જખ્મો – યેવતુશેન્કો (રશિયા)(અનુ- મહેશ દવે)
કેટલીયે વાર ભારે દર્દ સાથે હું ઘવાયો છું.
જાણે ઘૂંટણિયે પડી ચાલતો હોઉં એમ ઘસડાતો-ઘસડાતો
ઘેર ગયો છું.
માત્ર મેલી-ઘેલી ઝેરીલી જબાનથી જ ઘા નથી પડતા,
ફૂલની પાંદડીથી પણ કોઈને જખમ થઇ શકે છે.
મેં પોતે પણ સાવ જાણ્યે-અજાણ્યે,ઠંડે કલેજે
કેટલાંયને હાલતાં-ચાલતાં જખમી કર્યાં છે;
અને પછીથી કોઈક તેનાથી દુભાયું છે
જાણે ઉઘાડે પગે બરફ પર ચાલવું પડ્યું ન હોય !
હું આમ સહેલાઈથી છેડાઈ-છંછેડાઈ જાઉં છું,
અને મરણતોલ સરળતાથી કોઈકને જખમ કરી બેસું છું.
શા માટે મારી નિકટનાં પ્રિયજનોનાં
ખંડેર પર હું પગલાં માંડતો હોઈશ !
– યેવતુશેન્કો (રશિયા)
અનુ – મહેશ દવે
આ કાવ્ય પર નજર પડતાં જ એવી તીવ્ર લાગણી થઇ કે જાણે મને ઉદ્દેશીને જ આ કાવ્ય લખાયું છે !!!