તને મેં ઝંખી છે -
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
સુંદરમ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હર્ષદ ત્રિવેદી

હર્ષદ ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અવાજની -હર્ષદ ત્રિવેદી
આવે છે ! - હર્ષદ ત્રિવેદી
કાંકરી ખૂંચે છે - હર્ષદ ત્રિવેદી
ગઝલ - હર્ષદ ત્રિવેદી
ગઝલ - હર્ષદ ત્રિવેદી
ત્રણ પંચપદી - હર્ષદ ત્રિવેદી
લઘુકાવ્ય- હર્ષદ ત્રિવેદીઆવે છે ! – હર્ષદ ત્રિવેદી

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે,
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં મેર પછીય મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ –
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે !

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.

ગયા’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં ? ચારેકોર તડકો આવે છે !

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે !

– હર્ષદ ત્રિવેદી

 

Comments (8)

ગઝલ – હર્ષદ ત્રિવેદી

યુગો પછીથી આપને મળવાનું મન થયું,
ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !

એવું તે ક્યાં હતું કે તમને ભૂલી ગયો ?
માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું !

પાણી હતાં તે મન થયું, બનીએ ચલો બરફ,
બરફાવતારમાં જ પીગળવાનું મન થયું !

વ્હેલી સવારે તો ભલેને રંગ પાથર્યા,
કિન્તુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું !

કુર્નિશ ન આવડી, અક્કડ ઊભા રહ્યા,
તમને જરાક જોઈને લળવાનું મન થયું !

હર્ષદ હજીયે રોજનો ઉકળાટ છે જ છે,
વરસાદમાં અમથાં જ નીકળવાનું મન થયું !

-હર્ષદ ત્રિવેદી

મનની વાત હોય એટલે અસ્થિરતાની વાત હોવાની. ‘મન થયું’ રદીફ વાપરી હોય એ ગઝલના દરેક શેરમાં મનની ચંચળતા અને વિચારોનું અસ્થિર વલણ નજરે ન ચડે તો કદાચ ગઝલ વિફળ નીવડે. પણ સદભાગ્યે અહીં કવિ મનને બખૂબી ઉપસાવી શક્યા છે. દરેકેદરેક શેર સમાનભાવે આસ્વાદ્ય થયો છે…

Comments (12)

અવાજની -હર્ષદ ત્રિવેદી

તું પણ કમાલ કર હવે તારા અવાજની,
હું સાંભળું છું તર્જ કો’ અણદીઠ સાજની.

હું ક્યારનો સૂંઘું છું હવામાં વધામણી,
રળિયામણી ઘડી મને લાગે છે આજની.

તું હોય પણ નહિ ને તોય વાજતી રહે,
પળ પળ રહી છે કામના એવી પખાજની.

મારો સ્વભાવ છે કે મને કંઈ અડે નહિ,
તનેય પણ પડી નથી રસ્મો-રિવાજની !

ત્યાં દૂર કોઈ પૂરવી છેડે છે ક્યારનું,
અહીંયાં ગઝલ રચાય છે તારા મિજાજની.

-હર્ષદ ત્રિવેદી

મજાની સરળભાષી ગઝલ… આમ તો પાંચેય શે’ર મજાનાં થયા પરંતુ મને સ્વભાવવાળો શે’ર ખાસ ગમી ગયો.  રસ્મો-રિવાજની પડી ન હોય એવી બગાવતો તો ઘણીવાર જોવા મળી જાય છે, પરંતુ કંઈ ન અડવાવાળા સ્વભાવાવાળી સ્થિતપ્રજ્ઞ અવસ્થા હોવી એ ઘણું કઠીન છે અને જીવનમાં એ પ્રમાણે જીવતાં જૂજ લોકો જોવા જરૂર મળે છે.

Comments (8)

ત્રણ પંચપદી – હર્ષદ ત્રિવેદી

કદી તો અમારે વિશે કૈં વિચારો,
અહીં રૂના ઢગમાં પડ્યો છે તિખારો;
પરિસ્થિતિ કાયમની આવી રહી છે,
ને બાકી ગઝલ એક ગાવી રહી છે;
ન દીઠો કદી કોઈએ આ નઝારો !

* * *

આપણી વચ્ચેની દૂરી ક્યાં ગઈ ?
જાળવેલી એ સબૂરી ક્યાં ગઈ ?
એમ લાગ્યું રણઝણે છે કોઈ સાજ,
સાંભળ્યો મેં દૂરથી તારો અવાજ;
બંદગીનો જીહજૂરી ક્યાં ગઈ ?

* * *

અલગ કંપ લાગ્યો મને આ ધરામાં,
તમે પગ મૂક્યો જ્યારથી ઉંબરામાં;
જગતને અમે જાગતું જોઈ લીધું,
કદી છાને ખૂણે જઈ રોઈ લીધું,
રહ્યું ના અજાણ્યું કોઈ જાતરામાં !

-હર્ષદ ત્રિવેદી

મુકેશ જોષી, હેમેન શાહ અને ઉદયન ઠક્કરની કલમે ત્રિપદીઓ આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યા છીએ. આજે હર્ષદ ત્રિવેદીની કલમે ત્રણ પંચપદીઓ માણીએ. મુક્તકથી થોડું વિશાળ ધરાવતી આ પંચપદીઓમાં પહેલી, બીજી અને આખરી કડીમાં રદીફ-કાફિયાની જાળવણી ગઝલની રૂએ જ કરવામાં આવે છે જ્યારે ત્રીજી અને ચોથી પંક્તિઓ વળી સ્વતંત્ર રદીફ-કાફિયા જાળવે છે. કવિ અને કવિતા પ્રયોગ વિના અધૂરા છે અને પંચપદીનો આ નવતર પ્રયોગ આ વાતને હકીકતની તાજગી બક્ષે છે…

Comments (2)

ગઝલ – હર્ષદ ત્રિવેદી

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

– હર્ષદ ત્રિવેદી

સુરેન્દ્રનગરના ખેરાળી ગામના અને હાલ ગાંધીનગર મુકામે સ્થિત હર્ષદ ત્રિવેદી આજના અગ્રણી કવિ, સંપાદક અને વાર્તાકાર છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક. સાહિત્ય તરફની એમની ચીવટાઈ કેવી હશે એ તો શબ્દસૃષ્ટિનો એક અંક હાથમાં લઈએ કે તરત જ સમજાઈ જાય. એમની કવિતામાં અભિવ્યક્તિની નવીનતા અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. પ્રસ્તુત ગઝલ આમ તો આખી જ મજેદાર છે પણ જરા આખરી શેર ફરીથી વાંચો તો…..

(જન્મ: ૧૭-૦૭-૧૯૫૮, કાવ્યસંગ્રહો: ‘એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી’, ‘તારો અવાજ’.)

Comments (13)

લઘુકાવ્ય- હર્ષદ ત્રિવેદી

પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર  નીકળીને
માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.

-હર્ષદ ત્રિવેદી

ગાગરમાં સાગર જેવી આ કવિતાને એમ જ માણીએ…

Comments (16)

કાંકરી ખૂંચે છે – હર્ષદ ત્રિવેદી

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ
અને મારામાં કાંકરી ખૂંચે છે !

પાંપણ ઢળે તો કહે અંધારું કેમ ?
અને મારામાં કાંકરી ખૂંચે છે !

એકાન્તે હોય તો ય એકલાં નહીં
ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય
તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;
કોઇ બારણું અધૂકડું ખોલી ક્હે આવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !

પછી બે કાંઠે છલકાતું આખું તળાવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !

મળવાનું સ્હેલું પણ ભળવાનું અઘરું
ને ખોવાનું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર
ક્યાંક મળવાનો એવો પણ છેલ !
કોઇ માંડે છે મધરાતે મીઠી રમત
અને મારામાં કાંકરી ખૂંચે છે !

પછી ખીણમાં ધકેલાતો આખો વખત
અને મારામાં કાંકરી ખૂંચે છે !

–   હર્ષદ ત્રિવેદી 

Comments (2)