સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2006

કરો અંત – ‘બેજાન’ બહાદરપુરી

મને સાથ એનો મળ્યો છે સદાનો
કહો કેટલો પાડ માનું વ્યથાનો !

કહે છે હૃદય : સાવ નિર્દોષ છે તું
પછી હોય શો ડર ગમે તે સજાનો !

કબૂલીશ એ વાત ક્યારેક તું પણ
નથી માનવી હું ય નાના ગજાનો

પછી શું થયું એ ન પૂછે તો સારું
નથી અંત હોતો સદા હર કથાનો

સતત કોઈ દોરે અને દોરવાવું !
કરો અંત ‘બેજાન’ એવી પ્રથાનો.

‘બેજાન’ બહાદરપુરી

Comments

ગાંધીકથા

મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ 82 વર્ષની ઊંમરે બાપુને પુનર્જીવિત કરવાનો અશ્વમેધ યજ્ઞ આદર્યો છે. ચારે તરફ જ્યારે રામકથા કે ભાગવતકથાની ધૂમ મચી છે ત્યારે ગુજરાતના ગામડે-ગામડે તથા મુંબઈમાં ફરીને તેઓ ગાંધીકથા કરીને બાપુ વિશે લોકોમાં વ્યાપ્ત ગેરસમજણ દૂર કરી સહસ્ત્રાબ્દિના એ મહામાનવના જીવન પર પ્રકાશ પાડી રહ્યાં છે. સમગ્ર ગાંધીકથા પંદર સીડીના સંપુટ સ્વરૂપે ઉપલબ્ધ છે. (‘મોંઘીબહેન બાળવિહાર’ના નામે 550રૂ.નો ચેક કે ડ્રાફ્ટ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળિયા તળાવ, ભાવનગર, ગુજરાત ના સરનામે મોકલવો).

Comments (1)

મોહનજી તમો મોરલા – રાજે

મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમે ઢળકતી ઢેલ,
                                                                       આશ તમારી રે.
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,
                                                                       આશ તમારી રે.
મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,
                                                                       આશ તમારી રે.
પૂંઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,
                                                                       આશ તમારી રે.
મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે;વિસાર્યો ઘર-વહેવાર,
                                                                       આશ તમારી રે.
સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયાનાથ,
                                                                       આશ તમારી રે.

રાજે

ઈ. 18મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા રાજે જન્મે મુસ્લિમ હોવા છતાં કૃષ્ણભક્તિના સુંદર પદો વડે ધર્મ અને સમાજની પોકળ રેખાઓને વળોટી ગયેલાં. એમની ભાષા પણ એમના સમયથી ઘણી આગળ એવી આધુનિક લાગે.

Comments

સમાધાન – શેખાદમ આબુવાલા

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !

– શેખાદમ આબુવાલા

Comments (3)

યારો ! અલગ અલગ અહીં તો સૌની શામ છે

 ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે? 

વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે
લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,
બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

ડૉ.વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.

Comments (3)

રણમાં બાવળ – અમૃત ‘ઘાયલ’

જીવનનાં જળ
ખૂબ અનર્ગળ

કૂંપળ કૂંપળ
કણસે ઝાકળ

આગળ પાછળ
આવળ બાવળ

ડગલે પગલે
દ્રષ્ટિના છળ

માથે લટકે
મણ મણની પળ

મેરુઓ પણ
મનન ચંચળ

એના વચનો
ડોકના આંચળ

એક જ ઈશ્વર
એ પણ અટકળ!

‘ઘાયલ’ જીવન
રણમાં બાવળ

– અમૃત ‘ઘાયલ’

મારા મતે ટૂંકી બહેરની ગઝલ લખવી એ ખૂબ અઘરું કામ છે. બે ચાર શબ્દોમાં જ અર્થસ્ફોટ થવો જોઈએ અને કાફિયો પણ સચવાવો જોઈએ. ચંદ જ શબ્દોમાંથી ઘાયલસાહેબ એક જ ઈશ્વર, એ પણ અટકળ! અને કૂંપળ કૂંપળ, કણસે ઝાકળ જેવા સુંદર શેર કોતરી આપે છે. આગળ શેખાદમની એક ટૂંકી બહેરની એક ગઝલ નીર છું રજુ કરેલી એ અહીં સાથે માણવા જેવી છે.

Comments (1)

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

– વિનોદ જોશી

વિરહના ગીતો તો ઘણા છે. પણ વિનોદ જોશીનું આ ગીત તરત જ ગમી જાય એવું છે. ટચલી આંગળીનો નખ – નામ જ તમને ગીતમાં ખેંચી લાવે એવું છે. લખ – દખ – વખ એકદમ સહજતાથી જ ગીતમાં આવે છે. ચૂમી ચૂમીને કરી એંઠી એવી ફરીયાદ અલગ ભાવ ઉપજાવે છે. પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં વિષાદ ક્રમશ: ધેરો થતો જાય છે. અને છેલ્લે તો – મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ – પર ગીતનો અંત થાય છે. આ ગીત સળંગ પાંચ સાત વાર વાંચી ગયો અને હવે એ મનમાંથી નીકળવાનું નામ જ નથી લેતું !
( અંજળ=સંબંધ, દખ=દુ:ખ, વખ=ઝેર, પાતળિયા=સજન )

Comments (4)

નમ્રતા અને નિધિ – શેખ સાદી

વાદળામાંથી એ જલબિંદું ખર્યું,
ને સમુદ્ર નિહાળી હૈયે થરથર્યું,
સિંધુ ક્યાં? ને ક્યાં હું બિંદુ? એ કહે
ત્યાં તો છીપે આવરી, અંકે ધર્યું.

– શેખ સાદી

Comments

નથી મળવું – હરીન્દ્ર દવે

ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવું
ઘણીયે શેષ કથા છે, છતાં નથી મળવું.

હવામાં તારી હવા છે, છતાં નથી મળવું,
દરદની તું જ દવા છે, છતાં નથી મળવું.

મને આ આગમાં જલવા દે, જોઈ લેવા દે,
મિલનની આશ જવાં છે, છતાં નથી મળવું.

છે નવ દિશાઓ હજી, ક્યાંય પણ વળી જઈશું,
નજરની સામે ખુદા છે, છતાં નથી મળવું.

– હરીન્દ્ર દવે
(‘મનન’)

Comments (1)

વૃક્ષ – ડૉ.વિવેક મનહર ટેલર

 

વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું,
ગત સમયના વક્ષથી ફૂટ્યો છું હું.  

પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો,
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું.

ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.

જેટલો જ્યાં-જ્યાંથી તેં કાપ્યો મને,
એટલો તારામાં ત્યાં વ્યાપ્યો છું હું.

છો ને કત્લેઆમ થઈ ગ્યો પ્યારમાં,
ઠેકઠેકાણે પછી ઊગ્યો છું હું.

પામવા તુજને અનર્ગલ ધાંખમાં,
ચૌદિશે આડો-ઊભો ફાલ્યો છું હું.

ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.

ડૉ.વિવેક મનહર ટેલર

Comments (2)

Page 1 of 5123...Last »