગર, દીવો કરી જુઓ ?”
મનમાં ન મેલ હોય તો પડશે નહીં ફરક,
કપડાં ભલે લઘરવઘર, દીવો કરી જુઓ.
મારી જ જેમ જર્જરિત છે બારસાખ પણ,
રોકાઇ જાવ, આજ ઘર, દીવો કરી જુઓ.
– અશોક ચાવડા ‘બેદિલ’
અંધારાથી ડર્યા વગર જો દીવો કરીશું તો અજવાળું એની મેળે સામેથી ભેટવા આવશે…
Permalink
November 3, 2010 at 12:42 PM by ઊર્મિ · Filed under કિરણસિંહ ચૌહાણ, મુક્તક
જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેંક પંક્તિમાં પરોવીને દઈશ;
હું કિરણ છું એટલે જ્યાં જ્યાં જઈશ,
શબ્દથી થોડું તો અજવાળુ કરીશ.
– કિરણસિંહ ચૌહાણ
આજથી શરૂ થતી દિવાળીનાં આ મંગલ ધનતેરસનાં દિવસે આપણા સૌનાં હૃદયમાં શબ્દનું અજવાળું અખંડ રહે એ જ શુભેચ્છાઓ… લયસ્તરોનાં વાચકમિત્રોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.
Permalink
November 2, 2010 at 9:28 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
સીલ કરી દીધેલું મૌન
પ્રચંડ પૂરમાં વહી ગયેલું વ્હાલ
કસ્ટડીને ખૂણે ડૂસકાં ભરતું સ્મિત
મહોરામાં મઢી દીધેલો ચહેરો ને કાનોમાં
ભીડી દીધેલી આંગળીઓ ને વળી
ખુલ્લી ખાલીખમ હથેળીઓ –
કોરીધાટક આંખો ને બંધ પડી ગયેલું નાક
છાલાં પડી ગયેલા પગ ને શૂન્ય બનેલું મસ્તિષ્ક
લિફ્ટમાં આવનજાવન કરતો રહેતો શ્વાસ ને
સતત લમણે રહેતા બેઉ હાથ –
પૂરપાટ વહી નીકળતી ટ્રેન… શેષ ધ્રુજારીઓ…
પગમાં ચડી ગયેલી ખાલીઓ ને
રુદન લાચારી-વસવસાનું કૈં કેટલુંયે…
અંધકારે હડપ કરી લીધેલું સામ્રાજ્ય ને
રિક્તતાના સાથની સતત સભાનતા
ને વળી, વારંવાર તીણી ચીસો સાથે
તીક્ષ્ણ નહોર મારતી સાઈરનો…
અસંખ્ય ગણવેશમાં છુપાયેલા ઓળાની
ઓળખ આપવી કઈ રીતે ?
– દિવ્યાક્ષી શુક્લ
ગણવેશની અંદર પૂરાયેલા માણસના અસ્તિત્વને ખાલી ચડી જાય છે. માણસ મટીને એક ઓછાયો રહી જાય છે. એ ‘ઓળાની ઓળખ’ આપતી સબળ કવિતા. કવિએ એકે એક પંક્તિઓ માપીને લખી છે. માપીને વાંચશો તો તમે પણ વર્ણનની સચોટતા પર આફરીન થઈ જશો.
Permalink
November 1, 2010 at 10:12 PM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ખબર ના પડે કોણ કરતું ડખા;
ગઝલ-મહેલના હચમચે માળખાં.
સમય તો શ્વસુર-અંધ-સરંગટ વહુ થઈ,
કથા સુણવા જાતા અમે ઓ અખા !
ગયા જન્મમાં ભોગવી’તી સજા,
હજી પીઠ પર ચમચમે ચાબખા.
ગરમ શાહીમાં હાથ બોળાવી તેં,
અમારાં બરાબર કર્યા પારખાં !
અષાઢી પડ્યાં ફોરાં ચાંદીના ઝીલી,
તને શું ખબર થઈ ગયાં છે બખા !
તને સારથિ સમજી આવી જતાં,
મને રથથી નીચે ઉતાર્યો સખા !
બતાવી દો એને ગઝલ આપણી,
કહે છે જે गुजराती में क्या रखा ?
– મનોજ ખંડેરિયા
છેલ્લા શેર તો મઝાનો છે જ. અખાના પ્રખ્યાત છપ્પાને યાદ કરતો બીજો શેર પણ બહુ આસ્વાદ્ય છે.
Permalink