રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાં તો ઉઠશે અમી-વાદળી !
પૂજાલાલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉષા ઉપાધ્યાય

ઉષા ઉપાધ્યાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આખું આકાશ તારી આંખમાં – ઉષા ઉપાધ્યાય

મારી નજરુંના નાજુક આ પંખીના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં
.                પથ્થરિયા પોપટ શાં રહીએ,
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
.                ખળખળતા ઝરણાં શાં વહીએ,
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
.                મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
.                મને બાંધી લે અધરોનાં ફૂલમાં,
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

– ઉષા ઉપાધ્યાય

પ્રેમ નામની અનુભૂતિનો ખરો ચમત્કાર જ એ કે એ હોય ત્યારે માણસને એમ જ લાગે કે પોતે પોતાનામાં નહીં, પણ સામામાં જીવે છે. પોતાની આખી દુનિયાનું સરનામું સામી વ્યક્તિના અસ્તિત્વમાં લખાયેલ હોવાની લાગણીનું જ બીજું નામ તે પ્રેમ. આપણી કાવ્યનાયિકાની દુનિયા પણ એનો પ્રિયતમ જ છે. પ્રિયતમની આંખ એ જ એની નજરના નાજુક પંખીનું આખેઆખું આકાશ. એક તરફ નજર માટે ‘નાજુક’ વિશેષણ વાપરીને કવયિત્રીએ પ્રણયની કુમાશ આબાદ મૂર્ત કરી બતાવી છે, તો બીજી તરફ આકાશને ‘આખ્ખું’ કહીને પ્રિયજન સિવાયની કોઈ પણ જગ્યાએ પોતાના ઉડ્ડયનનો અવકાશ શૂન્ય કરી દઈને સમર્પણની ચરમસીમા પણ આંકી બતાવી છે. ગીતની બંને પૂરકપંક્તિઓમાં કવયિત્રીએ પ્રાસની પળોજણ પડતી મૂકી હોવા છતાં ગીત આખું આસ્વાદ્ય બન્યું છે.

Comments (6)

અમે વૃક્ષની જાત… – ઉષા ઉપાધ્યાય

અમે વૃક્ષની જાત-
.              અમે ના ખળખળ વહીએ સંગે.

ડાળ-પાનમાં રહે ઝીલાતો
.                          જળનો નાતો સ્હેજ!
ફૂલ-કળીમાં છલકે સઘળે
.                          જળનું ઝલમલ તેજ,
પામિયા અચળપણાના શાપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

થાય અધિકું કદી, ઝૂકીને
.                          નિરખી લઈએ જળમાં,
વળી સમેટી જાત, ઊતરીએ
.                          સદીઓ જૂનાં તળમાં,
પામિયાં મૂળ-માટીનું રૂપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

હશે અધિકાં મારાં કરતાં
.                          પરપોટાનાં ભા’ગ,
ભલે પલકભર વહે ઝીલતાં
.                          મેઘધનુષી રાગ,
અમારે ઝીલવી નરદમ ધૂપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

– ઉષા ઉપાધ્યાય

 

અચળપણાના શાપ ન મળ્યા હોય એમ પાણી સાથે ખળખળ કરીને વહેવાનું પોતાના નસીબે ન હોવાના વસવસા સાથે વૃક્ષો જમીનમાં મૂળિયાં નાંખીને આજીવન સ્થિર ઊભાં રહે છે. એક તરફ ડાળી-પાંદડાં પાણીને પ્રત્યક્ષ ઝીલે છે તો બીજી તરફ એ જ પાણી ફૂલ-કળીના બંધારણનો અદૃશ્ય ભાગ થઈને પ્રકાશે છે. ઝાકળબુંદનું ઝલમલ તેજ પણ સોનામાં સુગંધ ઉમેરે છે. વધારે મન થાય તો વહેતાં જળમાં સહેજ ઝૂકી લઈને જાતને જોઈને પોતે પણ વહેતાં જળનું જ એક અંગ હોવાનું આશ્વાસન વૃક્ષ મેળવે છે. તો વળી, જાત સમેટીને તળનાં જળનો સંસ્પર્શ પણ એ મેળવતાં રહે છે. મનુષ્યની જેમ વૃક્ષોમાં પણ ઈર્ષ્યાભાવનું આલેખન કરીને સર્જકે સજીવારોપણ અલંકારને સર્વથા સાર્થક કર્યો છે. ભલે પળભરનું આયુષ્ય કેમ ન હોય, પણ પાણીમાં વહીને મેઘધનુષના રંગોને ઝીલવાનું સૌભાગ્ય પામનાર પરપોટાની વૃક્ષોને અદેખાઈ આવે છે, કેમ કે એમના નસીબે તો કાયમ તડકો વેઠવાનું જ લખાયું છે. ‘જાત’ સાથે ‘શાપ’નો પ્રાસ મેળવ્યા બાદ આગળ જતાં સર્જકે ‘રૂપ’ અને ‘ધૂપ’ ઉપર પ્રાસપસંદગીનો કળશ ઢોળ્યો છે, એટલા પૂરતો ખટકો ન અનુભવાતો હોત તો ગીત ઓર આસ્વાદ્ય બન્યું હોત.

Comments (10)

ઉપાલંભ – ઉષા ઉપાધ્યાય

પહેલાં આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખું આકાશ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ !
પહેલાં તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો
કાનમાં પડી છે કેવી ધાક !
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો,
ને કહો સૂરજનાં ટોળાંને હાંક !
પહેલાં પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

– ઉષા ઉપાધ્યાય

પ્રારબ્ધની ગતિ ન્યારી છે. આવા જ અસંખ્ય અનુભવો બાદ ઝેન સમજાય છે…..

Comments (2)

સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

મૂળથી જઈએ ઉખડી એવો
.                       સાદ કરો ના અમને.

તમે પવનનું રૂપ બાવરું
.                       પળમાં આવી ઘેરો,
અમે ન લાવ્યાં પાંખ અમોને
.                       ફોગટ લાગે ફેરો,
ઊડવાની રઢ જાગે એવો
.                       સાદ કરો ના અમને.

જળના છાંટે જલી જવાનું
.                       પથ્થરને ક્યાં સ્હેલ?
રણ વચ્ચે અટવાતાં પાને
.                       અમથી સઘળી રેલ,
જાચું કરવત-કાશી હરપળ એવો
.                       સાદ કરો ના અમને.

– ઉષા ઉપાધ્યાય

સાદ આવી રહ્યો છે. કોના તરફથી? પ્રિયજન તરફથી કે પરમેશ્વર તરફથી? હશે, પણ આ સાદ જેવોતેવો નથી. અસ્તિત્વને હચમચાવી મેલે એવો આ સાદ છે. આવા સાદનો પ્રતિસાદ શું આપવો એ અવઢવ હોવાથી કથક એ ન આપવા વિનવે છે. પણ કવિતાનો અંડરકરંટ તો આ સાદની તો જાણે યુગયુગોથી પ્રતીક્ષા ન હોય એવો છે!

ગીતના બંને બંધ બહુ સ-રસ થયા છે.

કાશીએ જઈ કરવત મુકાવવી એવી જાણીતી કહેતી છે. અગાઉના વખતમાં કાશીએ જઇને હરિજનને હાથે માથા ઉપર કરવત મુકાવીને મરી જવાથી મોક્ષ મળતો એવી માન્યતા હતી તે ઉપરથી આ કહેવત બનેલ છે. મયૂરધ્વજ નામના રાજાએ કાશીએ જઇને કરવત મુકાવેલ હતી એવી માન્યતા પણ પ્રચલિત છે. કાશીએ જઈને માથે કરવત મૂકાવવાનું પળેપળ મન થાય એવો સાદ અહીં પેલી તરફથી આવી રહ્યો છે.

Comments (6)

છિન્નપંખ – ઉષા ઉપાધ્યાય

જાણું છું
ન્યાયની દેવીની આંખે બંધાયેલા પાટા
ક્યારેય ખૂલવાના નથી
ત્રાજવાંનાં બંને પલ્લાં
ક્યારેય સમધારણ થવાનાં નથી
અને છતાં
કપાયેલી પાંખના મૂળમાં બચેલાં
એકાદ પીંછાને આધારે
આ તે કઈ આશાથી
હું વીંધવા મથું છું
અનંત અંધકારભર્યા આ મહાસાગરને !?

– ઉષા ઉપાધ્યાય

નાની અમથી કવિતા પણ નારીવેદનાનો વેદ જાણે!

યુગયુગોથી રુઢ થઈ ગયેલી લાઇલાજ સ્ત્રી-પુરુષ અસમાનતાનો સ્વીકાર તો છે પણ એમાં નફરત કે ગુસ્સો જરાય જોવા મળતા નથી. જમાનાએ સ્ત્રીઓને છિન્નપંખ કરીને રાખી છે. પણ પુરુષોએ એમની પાંખો ભલે કાપી કેમ ન લીધી હોય, એના મૂળમાં બચી ગયેલ એકાદ પીંછાના આધારે સ્ત્રી અનંત અંધકારભર્યા અન્યાયના મહાસાગરને વીંધીને પાર કરવાની આશા ત્યાગતી નથી. આ આશા એ જ સ્ત્રી છે. સર્વસ્વની અનુપસ્થિતિમાં પણ અસ્તિત્ત્વ ટકાવી રાખી શકે અને અંધારાની ખીણમાં પડીનેય ઉર્ધ્વગતિની આશાનો ત્યાગ ન કરે એનું જ નામ સ્ત્રી…

Comments (8)

મોસમ આવી છે સવા લાખની – ઉષા ઉપાધ્યાય

મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

વાદળ વરસે ને કહે
ઘરમાં તું કેમ છે?
વાયરો વહે ને કહે
ઉડવું હેમખેમ છે?
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

ભીડેલાં બારણાંની
કેવી આ ભીંસ છે!,
ટહુકામાં ઓગળતી
મૂંગી આ રીસ છે,
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

– ઉષા ઉપાધ્યાય

ગીતનું મુખડું વાંચતાં જ ‘તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાય રે’ કહી મનોજકુમારને લોભાવતી ઝિન્નત અમાન નજર સામે આવી જાય.આ મુખડું પણ કંઈક એવી જ વાત કરતું હોવા છતાં એટલું બળકટ બન્યું છે કે સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય… પરંપરાગત ગીતોમાં જોવા મળતી ક્રોસલાઇન અહીં હાજર ન હોવા છતાં સાવ ટૂંકુ ને ટચરક આ ગીત આપણને સરાબોળ ભીંજવી જાય એવું છે….

Comments (2)

અષાઢ – ઉષા ઉપાધ્યાય

આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.

આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.

ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું  જોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.

-ઉષા ઉપાધ્યાય

આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. આકાશી આંબો, વાદળનાં પાનાં, ઠોઠ નિશાળિયા જેવા ફોરાં, આકાશના નટનું વીજળીની દોરી પર રમવું, નભની નાર અને ચોરપગલે ભીંજાવા આવતા તડકા જેવા કલ્પનો કવિએ એવા બખૂબી વણી લીધાં છે કે સહેજે થઈ આવે કે ચાલ, ન્હાવા જઈએ…

Comments (3)

નભ વચ્ચે આ કયો ખલાસી… – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

-ઉષા ઉપાધ્યાય

એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… એને એમ જ વરસવા દઈએ? છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

(કતરણ=કાપડ, કાગળ, પતરું ઇત્યાદિ કાપતાં પડતો કચરો; ધીવર=ધીમર, માછી)

Comments (5)