વિસ્મય ? – વિપિન પરીખ
૧૦ x ૧૨ ની ઓરડીમાં
ભીંત પરના ચિત્રમાં
આકાશ પણ
કેવું વિશાળ !
- વિપિન પરીખ
ગાગરમાં સાગર…
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
વિપિન પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
(આખરની તૈયારી) - વિપિન પરીખ૧૦ x ૧૨ ની ઓરડીમાં
ભીંત પરના ચિત્રમાં
આકાશ પણ
કેવું વિશાળ !
- વિપિન પરીખ
ગાગરમાં સાગર…
એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘ બે માણસને એકબીજાથી દૂર જવા માટે
કેટલું DISTANCE જોઈએ ? ’
- વિપિન પરીખ
Distance is a space between two objects… પણ શું દૂરી distance-આધારિત હોય છે ?
વૃક્ષ કદાચ એમ પણ કહે -
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે -
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !
- વિપિન પરીખ
ગઈકાલની વાત જ ફરી બીજી રીતે કહેવાનો આ પણ અંદાઝ છે.

****
હું તો એનો એ જ છું
હું કોઈ મ્હોરું પહેરતો નથી કારણ કે મને એની જરૂર જ નથી.
આ સઘળા ધર્મમાંથી
મેં એક જ ધર્મ નીભાવ્યો છે.
એ છે માણસાઈ.
મારે જલદી દોડવું છે
કે જરા જેટલો સમય જ રહ્યો છે.
ચૂસકીઓ ભરવામાં હવે ઝડપ રાખવી છે.
મારા દિલમાં કોઈ બોજ નથી
બેદરકારીઓનો કે ભૂલોનો
જે મારાથી થઈ છે કે થતા રહી ગઈ છે.
- વિપિન પરીખ
(અનુ. ધવલ શાહ)
વિપિન પારીખને કાવ્યાંજલીની શ્રેણીમાંનુ આ આખરી કાવ્ય બહુ ખાસ રચના છે. ફ્રેબ્રુઆરીમાં કવિએ આ રચના એમના મિત્ર અનિલ પરીખને લખીને આપેલી. અનિલભાઈએ આ રચના ખાસ લયસ્તરોના વાંચકો માટે મોકલી છે.
આમ તો કવિએ મૃત્યુ વિશે અઢળક લખ્યું છે. પણ આ કવિતા આપણા કાવ્ય-ઈતિહાસનું એક વિરલ પાનુ છે. આવી જણસ આપણને બધાને માણવા મળે છે એ બહુ મોટી વાત છે.
મૃત્યુ સફેદ હોય છે
ચાદર જેવું
મૃત્યુ ઠંડું હોય છે
બરફ જેવું
મૃત્યુ હુકમનું પાનું છે.
મૃત્યુ શંકરના હાથનું ડમરું છે.
મૃત્યુ બિલાડીના પગ છે.
મૃત્યુ કાલીની જીભથી ટપકે છે લાલલાલ …
- વિપિન પરીખ
પાંચે ઈન્દ્રિયથી મૃત્યુને માપી લેતી વામન પગલા સમાન કવિતા.
હિમાદ્રીએથી સરકી જઈને
પડે પ્રપાતે વળી ડૂબકી દઈ
તરે સરિતે થઈને પ્રફુલ્લ;
ને સૂર્યમુખી ચૂમીને લજાળ
ક્યાંયે જતું શ્યામલ અશ્વ-પીઠે !
– વિપિન પરીખ
વિપિન પરીખની કવિતા અંગે બે મત પ્રચલિત છે. એક વર્ગ એમને કવિ તરીકે માનવા તૈયાર નથી અને બીજો વર્ગ એમની કવિતાઓનો આશિક છે. કવિ પોતે આ વાત સ્વીકારે છે. બહુધા આપણે એમ માનીએ છીએ કે વિપિન પરીખ એટલે ઊર્મિશીલ અછાંદસ કાવ્યોનો શહેનશાહ જે કાવ્યાંતે ધારી ચોટ આપીને ભાવકને જકડી લે છે… એક નજર આ કવિતા ઉપર કરીએ… માત્ર પાંચ જ લીટીના કાવ્યમાં કવિ જૂજ શબ્દોની મદદથી સૂર્યના છેલ્લા કિરણનું કેવું સબળ ચિત્ર નીપજાવી શક્યા છે ! અને છે અછાંદસ પણ એનો લય કેવો પ્રબળ છે!! આ પણ વિપિન પરીખ છે……
સલામ મારા દેશને – મારા દેશની માટીને,
મારા ભેરુઓને
જેમણે મારા શૈશવના ખૂણેખૂણાને આનંદથી કલ્લોલિત કર્યો.
સલામ પેલા ગુલાબના ફૂલને
જેણે મારા આકાશમાં મુલાયમ સ્વપ્નો ગૂંથ્યાં.
સલામ પેલી દર્દભરી કોયલને
જેણે મારા હૃદયને આંબાનું વૃક્ષ બનાવ્યું.
સલામ પેલી કામધેનુને જેણે પોતાની અમીધારાથી
મારા શરીરના કોષોને ધબકતા રાખ્યા.
સલામ મારી માને જેની આંખોએ મને ક્યારેય દૂર ન કર્યો.
અને સલામ શબ્દોને
જેમણે મારા હોઠને સતત ગૂંજતા રાખ્યા.
- વિપિન પરીખ
અછાંદસસમ્રાટ વિપિન પરીખનો ક્ષર દેહ નહીં, માત્ર અ-ક્ષરદેહ હવે આપણી વચ્ચે રહી ગયો છે ત્યારે કવિહૃદયનો યથાર્થ નિચોડ આપતું આ કાવ્ય સહેજે પ્રસ્તુત બની રહે છે. માણસ ખરા હૃદયથી કોને કોને સલામ ભરે છે જાણીએ તો માણસને આખેઆખો સમજી લેવાય… કવિ પણ પોતાનો બાયો-ડેટા આપવામાં પારદર્શક રાજીપો બતાવે છે…
કવિ વિપિન પરીખ 16 તારીખે મુંબઈમાં અવસાન પામ્યા. એક વખત અનાયાસ એમનો સંગ્રહ ‘કોફી હાઉસ’ હાથ લાગી ગયો ત્યારથી એમની ઓળખાણ થયેલી. ‘કોફી હાઉસ’માંની એમની સંવેદનશીલ, ચોટદાર અને છંદના ટેકા વિના ટટ્ટાર ઊભી રહેતી કવિતા, એવી દિલ પર વરસી કે એ ઘડીથી એમની સાથે માનસિક ઘરોબો થઈ ગયો. એમની કવિતામાં જરૂરતથી વધારે એક પણ શબ્દ ન હોય. અને હંમેશા જરૂરતથી થોડી ઓછી નાટકીયતા હોય. અને એક વાર સમજાય તો રાતભર જાગવાની તૈયારી રાખવાની એટલી ધાર હોય. ઉંમરમાં એ સીત્તેરની ઉપર છે (એટલે કે ટેકનીકલી ‘આગલી પેઢીના કવિ’ છે) એવું એમની કવિતામાં કદી દેખાયું નથી. એ રીતે એમની કવિતા સમયને અતિક્ર્મી ગઈ છે.
એમના પોતાના જીવન વિષે ખૂબ જૂજ માહિતી ઉપલબ્ધ છે. એમનું કુટુંબ મૂળ ચીખલીથી. પણ એમનો જન્મ 1930માં મુંબઈમાં. પહેલા મૉડર્ન સ્કૂલ અને પછી વિદ્યાભવનમાં અભ્યાસ. આજીવન વ્યવસાય કૌટુંબિક હાર્ડવેરનો ધંધો. કવિતા મોડી ઉંમરે શરૂ કરી. ત્રણ સંગહો કર્યા: આશંકા (1975), તલાશ (1980) અને કોફી હાઉસ(1998). મારી… તમારી… આપણી વાત… (2003)માં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. સંગીત અને જ્યોતિષ એમના ખાસ શોખ. (પૂરક માહિતી માટે આભાર : મહેશ દલાલ)
આજે પ્રસ્તુત છે એમની પ્રસિદ્ધ કવિતા એમના પોતાના હસ્તાક્ષરમાં. આવનારા દિવસોમાં એમની થોડી વધુ કવિતાઓથી એમને યાદ કરીશું.

હું તને એમ નહીં પૂછું
“તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ
“આવ, મારી બાજુમાં બેસ !”
- વિપિન પરીખ
વેદનાનું પોસ્ટમોર્ટમ કરવા ન બેસાય. એને તો હૂંફમાં પીગળાવી દેવાની હોય. સ્પર્શમાં ઓગાળી દેવાની હોય. ચાર આંખોની વચ્ચે સન્માનપૂર્વક દફનાવી દેવાની હોય.
મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !
-વિપિન પરીખ
આ કવિતા એટલે ગાગરમાં સાગર. કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો ! અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !