ગુજરાતી ગઝલના આકાશમાં નાના-મોટા સેંકડો તારલાઓ રોજ ઊગતા રહે છે અને સમયની ગર્તમાં ક્યાં અને ક્યારે ખોવાઈ જાય છે એ ખબર પણ પડતી નથી. પણ કેટલાક તારાઓ અધિકારપૂર્વક આ આકાશમાં પ્રવેશે છે, પોતાનો પ્રકાશ પાથરે છે અને ધ્રુવતારકની પેઠે પોતાનું નિશ્ચિત અને અવિચળ સ્થાન જમાવવામાં સફળ રહે છે. ગુજરાતી ગઝલનું મક્કા ગણાતા સુરતમાં આવો જ એક તારો, નામે ગૌરાંગ ઠાકર પોતાના હિસ્સાનો સૂરજ શોધવા નીકળે છે. માત્ર એકાવન ગઝલોના એમના ગઝલ-સંગ્રહની ગલીઓમાં ફરીએ ત્યારે સહેજે ખાતરી થઈ જાય કે આ તારો ખરી જનાર નથી. એમની ગઝલમાં એક અનોખી કુમાશ અને તાજગી વર્તાય છે. સરળ રદીફ અને સહજ કાફિયાઓના ખભે બેસીને એમની ગઝલો વાંચતાની સાથે દિલમાં ઘર કરી જાય એવી છે. છંદો પરની પકડ પણ ધ્યાનાર્હ બની રહે છે. ભાષાની સાદગી અને શે’રનું આંતર્સૌંદર્ય એ આ કવિની પોતીકી ઓળખ બની રહે છે. એમના પહેલા સંગ્રહ, ‘મારા હિસ્સાનો સૂરજ’માંથી ચુનેલા થોડા પ્રકાશ-કિરણોમાં ચાલો, આજે થોડું ન્હાઈ લઈએ….
કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.
આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?
આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.
સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.
હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.
હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.
હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.
હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?
કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?
હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.
પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?
તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.
અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.
ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.
આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.
કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.
મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.
તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.
વધુ આગળ વાંચો…