નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા
નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને,
લક્ષ્મીવરને ભજીયે રે…
કુળને તજીએ, કુટુંબને તજીયે,
તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે,
જેમ તજે કંચુકી સાપ રે…
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,
નવ તજીયું હરિનું નામ રે,
ભરત-શત્રુઘ્ને તજી જનેતા,
નવ તજીયા શ્રીરામ રે…
ઋષિ-પત્નિએ શ્રીહરિ કાજે
તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કાંઈએ ન ગયું,
પામી પદારથ ચાર રે…
વૃજવનિતા વિઠ્ઠલને કાજે,
સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃન્દાવનમાં,
મોહનવરશું મ્હાલી રે…
તળાજામાં જન્મેલા અને જૂનાગઢના વતની ‘આદિકવિ’ નરસિંહ મહેતા (1414-1480) ગુજરાતની પ્રેમલક્ષણા ભક્તિપરંપરાની તેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાની પદ-કવિતાના પહેલા ઉત્તમ કવિ છે. એમના 1200 જેટલાં પદો અને ઝૂલણા છંદમાં લખેલાં પ્રભાતિયાંઓએ એમને અમરત્વ આપ્યું છે અને આપણી ભાષાને રળિયાત કરી છે. કૃષ્ણ ભક્તિ, જ્ઞાન-ભક્તિ, વૈરાગ્ય અને ખાસ તો પોતાના જ જીવનના પ્રસંગો પર આધારિત એમના કાવ્યો ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયાં છે.